Get The App

સ્વયં માટે મંત્રને પૂર્ણપણે ઊર્જાન્વિત કરવાનું વિજ્ઞાાન!

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
સ્વયં માટે મંત્રને પૂર્ણપણે ઊર્જાન્વિત કરવાનું વિજ્ઞાાન! 1 - image


- સનાતન તંત્ર  - પરખ ઓમ ભટ્ટ

- તત્પશ્ચાત્, ગુરુતત્ત્વ અને પૃથ્વીતત્ત્વના આહ્વાન સાથે મંત્રના મૂળ સ્ત્રોત અર્થાત્ ભારતવર્ષની એ તમામ સિદ્ધ-પરંપરાઓનું સ્મરણ કરવામાં આવે છે

મં ત્રને જાગૃત કરવાનું વિજ્ઞાાન ખરેખર દંગ થઈ જવાય એ પ્રકારની અજાયબીઓથી ભરેલું છે. સર્વપ્રથમ પવિત્રીકરણથી શરૂ થતી પ્રક્રિયા આગળ જઈને આચમન, દીપ પ્રાકટય, ગણપતિ-આહ્વાન વાટે થઈ વિનિયોગ સુધી પહોંચે છે. સ્વયંના અંતરમનને શુદ્ધ તથા પવિત્ર બનાવવાના વિધાનથી આરંભ થતી સાધનાની શરૂઆતી વિધિ - પવિત્રીકરણ - એ સૂચવે છે કે જ્યાં સુધી બાહ્ય અને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મંત્ર-જાગરણના મૂળ ઉદ્દેશ્ય સુધી પહોંચી શકાતું નથી. ત્યારબાદ, બાહ્ય રીતે પ્રજ્વલિત કરવામાં આવતો દીવો અંતરના અજ્ઞાાનતારૂપી અંધકારને દૂર કરી વિ-જ્ઞાાનરૂપી અગ્નિના પ્રાગટયનો સંકેત આપે છે. પ્રત્યેક મંત્ર અને તંત્રસાધનામાં થતું મહાગણપતિનું આહ્વાન એ વાસ્તવમાં પ્રખર બુદ્ધિક્ષમતાને ધારણ કરવા માટેની પ્રાર્થના છે, જેમાં ગજનું મસ્તક ધરાવતાં ગજાનન પાસે સાધક દરેક ક્ષેત્રે બૌદ્ધિક ચાતુર્ય પ્રાપ્ત કરવાની અપેક્ષા સાથે પ્રાર્થના કરે છે.

તત્પશ્ચાત્, ગુરુતત્ત્વ અને પૃથ્વીતત્ત્વના આહ્વાન સાથે મંત્રના મૂળ સ્ત્રોત અર્થાત્ ભારતવર્ષની એ તમામ સિદ્ધ-પરંપરાઓનું સ્મરણ કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર શાસ્ત્ર સદીઓના આક્રમણ પછી પણ લુપ્ત ન થયું. ધરતીરૂપી આધારશક્તિને નમન તથા વંદન કરવાની પ્રક્રિયા એટલે કે પૃથ્વીપૂજા સંપન્ન કર્યા પછી સાધક એ તમામ શક્તિઓને આહ્વાન આપી ચૂક્યો હોય છે જેની હાજરી સાધનામાં અનિવાર્ય હોય! અને એટલે, ઋષિ-મુનિઓને આ ક્ષણે એ જરૂરિયાત જણાઈ કે પૃથ્વીપૂજા પશ્ચાત્ સંકલ્પવિધિ અને વિનિયોગના માધ્યમથી મૂળ મંત્રને જાગૃત કરવાની વિધિ શરૂ કરી શકાય.

વિનિયોગના ષડાંગ - દેવતા, શક્તિ, બીજ, ઋષિ, છંદ, કીલક - ને જાગૃત કર્યા બાદ મંત્રમાં વસ્તુતઃ પ્રાણ ફૂંકાવાની શરૂઆત થાય છે, એવું કહી શકાય. નિત્યકર્મ (રોજબરોજના જીવનમાં થતી પૂજા-અર્ચના) અને નૈમિત્તિક કર્મ (ચોક્કસ સંકલ્પ સાથે કરવામાં આવતું અનુષ્ઠાન, જેમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સ્ટેપ-બાય-સ્ટેપ મંત્રમાં પ્રાણ ફૂંકવામાં આવે એ) વચ્ચે મૂળ તફાવત આ જ છે. પૂજા કરતી વેળા સામાન્યતઃ માણસ ફક્ત મંત્રનું અમુકતમુક વખત ઉચ્ચારણ કરે છે, જે તેને પોતાના ઈષ્ટ સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવામાં સહાયતા કરે છે; પરંતુ નૈમિત્તિક કર્મ અર્થાત્ ચોક્કસ દિવસોનો સંકલ્પ લીધા બાદ શરૂ કરવામાં આવતી સાધના અથવા પુરુશ્ચરણ સાધકના મંત્રને પૂર્ણપણે જાગૃત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું સાબિત થાય છે.

