નામ વગરનો સંબંધ શરૂ કરીએ
- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'મમ્મીજી તમે ક્યારેય લગ્ન કર્યા નહોતા. વિપ્લવને તમે દત્તક લઈને ભણાવ્યો, ઉછેર્યો, અમેરિકા મોકલ્યો, મારી સાથે લગ્ન કરાવ્યા અને તેણે આપણને જ તરછોડી દીધા.'
'અ મિતભાઈ, આ મારા મિત્ર રાઘવજીભાઈ છે. આ તેમની ભત્રીજી મેઘના અને આ તેમની પુત્રવધૂ દ્રષ્ટી છે. મોનાલી અને દ્રષ્ટી બંને જણા અમેરિકાથી થોડા સમય પહેલાં જ આવ્યા છે અને હવે અમદાવાદમાં સેટલ થવા માગે છે. રાઘવજીભાઈ અને હું સાથે ભણતા અને હવે તેઓ મારી જ સોસાયટીમાં જ રહે છે. તેમણે મને વાત કરી હતી. મને તમારા ફ્લેટની ખબર હતી તેથી મેં કહ્યું કે, આપણા મિત્રનો જ ફ્લેટ છે.' - જયેશભાઈએ કહ્યું.
'રાઘવજીભાઈ તમે જરાય ચિંતા ન કરતા. કાંકરિયા પાસે જ મારો સરસ મજાનો ફ્લેટ છે. તમે એક વખત જોઈ લો તમને ગમે તો રહેવા જતા રહેજો. મારા મોટાભાઈ અનિકેત ત્યાં જ હશે. તમે તેમની સાથે વાત કરી લેજો. હું રાત્રે ફોન કરીને વાત કરી લઈશ.' - અમિતભાઈએ કહ્યું અને બધા રાજી થઈ ગયા.
બીજા જ દિવસે રાઘવજીભાઈ, મેઘના અને દ્રષ્ટી નડિયાદથી અમદાવાદ પહોંચી ગયા. તે વખતે અનિકેત ઘરે નહોતો. તેથી તેના સર્વન્ટ નટુએ ત્રણેયને આવકાર્યા અને ચા-નાસ્તો કરાવ્યો. ત્યારબાદ બી વિંગમાં આવેલો ફ્લેટ અમિતભાઈ કહ્યા પ્રમાણે ખોલીને બતાવી દીધો. મેઘનાબેન અને દ્રષ્ટીને તો પહેલી જ નજરે ફ્લેટ ગમી ગયો. તેમણે અમિતભાઈને ફોન કર્યો અને ડીલ ફાઈનલ કરી દીધી. અમિતભાઈએ કહ્યું કે, અનિકેત કંપનીના કામથી દિલ્હી ગયો છે. તે અઠવાડિયા પછી આવશે તેથી પેપરવર્ક પછી કરીશું પણ તમે રહેવા પહોંચી જાઓ. અમિતભાઈએ નટુને જરૂરી સુચનાઓ પણ આપી દીધી.
મેઘના અને દ્રષ્ટી બીજા જ દિવસે સામાન લઈને ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. અઠવાડિયા પછી અનિકેત પાછો આવ્યો. તેના રોજિંદાક્રમ પ્રમાણે તે ઓફિસથી આવીને બાલ્કનીમાં ગોઠવેલા હિંચકા ઉપર ગોઠવાયો અને તેની નજર સામેના પોતાના ફ્લેટ ઉપર પડી. ત્યાં બાલ્કનીમાં કોઈ ઊભું હતું.
'તો તમે રહેવા આવ્યા છો...' - અનિકેતભાઈએ બીજા દિવસે સવારે ઘરનો બેલ માર્યો અને સામે આવેલી દ્રષ્ટીને કહ્યું.
'હા. મારું નામ દ્રષ્ટી છે. તમે અનિકેત અંકલ છો ને. મેં બે દિવસ પહેલાં જ નટુભાઈને પુછયું હતું કે, તમે દિલ્હીથી પાછા આવ્યા કે નહીં. અમને તો તમારું આ ઘર ખૂબ જ પસંદ પડી ગયું છે. મેં મમ્મીજીને કહ્યું કે, આપણે અહીંયા જ સ્થાયી થઈ જઈએ.' - દ્રષ્ટીએ કહ્યું.
'તમે એક જ અઠવાડિયામાં અહીંયા સ્થાયી થવાનો નિર્ણય કરી લીધો.' - અનિકેત બોલ્યો.
