Get The App

ઘરેલુ હિંસા સામે 'ધ્વનિ'નો મોરચો

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ઘરેલુ હિંસા સામે 'ધ્વનિ'નો મોરચો 1 - image


- આજકાલ - પ્રીતિ શાહ

- દરેક પીડિતોએ એવું વિચારવું જોઈએ કે તેઓ એકલા નથી. તેમને સાથ મળશે અને તેઓ વધુ સારી જિંદગી જીવવાના અધિકારી છે

ચે ન્નાઈની અંબિકાને લગ્નના છ મહિનામાં ખબર પડી કે તેનો પતિ દારૂ પીએ છે. એ પછી દારૂ પીને એને મારવા લાગ્યો. ઘરભાડાના પૈસા આપવાના બંધ કર્યા, છ મહિનાની પુત્રી માટે દૂધના પૈસા પણ આપે નહીં. અંબિકાએ બુક બાઇન્ડીંગની કંપનીમાં કામ શરૂ કર્યું, પરંતુ પતિના વર્તનમાં પરિવર્તન આવ્યું નહીં. લગ્નજીવનના આઠ વર્ષે તેની સહનશક્તિની હદ આવી ગઈ અને એક દિવસ પોતાના પર કેરોસીન નાખીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પાડોશીઓ હોસ્પિટલ લઈ ગયા. એ ચોત્રીસ ટકા દાઝી ગઈ. દુઃખ તો ત્યારે થયું કે સમાજ એના પતિને દોષિત માનવાને બદલે પતિને છોડી દેવા બદલ અંબિકાને દોષી માનતો હતો.

આવી પરિસ્થિતિમાં તે ડૉ. પ્રસન્ના ગેટુ પાસે જાય છે. તેઓ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફૉર ક્રાઈમ પ્રિવેન્શન અન્ડ વિકિટમ કેર નામની સંસ્થા ચલાવે છે. અહીં એની સર્જરી કરવામાં આવી. આજે અંબિકા વેલ્ફેર ઑફિસર તરીકે ડૉ. પ્રસન્ના સાથે કામ કરે છે અને બે પુત્રીનો ઉછેર કરે છે. ભારત સરકાર દ્વારા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચમાં જણાવ્યું છે કે દર ત્રણ મહિલામાંથી એક મહિલા તેના જીવન દરમિયાન શારીરિક, ભાવનાત્મક અને જાતીય સતામણીનો ભોગ બને છે. પતિ દ્વારા થતી ઘરેલુ હિંસામાં દાંત તૂટી જવા, આંખ ગુમાવવી, મચકોડ આવવો, દાઝવું જેવી ગંભીર ઈજા થાય છે, પ્રસન્ના ગેટુએ મદ્રાસ યુનિવર્સિટીના ક્રિમિનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી પીએચ.ડી. કર્યું છે. ત્યારબાદ પોસ્ટ ડૉક્ટરેટ કરવા જાપાન ગયા. જાપાનની ટોકિવા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન વિકિટમોલોજીનો અભ્યાસ કર્યો છે, જે વર્લ્ડ સોસાયટી ઑફ વિકિટમોલોજી દ્વારા ચલાવવામાં આવતો હતો અને તે સમયે પ્રસન્ના ગેટુની પ્રથમ બેચ હતી.

તેમણે ક્રિમિનોલોજીનો તો અભ્યાસ કર્યો હતો, પરંતુ જાપાનમાં તો તેનો જે ભોગ બન્યા છે તે વિકિટમ અને વિકિટમાઇઝેશન વિશે અભ્યાસ કર્યો. અપરાધ સમયે ભોગ બનેલી વ્યક્તિઓ જે પ્રક્રિયામાંથી પસાર થયા છે, તે અંગે કોર્સના ભાગરૂપે વિકિટમ આસિસ્ટન્ટ સેન્ટર્સની મુલાકાત લીધી અને ભારત આવીને તેમણે ચેન્નાઈમાં પ્રયોગાત્મક ધોરણે વિકિટમ આસિસ્ટન્ટ સેન્ટર શરૂ કર્યું. એ સમયે ક્રેડિટ કાર્ડ ફ્રોડના એક કેસ સિવાય બાકીના બધા કેસ ઘરેલુ હિંસાના આવ્યા. એ સમયે શેલ્ટર હોમ નહોતા. શેલ્ટર હોમ અને હેલ્પલાઇન શરૂ કરતાં પહેલાં તેઓ અમેરિકા ગયા અને તેનો અભ્યાસ કર્યો. તેઓ શેલ્ટર હોમમાં રહ્યા અને જોયું કે તેઓ કઈ રીતે કામગીરી બજાવે છે. ભારતમાં પીડિતો માટે કાઉન્સેલિંગ, કાયદાકીય સહાયતા કે શેલ્ટર હોમ જેવી કોઈ સગવડ નથી. તેને લાગ્યું કે સ્ત્રીઓ માટે એક સલામતીભર્યું વાતાવરણ સર્જવું જોઈએ અને તેથી પ્રસન્ના ગેટુએ ૨૦૦૧માં ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફૉર ક્રાઇમ પ્રિવેન્શન અને વિકિટમ કેરની સ્થાપના કરી. આ સંસ્થા અઠવાડિયાના સાત દિવસ અને ચોવીસ કલાક ચાલુ હોય છે. તેમણે આવા અગિયાર કેન્દ્રોની તામિલનાડુના જિલ્લાઓમાં સ્થાપના કરી છે.

