અમેરિકાનું એક્સ-37 સ્પેસ પ્લેન અંતરીક્ષમાં કેવાં ગુલ ખીલાવી રહ્યું છે ?
- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
અમેરિકાનું સ્પેસ પ્લેન એક્સ-૩૭, પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. આજની તારીખે અમેરિકાએ એક્સ-૩૭ને છ વાર અંતરિક્ષમાં મોકલી ચૂક્યું છે. હાલમાં તેનું સાતમુ મિશન ચાલી રહ્યું છે. આમ છતાં આ સ્પેસ પ્લેનને અંતરીક્ષમાં શા માટે મોકલવામાં આવ્યું છે? તેનો ઉદ્દેશ શું છે? તેના વિશે અમેરિકા અને નાસા બંને ચૂપ છે. શરૂઆતથી જ એક્સ-૩૭ સ્પેસ પ્લેનને રહસ્યના જાદુઈ ડબ્બામાં રાખવામાં આવ્યું છે! તેના વિશે કામની માહિતી બહુ જ ઓછી મળે છે. આવા શંકાસ્પદ વાતાવરણમાં એક સવાલ જરૂર થાય કે 'અમેરિકાનું એક્સ-૩૭ સ્પેસ પ્લેન અંતરીક્ષમાં શું કરી રહ્યું છે?'
સવાલ થવો એટલા માટે વ્યાજબી છેકે 'આ પહેલા સ્પેસપ્લેન એક્સ-૩૭, તેની છઠ્ઠી મુસાફરી દરમિયાન ૯૦૦ કરતાં વધારે દિવસ અંતરિક્ષમાં રહ્યું હતું. છતાં એના વિષે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. સ્પેસપ્લેન એક્સ-૩૭ ઉપર શરૂઆતમાં નાસાનું નિયંત્રણ હતું. ત્યારબાદ અમેરિકાની સંશોધન ક્ષેત્રે કામ કરતી DARPA, અને હાલમાં અમેરિકન સ્પેસ ફોર્સનું નિયંત્રણ છે. જે બતાવે છેકે સ્પેસપ્લેન એક્સ-૩૭નો ઉપયોગ લશ્કરી હેતુ માટે થઈ રહ્યો છે. આખરે નાસાને DARPA શા માટે આ સ્પેસ પ્લેન ઉપર પડદો પાડેલો રાખ્યો છે. આખરે એક્સ-૩૭ શું છે? તેના દ્વારા અમેરિકા કેવી રીતે આખા વિશ્વ ઉપર જાસુસી અને ચોકી કરી શકે તેમ છે? આ સ્પેસપ્લેનના સંભવિત ઉપયોગો નિષ્ણાતો શું કહે છે?
- ઓર્બિટલ ટેસ્ટ વ્હીકલ કે સ્પેસ વેપન?
- આ સ્પેસ પ્લેન તેનાં પાંચમા મિશનમાં અંતરીક્ષમાં 780 દિવસ રોકાયું હતું. છઠ્ઠા મિશનમાં 908 દિવસની અંતરિક્ષસફર ખેડી હતી
બોઈંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ બોઇંગ X-37ને નિષ્ણાતો ઓર્બિટલ ટેસ્ટ વ્હીકલ (OTV) તરીકે ઓળખે છે. X-37, અગાઉ ફ્યુચર-X પાથફાઇન્ડર તરીકે ઓળખાતું હતું. સરળ ભાષામાં કહીએ તો, આ એક એવા પ્રકારનું સ્પેસ પ્લેન એટલે કે અંતરીક્ષયાન છે. જેને વારંવાર વાપરી શકાય છે. એ પૃથ્વીની ચોક્કસ પ્રદક્ષિણા માર્ગમાં ગોઠવાઈને, કુત્રિમ ઉપગ્રહ માફક પૃથ્વીના ગોળ ચક્કર લગાવતું રહે છે.
