ઇન્ડિયા લોજ .
- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
- 'તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? તો સિસ્ટમ સામે લડો ને! ભૂલી ગયાં વીરતા અને ક્રૂરતાનો ભેદ!' સરુબેન અબોલા લઈ લે છે. યુવાનો પસ્તાવો કરે છે
'ઇ ન્ડિયા લોજ' એકાંકીનો આરંભ આમ થાય છેઃ લોજની બહારના રિસેપ્શન કાઉંટર પાસે આર્ય સિગરેટ ફૂંકતો બેઠો છે, ત્યાં જોય પ્રવેશે છેઃ
આર્યઃ કેમ જોય? તું તો આખી બપોર સૂવાનો હતો ને?
જોયઃ આર્ય, આ ઇન્ડિયા લોજમાં અને ખડ્ડુસ સરુબહેનના રાજમાં કોઈ બપોરે ઊંઘી શકે ખરું? ચકલાં અને કબૂતર ક્યાં ઊંઘવા દે છે?
આર્યઃ ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.
તેટલામાં સરસ્વતી (સરુ) અને ભીખુ, સાહિલ નામના મુસ્લિમ યુવાન સાથે પ્રવેશે છે. સરુબેન ભીખુને સૂચના આપે છે કે આર્યની બાજુનો પલંગ સાહિલને આપવો.
આર્યઃ તમે મને તો પૂછો, સરુબહેન... કે મને એની સાથે ફાવશે કે નહિ?
સરુઃ માણસને માણસ સાથે ન ફાવે એ કેવી વાત કહેવાય!
નવા આવેલા સાહિલને જાણ થાય છે કે આર્ય અને જોય ત્રણ વર્ષમાં ત્રણ મહિનાનો લોજિંગ-બોર્ડિંગ ચાર્જ પણ ભરી શક્યા નથી. સરુબહેને તેમને લોજમાંથી કાઢી મૂક્યા હતા, પરંતુ પછી દયા આણીને પાછા લઈ લીધેલા. દ્રષ્ય બદલાય છે. ચકલાંને ચણ નાખી રહેલાં સરુબહેનને ભીખુ યાદ કરાવે છે કે ઇન્ડિયા લોજ દેવામાં ડૂબી ગઈ છે. વળી વરસોથી નાનાભાઈ સાથે કોર્ટમાં કજિયો ચાલે છે. ભીખુ નિસાસો નાખે છે, 'મોહનબાપાએ એમને અડધો ભાગ આપીને ભારે ભૂલ કરી છે.' હવે ફ્લેશ બેકનું દ્રષ્યઃ
મોહનબાપાઃ નાનાલાલ, મારા ભાઈ, ફરી વિચાર કર.
નાનાભાઈઃ મેં વિચાર કરી લીધો છે, મોટાભાઈ. વી ડોન્ટ વોન્ટ ટુ લિવ વિથ યુ!
મોહનબાપાઃ એવું હોય તો આ ઇન્ડિયા લોજનો વહીવટ તારા હાથમાં મૂકી દઉં!
નાનાભાઈઃ તમારા દીકરાઓ મારી ઔલાદને ધિક્કારે છે, એમની હાંસી ઉડાવે છે... તમે અમને જ ઓરમાન ગણ્યા, બાકી બધાને દૂધમાં સાકરની જેમ ભેળવ્યા.. અમે ભાગ ખેરાતમાં નથી માગતા, આ લોજમાં અમે અમારો ખૂન-પસીનો વહાવ્યો છે.. અમે યુદ્ધ માટેય તૈયાર છીએ!
મોહનબાપાઃ પણ હું તૈયાર નથી... હું તને ભાગ આપી જુદો કરવા રાજી છું.
