બુલેટ ટ્રેઈનની ટનલ ખોદવા હાઈટેક ડ્રીલર... !!
- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
મું બઈ-અમદાવાદ બુલેટ ટ્રેઇનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ૨૦૨૬માં અપેક્ષિત આ ટ્રેઇન હવે ૨૦૨૮માં જોવા મળશે. આ ટ્રેઇન માટે જમીન સંપાદન અને દરિયા નીચેની ટનેલ મોટા પડકાર બની રહ્યા છે.
૨૧ કિ.મી. લાંબી આ ટર્નલનો ૭ કિ.મી.નો સ્ટ્રેચ થાણે ક્રીક નીચેથી પસાર થાય છે. ટનેલ ૨૫થી ૬૫ મીટરની ઊંડાઈએ તૈયાર થઈ રહી છે અને તે પણ દરિયાની સપાટીથી નીચે... !
આ ટનેલ ૧૨.૧ મીટરનો વ્યાસ ધરાવે છે. બન્ને અપ અને ડાઉન ટ્રેઇન માટે આટલી પહોળાઈ
યોગ્ય છે.
આ ટનેલની રચના ટનેલ બોરિંગ મશીન (TBM) અને નવી ઓસ્ટ્રેલિઅન ટનેલિંગ પદ્ધતિ (NATM) વડે થાય છે.
બાંધકામની સાઇટ અને આસપાસના વિસ્તારની સલામતી માટે જીઓટેકનિકલ મોનિટરિંગ ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. અન્ડર-સી ટનેલ એ ૫૦૮ કિ.મી. હાઈસ્પીડ રેઇલ કોરિડોરની મુખ્ય ચાવી છે. બૂલેટ ટ્રેઇન વડે બન્ને શહેર વચ્ચેની મુસાફરી ઝડપથી પૂરી થશે.
ભારતની અગાઉની બે અન્ડર વોટર ટનેલ કરતાં આ ટનેલ જુદી છે. હુગલી નદી નીચેથી પસાર થતી કલકત્તાની મેટ્રો અને મીઠી નદી નીચેથી પસાર થતી મુંબઈની મેટ્રો કરતાં આ ટનેલ વધુ પડકારરૂપ છે.
આ એક સિંગલ ટયૂબ ટનેલ છે જેમાંથી અપ-ડાઉન બન્ને ટ્રેઇનો પસાર થશે. આ ટર્નલ કાપનારા મશીનો ૧૩.૬ મીટરનો વ્યાસ ધરાવે છે. અર્બન મેટ્રો ટનેલ માટે ૬ થી ૮ મીટર વ્યાસના કટર હેડ્સ વપરાય છે એટલે એમાંથી સિંગલ ટ્રેક જ પસાર થાય છે.
હાઈ-સ્પીડ બૂલેટ ટ્રેઇનના બન્ને દિશાના ટ્રેકને સમાવવા ખૂબ મોટા હેડ કટર વપરાય છે.
ઈજનેરોએ બાન્દ્રા-કુર્લા-કોમ્પ્લેક્ષ (BKC) તરફના ૧૨૦ મીટર ખણી કાઢ્યા છે. શિલ્ફાટા તરફના ૧૧૦ મીટર પણ ખોદાઈ ગયા છે આને માટે ૨૧૮ જેટલા અંકુશિત ધડાકા કરવામાં આવ્યા હતા જેમાં જીલેટિનનો ઉપયોગ થયો હતો.
ઓગસ્ટ ૨૦૨૬માં સુરત-બિલિમોરા સેકશન શરૂ થવાની ગણત્રી છે. વલસાડને સ્ટેશન ના મળ્યું તેનો ઘણાંને અફસોસ છે પરંતુ થોડી આફૂસ સચવાઈ ગઈ એવો સંતોષ માણી લેવો. આમેય વલસાડી આફૂસની તંદુરસ્તી જોતાં તે નાશપ્રાય જાતિ તરફ સરકી રહી છે... !!
ગુજરાત-મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાત રાજ્ય બૂલેટ ટ્રેઇન માટે ઝડપી છે. ભારતના ગુજરાતી વડાપ્રધાનના આ ડ્રીમ પ્રોજેક્ટના ૫૦૨ કિ.મી.ના રૂટમાંથી ૩૫૨ કિ.મી.નો રૂટ ૨૦૨૭માં ચાલુ થઈ જશે. આ રીતે ૨૦૨૬, ૨૦૨૭ અને ૨૦૨૮ મળી ટ્રેઇન પૂર્ણતયા ચાલુ થઈ જશે. જોકે ડેડલાઇનથી આ કોરિડોર ૬ વર્ષ મોડી પડી છે પરંતુ 'બેટર લેટ ધેન નેવર' પણ અહીં તો આખી ટ્રેઇન જાપાનથી ઈમ્પોર્ટ થઈ રહી છે એટલે આપણો પ્રવાસ અત્યંત રોમાંચક રહેશે.
હાલમાં જાપાનીસ ટેકનીશ્યનો ગુજરાતના કેટલાંક શહેરોમાં પાયલોટને ટ્રેઇનિંગ આપી રહ્યા છે. એન્જિન ડ્રાઇવર કરતા પાયલોટ શબ્દ વધુ સારો. અહીં જવાબદારી અને ગંભીરતા તેમજ ટેકનીક ઉચ્ચ કક્ષાના રહે છે. એટલે નામાંકરણ યોગ્ય છે.
બૂલેટ ટ્રેઇનમાં તમારા લગેજ માટે અલગ વ્યવસ્થા હશે. દરેક ડબ્બામાં ટીવી સ્ક્રીન હશે જેમાં તમે ટ્રેઇનની લાઇવ સ્પીડ જોઈ શકશો. સામસામેની સીટો વચ્ચે ફોલ્ડિંગ ટેબલ હશે જેના પર આપનું લેપટોપ રહી શકશે. ફિલ્મ જોઈ શકશો.
ગુજરાતી પેસેન્જરોના થેપલા, ઢોકળાં અને અથાણા પણ ટ્રેઇનની ફલેવરમાં વધારો કરશે એ બાબત નક્કી છે... !!