Get The App

સાધના કે સર્જનમાં પળનો ઝબકારો મૂલ્યવાન

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
સાધના કે સર્જનમાં પળનો ઝબકારો મૂલ્યવાન 1 - image


- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ

દરેક દિવસ પોતાની ભેટ લઈને આવે છે, બસ, રિબન ખોલો....

રૂથ એન્ન સ્કાબેકર

આપણો અંગત અનુભવ એવો છે કે વીજળીના ચમકારે આંખો મિંચાઈ જાય છે. જ્યારે આપણી સંત કવિયત્રી ગંગાસતી ચિંધેે છે કે તે મોતી પરોવી લેવાની પળ છે. હા, સાધના કે સર્જનમાં પળનો ઝબકાર અત્યંત મૂલ્યવાન છે. આવો આપણે દ્રષ્ટાંતથી સમજીએ.

બ્રિટનના ગણિતશાસ્ત્રી, વિજ્ઞાાનના તત્વજ્ઞાાની અને ભૌતિકશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ વિજેતા છે-નામ છે રોજર પિનરોઝ. એક વખત આ રોબર્ટ પિનરોઝ અને તેમના એક મિત્ર અમસ્તા જ વાતો કરતા, રસ્તા પર ચાલી રહ્યા હતા. જ્યારે રસ્તો ઓળંગવાનો હતો ત્યારે બન્ને મૌન થઈ ગયા. અલબત્ત તે મૌન પળે જ રોબર્ટ પિનરોઝના મનમાં અપૂર્વ અને અફલાતુન વિચાર ઝબકયો. જ્યારે બન્ને  એ રસ્તો ઓળંગી લીધો અને ફરી વાતોએ વળગ્યા ત્યારે પેલો  વિચાર ખોવાયો-ભુલાયો. પછી તો આખો દિવસ રોબર્ટ પિનરોઝ અકારણ જ ઉલ્લાસ, ઉર્જા, ઉજાસ અનુભવતા રહ્યા. તેને થયું કે તેમની અંદર કશુંક અનન્ય પ્રગટયું છે. તેમણે દિનચર્યા તપાસી તો તેમણે અનુભવ્યું કે તેમના મિત્ર સાથે તેઓ જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે તે મૌન દરમ્યાન તેમણે કશુંક અભૂતપૂર્વ સાંભળી લીધું, ભાળી લીધું અને પામી લીધેલું. તે પળનું સ્મરણ થતાં જ તે વિચાર ફરી પ્રગટયો; તે વિચાર હતો, સમકાલીન ભૌતિકશાસ્ત્રનો ક્રાંતિકારી સિધ્ધાંત - બ્લેકહોલ વિશેનો,

મૂળ લેટીન ભાષાનો એક શબ્દ છે- ઈન્સ્પીરેર. તેનો સાદો અર્થ થાય છે, ખાલીખમ્મમાં શ્વાસ કે પ્રાણ ફૂંકવો. અસ્તિત્વને સમતોલનની ટેવ છે તેથી જ અંધકાર પછી ઉજાસ અને ખાલીપા પછી સભરતા હોય છે. પ્રેરણાના અવતરણ માટે હળવાશ, મોકળાશ, નવરાશ અનિવાર્ય છે. આપણાં પ્રાર્થના, ધ્યાન, મૌન, એકાંતનો એક ઉપયોગ આવો  પણ છે. સજગતાથી લીધેલ શ્વાસ પણ સાધનાત્મક કે સર્જનાત્મક અવકાશ છે. આવી એકાદ પળે  જ આપણને એક પ્રગાઢ પ્રતિતી થાય કે આ સમગ્રનો હું પણ એક ધબકાર છું, આ અખંડનો હું પણ એક ટચૂકડો ખંડ છું. આવા અનુભવો જ આપણાં અવરોધ અને આવરણો દૂર કરી નાખે છે. આવી પળે આપણે પેલા પરમ નિષ્કલંક તત્વોનો સ્પર્શ અને સ્વાદ લઈએ છીએ અને સંવાદ કરીએ છીએ. આપણી ટેવ અને નિદ્રા તૂટે ત્યારે આ સમન્વય કે સાયુજ્ય રચાય છે. આ પળે જ પાર, અપાર, અપરંપાર પમાય છે. આ પળો જ ઓહ કે આહ, યુરેકા કે વિસ્મય છે. પ્રતિભા એટલે ક્યારેક જેનો 'સ્વ' ખસી  કે ખરી જાય છે તેવા લોકો. કાલિદાસ કે રિલ્કેનું કાવ્ય, રેંમ્બ્રા કે અમૃતા શેરગીલનું ચિત્ર આમ ઉતરી આવે છે. સર્જક કે સાધક આ માટે; 

દરિયા તટે પ્રતિક્ષા બની ઉભો રહી શકે, 

ઈઅળ સાથે ચાલી શકે, 

મેપલ વૃક્ષ નીચે નિરાંત બની બેસી શકે,

ખિસકોલીનું ગીત સાંભળી શકે, 

જીવન સામે અહોભાવ સાથે ઉભો રહી શકે છે...

તથાગત બુધ્ધ તો આપણા કાનમાં હળવાશથી કહે છે; પળની સંભાળ રાખો, તે જ કાળની 

સંભાળ છે.


Google NewsGoogle News