આપણી ભીતરમાં નિરંતર ચાલતી મૃત્યુની પ્રક્રિયા જાણીને મૃત્યુથી મુક્તિ મેળવીએ!
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- 'જેવા તમે અધ્યાત્મમાં પ્રવેશો છો કે એક વ્યક્તિ તરીકેની તમારી પોતાની પૃથક્ સત્તા હોવાનો અને તમારામાં રહેલો સ્વતંત્ર કર્તાભાવનો ભ્રમ ભાંગી જાય છે.'
આ પણા દેશનો અધ્યાત્મ સાથે અનેરો નાતો છે. કોઈ અધ્યાત્મને નામે ક્રિયાકાંડમાં ખૂંપી જાય છે, તો કોઈ અધ્યાત્મને નામે અગમ-નિગમના ભેદ ઉકેલવાનો પ્રયાસ કરે છે. કોઈ વળી આ પાપી સંસારને છોડીને પુણ્યને માર્ગે જવાનો ઉપદેશ આપે છે, તો કોઈ કહે છે કે, 'કશું ન કરવું એ સૌથી ઊંચી આધ્યાત્મિક બાબત છે.'
વિવિધતાભર્યા આપણા દેશમાં અધ્યાત્મિક પુરુષોનું પણ વૈવિધ્ય છે. ક્યારેક તો નિષ્કર્મણ્યતા એટલે કે પ્રમાદનો અંચળો ઓઢીને અધ્યાત્મની વાત થતી હોય છે, તો વળી ક્યારેક કોઈ આધ્યાત્મિક સંત વિશે કેટલીય ભિન્ન ભિન્ન કિંવદંતીઓને લોકો સત્ય માનીને સર્વત્ર ફેલાવતા હોય છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે આ દેશમાં 'આધ્યાત્મિક આળસુવેડા' જોવા મળે છે, ત્યારે કોઈ તેજસ્વી અધ્યાત્મની ખોજમાં નીકળીએ તો આપણને શ્રી વિમલાબહેન ઠકારની અધ્યાત્મયાત્રા જોવા મળે છે.
ક્રાંતિકારી પરિવારમાં એમનો જન્મ થયો અને સત્ય પામવાની ભીતરની એવી પ્રબળ તાલાવેલી કે બહાર ગુરૂ શોધવાની જરૂર ન પડી ! માત્ર ભીતરના સત્યની ખોજ અવિરત ચાલતી રહી. દેશનાં મહાન સંતોનાં વિચારોનો અભ્યાસ કર્યો, તો એની સાથોસાથ તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જેવાં અન્ય શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. બાર વર્ષની વયે બોતેર કલાક સુધી ધ્યાનસ્થ રહ્યા હતાં. વનની સંસ્કૃતિ સાથે એમનો ગાઢ નાતો અને એમણે વનવાસીની માફક અરણ્યમાં ઘોર અંધારી રાતોમાં પોતાનું જીવન પસાર કર્યું. શ્રીલંકાના જંગલોમાં અને બૌદ્ધ વિહારોમાં એમણે નિવાસ કર્યો, તો બીજી બાજુ આદિ શંકરાચાર્ય, સંત જ્ઞાાનેશ્વર અને શ્રીમદ્ રાજચંદ્રજીના વિચારોની ત્રિવેણીથી પોતાના ભીતરને શુદ્ધ કર્યું. દેશનાં અનેક સંતો સાથે મેળાપ થતો રહ્યો. એ સંતોને મળતી વખતે વિમલાજી કહે છે, 'પ્રેમનો સ્પર્શ શું છે, એની અનુભૂતિ આ બધા લોકોનાં સહવાસમાં થતી હતી.'
૧૯૫૧માં અમેરિકાના પ્રવાસ સમયે એમણે 'વર્લ્ડ એસેમ્બ્લી ઓફ યુથ'માં યાદગાર વ્યાખ્યાન આપ્યું. જ્ઞાાનેશ્વરનું અધ્યાત્મ, પતંજલિનું યોગદર્શન, વેદાંત, વૈદિક દર્શનોએ વિજ્ઞાાન પરિષ્કૃત છે અને પશ્ચિમના વિજ્ઞાાનને આધારે તે દર્શન સુધી પહોંચવાનો સમય આવી ગયો છે તેમ બતાવ્યું. એ પછી ૧૯૫૨માં વિમલાબહેન ઠકાર વિનોબા ભાવે સાથે ભૂદાન પ્રવૃત્તિમાં જોડાયાં, સર્વોદયનું કાર્ય કર્યું, ડૉ. રાધાકૃષ્ણન પાસેથી ભારતીય તત્ત્વજ્ઞાાનનાં પાઠ શીખ્યા અને આંતરખોજને માટે ૧૯૬૩માં ચૌદ વર્ષથી અવાવરું પડી રહેલા ઘરમાં તેઓ રહેવા લાગ્યા અને જેનું નામ તેઓએ 'શિવકુટી' આપ્યું. આમ અધ્યાત્મની ઊંચાઈ અને સમાજ સાથેના પરિવર્તનની ખેવના સાથે એમણે ભારતીય અધ્યાત્મિક વિચારધારાને એક નવી દિશા આપી હતી. ચાલીસ જેટલાં દેશોમાં એમણે પરિભ્રમણ કર્યું હતું અને કહ્યું કે, 'જીવન જીવવું એ જ સાચું અધ્યાત્મ છે. જીવનમાં આવતા પડકારો એ તો દિવ્યતાના, પ્રેમનાં સોદાઓ છે અને આ રીતે એમણે જીવન જીવવાનો મર્મ સમજાવ્યો.'
