અલવિદા અને સોરી...તુવાલુ!
એક નજર આ તરફ - હર્ષલપુષ્કર્ણા
જગતના નકશા સિવાય ન-કશામાં જેની ગણતરી થાય એ તુવાલુ દેશને ક્રમશઃ જળસમાધિ આપવાના પાપમાં આપણી ભાગીદારી કેટલી ?
ગ્લોબલ વોર્મિંગના પાપમાં અત્યાર સુધીની અને હવે પછીની ભાગીદારી બદલ આપણે સૌ વધુ-ઓછા અંશે કસૂરવાર છીએ. આથી એ ગુનાની સજા જેણે ભોગવવાની આવી છે એ તુવાલુની બે હાથ જોડી, સોરી કહીને માફી માગવી રહી!
ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના સતત બગડતા સૂરતે હાલ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે જગતના દેશો દર વર્ષે Conference of the Parties/ COP કહેવાતું આંતરરાષ્ટ્રીય અધિવેશન યોજે છે. પશ્ચિમ એશિયાઈ દેશ અઝરબૈજાનના પાટનગર બાકુ ખાતે નવેમ્બર ૧૧-૧૨ના રોજ અધિવેશનના ૨૯મા મણકા COP29નું આયોજન થયું. રાબેતા મુજબ તેમાં ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, કાર્બનના ઉત્સર્જન પર કાપ મૂકવો, ઇકો-ફ્રેન્ડલી વૈકલ્પિક ઊર્જાસ્રોતો અપનાવવા જેવા વિષયો પર ચર્ચા થઈ. રાબેતા મુજબ જ ચર્ચા રેતી પીલીને તેલ કાઢવા જેવી અર્થહીન રહી,કેમ કે રાબેતા મુજબ જ કોઈ વિકસિત યા વિકાસશીલ દેશને પોતાના ઔદ્યોગિક વિકાસનો શ્વાસ રૂંધીને અસ્થમા વડે પીડાતી પૃથ્વીના રૂંધાતા શ્વાસનો ઇલાજ કરવામાં રસ નથી. આ હાડોહાડ મતલબી વલણની ભયંકર અસરો આપણી આગામી પેઢીઓ પર પડ્યા વિના નથી રહેવાની એટલું નક્કી માનજો, પણ દરમ્યાન જગતનાં કેટલાંક સ્થળે તો ગ્લોબલ વોર્મિંગે માઠી અસરો બતાવવાનું ઘણા વખત પહેલાંથી શરૂ કરી દીધું છે.
આવું એક સાવ અજાણ્યું, અલિપ્ત ને અટૂલું સ્થળ તુવાલુ છે. પ્રશાંત મહાસાગરની ૧૬,પ૨,પ૦,૦૦૦ ચોરસ કિલોમીટરની લાંબી-પહોળી છાતી પરના તલ જેવો તુવાલુ ટાપુ ફક્ત ૨૬ ચોરસ કિલોમીટરનું તુચ્છ ભૌગોલિક કદ ધરાવે છે. દુનિયાનો નકશો બનાવતી વેળા તેના પર તુવાલુનું સ્થાન દર્શાવવું હોય તો ટપકું રચવા માટે પેનને બદલે સોયની અણીને શાહીમાં ડુબાડીને વાપરવી પડે. આમ છતાં કદમાં વામન તુવાલુ એક સ્વતંત્ર રાષ્ટ્રનો મોભાદાર દરજ્જો ભોગવે છે. એ વાત જુદી કે કુદરતે આડે હાથે મૂકી દીધેલા એ દેશના અસ્તિત્વની જગતના બહુધા લોકોને જાણ નથી. અલબત્ત, ગયા સપ્તાહે સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા એક વિડીયોએ તુવાલુ તરફ જગતનું ધ્યાન ખેંચ્યું. વિડીયો ત્રણેક વર્ષ પહેલાંનો છે, પણ તેમાં ઉઠાવેલો મુદ્દો આજની તારીખેય એટલો જ તાદૃશ છે જેટલો અગાઉ હતો.
ઇંગ્લેન્ડના ગ્લાસગો શહેરમાં નવેમ્બર, ૨૦૨૧ દરમ્યાન યોજાનાર COP26 અધિવેશન પૂર્વે તુવાલુના વિદેશ મંત્રીએ એક વિડીયો મારફત જગતની મહાસત્તાઓને સંબોધ્યા. ગ્લોબલ વોર્મિંગના વાંકે દરિયાની સપાટી ઊંચે ચડતા અમે ડૂબી રહ્યા છીએ...એવા મતલબનો સંદેશો તેમણે તુવાલુ ટાપુના એ સ્થળે ઊભા રહીને આપ્યો કે જેના પર થોડાં વર્ષથી સમુદ્ર જળનું અતિક્રમણ થયું છે. દરિયાની આગેકૂચ તુવાલુની ભૂમિને સતત ખાલસા કરી રહી હોવાની વાસ્તવિકતા વિદેશ મંત્રીએ જણાવી અને મહાસત્તાઓને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન પર કાપ મૂકી તુવાલુની ડૂબતી દુનિયાને બચાવી લેવાની વિનંતી કરી. પરંતુ વ્યર્થ! કાર્બન ઉત્સર્જન પર કટૌતીની વાત નીકળે ત્યારે કાનમાં પૂમડાં ખોસી દેનાર અને આંખે ગાંધારીપાટો પહેરી લેનાર વિકસિત/વિકાસશીલ દેશોના આગેવાનોએ વિદેશ મંત્રીની વિનંતી દેખી-અનદેખી કરી.
