જન્મભૂમિ અને વતનભૂમિનો નૈસર્ગિક ફાલ : સરદાર પટેલ
- સરદાર @150 - હસિત મહેતા
- સરદારના માતા લાડબાએ નડિયાદમાં પોતાના ભાઈ ડુંગરભાઈ દેસાઈના નાનકડા ઓરડામાં વલ્લભભાઈને જન્મ આપ્યો હતો. સદ્નસીબે જ્યાં અખંડભારતનું આ નસીબ જન્મ્યું હતું, એ સરદારના મામા ડુંગરભાઈ દેસાઈનું ઑરિજીનલ મકાન આજે પણ અખંડ છે,
- સરદારે ખેતી તો કરી, પણ ફસલમાં અંગ્રેજોની સત્તાનું નિંદણ કરીને અખંડ ભારતની મહામૂલી પેદાશ મેળવી છે, અને તેમાં એમની જન્મભૂમિ અને વતનભૂમિના ખમીરવંતા પાણીના સિંચને મોટો ફાળો આપ્યો છે.
જર્મન નેતા બિસ્માર્કએ પ્રશિયાના નાના ટૂકડાઓના પ્રદેશનું હિંસક ક્રાંતિથી એકત્રિકરણ કરીને જર્મની બનાવેલું. લેનિના નેતૃત્વમાં રશિયામાં હિંસક સામ્યવાદી ક્રાંતિ બોલ્શેવિઝમ થયેલી. આ બંને જોડે અકારણ અને અતાર્કિક રીતે બારડોલીના સત્યાગ્રહને અને સરદાર વલ્લભભાઈને સરખાવવામાં આવે ત્યારે થાય કે ક્યાં સરદારની ચરોતરી બહુરત્નાવસુંધરા અને ક્યાં યુરોપિયન હિંસકભૂમિ. ક્યાં સરદારની કર્મઠ દેશભાવના અને ક્યાં જર્મનીના નેતાઓની સ્વાર્થભાવના. ક્યાં સરદારની ગાંધીમાર્ગી ફનાગીરી અને ક્યાં ગોરી પ્રજાના દંભ અને લુચ્ચાઈ ?
જો આપણે વલ્લભભાઈના જન્મ અને વતનની ભૂમિને જાણીએ તો સમજાય કે આ એક સામાન્ય ખેડૂતપુત્રની ઉછેરભૂમિ (નર્સરી) સપૂતોને પકવતી ખમીરવંતી વસુંધરા છે. સરદાર આવી માટીમાંથી ઉભા થયેલાં મહામાનવ છે, નહીં કે રાજકાજની કૂટનીતિમાંથી ગમે તે ભોગે (હિંસક રીતે!) દેશહિત દેખાડતા રાજનેતા. સરદારની વતનભૂમિ અને જન્મભૂમિનું બેકગ્રાઉન્ડ જ એમના ઉછેર અને વ્યક્તિત્વની મૂલવણી કરતો સંવેદનશીલ પુરાવો છે.
અમદાવાદ અને વડોદરા વચ્ચેના એકસો દસ કિલોમીટરની બરાબર અધવચ્ચે આવેલું નડિયાદ એ સરદારની મોસાળીયા જન્મભૂમિ છે, અને આણંદ પાસેનું કરમસદ સરદારની બાપિકી વતનભૂમિ. નડિયાદ એ સમયે તાલુકામથક હતુ અને કરમસદ આણંદ તાલુકા મથક કરતા બીજા નંબરનું ગામ. સરદાર નડિયાદ અને કરમસદના અનેક પાટીદાર છોકરાઓની માફક ભલે કોઈને પોશાક, વર્તાવ અને દેખાવમાં જમીનદારો જેટલાં જાજરમાન ન લાગે, પરંતુ આવેશ અને ધીરજનો અદ્ભૂત સમન્વય ધરાવતાં, ખમીરવંતા, ખડતલ અને આત્મનિષ્ઠ વ્યક્તિત્વનો મહામૂલો વારસો એમને આ બંને ભૂમિની સામાજિક પરંપરાઓમાંથી મળ્યો હતો.
કહેવાયું છે કે છઠ્ઠી સદીમાં વાયવ્ય દિશાએથી ઉતરી આવેલી હૂણ જેવી ખડતલ જાતિ કે પછી પંજાબના ગૂર્જરો જેવી પ્રજા જ ચરોતરી પાટીદારોના પૂર્વજો છે. એમણે અહીં આવીને જંગલો કાપ્યાં, ઉબડખાબડ જમીનને સમતોલ કરી, ગાડા ને ગાડા ભરીને રેતાળ જમીનમાં છાણ-માટીનું ખાતર ઠાલવ્યું અને એ રીતે ફળદ્રૂપ થયેલી જમીનપાટીના માલિક તરીકે પાટીદાર બન્યાં. તેઓ પંદરમી સદી સુધીમાં મુસલમાનો અને મુગલો સાથે સમાધાનથી જીવ્યા, પણ એ પછી હિંદુ રાજવટ સ્થાપવામાં મોટો ફાળો આપીને માનમરતબો મેળવેલો. તેમાં નડિયાદ અને કરમસદ જેવા સ્હેજ મોટા ગણાતાં ગામોનો ફાળો ઘણો મોટો હતો.