ભૂતકાળમાં બોઈંગ કંપની દ્વારા X-40 સ્પેસ પ્લેન વિકસાવવામાં આવ્યું હતું. જેના કરતાX-37 120% મોટું સ્પેસ પ્લેન છે. તેનો મકસદ અંતરિક્ષયાત્રીને અંતરિક્ષમાં લઈ જવાનો નથી. મળતી માહિતી મુજબ X-37 માનવરહિત, ઓન-ઓર્બિટ પ્રયોગો કરવા માટે અને નવી આધુનિક લશ્કરી ટેક્નોલોજીની ચકાસણી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પૃથ્વી પરના નિરીક્ષણ અને વિશ્લેષણ માટે વૈજ્ઞાાનિક અને એન્જિનિયરીંગને લગતો ડેટા એકઠો કરવાં અને અવનવા સંશોધન કરવા માટે તેને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
1999માં નાસા દ્વારા X-37 વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ 2004માં યુનાઇટેડ સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2019માં X-37નો હવાલો અમેરિકાના એરફોર્સ સ્પેસ કમાન્ડને સોંપવામાં આવ્યો છે. હાલના તબક્કે, અમેરિકાના એરફોર્સ દ્વારા, ભવિષ્યના સ્ટાર વૉર્સ માટે તૈયારી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 2010માં સૌ પ્રથમવાર X-37ની ટેસ્ટ ફ્લાઇટ ઉડાડવામાં આવી હતી, ત્યારથી માંડીને અત્યાર સુધી દરેક મિશનમાં તેનો અંતરીક્ષમાં રહેવાનો સમયગાળો વધારવામાં આવે છે. આ સ્પેસ પ્લેન તેનાં પાંચમા મિશનમાં અંતરીક્ષમાં 780 દિવસ રોકાયું હતું. છઠ્ઠા મિશનમાં 908 દિવસની અંતરિક્ષસફર ખેડી હતી.
- સંભવિત ઉપયોગ વિષે આગાહી
- 'સ્પેસ શટલ જેવો તેનો દેખાવ અને લેન્ડિંગ માટેની પ્રક્રિયા તેને અંતરીક્ષમાં વપરાતા શસ્ત્ર માટે નકામું બનાવે છે.
૨૦૨૦માં અમેરિકન લશ્કરી દળે જણાવ્યું હતું કે આ સ્પેસ પ્લેનના પાછળના ભાગમાં એક નવું સર્વિસ મોડયુલ ગોઠવવામાં આવ્યું છે. જેના દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગો થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ ઉડ્ડયનમાં FalconSat-8 નામનો ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવવામાં આવ્યો હતો. લશ્કર દ્વારા પ્રથમ વાર આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી. X-37B માં કેટલીક રોબોટિક ક્ષમતાઓ છે. જેનો ઉપયોગ તેને ભ્રમણકક્ષા રહેલા વિવિધ પ્રકારના ઉપગ્રહના સમારકામ અથવા ઉપગ્રહોને અપગ્રેડ કરવા માટે થઈ શકે છે. જે રીતે સ્પેસટલ દ્વારા હબલ સ્પેસ ટેલિસ્કોપનું સમારકામ કરવામાં આવ્યું હતું! તેવી રીતે X-37નો ઉપયોગ થઈ શકે છે. જોકે નિષ્ણાતોના મત મુજબ આ પણ એકમાત્ર અનુમાન છે.