આ બાજુ લોજમાં ચેતના વસાવા નામે આકર્ષક યુવતી આવે છે. તે પંચમહાલની ભીલ છે. તેને જોઈને લટુડા-પટુડા કરતા જોયને, આર્ય કહે છે, 'આ ભીલકન્યાને જોઈને તું શંકર જેવો થયો છું, એટલે આજથી તું જોયશંકર!' ચેતનાની સફેદ સાડી પર ચકલાંની ચરકથી ડાઘા પડી જાય છે. સાહિલની મક્કાથી આણેલી પવિત્ર ઘડિયાળ ચકલાંના ઊડવાથી પડીને તૂટી જાય છે. ત્રાસેલાં યુવાનો સરુબહેનની ગેરહાજરીનો લાભ લઈને ચકલાંના બધા માળા સળગાવી નાખે છે. આની ખબર પડતાં સરુબહેન ત્રણે યુવાનોને થપ્પડ મારે છે. 'તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? તો સિસ્ટમ સામે લડો ને! ભૂલી ગયાં વીરતા અને ક્રૂરતાનો ભેદ!' સરુબેન અબોલા લઈ લે છે. યુવાનો પસ્તાવો કરે છે. સાહિલ વીનવે છે, 'ભલે ઘડિયાળ મક્કાના આરસની હતી, પણ એના બદલામાં પંખી મારવાનાં! મને માફ કરો.' સરુબહેનનું માથું ઢળી પડે છે. ભીખુ તેમનું વસિયતનામું વાંચે છે. તેમણે ઇન્ડિયા લોજ આર્ય, સાહિલ, જોય અને ચેતનાના નામે કરી દીધી છે. સાથે સૂચના આપી છે કે લોજના નિયમોમાં ફેરફાર કરી શકાય, પરંતુ પંખીના માળા તોડવા નહિ અને લોજમાં ધર્મ કે જાતિના ભેદભાવ રાખવા નહિ. ચોતરફથી પંખીઓનો કલરવ સંભળાય છે. પડદો પડે છે.
એકાંકીકાર પ્રવીણ પંડયાએ કુશળતાથી હિંદુસ્તાનને એક લોજનું રૂપક આપ્યું છે, જ્યાં હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી- આદિવાસી હળીમળીને રહે છે. ભાષા પાત્રાનુરૂપ રચી છે- સાહિલને મોઢે 'માલૂમ છે,નેકદિલ ઔરત, ફુફી, નિકાહ'; તો જોયને મોઢે 'કન્ફેસ, મોડર્ન,ઇમોશન ક્રિએટ' જેવા શબ્દો મૂક્યા છે. લોજના માલિક મોહનબાપા તે ગાંધીજી અને તેમના ઓરમાન ભાઈ તે મહમદઅલી ઝીણા એ સુજ્ઞા પ્રેક્ષકના ધ્યાનમાં આવવાનું જ. નાનાભાઈ કહે છે, 'તમારા દીકરાઓ મારી ઔલાદને ધિક્કારે છે...' અન્ય કોમ સાથે આભડછેટભર્યો વર્તાવ સદીઓથી થતો હતો તે આપણે જાણીએ છીએ. તાળી બે હાથે વાગે તે પણ ખરું. નાનાભાઈ આગળ કહે છે, 'અમે ભાગ ખેરાતમાં નથી માગતા, આ લોજમાં અમે અમારો ખૂન-પસીનો વહાવ્યો છે.' આપણને રાહત ઇન્દૌરીનો શેર સાંભરે, 'સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં/ કિસીકે બાપ કા હિંદોસ્તાં થોડી હૈ?' સરસ્વતીબહેન હિંદુસ્તાનની સભ્યતાનું પ્રતીક છે, જે પંખીને ચણ અને આશરો આપે છે, જાતિ કે ધર્મનો ભેદભાવ કરતી નથી. તરક્કીપસંદ યુવાનોએ ઓરડામાં રહેતાં ચકલાંના માળા સળગાવી મૂક્યાઃ ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ચલાવવા તરફ કે આદિવાસીઓને વગડામાંથી વિસ્થાપિત કરવા તરફ અહીં ઇશારો છે. સરસ્વતીબહેનના વસિયતનામાનો સૂર એવો નીકળે કે દેશના કાયદાઓમાં ફેરફાર કરી શકાય પણ બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારો બદલી ન શકાય.