થોડું ખાટું, થોડું મીઠું, ...પ્રિય ટમેટું!
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
ટમેટું રે ટમેટું,
ગોળ ગોળ ટમેટું,
લાલ લાલ ટમેટું,
નદીએ નાવા જાતુ'તું,
ઘી-ગોળ ખાતુ'તું,
અસ મસ ને ઢસ.
- બાળકોના રમકડાં જેવા ઈન્સ્ટન્ટ એટ્રેકશન પેદા કરતા ટમેટાં આપણી થાળીમાં કેવી રીતે પહોંચી ગયા? મોસમ એની આવે ત્યારે આવા કૂતુહલ થાય તો રતુમડી કાયાની જેવી દિમાગી કસરત થાય!
હજારો સ્પેનવાસીઓ (હવે સરકારે ૨૦,૦૦૦ની લિમિટ બાંધી છે ૯,૦૦૦ની વસતિ ધરાવતા ગામમાં છતાં પચ્ચીસેક હાજર તો એકઠાં થઇ જ જાય છે ટિકિટ લઈને ! ) રસ્તા પર ઊતરી આવે, અને બહારથી આવેલા ટૂરિસ્ટ્સ પણ તેમાં જોડાય. ભરબપોરે શહેરના ચોખ્ખાચણાક ચોકમાં ટ્રક ભરી ભરીને ટમેટાં ઠલવાય. અંદાજે દોઢ લાખ કિલો પાકાં ટમેટાંની શેરીઓમાં સામસામી ફેંકાફેંકી ચાલે. આજુબાજુનાં મકાનો, થાંભલાઓ, શેરીઓ બઘું જ 'રેડ' રંગે રંગાઈ જાય. દુનિયાની સહુથી મોટી આ 'ફૂડ ફાઈટ'માં બધું સ્ત્રીઓ-બાળકો-વૃદ્ધો બધાં જ ખુલ્લા શરીરે જોડાય-બધાના દેહ પર ટમેટાંથી ધૂળેટી રમ્યા હોય તેમ લાલ છાલ ચોંટી ગઈ હોય ! હવામાં ટમેટાં ઊડતાં હોય. જમીન પર, વાળ પર... બધે ટમેટાં જ ટમેટાં !
એકાદ કલાકનો આ ટમેટાં ઉત્સવ પૂરો થાય પછી હોઝ પાઈપ લઈને ખાસ ટુકડી શહેરને સાફ કરવા નીકળી પડે. સ્પેનિયાર્ડો હજુ પણ એમ માને છે કે ટમેટાંનો એસિડિક રસ લાગ્યો હોઈને પછી ધોવાયેલી દીવાલો કે રસ્તાઓ વધુ સરસ રીતે ચમકી ઊઠે છે ! ટમેટાંનો ગરમાગરમ સૂપ (પ્રિઝવેર્ટિવ નાખેલા સોસની કે કેચઅપની વાત નથી હોં કે) જોઈને જેમ શિયાળામાં આપણી આંખો ચમકી ઊઠે તેમ !
સ્પેનનું તો આમે દુનિયાને ટોમેટોમય કરવામાં આગવું યોગદાન છે, જે એ લોકો ભૂલ્યા વિના આવા ઉત્સવથી રિમાઈન્ડ કરાવે છે. મૂળભૂત રીતે શાકને લાલ કરવાના રતુમડાં ઝંડાધારી એવા ટમેટાંનું વતન એટલે દક્ષિણ અમેરિકા ! પેરુ અને ઇક્વાડોરમાં એ સૌથી પહેલા થતાં. ટમેટાં એક જંગલી ફળ છે. પ્રાચીન કાળમાં જ એના સ્વાદ ઉપરાંત એમાંનાં પોષક દ્રવ્યોની ખબર પડી ગઈ હોય, એમ ખવાવા લાગ્યાં. આજનાંના પૂર્વજ જેવા 'વાઈલ્ડ ચેરી ટોમેટો' હજુ પણ દક્ષિણ અમેરિકાના ખીણપ્રદેશોમાં ઊગે છે. ટમેટાં વળી ઝેરી ગણાતા કૂળની વનસ્પતિ છે. ઘણા ટમેટાંના છોડનાં પાન ઝેરી અસરવાળાં હોય છે. પણ પ્રાચીન 'ઇન્કા' સંસ્કૃતિના ખેડૂતોએ એ જાણી લીધું કે ટમેટાંનું ફળ ઝેરી નથી. એ ખાઈ શકાય તેમ છે. અને અદ્ભુત બાંધકામો પહાડો પર કર્યા એમ માનવજાતને ટમેટાંની ભેટ આપી. ત્યાંથી એ મય અને એઝટેક સંસ્કૃતિ સુધી પહોંચ્યા.