વિનિયોગ પછી ન્યાસવિધિના માધ્યમથી સાધક પોતાના દેહને મંદિર બનાવવાની શરૂઆત કરે છે. મંત્રના પ્રત્યેક વર્ણને વિભિન્ન ન્યાસમંત્રો - કરન્યાસ, ઋષ્યાદિ ન્યાસ, ષડાંગ મંત્રન્યાસ, મંત્રવર્ણન્યાસ, અંતર્માતૃકા ન્યાસ, બહિર્માતૃકા ન્યાસ વગેરે - થકી શરીરના જુદા જુદા અંગો (જેમકે, લલાટ, શિખા, ભૂ્રકૂટિ, હૃદય, કંઠ, નાભિ, છાતી, ગુપ્તાંગ વગેરે) પર સ્થાપિત કરવામાં આવે છે. એની પાછળનો તર્ક એટલો કે જ્યાં સુધી મંદિર અથવા ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ત્યાં ઈશ્વરની પ્રતિમાની સ્થાપના સંભવ નથી.

ન્યાસવિધિ થકી સ્વયંના શરીરને મંદિર બનાવ્યા પછી વારો આવે છે, ષોડશોપચાર પૂજનનો! ષોડશ અર્થાત્ સોળ અને ઉપચાર અર્થાત્ અર્પણ કરવું તે! વાસ્તવમાં ઉપચાર શબ્દના બે અર્થ સંસ્કૃત ભાષા પાસે ઉપલબ્ધ છે ઃ (૧) સારવાર કરવી અને (૨) અર્પણ કરવું. સાધના કે અનુષ્ઠાનનાં દ્રષ્ટિકોણથી ષોડશોપચાર પૂજનનું આંકલન કરીએ તો સમજાય કે ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવાની વિધિ છે ષોડશોપચાર પૂજન! પ્રાણપ્રતિષ્ઠા ત્યારે જ સંભવ છે, જ્યારે ગર્ભગૃહમાં એક ચોક્કસ સ્થાન પર ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હોય.

સંસ્કૃત ભાષા પાસે પ્રતિમા માટેના બે શબ્દો ઉપલબ્ધ છે, જેના અર્થ એકબીજાથી ઘણાં ભિન્ન છે. અંગ્રેજીમાં જેને 'આઇડોલ' એટલે કે પ્રતિમા કહેવાય, એ શબ્દને શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણથી બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન ન થઈ હોય, ત્યાં સુધી તેને મૂર્તિ ગણી શકાય, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા પશ્ચાત્ જેવા એ મૂર્તિમાં પ્રાણનું બીજારોપણ થાય, કે તરત એ મૂર્તિ બની જાય છે વિગ્રહ!

ષોડશોપચાર, દશોપચાર અને પંચોપચાર પૂજન (જેમાં ક્રમશઃ સોળ, દસ અથવા પાંચ સામગ્રીઓ ધરાવવામાં આવે છે એ) થકી સ્વયંના શરીરમાં ્રહૃદયકમળરૂપી આસન પર સાધક પોતાના ઈષ્ટને સ્થાપિત કરે છે અને ત્યારબાદ મૂળ મંત્રજપ (યથાશક્તિ એક માળા/પાંચ માળા/દસ માળા/વીસ માળા) થકી એ મૂર્તિમાં પ્રાણનું બીજારોપણ કરવાની શરૂઆત કરે છે. ષોડશોપચાર પૂજન બાદ થતો મૂળ મંત્રજપ એ વાસ્તવમાં મૂર્તિને વિગ્રહ બનાવવાની પ્રક્રિયા છે. સાધનાનું આ એક એવું રહસ્ય છે, જેને જાણ્યા પછી સાધક જ્યારે સાધના કરવા બેસે ત્યારે મનમાં સ્પષ્ટતા હોય છે. વિધિ-વિધાનોનું મૂળ જાણ્યા વગર થતી સાધના એ માત્ર રટ્ટો મારવાની ક્રિયા છે, એનાથી વિશેષ કશું નહીં. હાર્દ સમજ્યા વિના માત્ર દેખાદેખીમાં આવીને આગળ વધવું એ નરી મૂર્ખામી છે.


Google NewsGoogle News