ગીતા, ઉપનિષદ્ પર પ્રવચનો આપ્યાં, તો બીજી બાજુ માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિશે પણ તેમણે પ્રવચનો આપ્યાં. આમ સત્યના પરમ ઉપાસક એવા શ્રી વિમલાબહેન ઠકાર માનતા હતા કે, 'જેવું સત્ય સમજાય કે તરત જ તે જીવવાનું શરૂ કરી દો. સત્યચરણ કરવાથી પ્રભુ તમારી આસપાસ ફરતો થઈ જાય છે.' અને એ પછી તેઓ 'શિવકુટી'માં આત્મસ્થિત થઈને આત્મજિજ્ઞાાસુઓને માર્ગદર્શન આપતાં રહ્યાં.
૧૧મી માર્ચ, ૨૦૦૯ના રોજ ધૂળેટીના પવિત્ર દિવસે એમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ વિશે એમણે કહ્યું, 'આપણે મૃત્યુની હાજરીની ગમે તેટલી અવગણના કરીએ, પણ હકીકત એ છે કે મરવાની પ્રક્રિયા સાથે હરપળે આપણો ભેટો થતો રહે છે. આપણે માટે મૃત્યુ કેવળ એક વિચાર છે. આપણી અંદર નિરંતર ચાલુ રહેલી મૃત્યુની પ્રક્રિયા આપણે ક્યારેય જોઈ નથી, એનું ક્યારેય નિરીક્ષણ કર્યું નથી. આપણી અંદર નિરંતર થતા મૃત્યુની હકીકતનું નિરીક્ષણ' જિજ્ઞાાસુ સાધકને મૃત્યુના ભયમાંથી, મૃત્યુ વિશેના બધા પ્રતિબંધોમાંથી મુક્તિ અપાવશે. કોઈ પણ કેળવણીનો પાયો નાખવા માટે જીવનમાં રહેલી મૃત્યુની સતત હાજરી વિશેની સમજણ બહુ જરૂરી છે. તમારી સાચી કેળવણી પણ ત્યારે શરૂ થાય છે કે જ્યારે તમે મૃત્યુના ભય પર વિજય મેળવો છો.
આમ એકબાજુ કર્મશીલતા અને સામાજિક નિસબત હતી, તો બીજી બાજુ આત્મરત જીવન હતું. આત્મદ્રષ્ટિ, આત્મભાવ, આત્મદર્શન અને આત્મવર્તન પર તેઓ ભાર મૂકતા હતા. તેઓ કહેતાં કે, 'આત્મા સિવાય બીજું કંઈ અમે જાણતા નથી અને એવા ભારતીય અધ્યાત્મ જગતમાં આગવું સ્થાન ધરાવનારા શ્રી વિમલાબહેન ઠકારને બાહ્ય જગતની પૂર્ણ ઓળખ સાથે ભીતરના ઊંડાણનો પરિચય હતો. એ જગતને મિથ્યા માનતા નહોતા, પરંતુ મનથી એને સમજવાનું કહેતા. એ સર્વત્ર આત્માનો અનુભવ કરતા અને જીવનની પ્રત્યેક પળે આત્મા પ્રત્યેની નિસબત પ્રગટતી.'
એમના સમગ્ર વિચારો અને એવા જ સંતોનાં વિચારો જાણવા માટે તો શ્રી શ્રીમા આનંદમયી આશ્રમ દ્વારા પ્રકાશિત થયેલા આપણા વિદ્વાન અને અધ્યાત્મ પરાયણ પ્રા. કાર્તિકેય અનુપરામ ભટ્ટનો 'મુક્તાત્માજીવાત્માસંવાદ' ગ્રંથ જોવો જોઈએ, પણ અહીં તેમાંથી ધર્મ અને અધ્યાત્મ વિષયક એમની બે વાતો સાંભળીએ.
શ્રી વિમલાબહેન ઠકારને પૂછવામાં આવ્યું કે, 'સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મમાં શું ફેર છે ?'