પણ ટમેટાંની ખરી પહેચાન જ દુનિયાને સ્પેને કરાવી. લગભગ ૧૬મી સદીની શરૂઆતમાં સ્પેનિશ સૈનિકો પીળા અને લાલ ટમેટાં સ્વદેશ લઈ આવ્યા. જ્યાં તેની વાનગીઓ બનવા લાગી. પછી તો ટમેટાં ઇટાલી, ઉત્તર આફ્રિકા અને અખાતી દેશોમાં પણ જઈ ચડયાં. સ્પેનિયાર્ડોએ એક નવી તરકીબ અજમાવી. દુનિયાના અલગ-અલગ દેશ જીતવા માટે વારંવાર વહાણમાં ચડીને એના ખલાસીઓ મુસાફરીએ નીકળતાં. વેપાર ધંધા તો ખરા જ. નવી દુનિયા (અમેરિકા)નો છોડ ગણાતા ટમેટાં આ સ્પેનિશ જહાજીઓ દરેક કિનારે રોપતા ગયા. જેથી દૂર દૂર પ્રવાસ કરી રહેલા સ્પેનિશ વહાણવટીઓને સતત ટમેટાંનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક મળતો રહે.
પેસિફિક સમુદ્રને ઘમરોળતી ત્રણ પ્રજાઓ એ વખતે ટોચ પર હતી. સ્પેનિશ, બ્રિટિશ અને પોર્ટુગલના ડચ. હવે થયું એવું કે 'વિટામિન સી' ના અભાવે થતો રોગ 'સ્કર્વી' સ્પેનિશોને ભાગ્યે જ થાય... પણ ડચ - બ્રિટિશ એમાં વારંવાર સપડાય. ધીરે ધીરે વિટામિન સીના ખજાના જેવા ટમેટાંના ફાયદા યુરોપને સમજાવા લાગ્યા. પછી તો આગળ વાત થઈ તેમ 'ટોમેટો'નું 'ટમેટું' કરીને આપણે પણ એ અપનાવી લીધાં! એ જ રીતે પોર્ટુગલના 'પોટેટો'ને આપણે 'બટેટું' બનાવીને સ્વીકાર્યા છે !
શુદ્ધ સ્વદેશી સિવાય દરેકેદરેક વિદેશી વિચારને જાહેરમાં હડધુત કરવાની ટેવવાળા કેટલાક આંદોલનબાજોની જાણ ખાતર, કે ટમેટાં સંપૂર્ણપણે વિદેશી ફળ છે. સૈદ્ધાંતિક રીતે તો સ્વદેશી સમર્થકોએ તેને અડકવું પણ નહિ. વળી, ટમેટાંને ભારત આવ્યાને તો અંગ્રેજો જેટલો પણ સમય નથી થયો ! ઇતિહાસ નોંધે છે કે ઈ.સ. ૧૮૨૨માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારીઓએ ભારતમાં ટમેટાંની ખેતી શરૂ કરી હતી. આજે લાખો ટન ટમેટાં પેદા કરતું ભારત ટમેટાંમય થઈ ગયું છે. છેલ્લે તમે ટમેટાં વિનાનું ભોજન ક્યારે લીધું હતું, એ યાદ કરી જુઓ ! ગ્રેવીની ગુણગાથા ટમેટાં વિના ગાઈ જ ના શકાય ! ટૂંકમાં, કશું પણ શુદ્ધ સ્વદેશી હોતું નથી. બધો આદાનપ્રદાનનો ખેલ છે માનવજાત અને પ્રકૃતિનો. સાવ પ્રાચીન સનાતન થવું તો આપણી ગુજરાતી થાળીને પણ પાલવે એમ નથી !