૨૦૧૯માં ભૂતપૂર્વ એરફોર્સ સેક્રેટરી હીથર વિલ્સને જાહેર કર્યું કે ‘X-37B તેની ભ્રમણકક્ષાને બદલવા માટે પૃથ્વીના વાતાવરણનો ઉપયોગ કરવા માટે પૂરતું નીચે આવીને, ઉપરની તરફ ઉડાન ભરી શકે છે.' વિલ્સને જણાવ્યું હતું કે X-37ના દાવપેચ ખાસ કરીને, રશિયા અને ચીન જેવા વિરોધીઓની ઉપર નજર રાખે છે. X-37B અને તેના પેલોડ્સની આસપાસની એક અફવા ફેલાવી છેકે 'ભવિષ્યમાં X-37નો ઉપયોગ અવકાશી શસ્ત્ર તરીકે થઈ શકે છે. અમેરિકન એરફોર્સના અધિકારીઓ કહે છે કે 'X-37નો ઉપયોગ, લશ્કર માટે ઉપયોગી નવા સેન્સર અને નેક્સ્ટ જનરેશન સેટેલાઈટની ટેકનોલોજી ચકાસવા માટે કરવામાં આવે છે.' બીજાં લશ્કરી નિષ્ણાત કહે છેકે 'સ્પેસ શટલ જેવો તેનો દેખાવ અને લેન્ડિંગ માટેની પ્રક્રિયા તેને અંતરિક્ષમાં વપરાતા શસ્ત્ર માટે નકામું બનાવે છે. કોઈ પણ આક્રમણ કરનાર દેશની હવાઈ સેના, X-37નાં લેન્ડિંગ સમયે તેના ઉપર હુમલો કરી શકે છે. પરંતુ યુદ્ધના સમયમાં X-37 લેન્ડિંગ જ ન કરે તો? તે અંતરીક્ષમાં હોય ત્યારે તેના ઉપર કોણ અને કેવી રીતે હુમલો કરી શકે?'
- એક્સ-37: પ્રાથમિક માહિતી
એક્સ-૩૭ લગભગ ૨૯ ફૂટ (૮.૮ મીટર) લાંબુ અને ૯.૫ ફૂટ (૨.૯ મીટર) ઊંચુ છે. જેની પાંખોની પહોળાઈ ૧૫ ફૂટ (૪.૬ મીટર) કરતા થોડી ઓછી છે. જ્યારે લોન્ચપેડ પર હોય ત્યારે તેનું વજન ૧૧,૦૦૦ પાઉન્ડ (૪,૯૯૦ કિલોગ્રામ) હોય છે. અંતરિક્ષમાં જવા માટે તેને રોકેટનો સહારો લેવો પડે છે, પરંતુ પૃથ્વી ઉપર પાછા ફરવા માટે તે સ્પેસ પ્લેનની માફક રનવે ઉપર લેન્ડિંગ કરે છે. એક્સ-૩૭માં એક પીકઅપ વાનમાં માલ સામાન રાખવાની જગ્યા હોય તેટલી જગ્યા, એક્સ-૩૭માં પે લોડ લઈ જવા માટે છે. જેમાં તે વિવિધ ઉપકરણ અને ઉપગ્રહને લઈ જઈ શકે છે. પૃથ્વીની સપાટીથી ૨૪૦થી ૮૦૫ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે ગમે તે ઓર્બિટમાં તેને ગોઠવી શકાય છે. જો તેમાં વિવિધ પ્રકારના કેમેરા ગોઠવ્યા હોય તો, આટલી ઊંચાઈ ઉપરથી તે આસાનીથી, પૃથ્વી ઉપરના દરેક દેશ ઉપર નજર રાખી શકે છે. જાસૂસી કરી શકે. ૨૦૦૪માં નાસાએ પેન્ટાગોનની ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DARPA)ને બે X-37B વાહનો ટ્રાન્સફર કર્યા હતા. અમેરિકાનો આ પ્લેન વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તે બાબતે લશ્કરી નિષ્ણાતો પણ અંધારામાં છે.
એવું કહેવાય છે કે ચીન તેનું અંતરિક્ષ સ્ટેશન બાંધી રહ્યું છે, તેના ઉપર જાસુસી કરવા માટે X-37B ઉપયોગ થઈ રહ્યો છે. બીજી એક થીયરી એવું કહે છે કે X-37B, અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર મિસાઈલ છોડવા માટેનું સ્પેસ બોમ્બર પ્લેન છે. શોખ માટે આકાશનું નિરીક્ષણ કરનારા કેટલાક આકાશ રસિયાઓએ અમેરિકાના X-37ની હાજરી ટેલિસ્કોપ દ્વારા પકડી પાડી હતી. અને તેના ફોટોગ્રાફ પણ લીધા હતા.
- લશ્કરી ટેક્નોલોજીની ચકાસણી ?
X-37નું અસ્તિત્વ માત્ર જ અમેરિકાના વિરોધી દેશો માટે માટે ચિંતાનું કારણ બની ગયું છે. સરકારી માહિતી પ્રમાણે "X-37B એક હાઇપરસોનિક ગ્લાઇડ વાહન છે. એક લશ્કરી ટેકનોલોજીના નિષ્ણાત જણાવે છે કે X-37 દ્વારા ફોટોવોલ્ટેઇક રેડિયો-ફ્રિકવન્સી એન્ટેના મોડયુલ (PRAM) ટેકનોલોજીની ચકાસણી થઈ ગઈ છે.PRAM આશરે પિઝા બોક્સનું કદ છે. મે ૨૦૨૦માં જ્યારે X-37B નવીનતમ મિશન માટે ઉપડયું ત્યારે,PRAM તેની સાથે જોડાયેલું હતું. પૃથ્વીના વાતાવરણની બહાર રહીને, આ મોડયુલ સૌર કિરણો દ્વારા ઊર્જા એકઠી કરે છે. તેને રેડિયો ફ્રિકવન્સી માઈક્રોવેવ એનર્જીના સ્વરૂપમાં જમીન ઉપર પાછી ફેંકે છે. એટલે કે સૂર્યની ઊર્જાને, માઇક્રોવેવ એનર્જીના સ્વરૂપમાં પૃથ્વી ઉપર મોકલી શકાય છે. ત્યારબાદ માઇક્રોવેવ એનર્જીનો વિવિધ સ્વરૂપે ઉપયોગ થઈ શકે છે. યુદ્ધના સમયે X-37ને અંતરીક્ષમાં અલગ અલગ ભ્રમણ કક્ષામાં મોકલીને, અમેરિકા યુદ્ધ માટે જરૂરી અને સંવેદનશીલ માહિતી ભેગી શકે છે. ઉપરાંત જાસુસી માટે તેનો ઉપયોગ થઈ શકે છે. પૃથ્વી ઉપર મિસાઈલ ઉપર નિયંત્રણ કેન્દ્ર ઉપર હુમલો કરવામાં આવે ત્યારે, જીપીએસ સિસ્ટમ નકામી થઈ ગઈ હોય ત્યારે, X-37નો ઉપયોગ કુત્રિમ લશ્કરી સેટેલાઈટ તરીકે કરી શકાય તેમ છે.
આક્ટોબર 2014માં, ધ ગાર્ડિયને દાવો કર્યો હતો કે ‘X-37B ઉપયોગ, અમેરિકા રિકોનિસન્સ અને જાસૂસી સેન્સર્સને ચકાસવા માટે કરી રહી છે. નવા તેમણે દાવો કર્યો હતો કે 'અમેરિકા X-37 દ્વારા એમ ડ્રાઇવની ચકાસણી કરવામાં આવી હતી. EmDriveએ અવકાશયાનને ધક્કો આપવા માટે વપરાતું નવા પ્રકારનું થ્રસ્ટર છે. આધુનિક આઈડિયા પ્રમાણે આ ઉપકરણ કેટલાક ભૌતિકશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ આઈડિયાને એક સમયે રેઝોનન્ટ કેવિટી થ્રસ્ટર તરીકે ઓળખાતો હતા. શક્ય છે કે X-37 દ્વારા કરવામાં વાંધાજનક ટેકનોલોજીના પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા હોય. ભવિષ્યમાં યુધ્ધમાં X-37નો લશ્કરી ઉપયોગ કેવી રીતે થશે? તેની અમેરિકાએ ચોખવટ કરી નથી.