તેઓ સ્ત્રીઓ વધુ સારી રીતે જીવી શકે તે માટે મુખ્ય પાંચ વાત કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં હિંસા ચલાવી લેવાય નહીં. જે ઘરમાં બાળકો માતા-પિતાના કલહ-કંકાસ જોઈને મોટા થાય છે, ત્યારે તેઓ ભવિષ્યમાં આ જ રસ્તે જાય છે, આ પેઢી દર પેઢી ચાલી આવતી હિંસાના ચક્રને અટકાવવાની જવાબદારી દરેક કુટુંબે લેવી પડશે. સ્કૂલમાં પણ બાળકોએ કૌટુંબિક સંબંધોમાં માન કેવી રીતે જાળવવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે તેઓએ ઘરકામ કે સીવણકામ કરવું જરૂરી નથી. દરેક વ્યક્તિ પાસે આગવી આવડત હોય છે અને તે પ્રમાણે એને તક આપવામાં  આવે. પોલીસ અને અન્યની સહાય મેળવવી જોઈએ. ઘણી વખત પાડોશીઓને એમ લાગે છે કે અન્યના ઘરમાં માથું મારવાની જરૂર નથી, પરંતુ દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને સહાય કરવી. આવા પ્રશ્નોને હલ કરવા માટે કોમ્યુનિટીના સ્તરે કાર્યક્રમો યોજવા જોઈએ અને ચર્ચા તથા વિચાર-વિમર્શ થવા જોઈએ, જેથી તેનો ઉકેલ લાવી શકાય.

ડૉ. પ્રસન્ના ગટુએ વીસ વર્ષ પહેલાં હેલ્પલાઇન શરૂ કરી હતી. આજે નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ હોટલાઇન જેને 'ધ્વનિ' તરીકે ઓળખવામાં આવે છે, તે પણ ચલાવે છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, તેમના સગાંસંબંધી તેમજ મિત્રો પણ ફોન કરી શકે છે. તેઓ ખુલ્લા મને પોતાના પ્રશ્નો કહી શકે તેવું વાતાવરણ સર્જે છે. તેઓ ક્રાઇસિસ કાઉન્સેલિંગ પણ કરે છે. સંસ્થા પાસે તાત્કાલિક આશ્રયસ્થાન, લાંબા સમય માટે આશ્રયસ્થાન અને થોડા સમય માટેના આશ્રયસ્થાનની વ્યવસ્થા છે. ઘરેલુ હિંસા ઉપરાંત પારસ્પરિક હિંસા, ડેટિંગ અને રીલેશનશીપ હિંસા માટે કામ કરે છે. માત્ર સ્ત્રીઓ જ ઘરેલુ હિંસાનો ભોગ બને છે તેવું નથી. પુરુષો પણ આવીને પોતાની સ્થિતિની વાત કરી શકે છે. દરેક પીડિતોએ એવું વિચારવું જોઈએ કે તેઓ એકલા નથી. તેમને સાથ મળશે અને તેઓ વધુ સારી જિંદગી જીવવાના અધિકારી છે.