શરૂઆતમાં જો કે ટમેટાં યુરોપમાં પણ તરત સ્વીકારાયા નહોતા. એના માંસલ અને લાલચોળ દેખાવને લીધે લોકો એનાથી ડરતા. એને ભેદી ચીજ ગણી સજાવટ પૂરતા રાખતા ને એમાં પ્રવાહી છે એ ઝેરી હોય એવું માનતા. જંગલી ટમેટાં તો હંમેશા ચેરી જેવા નાના અને પીળા કે કેસરી રંગના હોય. પણ એનું આ પાલતુ બનાવેલું ડોમેસ્ટિકેટેડ વર્ઝન રેડ થયું. જેને ફ્રેંચ લોકો મેન્ડ્રેક જેવા નશીલા છોડ સાથે સરખાવી 'લવ એપલ્સ' કહેતા. અલબત્ત, પાછળથી એ તો સાચે જ સિદ્ધ થયું કે ટમેટાંમાં એફ્રોડાઈસિક યાને વાજીકરણના ગુણ છે. એ એન્ટીઓક્સિડન્ટ હોવા સાથે રુધિરને શુદ્ધ રાખે છે. બ્લડ ફલો જ નહિ, લીવરની બીમારીમાં પણ ઉપકારક છે. અને ડાયેટ ફૂડમાં તો કલર્ડ સોર્સ તરીકે પહેલી પસંદ છે. સેલડ ઉર્ફે કચુંબરની તો એ જાન છે. વેજ સેન્ડવિચ હોય બર્ગર, એની સ્લાઈસ તો અનિવાર્ય છે. હાનીકારક એવા પ્રોસેસ્ડ નાસ્તાને બદલે બાળકો રિસેસમાં સ્વાદ પુરતું જરાક નમક ને વધુ મરી છાંટી તાજાં ટમેટાં કાપીને ખાય તો એમના ગાલની લાલી પણ ટમેટાં જેવી રતાશ પડતી થઇ જાય !
લાઈકોપસકોન એસ્ક્યુલેન્ટમ !
ન સમજાયું ? આ લેટિન નામ છે, પેલું જે છે ને... જે લાલ લાલ હોય છે... ગોળ ગોળ હોય છે. પોચું પોચું હોય છે.... સ્વાદિષ્ટ પણ હોય છે, જેને આંગળીઓમાં રમાડી શકાય... જેને બચકાં પણ ભરી શકાય... કાચુંય ખવાય અને વઘારીને પણ ખવાય... જેમાં ઝીણાં ઝીણાં બિયાં હોય છે અને મીઠોખાટો રસ પણ હોય છે... અને ઉપર એક લીલુંછમ ડીંટું પણ હોય છે.... એનું નામ છે આ !
જી હા, આપણે વાત કરીએ છીએ ટમેટાંની.
ટમેટું ! કે પછી ટોમેટો ! આ નામ જ કેવું રમતિયાળ છે ! વારંવાર બોલવાનું મન થાય તેવું. ટમેટું દેખાય છે પણ એવું જ 'ફની' ! એ બાળકો માટે રમકડું બની શકે છે. એનો કાર્ટૂન કેરેક્ટર જેવો દેખાવ તમને વગર કારણે હસાવી શકે છે. સવારના પહોરમાં તાજાં ટમેટાં નજરે પડે તો સીધેસીધા (અલબત્ત ધોઈને !) પેટમાં પધરાવી દેવાનું મન થઈ જાય ! શિયાળો એ તો ટમેટાંની સીઝન છે. સૂપ કે સોસ તો ઠીક, જાતજાતનાં શાકનું ટમેટાં સાથે કમાલ કોમ્બિનેશન થઈ શકે. વાલ, વટાણા, તુવેર, ચોળી, ફલાવર... બધાંને ટમેટાં સાથે અને ટમેટાં વિના ખાઈ જુઓ. બટેટા-ટમેટાં તો કાઠિયાવાડનું વહાલું શાક. ઓળો કે ઊંધિયું પણ ટમેટાં વિના અધૂરું લાગે! કચુંબર - સલાડનો તો એના વિના આકર્ષક દેખાવ જ ન બને ! સ્વાદ તો પછીની વાત છે. યે લાલ રંગ...
એ વૈજ્ઞાાનિક હકીકત છે કે ટમેટાંમાં અન્ય શાક કે લસણ-ડુંગળીની સુગંધને સાચવી રાખવાનો ગુણ છે. વળી ટમેટાંની હાજરી બાકીના સ્વાદને દબાવી દેવાને બદલે વધુ ખીલવે છે. કોઈ પણ 'ગ્રેવી'માં ટમેટાં હાજર હોય, એ આપણી સ્વાદશોખીન જીભને વધુ માંફક આવે છે. પ્રચલિત માન્યતા એવી છે કે ટમેટાં શરદી કરે છે કે ખટાશને લીધે આરોગ્યપ્રદ નથી. પણ એ કેવળ માન્યતા છે. તથ્ય નહિ. વિજ્ઞાાન જાણ્યા વિના માન્યતાઓ કેળવવાની ટેવ ખતરનાક છે.
