Get The App

ટ્રીસા અને ગાયત્રી : વિશ્વ ફલક પર ઉભરી રહેલી ભારતની આશાસ્પદ બેડમિંટન જોડી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ટ્રીસા અને ગાયત્રી :  વિશ્વ ફલક પર ઉભરી રહેલી ભારતની આશાસ્પદ બેડમિંટન જોડી 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- ભારતના બેડમિંટન લેજન્ડ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રી અને કેરળની ટ્રીસા જોલીની યુવા જોડી વર્લ્ડ બેડમિંટન રેન્કિંગમાં એલિટ જોડીઓમાં સ્થાન ધરાવે છે

જુ ગલબંદી એ આમ તો સંગીતના ક્ષેત્રમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલો શબ્દ છે, પણ તેના મૂળમાં બે વ્યક્તિઓ વચ્ચેનો તાલમેલ અને સમન્વય રહેલો છે. જે દુનિયાની સમક્ષ એવી કુશળ અને બેનમૂન રજુઆત કરે છે, કે તેન માણનારા જુગલબંદીમાં જોડાયેેલા બે સુરોને અલગ કરી શકતાં નથી. તેમની એકતા એ જ તેમની કુશળતા અને મનોહર કલા કૌશલ્યની ઓળખ બની રહે છે. રમતોમાં ખેલાતા યુગલ મુકાબલામાં પણ આ જ પ્રકારની જુગલબંદીનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. જેમાં બે ખેલાડી એક બીજાને પૂરક બનીને એવો દેખાવ કરેે છે કે, જેના સહારે તેઓ હરિફ જોડીની પર આગવું પ્રભુત્વ જમાવે છે અને તેના થકી સિદ્ધિના નવા આયામને હાંસલ કરવામાં સફળતા મેળવી લે છે.

ભારતે છેલ્લા એક-દોઢ દશકમાં બેડમિંટનની રમતમાં સાતત્ય સાથેનું આગવું પ્રભુત્વ ઉભું કર્યું છે. ભૂતકાળમાં પ્રકાશ પદુકોણ અને પુલેલા ગોપીચંદ જેવા ધુરંધરોનો દેખાવ એ અંધારી રાતમાં જોવા મળતાં તેજ લિસોટા સમાન રહ્યો છે. જોકે બેડમિંટનમાં ભારતના સાતત્યનો પ્રારંભ જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીની વૈશ્વિક સફળતાની સાથે થયો અને ત્યાર બાદ સાયના નેેહવાલ, પી.વી. સિંધુ, પી. કશ્યપ, કિદામ્બી શ્રીકાંત, પ્રનોય તેમજ લક્ષ્ય સેન જેવા ખેલાડીઓએ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાની આગવી સ્વર્ણિમ સિદ્ધિ થકી આકર્ષણ જગાવ્યું છે. ભારતીય બેડમિંટન જગત ઝડપથી ઉભરી રહેલા યુવા સિતારા ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી તરફ આશાભરી મીટ માંડીને બેઠું છે. 

ટ્રીસા અને ગાયત્રીનું કોમ્બિનેશન તેમજ એકબીજાની રમત અંગેની સમજણ દાદ માંગી લે તેવી છે. તનાવની ચોક્કસ પરિસ્થિતિમાં સાથી ખેલાડીની પ્રતિક્રિયા કેવી હશે તેનો અંદાજ પહેલેથી જ સાથી ખેલાડીને આવી જતો હોય છે અને તેના આધારે જ બેેડમિંટન કોર્ટ પરની તેની મુવમેન્ટ થતી રહે છે, જેના કારણે ટીમને પોઈન્ટ ગુમાવવો ન પડે. બેેડમિંટનના મહિલા યુગલ મુકાબલામાં ભારે આક્રમકતાં સાથે ખેલાતા મુકાબલામાં ખેલાડીઓની ફિટનેસ તેમજ ફ્લેક્સિબિલીટી તેમજ આપસી તાલમેલની આકરી કસોટી થાય છે અને તેના જ સહારે વિજેતાનો નિર્ણય લેવાય છે. 

બેડમિંટન વર્લ્ડ ફેડરેશન કે જે બીડબલ્યુએફ તરીકે ઓળખાય છે, તે જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરે છે અને ખેલાડીઓે તેમના દેખાવ અનુસારના પોઈન્ટ પણ આપે છે. ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ મહિલા બેેડમિંટનના યુગલ રેન્કિંગમાં હાલ ટોચની ૨૦ જોડીમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય બેેડમિંટનમાં જોડી જમાવીને રમી રહેલી ભારતની આ આશાસ્પદ ખેલાડીઓએ ચાલુ વર્ષે યોજાયેલી એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે સૌપ્રથમ વખત સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી અને આ સફળતામાં ટ્રીસા-ગાયત્રીની જોડીએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ચાલુ વર્ષની વર્લ્ડ બેડમિંટન ટુરમાં તેમણે મકાઉ અને સિંગાપોર ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. 

આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પોતાના કરતાં ઉચ્ચ ક્રમાંક ધરાવતી ખેલાડીઓેને હરાવીને અપસેટ સર્જનારી ભારતીય જોડીને જાયન્ટ કિલર તરીકેની ઓળખ મળી છે અને તેમની યુવા વયને જોતા એ બાબત નિશ્ચિત છે કે, આગામી વર્ષોમાં તેઓ મહિલા યુગલ બેડમિંટનમાં ભારતને ટોચના સ્થાન પર પહોંચાડવામાં પાયાની ભૂમિકા ભજવશે. 

ટ્રીસા અને ગાયત્રીની જોડી ગત વર્ષે એશિયા મિક્સ ટીમ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતી. આ ઉપરાંત ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ટીમ ઈવેન્ટમાં રજત અને મહિલા યુગલમાં કાંસ્ય સફળતા હાંસલ કરી હતી. તેઓ ૨૦૨૨માં ઓડીશા ઓપન જીતવામાં સફળ રહ્યા હતા અને સઈદ મોદી ઈન્ટરનેશનલમાં તેમને રનરઅપ ખિતાબથી સંતોષ માનવો પડયો હતો. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પણ તેઓ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં સેમિ ફાઈનલમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને તેમની આ જ કુશળતાએ તેમને દુનિયાની એલિટ બેડમિંટન જોડીઓમાં સ્થાન અપાવ્યું છે. 

ટ્રીસા અને ગાયત્રીની મુલાકાત ગાયત્રીના પિતા અને ભારતીય બેડમિંટનના સુપરસ્ટાર પુલેલા ગોપીચંદની એકેડમીમાં જ થઈ હતીી. ટ્રીસાનો જન્મ કેરળના કુન્નુરમાં આવેલા ચેરુપુઝામાં રહેતા જોલી મેથ્યૂસ સ્થાનિક શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે જવાબદારી સંભાળતા અને છોકરીઓની વોલીબોલ ટીમને પ્રશિક્ષણ પણ આપતાં. નાનકડી ટ્રીસા પણ તેમની સાથે મેદાન પર જતી. જોકે તેેણે વોલીબોલને બદલે બેડમિંટન પર હાથ અજમાવ્યો. પિતાના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટ્રીસાએ જુનિયર સ્તરની સ્પર્ધાઓ જીતવા માંડી તે પછી તેને કુન્નુર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ર્ડા. અનિલ રામચંદ્રનનું માર્ગદર્શન પણ મળ્યું અને તેના સહારે તેણે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં આગવી સફળતા હાંસલ કરી, જેના પરિણામે તેને પુલેેલા ગોપીચંદની એકેડમીમાં ૨૦૨૦માં પ્રવેશ આપવામાં આવ્યો.

પુલેલા ગોપીચંદની એકેડમીમાં તેની નાનકડી પુત્રી ગાયત્રી પણ તૈયાર થઈ રહી હતી. પિતાની વિરાટ સિદ્ધિઓ સુધી પહોંચવા માટે તેને લાંબી મજલ ખેડવાની હતી અને પરિવારનું પણ તેને સમર્થન હતુ. જોકે, સમાજ અને આસ-પાસના વર્તુળો ઘણી વેળાએ ગાયત્રી પર પિતા સિદ્ધિઓનો એવો ભાર થોપી દેતા કે તે પરેશાન થઈ જતી. ટ્રીસા અને ગાયત્રીએ શરુઆતમાં તો તેમની કારકિર્દી એકલ વિભાગમાં આગળ ધપાવવાનું નક્કી કર્યું. જોકે થોડા સમયની તાલીમ બાદ બંનેએ પોતપોતાની મર્યાદા સ્વીકારીને માત્ર યુગલ (ડબલ્સ) મુકાબલામાં રમવાનું નક્કી કર્યું. 

ગોપીચંદની એકેડમીના સ્થાનિક કોચિસે ટ્રીસા અને ગાયત્રીની જોડી જમાવીને તેમને જુનિયર અને ચેલેન્જર ટુરની સ્પર્ધામાં ઉતારવાનું નક્કી કર્યું. વર્ષ ૨૦૨૧માં જામેલી આ જોડીએ બીજા જ વર્ષે ધૂમ મચાવતા બેવડા ટાઈટલ જીત્યા અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ચંદ્રકો જીતીને આગવો ઈતિહાસ રચી દીધો. ભારતીય બેડમિંટનમાં નવું જોમ ભરનારી ટ્રીસા અને ગાયત્રીની જોડીએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ નોંધપાત્ર દેખાવ કરતાં ટોપ-૧૦માં સામેલ જોડીઓને હરાવીને ખળભળાટ મચાવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય બેેડમિંટનમાં ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી રહેલી ટ્રીસા અને ગાયત્રીની જોડીની પાસે હજુ ઘણો સમય છે. તેઓ સતત તેમની ફિટનેસ અને તકનિકમાં સુધારો કરતી રહી છે અને આંતરરાષ્ટ્રીય બેડમિંટનની અત્યંત કટોકટીભરી સ્પર્ધા તેમને વધુ બહેતર બનવાની તક પુરી પાડી રહી છે. આગામી સમયમાં ભારતની આ આશાસ્પદ જોડી બેડમિંટનમાં ઊંચી ઉડાન ભરશે તેમ હાલના આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો માની રહ્યા છે.


Google NewsGoogle News