'અંકલ વાત એવી છે કે, ભાડુઆત મકાન બદલતા હોય છે અને અમને આ ઘર જેવું લાગે છે.' - દ્રષ્ટીએ કહ્યું અને અનિકેત હસી પડયો. 'દીકરી તારી વાતો ખુબ જ સરસ છે. તારી સાથે બીજું કોણ રહે છે. તેઓ ક્યાં ગયા.' - અનિકેતે કહ્યું.
'મમ્મીજી આજે રજા હોવાથી ગામડે ગયા છે. રાઘવજી દાદાને થોડું કામ હતું અને અમારા ત્યાંના ઘરને થોડું અવેરીને બંધ કરવાનું હતું. મારી જોબ અહીંયા જ છે અને મમ્મીજી પણ અહીંયા જ રહેવાના છે. તેથી તેઓ પેન્ડિંગ કામ પૂરા કરવા ગયા છે.' - દ્રષ્ટીએ જવાબ આપ્યો. 'તમારું ગામ કયું છે. જયેશભાઈની સાથે સંબંધ કેવી રીતે છે.' - અનિકેતે કહ્યું.
'જયેશદાદા અને મારા સાસુના કાકાજી રાઘવજીદાદા બંને બાળપણના મિત્રો છે. અમારું ગામ નડીયાદ પાસે દંતાલી છે તે. તમને ખબર છે મારા સાસુ અમારા ગામના પહેલા આઈટી એન્જિનિયર હતા.' - દ્રષ્ટીએ જવાબ આપ્યો.
'દંતાલી... ત્યાંથી પહેલી આઈટી એન્જિનિયર તો મેઘના નામની છોકરી થઈ હતી. અમે જ્યારે ડીડીઆઈટીમાં ભણતા હતા ત્યારે મેઘના પણ ત્યાં આઈટી એન્જિનિયરિંગમાં આવતી હતી.' - અનિકેતે કચવાતા સ્વરે કહ્યું.
'અરે વાહ... તો તો મારા મમ્મીજી તમને ઓળખી જશે. આવતીકાલે સવારે તેઓ આવી જવાના છે. કાલે સવારે તમે અહીંયા નાસ્તો કરવા આવો એટલે મમ્મીજી સાથે બધી વાતો પણ થઈ જાય. તમારા ભુતકાળ અને અમારા ભવિષ્યની પણ...' - દ્રષ્ટી બોલી અને બંને જણા હસી પડયા.
અનિકેતના મગજમાં હવે મેઘના ફરતી હતી. તેને હવે ખરાઈ કરવી હતી કે, તેના ભૂતકાળમાં જે મેઘના છે તે જ હવે તેના વર્તમાનમાં આવી છે. અનિકેત હવે બીજા દિવસની સવાર પડવા માટે આતુર હતો. બીજા દિવસે સવારે અનિકેત છાપુ લઈને પોતાના ગમતા હિંચકામાં ગોઠવાયો ત્યાં તેની નજર નીચે પડી. નીચે બગીચામાં મેઘના ચાલતી હતી. અનિકેત તેને જોઈને તરત જ ઊભો થઈ ગયો. તે દોડીને નીચે પહોંચી ગયો.
'મેઘનાજી... પોતાની પુત્રવધૂ સાથે અનિકેતના ઘરમાં ભાડે રહેવા આવ્યા છે.' - અનિકેતે મેઘનાની બરાબર પાછળ જઈને કહ્યું.
'અનિ...તું અહીંયા કેવી રીતે..' - મેઘનાએ પણ આશ્ચર્યથી કહ્યું.
'તમે જે ઘરમાં રહેવા આવ્યા તે અનિનું જ છે... અનિકેતનું. એ જ અનિકેત જેને...' - અનિકેત બોલવા જતો હતો પણ મેઘનાએ હાથ કરતા અટકી ગયો.
'અનિકેત. હવે એ વાતને ઘણો સમય પસાર થઈ ગયો. યુવાનીના ગુલાબી શેરડાથી શરૂ થયેલી એ વાત હવે માથામાં સફેદી બનીને આંટા મારવા સુધી પહોંચી ગઈ છે. ક્યાં સુધી જિંદગીનો એ ભાર લઈને જીવ્યા કરવાનું.' - મેઘના બોલી.
'મેઘના ભાર મારા માથે જ છે. તેં તો લગ્ન કરી લીધા, પુત્ર છે, પુત્રવધૂ છે. બધું જ સેટલ છે. અનિ આજે પણ એકલો જ છે. અનિ અને મેઘનાના લાગણીઓનું જે કોડિંગ ફેલ ગયું હતું તેનો કાટમાળ આજે પણ લઈને ફરી રહ્યો છું હું.' - અનિકેતે કહ્યું.