ટમેટું બહુ અજીબ છે. એ ફળ પણ છે અને શાક પણ ! મૂળ તો દરેક ફ્રૂટ એટલે છોડનું બીજ ધરાવતું ગરવાળું ઓવરી જેવું બંધારણ. ટેકનીકલી ફળ ગણાતા ટમેટાંમાં પાછો ફ્રૂક્ટોઝ એટલો હોતો નથી કે ગળ્યું બહુ લાગે. વેલા જેવા છોડ છે. એના પર આવતા ફૂલ અને ફળ એ ફ્રૂટ્સ ગણાય. શાક કહીએ એ પાન, મૂળ, દે ડાળના રૂપમાં વધુ હોય. પણ ભીંડા કે ટમેટાં મૂળભૂત રીતે ફ્રૂટ ગણાય. છતાં આટલી બોટની ના જાણતા ગામડાના ડોશીમા પણ એને ફ્રૂટ સલાડમાં ના નાખે ને શાક જ ગણે ! આ રસીલો કોયડો છે !
આ રસાળ ગોળમટોળ દડાનું ઉત્પાદન ૬ થી ૭ પીએચ ધરાવતી યાને વૈજ્ઞાાનિક રીતે 'ન્યુટ્રલ સોઈલ' ગણાતી જમીનમાં થાય છે. ટમેટાંનો છોડ વાવો ત્યારે બહુ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોની જરૂર નથી. ટમેટાંની બાજુમાં ગલગોટો ઉગાડો તોય ઘણી જીવાત તેની ગંધથી ભાગી જાય ! ટમેટાંના સામાન્ય ગુજરાતી માટે બે જ પ્રકાર છે ઃ દેશી અને વિદેશી ! વિદેશી એટલે વાસ્તવમાં ફોરેનના નહિ, પણ જેનેટિકલી મોડિફાઈડ ટમાટર. એમાં બહુ સ્વાદ કે સુગંધ હોતાં નથી છતાં એકસરખા સ્વાદના હોઈને હોટલોમાં એ જ વધુ વપરાય છે. અને હવે રસોડા સુધી એ જ પહોંચી ગયા છે. દેશી એટલે આંકાવાળા ને વધુ ખટમીઠા ટમેટાં તો હવે દુર્લભ છે. માંડ શિયાળાના બે મહિના અમુક જ વિસ્તારમાં ઊંચા ભાવે મળે. ખેડૂતો એ વાવતા નથી. ગાજર જેવા ફિક્કાં મોળા ટમેટાંની જ બધે વધુ બોલબાલા છે ને એ પણ મોંઘા પડે છે તો મૂળ દેશી ટમેટાં કહીએ છીએ એ તો યુરોપમાં કે આફ્રિકામાં જ વધુ જોવા જડે છે હવે !
જેનેટિકલી મોડિફાઈડ ટમેટાંની એક આંતરરાષ્ટ્રીય દુનિયા છે. ટમેટાંને ઘણી બધી જગ્યાએ જહાજ, ટ્રેન કે ટ્રક દ્વારા પહોંચાડવા પડે છે. ટમેટાં પેરિશેબલ (નાશવંત) પદાર્થ હોઈને આ કામમાં જોખમ મોટું. ઝટ બગડી જાય, છૂંદાઈ જાય. હવે તો ગોળાકારને લીધે ખોખામાં વધુ ટમેટાં ન સમાય - એ સ્થિતિ ટાળવા માટે ચોરસ ટમેટાં પણ બની રહ્યાં છે. એની વે, મોટે ભાગે ટમેટાં લીલા રંગનાં અને કાચાં હોય, ત્યારે જ ચૂંટીને પેક કરી દેવાય છે. કઠણ હોઈને તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ રહે. પછી એને ઈથીલીન ગેસ આપીને પકાવવામાં આવે. પણ આ રીતે તૈયાર થયેલાં સિન્થેટિક ટોમેટોમાં ઓરિજિનલ ટમાટરની ખુશ્બુ, સ્વાદ અને સાકર-પોષક દ્રવ્યોનું પ્રમાણ ન જળવાય.