ઘરેલુ હિંસા સામે 'ધ્વનિ'નો મોરચો 2 - image

- આઇસ ફેક્ટરીમાંથી અનોખું કલાકેન્દ્ર

- 'શિમલામાં મારો ઉછેર થયો હોવાથી પ્રકૃતિ પ્રત્યે સતત આકર્ષણ રહ્યું છે. વાસ્તુકલા અને ડિઝાઇનની આ યાત્રામાં એ અનુભવ જ મારા માર્ગદર્શક રહ્યા છે

પ્ર થમ નજરે પ્રેમ થવો એ માત્ર યુવક-યુવતીના જીવનની જ ઘટના નથી. માનવજીવનમાં જ સર્જાતો સ્નેહતંતુ નથી. ઘણી વસ્તુઓ કે સ્થળ પણ એવા હોય છે જે જોયા પછી મનમાંથી ખસે નહીં અને પછી વ્યક્તિ તે મેળવવા અથાગ પ્રયત્ન કરે. મુંબઈમાં રહેતા આર્કિટેક્ટ કમલ મલિકે જ્યારે દોઢસો વર્ષ જૂની આઇસ ફેક્ટરી જોઈ ત્યારે તેમને 'ઑલમોસ્ટ પોએટિક' અનુભૂતિ થઈ. પાંચ દાયકાનો આર્કિટેક્ટ તરીકેનો અનુભવ ધરાવતા કમલ મલિકે દક્ષિણ મુંબઈમાં કાલીકટ રોડ પર આવેલી એશિયાની સૌથી જૂની આઇસ ફેક્ટરી જોઈ અને એનું દ્રશ્ય ચિત્તમાં જડાઈ ગયું. આંગણામાં પ્રવેશતાં જ બર્માટીકના ગુચ્છમાંથી આવતો સૂર્યપ્રકાશ, પીપડા રાખવાની ઘોડી અને તેના પર એને છત્રીની જેમ છાંયો આપતી વિશાળ વડની ડાળીઓ - આ કાવ્યાત્મક વાતાવરણ એમને ચિંતનાત્મક અને પરિવર્તનકારી લાગ્યું. ૨૦૧૯માં કમલ મલિકે આ ઈમારત જોઈ અને પછી તેને ખરીદી લીધી. આઈસ ફેક્ટરી ખરીદતી વખતે તેમાં કંઈ કામ કરવાનો વિચાર નહોતો, પરંતુ વડના વિશાળ વૃક્ષની છબી તેમના મનમાં સતત ઘૂમતી હતી.

એમણે દસ હજાર સ્ક્વૅર ફૂટની આ જગ્યાને ક્રિયેટિવ હબમાં બદલી નાખી છે અને નામ રાખ્યું છે આઈએફ.બીઈ(ૈંખ.મ્ઈ). આમ તો આઇસ ફેક્ટરી બેલાર્ડ એસ્ટેટનું સંક્ષિપ્ત નામ લાગે, પરંતુ એવું નથી. કમલ મલિક તે સમજાવતાં કહે છે કે વચ્ચે રહેલો ડોટ 'જો' અને 'હોવા' વચ્ચેનું અંતર સમયનું પ્રતીક છે, સંભાવનાઓ દર્શાવે છે. તેમણે આ ફેક્ટરીનો જીર્ણોદ્ધાર કરવાનું વિચાર્યું. ઈમારતનો પોતાનો આગવો ઇતિહાસ હોવાથી તેમનું અંતિમ લક્ષ્ય સૌંદર્યબોધ નહોતું, પરંતુ ભૂતકાળની આ પ્રાચીનતાને સંરક્ષિત કરવી હતી. તેના ઇતિહાસ પર નજર નાખીએ. ઈ. સ. ૧૮૦૦ના દાયકામાં બોસ્ટનથી જહાજમાં પ્રથમ વાર ભારતમાં બરફ આવ્યો. આ બરફને મુંબઈના બરફઘરોમાં સંગ્રહિત કરવામાં આવતો હતો, પરંતુ ભારતની ગરમીમાં તેને સાચવવો મુશ્કેલ હતો, તેથી નાનાભોઈ બાયરામજી, જિજીભોઈ અને જે.એ.ફોર્બ્સે મળીને ૧૮૭૮માં બેલાર્ડ એસ્ટેટમાં મુંબઈમાં ભારતની પ્રથમ બરફની ફેક્ટરી શરૂ કરી, જેને બૉમ્બે આઇસ મેન્યુફેક્ચરીંગ કંપની નામ આપવામાં આવ્યું હતું. જેનું પાછળથી અંબિકો આઇસ ફેક્ટરી નામકરણ કરવામાં આવ્યું. કમલ મલિકના પુરુષાર્થથી આજે તે કલાનું રચનાત્મક કેન્દ્ર બની ગયું છે.