'દોસ્ત જીવનમાં ઘણી વખત એવા અવસર આવે છે જ્યારે આપણે વ્યક્તિને ભુલી જવી પડે છે. જીવનમાં ઘણા સંબંધો એવા આવે છે જે જીવી તો લઈએ છીએ પણ તેના નામ આપી શકતા નથી. નામ વગરના સંબંધો ક્યારેય અધુરા હોતા નથી કે પૂરા પણ થતા નથી.' - મેઘનાએ કહ્યું.
'અભરખાં અને ઈમારતો અધુરા રહે તો કાટમાળ જ કહેવાય છે.' - અનિકેત આક્રોશ સાથે બોલ્યો.
'અનિકેત, હું એવું માનું છું કે, આપણા નસીબમાં ફરીથી મળવાનું લખ્યું હશે તો આજે આ રીતે આપણે ભેગા થયા છીએ. તારે બળાપો કાઢવો હોય તો કાઢી લે અને અમને પણ ઘરમાંથી કાઢવા હોય તો કાઢી લે. અમે ક્યાંક બીજે માળો બાંધીશું.' - મેઘના એટલું કહીને જવા લાગી અને અનિકેત પણ પોતાના ઘર તરફ જવા લાગ્યો. ઉપર બાલ્કનીમાં ઊભેલી દ્રષ્ટી આ બધું જોતી હતી.
બીજા દિવસે સવારે મેઘના અનિકેતની રાહ જોતી હતી પણ અનિકેત આવ્યો જ નહીં. બે-ત્રણ દિવસ પસાર થઈ ગયા પણ અનિકેત આવ્યો નહીં. તેનું ઘર પણ બંધ દેખાતું હતું. નટુભાઈ પણ ઘરે હાજર નહોતા. રવિવારે સવારે મેઘના ફરી એ જ બગીચામાં લટાર મારતી હતી. તે વખતે સામેથી અનિકેત આવતો દેખાયો.
'મેઘના મારે તારી સાથે વાત કરવી છે.' - અનિકેતે મેઘના પાસે જઈને કહ્યું.
'તમે બંને એકબીજા સાથે વાત કરો તે પહેલાં મારે તમારી સાથે એક વાત કરવી છે.'
- દ્રષ્ટીએ પાછળથી આવીને કહ્યું. બંને તેની સામે જોવા લાગ્યા.
'મમ્મીજી તમે ક્યારેય લગ્ન કર્યા નહોતા. વિપ્લવને તમે દત્તક લઈને ભણાવ્યો, ઉછેર્યો, અમેરિકા મોકલ્યો, મારી સાથે લગ્ન કરાવ્યા અને તેણે આપણને જ તરછોડી દીધા. વર્ષો પહેલાં કાંતિ દાદાના કહેવાથી તમારે અનિકેત અંકલને છોડવા પડયા હતા. મારે વિપ્લવ સાથેના અનેક અભરખાં અધુરા મુકીને ભારત પાછા આવવું પડયું છે. આપણા ત્રણેયની જિંદગીમાં દરેક સંબંધ અધુરા જ રહ્યા છે. આ વખતે એવું કરીએ કે આપણે ત્રણેય નામ વગરના જ સંબંધ સાથે જીવીએ. ત્રણેય જુદા ઘરમાં છતાં એક જ પરિવાર બનીને રહીએ. તમારો સંબંધ પૂરો ન થયો હોય તો કંઈ વાંધો નહીં પણ તેનો અંત તો સુખદ લાવી જ શકીએ છીએ. એક વાત નક્કી છે કે, અનિકેત અંકલે સવારની ચા અમને બનાવી આપવી પડશે અને રવિવારે ખાટા દહીંની કઢી અને ભાત મમ્મીજી બનાવશે જે અનિકેત અંકલને ખૂબ જ ભાવે છે. મને આ બધું ક્યાંથી ખબર પડી એ શોધવા ન નીકળતા. બસ હવે જે જીવન વધ્યું છે તે આનંદથી જીવીએ. મને સાસુ અને સસરા બંને મળી જશે તો મારે તો બે ફ્લેટ ભોગવવા મળશે. તમારું શું કહેવું છે અનિ અને મેગ્સ...' - દ્રષ્ટીએ કહ્યું અને પેલા બંને તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા.