Get The App

વાત સાચી નથી, સારી નથી, લાભદાયી નથી, તો સાંભળવી શા માટે ?

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
વાત સાચી નથી, સારી નથી, લાભદાયી નથી, તો સાંભળવી શા માટે ? 1 - image


- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- 'અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો?'

આ જના સ્પર્ધાત્મક જગતમાં જીવનની રેસમાં દોડતો માનવી પ્રવૃત્તિઓની વ્યસ્તતાને નામે ઘણી વ્યર્થતાને ઓઢી લેતો હોય છે. એણે એનું જીવન એવી પ્રવૃત્તિઓથી 'બિઝી' બનાવી દીધું છે કે એને ક્યાંય નિરાંત દેખાતી નથી. જીવનમાં સાર્થકની સાથે કેટલી બધી વ્યર્થ પ્રવૃત્તિઓ થતી હોય છે કે જેને કારણે માનવીને નિરાંતે શ્વાસ લેવાનો સમય હોતો નથી.

સાર્થક જીવનને માટે જીવનમાં થતી વ્યર્થ પ્રવૃત્તિઓની જાણકારી જરૂરી છે એ જાણકારી માટેનો માપદંડ વ્યક્તિના જીવનનો હેતુ કે એનું પ્રયોજન છે. પોતાના પ્રયોજનને લક્ષમાં રાખીને એણે પોતાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવું જોઈએ. પ્રયોજનનો માર્ગ વ્યક્તિ પાસે કઠોર આત્મબળ માગે છે. પોતાના જીવનની પ્રાથમિકતાને લક્ષમાં રાખીને એ પોતાની પ્રવૃત્તિ અંગે નિર્ણયો કરશે. એની પાસે 'ના' કહેવાની હિંમત હશે અને માત્ર બીજાને જ નહીં, પણ ખુદ પોતાની જાતને પણ ના પાડશે.

વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં કાર્ય કરતી હોય, ત્યારે એને બીજાં ઘણાં આકર્ષણો ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે. વિજય મર્ચન્ટ ઇંગ્લેન્ડના પ્રવાસમાં હતા ત્યારે ચારેક ભારતીય ક્રિકેટરોએ તપાસ કરી કે જો એમને ડાન્સ શીખવો હોય તો એક સંસ્થા એ શીખવવા માટે તૈયાર છે. એમાં જો પાંચ વ્યક્તિઓ સામેલ થાય તો એમને કન્સેશન આપવામાં આવશે. આથી ભારતીય ખેલાડીઓએ વિજય મર્ચન્ટને વિનંતી કરી અને સાથે એના ફાયદાઓ ગણાવતાં કહ્યું, 'એક તો ઓછી કિંમતે ડાન્સ શીખવા મળશે અને બીજું કે એમાં પગનું હલનચલન હોવાથી મેદાન પરનું આપણું ફૂટવર્ક પણ સુધરશે. તમે જાણો છો કે ક્રિકેટરને માટે એનું ફૂટવર્ક ઘણું મહત્ત્વનું ગણાય.'

વિજય મર્ચન્ટે હસીને પોતાના સાથીઓને કહ્યું, 'મારે ફૂટવર્ક સુધારવા માટે ડાન્સની તાલીમશાળામાં જવાની જરૂર નથી. હું ક્રિકેટના મેદાન પર જ મારું ફૂટવર્ક સુધારીશ.'

અમેરિકાના બાસ્કેટ બૉલના ઉત્કૃષ્ટ ખેલાડી માઇકલ જોર્ડનને પોતાની ટીમ વતી રમાડવા માટે કરોડો રૂપિયાનો કરાર થતો હતો, પણ માઈકલ જોર્ડન આવી બાબતોમાં સમય આપવાને બદલે એ કામ બીજાને સોંપી દેતો અને પોતે બાસ્કેટ બૉલની પ્રૅક્ટિસમાં પોતાના સમય અને શક્તિનો ઉપયોગ કરતો હતો.

જેમ સફળતા મેળવવા માટે ધ્યેયની એકાગ્રતા જરૂરી છે, એ જ રીતે વ્યસ્ત પ્રવૃત્તિઓની બાદબાકી લક્ષ્યની એકાગ્રતા આવશ્યક છે. આ સંદર્ભમાં ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાાની અને વિચારક સૉક્રેટિસના જીવનના એક પ્રસંગનું સ્મરણ થાય છે. તેઓ પોતાનો ઘણોખરો સમય એથેન્સ મહાનગરની શેરીઓમાં કે બજારોમાં વાતચીત કરીને વિતાવતા હતા. આ જ એમની વિચારશિબિર કે કાર્યશાળા હતી. કોઈ વ્યક્તિ મળે અને કંઈક પ્રશ્ન પૂછે એટલે એ પોતાને ઢબે ઉત્તર આપતા હતા. સૉક્રેટિસની વિચારગહન વાતો અને પ્રભાવક વ્યક્તિત્ત્વથી એથેન્સના ઘણા યુવાનો એમના તરફ આકર્ષાયા હતા. એક દિવસ એક યુવાને આવીને પૂછ્યું, 'અરે સૉક્રેટિસ, મેં તમારા મિત્ર વિશે એક ગંભીર, ગુપ્ત વાત સાંભળી છે. તમે જાણો છો ખરા ? હું તમને કહું ?'

સૉક્રેટિસે એને અટકાવતાં કહ્યું, 'તારી વાત જરૂર સાંભળીશ, પણ એ વાત કહેતાં પહેલાં તારે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તારા ઉત્તરો યોગ્ય હશે, તો જરૂર તારી પાસેથી એ વાત સાંભળીશ.'

યુવાનને આશ્ચર્ય થયું. પોતે એમના આત્મીય મિત્રનું ગુપ્ત રહસ્ય ખોલવા આવ્યો છે, ત્યાં વળી આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી ? યુવાને કહ્યું, 'ભલે. પહેલાં તમે મને તમારા ત્રણ પ્રશ્નો કહો, પછી વાત કરું.'

'જો, તેં નજરોનજર એ જોયેલું છે કે પછી કોઈની પાસેથી સાંભળેલું છે. મારે એની સત્યતા જાણવી પડે.'

યુવાને કહ્યું, 'મેં તમારા મિત્ર વિશેની વાત કોઈની પાસેથી સાંભળેલી છે.' 'ખેર, હવે બીજી બાબત એ છે કે એમાં મારા મિત્રની પ્રશંસા છે કે નિંદા ? એની કોઈ સારી વાત છે કે પછી એને વિશે કંઈક ઘસાતું છે ?' યુવાનની જીભ જરા થોથવાવા લાગી. એણે કહ્યું, 'વાત તો...જરાક...બરાબર નથી.'

સૉક્રેટિસે કહ્યું, 'અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી ? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો ?'

યુવાને કહ્યું, 'ના રે ના, આવી વાતમાં લાભ તે શું હોય ?'

સૉક્રેટિસે પતાવ્યું, 'તમે જે વાત કહેવા આવ્યા છો તે સત્ય નથી, સારી નથી, લાભદાયી નથી, તો પછી એમાં તમારો અને મારો સમય શા માટે બરબાદ કરવો ?' આટલું બોલી સૉક્રેટિસ એથેન્સની શેરીમાં આગળ વધ્યા.

વ્યર્થ, નકામી, નિંદાખોર વાતો વિશે ક્યારેય વિચાર્યું છે ખરું ? એક દિવસનો હિસાબ લઈએ તો ખ્યાલ આવે કે આપણે કેટલી વ્યર્થ વાતો કરીએ છીએ અને કેટલી સાવ નકામી વાતો સાંભળીએ છીએ. આજે અનલિમિટેડ કૉલ્સની સગવડે સહુને અનલિમિટેડ વાત કરતા કરી દીધા છે. બિનજરૂરી રીતે લાંબો સમય મોબાઇલ પર વાર્તાલાપ કરે છે. એક જમાનામાં જેમ ગામગપાટાં હાંકવામાં આવતાં હતાં. એવાં ગામગપાટાં હાંકે છે. વાતોડિયાઓનું વર્તુળ વધારતા જાય છે અને પછી તો મૅસેજની માયાવી દુનિયામાં અહીં-તહીં સતત ભટકતા રહે છે. આ પરિસ્થિતિએ વ્યક્તિને કદાચ બીજાની નજીક મોકલ્યો હશે, પરંતુ એને પોતાનાથી દૂર કરી દીધો છે.

આવે સમયે માનવીને માટે સત્ય વચનની ઉપાસના મુશ્કેલ બને છે ! સત્યનો ભેખધારી તો સતત જાગૃત રહેતો હોય છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, 'મારી અંતિમ વાતને સત્ય માનવી.' ભગવાન બુદ્ધે પણ એમ કહ્યું હતું. એનો અર્થ એ કે જે સમયે સત્ય લાગ્યું હોય તેનું અનુભવોની પ્રયોગશાળામાં તાવણી થયા બાદ એ અસત્ય પણ ભાસે અને એવી એક ઘટના બંગાળના વિખ્યાત સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના જીવનમાં જોવા મળે છે. તેઓ નાયબ ન્યાયાધીશ હોવાથી એમની વારંવાર બદલી થતી અને તેથી બંગાળના જનજીવનમાં એમને અનેકવિધ રૂપો જોયાં. એમની 'આનંદમઠ' નવલકથામાં આવતું 'વંદે માતરમ્' ગીત એ ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત બન્યું.

એક વાર કોઈ એક વિષય પર બંકિમચંદ્રને પોતાનો અભિપ્રાય જાહેરમાં પ્રગટ કર્યો હતો, પણ સમય જતાં એમને પોતાનો અભિપ્રાય બદલવાની જરૂર લાગી. પોતાનો બદલાયેલો અભિપ્રાય જાહેરમાં પ્રગટ કરતાંની સાથે જ એમની સામે વિરોધનો મોટો વંટોળ જાગી ઊઠયો.

એમના પ્રશંસકો એમના નિંદકો બની ગયા. કોઈએ એમને ચંચળ વૃત્તિવાળા કહ્યા, તો કોઈએ એમના પર નિર્ણયશક્તિના અભાવનો આક્ષેપ કર્યો. કેટલાકે તો અસ્થિર મનવાળા પણ કહી દીધા.

બંકિમચંદ્ર પર કેટલાય પ્રકારની ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. ઘણાએ બદલાયેલા અભિપ્રાય અંગે એમનો ખુલાસો માગ્યો, ત્યારે બંકીમચંદ્રે કહ્યું,

'જેને પાછળથી એમ સમજાય કે પોતાનો મત ખોટો હતો તેમ છતાં પોતાનું માન જાળવવા કે આબરૂ સાચવવા એમાં ફેરફાર ન કરે ને ભૂલભર્યા લાગતા મતને આંખો મીંચીને વળગી જ રહે, તે માનવી કપટી કહેવાય. વળી જે એમ વિચારે કે એનો મત કદી ખોટા સાબિત થઈ શકે તેમ નથી, તો તે સર્વજ્ઞા કહેવાય. હું કપટી બનવા ચાહતો નથી અને સર્વજ્ઞા નથી તે હું જાણું છું.'

આથી જ ખલીલ જિબ્રાને કહ્યું છે કે, 'આ સંસારમાં કેવળ બે જ તત્ત્વ છે અને તે સુંદરતા અને સત્ય. પ્રેમીઓનાં હૃદયમાં જે સૌંદર્ય નિવાસ કરે છે તે અને ખેડૂતોના બાવળામાં જે સત્ય નિવાસ કરે છે તે જ આ દુનિયામાં સાચા બે તત્ત્વો છે.'

અને તેથી જ વ્યક્તિએ સત્ય પામવા માટે અસત્યથી અળગા રહેવું પડે છે અને એથીય વિશેષ તો સત્ય પ્રગટ કરવા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરવું પડે છે.

મનઝરૂખો

મહાન તત્ત્વચિંતક સોલન પરિભ્રમણ કરતાં કરતાં રાજા કારૂના રાજ્યમાં પધાર્યાં. રાજા કારૂને સત્તા અને સંપત્તિનું અત્યંત અભિમાન હતું. રાજા કારૂનો અહમ્ એની પરિતૃપ્તિ માટે એટલું ઇચ્છતો હતો કે આ મહાન તત્ત્વચિંતક પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરે, પરંતુ રાજાની સત્તા કે સંપત્તિની એકેય બાબતનો નિસ્પૃહી તત્ત્વચિંતક સોલન પર કોઈ પ્રભાવ પડયો નહીં. અઢળક સંપત્તિનું વર્ણન સાંભળીને સોલનના ચહેરા પર આશ્ચર્ય કે અહોભાવ આવ્યો નહીં. વાર્તાલાપ પૂર્ણ થયા બાદ તત્ત્વચિંતક સોલને રાજાને કહ્યું, ''રાજન્ ! તમે તમારા સુખ-વૈભવની ઘણી સ્વપ્રશસ્તિ કરી, પરંતુ આ જગતમાં સૌથી મોટો સુખી માનવી એ છે કે જેનો અંત સુખમય હોય.'' અહંકારી રાજા કારૂને આ વાત અણગમતી લાગી. એણે સોલનનું સન્માન કરવાને બદલે એમની ઉપેક્ષા કરી, પરંતુ સોલન પર રાજાના આવા દુર્વર્તનની કોઈ અસર થઈ નહીં. થોડા દિવસ બાદ રાજા કારૂએ પોતાનું રાજ્ય વિસ્તારવા માટે રાજા સાઈરસના રાજ્ય પર આક્રમણ કર્યું, પરંતુ એમાં એ પરાજય પામ્યો અને એને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યો. રાજા સાઈરસે આવી રીતે સામે ચાલીને આક્રમણ કરનાર કારૂને જીવતો સળગાવી મૂકવાનો હુકમ આપ્યો. આ સમયે રાજા કારૂને સોલનનું સ્મરણ થયું અને એ 'સોલન ! સોલન !' એમ જોરજોરથી બુમો પાડવા લાગ્યો. આ બૂમો સાંભળીને સાઈરસને અપાર આશ્ચર્ય થયું અને એને આનું કારણ પૂછ્યું. કારૂને સોલન સાથે થયેલી મુલાકાતની અને એણે આપેલા સંદેશની વાત કરી, ત્યારે રાજા સાઈરસ પર એનો અત્યંત પ્રભાવ પડયો અને એણે બંદીવાન રાજા કારૂને કારાવાસમાંથી મુક્ત કર્યો.


Google NewsGoogle News