આઇસ ફેક્ટરીના જીર્ણોદ્ધારમાં અઢી વર્ષનો સમય થયો. મહિનાઓ સુધી કારીગરોએ જૂનું પ્લાસ્ટર હળવે હળવે ઘસીને દૂર કર્યું. તેની નીચે ઈંટોનું કામ અને વિન્ટેજ બર્મા ટીકના લાકડા પર નકશીકામ મળ્યું. ચારે બાજુ જોતા એમ લાગે કે કેટલીક જગ્યા પર રંગનો બિલકુલ મેળ ખાતો નથી. આઈએફ ડોટ બીઈના દસ હજાર સ્ક્વૅર ફૂટમાં બે માળમાં એમણે પાંચ વિભાગ બનાવ્યા છે. 'ધ બનયન ટ્રી કાફે', 'ધ સબસ્ટેશન' જે વાચનાલય છે અને સાથોસાથ વાસ્તુશિલ્પનાં ઉપકરણો અને પુસ્તકોની દુકાન છે. ત્રીજા વિભાગનું નામ છે 'આઇસ ફેક્ટરી' જે પ્રદર્શન માટે બનાવ્યું છે. ચોથો વિભાગ 'ધ કેથેડ્રલ' છે અને પાંચમો વિભાગ 'નેટિવ બૉમ્બે' નામની ભારતીય રેસ્ટોરન્ટનો છે, જેમાં તમે સ્વાદિષ્ટ ભોજન માણી શકો છો.

કમલ મલિકે સાગના લાકડાને પૉલિશ કરીને ચમકાવવાનો પ્રયાસ કર્યો નથી. નેટિવ બૉમ્બે રેસ્ટોરન્ટ અને બારની સીડી, તેના છતની સંરચના અને ફર્શ, સાથે સાથે આઇસ ફેક્ટરીની છતની સંરચનાને ખરબચડો સ્પર્શ આપ્યો છે. આવું મેળ વગરનું કરવામાં ખોટું શું છે એમ કમલ મલિકને લાગે છે. એનાથી ઊલ્ટું એ જગ્યાની પ્રમાણિકતા વધે છે.  સૌથી વધારે વિચારવિમર્શ આઇસ ફેક્ટરી, સબસ્ટેશન, કોલ્ડ સ્ટોરેજ અને આઇસ-ક્યૂબિંગની જગ્યા પર કર્યો. આમાં ઢળેલી, વાંકીચૂંકી અને લીકેજ થતી દીવાલો, ઢળેલી છતો અને કેટલાક ભાગોનું પુનઃસંયોજન કરવા માટે તેની તપાસ અને યોગ્ય રીતે તે થાય એ અંગે સાવચેતીની જરૂર હતી. 

કમલ મલિકે આઇસ ફેક્ટરીનો જીર્ણોદ્ધાર પોતાના આગવા વિચારથી કર્યો. તેઓ કહે છે કે 'શિમલામાં મારો ઉછેર થયો હોવાથી પ્રકૃતિ પ્રત્યે સતત આકર્ષણ રહ્યું છે. વાસ્તુકલા અને ડિઝાઇનની આ યાત્રામાં એ અનુભવ જ મારા માર્ગદર્શક રહ્યા છે. પ્રકૃતિથી વધારે ટકાઉ અન્ય કંઈ હોય શકે નહીં અને તેથી ટકાઉપણા માટે તે ક્ષેત્રના જલવાયુ, વનસ્પતિ અને જીવ, સ્થાનિક નિર્માણ સામગ્રી તથા સામાજિક તેમજ ઐતિહાસિક પ્રભાવોને સમજવા જરૂરી છે.' તેમણે જીર્ણોદ્ધારમાં વીસ ટકા જ હસ્તક્ષેપ કર્યો છે અને સીમેન્ટનો ઉપયોગ કર્યો નથી. આઈએફ ડોટ બીઈ એક એવું સ્થાન છે જ્યાં આર્કિટેક્ટ, ડિઝાઇનર અને કલાકાર એક સાથે મળીને વિચારવિમર્શ કરી શકે. આજે અહીં કોમેડિયન માસૂમ રાજવાનીનો શો થાય છે, તો ઝોયા અખ્તર વાર્તાકથન કરે છે. ધ્યાનના વર્કશોપ, ફિલ્મ સ્ક્રીનીંગ અને કલા પ્રદર્શનો થાય છે. આઇસ ફેક્ટરીમાંથી આધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવનાર કમલ મલિકને વડના એ વૃક્ષ પ્રત્યે એટલો જ લગાવ છે જે પરિવર્તનના બીજનું પ્રતીક છે અને આઈએફ ડોટ બીઈ તેમાંથી પસાર થયું છે.


Google NewsGoogle News