ત્યારે એના ઉત્તરમાં એમણે કહ્યું, 'અધ્યાત્મ એ ધર્મ અને સંપ્રદાયથી બિલકુલ ભિન્ન છે. જેનાથી જે દ્રવ્યની ધારણા થાય છે એ તેનો ધર્મ છે. પાણીનો ધર્મ છે પ્રવાહિત હોવું. પૃથ્વીનો ધર્મ છે સ્થિર રહેવું, અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા આપવી, એ જ રીતે માનવનો ધર્મ છે ચિંતન કરીને, મનન કરીને સમ્યક્ ઉપયોગ કરવો. જે ઉપાદાન મળ્યું છે, જે શરીર છે, જે બુદ્ધિ મળી છે, જે મન મળ્યું છે, જે કંઈ પ્રભુએ આપ્યું છે, કુદરત તરફથી એનો સમ્યક્ ઉપયોગ કરવો એ ધર્મ છે.'
'જ્યારે સંપ્રદાય એ પોતે જે શીખ્યો છે એનું બીજામાં સંક્રમણ કરવાની પદ્ધતિ છે. આપણામાં જે આશય ભરેલો છે તેનું ઉચિત રીતથી બીજામાં સંક્રમણ કરે તે સંપ્રદાય છે. સંપ્રદાય એટલે પરંપરા.'
'આપણા દેશમાં અધ્યાત્મની અગ્રીમતા હતી, એટલે દેશમાં સંપ્રદાય બન્યા. સત્યની ખોજમાં અનેક વૈજ્ઞાાનિક પ્રક્રિયાઓ, પદ્ધતિઓ આપણા પૂર્વજોએ શોધી કાઢી. જ્યારે અધ્યાત્મમાં કાંઈ મેળવવાનું નથી. અધ્યાત્મ પ્રતીતિનો વિષય છે, પ્રાપ્તિનો નહિ. પ્રાપ્ત કરવાની કોઈ પણ ક્રિયાની અહીં પ્રસ્તુતતા નથી.'
'ધર્મમાં મનની ક્રિયા સમ્યક્ કરવાની હોય છે અને અધ્યાત્મમાં મનની સઘળી ક્રિયાઓને શાંત કરી દેવી જોઈએ. સંપ્રદાયો સાંસ્કૃતિક સંપત્તિ છે. ધર્મ મનુષ્ય જીવનની-સમાજજીવનની એક અનિવાર્ય આવશ્યકતા છે. એના વગર માનવસમાજ ટકી શકે નહીં. અધ્યાત્મ મનુષ્યના પ્રાણોમાં સત્યમ્, શિવમ્, સુંદરમ્ જોવાની જે અભીપ્સા છે એ અભીપ્સા માટેનો એક અનિવાર્ય માર્ગ છે.'
'વ્યક્તિ અધ્યાત્મના માર્ગે જાય, ત્યારે એની શી પરિસ્થિતિ અને ગતિ હોય છે. આ વિષયમાં શ્રી વિમલાબહેન ઠકારે કહ્યું કે, 'જેવા તમે અધ્યાત્મમાં પ્રવેશો છો કે એક વ્યક્તિ તરીકેની તમારી પોતાની પૃથક્ સત્તા હોવાનો અને તમારામાં રહેલો સ્વતંત્ર કર્તાભાવનો ભ્રમ ભાંગી જાય છે.'
કોઈ સવાલ કરે કે, 'અધ્યાત્મથી શી પ્રાપ્તિ થાય ?'
તો અધ્યાત્મથી વ્યક્તિ કશું મેળવતી નથી, પરંતુ એનો પોતાનો અહમ્ ધરાવતી ચેતના ગુમાવે છે. આને એક દ્રષ્ટાંતથી દર્શાવતા તેઓ કહે છે, 'તમે અરીસા પાસે જઈને બેસશો તો અરીસો શું કરશે ? અરીસો તમને તમારું પ્રતિબિંબ દેખાડશે. એ રીતે તમે મૌનમાં બેસશો તો તમારા સ્વરૂપનો બોધ થશે. સભાનતામાં, અવધાનમાં સ્વરૂપની ઉપલબ્ધિ છે. એ જ તમારું સ્વરૂપ છે. એ કોઈ તમને આપી શકે નહીં. એ ઉપલબ્ધિ છે પ્રાપ્તિ નથી. અધ્યાત્મ આટલું જ બતાવે છે.'
આ રીતે શ્રી વિમલાબહેન ઠકાર દ્વારા ભારતીય અધ્યાત્મજગતમાં એક આગવો પ્રકાશ ફેલાયો અને વિશેષ તો જગત, સંસાર અને કર્મયોગના સંદર્ભમાં એમણે અધ્યાત્મનું એક નવું ઉર્ધ્વ શિખર બતાવ્યું.