વિજ્ઞાાનીઓએ હવે તો જો કે, ટમેટાંમાં છુપાયેલો એ 'જીન' શોધી કાઢયો છે, જેને લીધે કુદરતી ઈથીલીનનું નિર્માણ થાય અને ટમેટાં કુદરતી સ્વરૂપમાં પાકે. ટમેટાંના કોષના 'ડીએનએ'માં ફેરફાર કરવાથી એ કરચલીવાળા બન્યા વિના લાલચટ્ટક થઈ જાય ! આવા ટમેટાં જીવાત અને રોગ સામે પણ મુકાબલો કરવા સક્ષમ હોય અને કદમાં પણ મોટાં હોય. વારાણસીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ હાવર્ડ યુનિવર્સિટીની માફક એ પણ તારવ્યું છે કે ટમેટાંમાં એન્ટીઓક્સિડન્ટ લાયકોપેન હોય છે. જે કદાચ કેન્સર રોકી શકે છે. ટમેટાં પર જાતભાતના પ્રયોગો ચાલે છે. કેનેડામાં પ્લાસ્ટિક ટયૂબમાં ટમેટાં ઉગાડાય છે, તો એન્ટાર્કિટકાના બરફીલા ખંડમાં ભારતીય વિજ્ઞાાનીઓ 'મૈત્રી' નામનું રિસર્ચ સ્ટેશન સ્થાપીને બેઠા છે. ત્યાં એ લોકો 'ગ્રીનહાઉસ'માં ટમેટાં ઉગાડે છે !
ટમેટાંના સાડા અઢાર કરોડ ટનના વૈશ્વિક ઉત્પાદનમાં બે કરોડ ટન સાથે ભારત બીજા નંબરે છે ! ચીન ઓલમોસ્ટ સાત કરોડ ટન સાથે પહેલા નંબરે અને ત્રીજા સ્થાને તુર્કી અને યુએસએ છે. પછી ઈજીપ્ત અને મેક્સિકો આવે. નવી લાગશે પણ ટમેટાં એ જ કૂળમાંથી આવે છે, જે સોલાનીયમ વર્ગીકરણમાં તમાકુથી રીંગણ પણ આવી જાય છે ! કયા કયા દેશોમાં કેવી કેવી રીતે ટમેટાં ભોજનનો કે ખેતીનો હિસ્સો બન્યા એની રસપ્રદ તવારીખ તો અલાયદો લેખ માંગી લે એમ છે. રાબેતા મુજબ એમાં યુરોપિયન પ્રજાનું નકકર યોગદાન છે. પાતળી છાલ ને નાજુક બાંધાને લીધે કોમળ એવા ટમેટાં ટ્રાન્સપોર્ટ કરવા અઘરા પડે એટલે લોકલ ઉગાડવા વધુ ફાયદાકારક. કાચાં લીલાં ટમેટાંનો લોટ નાખી મસ્ત સંભારો થાય કાઠિયાવાડમાં.
પણ અર્ધપાકા ટમેટાં ્રટ્રાન્સપોર્ટ કરીને પછી છેલ્લે માર્કેટમાં પહોંચે ત્યારે પકવી નાખવામાં આવે એ રસમ જાણીતી છે. પણ કેમિકલ્સવાળા ટોમેટો કેચઅપના જમાનામાં લુપ્ત થતી વિરાસત તો રેડી પાવડર પેક ગરમ પાણીમાં હલાવ્યા વિના ટોમેટો સૂપ બનાવવાની ને ટેસથી આરોગવાની છે. રિવિઝન કરીએ તો..
આખા શહેર ફરતે અંધકારે ઘેરો ઘાલ્યો છે. સ્વેટર પહેર્યા પછી પણ કસોકસ ભીંસીને શાલ ઓઢવી પડે એવી ઠંડી છે. પંખા- એ.સી. બંધ હોવાથી શ્વાછોશ્વાસનો અવાજ તાલબદ્ધ રીતે સંભળાય છે. દૂર કશુંક ધીમું સંગીત વાગી રહ્યું છે. ફાયર પ્લેસનું કે તાપણાનું ઝાંખુ અજવાળું છે. અને ટેબલ પર ખટમઘુરાં અને દેખાવે જરા આંકા પાડેલા લાલચટ્ટક દેશી ટમેટાંનો ગરમાગરમ સૂપ ભરેલું બાઉલ પડેલું છે. રક્તવર્ણી સૂપ પર તેલની આછેરી મેઘધનુષી ઝાંય તરવરે છે, જેમાં નીરખો તો તમારી આંખના ચળકાટનું પ્રતિબિંબ ઝળકે છે. દરિયામાં તરતી શાર્ક જેમ અલપઝલપ દેખાય એમ ડુંગળી અને લસણ 'રેડ એન્ડ વ્હાઈટ' કોમ્બિનેશન રચતા તરે છે. ગરમ સૂપમાં બફાઈને પોચા પડેલા ઓનિયન-ગાર્લિક બાઈટસ! લાલ-લીલી ચણિયાચોળીની માફક લીલીછમ કોથમીર રાતા સૂપ પર લહેરાતી હોય અને વઘારમાં દેશી કથ્થાઈ ગોળ સાથે પડયું હોય શ્યામરંગી લવિંગ!