સરદારના માતા લાડબાએ નડિયાદમાં પોતાના ભાઈ ડુંગરભાઈ દેસાઈના નાનકડા ઓરડામાં વલ્લભભાઈને જન્મ આપ્યો હતો. સદ્નસીબે જ્યાં અખંડભારતનું આ નસીબ જન્મ્યું હતું, એ સરદારના મામા ડુંગરભાઈ દેસાઈનું ઑરિજીનલ મકાન આજે પણ અખંડ છે, અને એ મકાનનો નાનકડો સરદારજન્મખણ્ડ પણ એવો ને એવો મોજૂદ છે. ડુંગરભાઈ નડિયાદ નગરપાલિકાના બાંધકામ ખાતામાં કારકૂની કરતા હતા. વલ્લભભાઈ લાડબાનું ચોથું સંતાન હતા. તે જમાનાના રિવાજ પ્રમાણે લાડબા સુવાવડ માટે સાસરેથી પિયર આવ્યા હતા. સરદારના આજા, એટલે કે નાના, એટલે કે માના બાપનું નામ જીજીભાઈ વસ્તાભાઈ દેસાઈ. એમનું કુટુંબ નડિયાદના દેસાઈવગામાં મોટું ઘર ગણાય. વળી લાડબાના સાસરીયાઓની સરખામણીએ જીજીભાઈ અને તેમના દીકરા ડુંગરભાઈની આર્થિક સ્થિતિ પણ ઘણી સારી. એટલે જ સ્તો સરદારનો મેટ્રિક અભ્યાસ અને વિઠ્ઠલભાઈનો બધો જ અંગ્રેજી અભ્યાસ મોસાળ નડિયાદમાં પોસાયો હતો.
એમ કહેવાય છે કે ઉત્તરભારતમાંથી આવેલાં અમુક લેઉઆ પાટીદારોએ ગુજરાત આવીને નડિયાદ, વસો, કરમસદ, ભાદરણ, ધર્મજ અને સોજિત્રા જેવા ૬ મોટા ગામો વસાવેલાં. તેથી એ જમાનામાં આ છ ગામના પાટીદારો તેમની કોમમાં મોટાં માથાવાળા અને વિશેષ કુળવાન ગણાતાં હતા. તેમાંય કરમસદનાં તો બધા પાટીદારો મૂળ એક જ કુટુંબની પ્રજા ગણાતાં. એ કુટુંબની શાખા-ઉપશાખાઓ કરમસદની ખડકીઓમાં વસેલી હતી. એમાં વલ્લભભાઈના પિતા ઝવેરભાઈવાળી ખડકીમાં વસ્તી કંઈક વધારે, એટલે ઝવેરભાઈ પાસે દસેક વીઘાં જમીન જ આવેલી.
ઝવેરભાઈનું મકાન પણ બે માળનું, કોઈ મઘ્યમ પાટીદારનું હોય તેવું જ. ત્યાં ભોંયતળિયાની રવેશીમાં હીંચકો હતો. ઝવેરભાઈ અને મહેમાનો બેસીને ત્યાં હોકો પીતાં. એ પછી આવતી પરસાળ અને અંદરના ઓરડાઓમાં સૂવા-બેસવાનું, અનાજ સંઘરવામાં આવતું અને દરદાગીનાઓ સચવાતા હતા. ઘરનાં સ્ત્રી-પુરુષો રસોડામાં જ સ્નાન કરતાં. ઉપરનો માળ તો જાણે ખેતપેદાશોનો કોઠાર. છાપરે નળિયા, પણ દીવાલો ઈંટ-ચુનાની. ભોંયતળિયે થોડા ભાગમાં પથ્થરો અને ઝાઝા ભાગે છાણ-માટીનું લીંપણ. મકાનની બહારની ભીંત ઉપર બારણાં આસપાસ ફૂલભાત અને મોર-વાઘના ચિત્રો, જ્યારે ઉપરના ભાગે મહાભારતના એક પ્રસંગનું અને અંગ્રેજો સામે લડી રહેલાં હિંદીઓનું અદ્ભૂત ચિતરામણ.
કહો જોઈએ, જેની જન્મભૂમિ નડિયાદમાં સમૃદ્ધિને કારણે ઉચ્ચશિક્ષણની સગવડો હોય અને જેનાં વતન કરમસદના ઘરની દિવાલો ઉપર પહેલેથી જ અંગ્રેજો સામેની હિંદીઓની લડાઈના ચિત્રો શોભતા હોય, એ પાર્શ્વભૂમિમાં ઉછરેલો ગર્ભ માત્ર ખેડૂતપુત્ર બનીને ખેતીકામમાં જીવન ગુજારતો બંદીવાન બની શકે ખરો? કહેવું જોઈએ કે સરદારે ખેતી તો કરી, પણ ફસલમાં અંગ્રેજોની સત્તાનું નિંદણ કરીને અખંડ ભારતની મહામૂલી પેદાશ મેળવી છે, અને તેમાં એમની જન્મભૂમિ અને વતનભૂમિના ખમીરવંતા પાણીના સિંચને મોટો ફાળો આપ્યો છે.