બસ, જરા તાકી તાકીને ફળફળતા ગરમ સૂપ સામે નિહાળો. એના ઉઘડતા લાલ રંગને આંખોમાં આંજી લો. ઉંડો શ્વાસ લઈને એની તાજગીસભર મહેક ફેલાવતી વરાળને ફેફસાંની સૈર કરાવો. પછી બઘું જ ભૂલી જઈ, હળવેકથી મોટા ચમચામાં એ ભરીને ધૂંટડો સીધો જ ગળે ઉતારવાને બદલે જરા જીભ ફેરવીને ચગળો! એની ગરમાહટ અન્નનળીથી જઠર સુધી મહેસૂસ કરો, જાણે કાસ્ટિંગ આયર્ન ફેકટરીના પાઈપમાં રાતુંચોળ પ્રવાહી પોલાદ પ્રસરતું હોય!
વેલ, શિયાળામાં જ લ્હાવો લેવા જેવી આ ક્રિયાને 'સૂપ મેડિટેશન' ન કહેવાય? ગ્વાકેમૂલી થી સાલ્સાના આ યુગમાં દરેક વાનગીમાં ટોમેટો સોસ ઉમેરતી જનરેશન આ ફેશન ક્યારે અપનાવશે ? માર્કેટમાંથી ટમેટું તો લગભગ ગાયબ છે, એની કાગારોળ વારંવાર મીડિયામાં આવે છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતભરમાંથી ઓરીજીનલ આંકાવાળા ગોળાકાર, ખટમીઠાં દેશી ટમેટાં સદંતર લોકોના ઘર અને પછી બજારમાંથી ગાયબ જ થઇ ગયા છે, એમાં કોઈના પેટનું પાણી કે પેપ્સી કશું ય હલતું નથી ! જે ટમેટાં આજે મોંઘા થયા ને ઠેર ઠેર મળતા કે મળશે એ તો હાઈબ્રીડ ઓલાદ છે. લંબગોળ લિસ્સા,તદ્દન ફિક્કા, સ્વાદ વગરના, મોળાફસ. પોપૈયા જેવા. ટમેટાંનો મૂળ તીવ્ર ખટમધુરો સ્વાદ જ ગાયબ છે, વર્ષોથી. બસ લાલ રંગની છાલ રહે છે. મૂળ તો મોંઘા એટલે જ હોય છે કે કોઈ એ માંગતું નથી, ને કોઈ એ ઉગાડતું નથી. આપણે ધૂળ ને રાખ જેવી બાબતોમાં સ્વદેશપ્રેમનાં હાકલાડાકલાં તારસ્વરે વગાડીએ છીએ, પણ આપણી થાળીના ટમેટાંનો મૂળ સ્વાદ જાળવવા કે પારખવાની ફિકર નથી. અરે, ખબર જ નથી ! આવું તો દેશી મકાઈથી ગાયના દૂધ જેવી અઢળક બાબતે થાય જ છે ! જરાક, કોઈક વાર પાઉંભાજીથી સૂપ સુધી અસ્સલનાં દેશી ટમેટાંનો ચટકો લઇ તો જોજો !
ટોમેટો ઈઝ ટેસ્ટી ! રિયલી.
ફાસ્ટ ફોરવર્ડ
'સરસ રીતે ઉગાડેલાં ઘરના તાજાં પાકાં ટમેટાં હાથમાં રમાડતા હો, કે બચકાં ભરી ખાતા હો ત્યારે કોઈ નકારાત્મક વિચારો આવતા નથી , બસ ખુશી જ મળે છે !'
(લુઈ ગેઝાર્ડ)