આ વલણમાં બદલાવ હજી આવ્યો નથી અને ક્યારે આવશે તે પણ કોણ જાણે! દરમ્યાન એક નજર તુવાલુની કલ-આજ-કલ પર કરવા જેવી છે. આ નાનકડા ટાપુરૂપી દેશને દરિયામાં ગરક કરવા પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે, તો પૃથ્વીને પરસેવો વાળનાર તેમજ દરિયાની સપાટી વધારનાર એ સમસ્યા પેદા કરવાના પાપમાં આપણું યોગદાન પણ સમજવા જેવું છે.
■તુવાલુની ગઈ કાલ
ઓસ્ટ્રેલિયાની લગભગ પ,૦૦૦ કિલોમીટર ઉત્તર-પૂર્વે આવેલા તુવાલુનું ભવિષ્ય કદાચ બહુ લાંબું નથી, પણ ભૂતકાળ કમ સે કમ ૩,૦૦૦ વર્ષ લાંબો છે. ઐતિહાસિક સંશોધનો મુજબ ત્રણેક સહસ્રાબ્દિ પહેલાં પોલિનેશિયન જાતિના લોકો હોડકાંમાં હંકારીને પહેલી વાર તુવાલુ પહોંચ્યા હતા. અહીં તહીં વિખરાયેલા કુલ આઠ ટાપુઓના સમૂહને તેમણે તુવાલુ નામ આપ્યું. (સ્થાનિક ભાષામાં તુવાલુ = એકમેકના સંગાથમાં ઊભેલા આઠ). બાહ્ય જગતથી સાવ અલિપ્ત રહીને કુદરતના ખોળે શાંતિભર્યું જીવન ગાળતા આદિવાસીઓના માટે અનેક વર્ષ નિરાંતનાં વીત્યાં. પરંતુ તેમનો લાંબો પનોતીકાળ સોળમી સદીના મધ્યાહ્ને શરૂ થયો કે જ્યારે ‘નવી દુનિયા’ની શોધમાં દરિયો ખૂંદવા નીકળેલાં સ્પેનિશ જહાજોને તુવાલુનાં દર્શન થયાં.
નવી ભૂમિનો પત્તો લાગ્યા પછી તેના પર આધિપત્ય સ્થાપવા માટે યુરોપી દેશો વચ્ચે ત્યારે હોડ ચાલતી હતી. આ સ્પર્ધાના અન્વયે સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ જેવા દેશોએ સમયાંતરે તુવાલુમાં ધામાં નાખ્યાં. અહીંના રાંક આદિવાસીઓને ફોસલાવી-પાટવી જહાજ મારફત યુરોપ-અમેરિકાના બજારોમાં લઈ જવાયા, જ્યાં ભરાતી જાહેર નિલામીમાં તેમને ગુલામ તરીકે વેચી દેવામાં આવતા. પારકી ભૂમિને રાણી વિક્ટોરિયાની પર્સનલ જાગીર ગણીને પચાવી પાડવાની ઠગવૃત્તિ ધરાવતા બ્રિટને ૧૯મી સદીની આખરમાં તુવાલુનો વહીવટી હવાલો હાથમાં લીધો. પ્રશાંત મહાસાગરમાં ખેપ કરતાં પોતાનાં વ્યાપારી જહાજોને લાંગરવા માટે બંદર સ્થાપ્યાં.
વર્ષો સુધી વિદેશી હકૂમતોના અતિક્રમણનો ભોગ બનેલા તુવાલુના લોકો માટે વધુ કપરો સમય બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આવ્યો. પ્રશાંત મહાસાગરમાં જાપાન સામે સમુદ્રી ધીંગાણું ખેલવા ઊતરેલા બ્રિટનના મિત્ર રાષ્ટ્ર અમેરિકાએ તુવાલુમાં નૌકામથક બનાવ્યું. લડાકુ વિમાનોની આવન-જાવન માટે એક હવાઈપટ્ટીનું પણ નિર્માણ કર્યું, જેના રેતાળ પાયાને નક્કર બનાવવા માટે લાખો સમુદ્રી પરવાળા તોડીને તેમની બિછાત કરી દીધી. પોલિપ નામના સૂક્ષ્મ સજીવોએ દરિયાના પાણીમાંથી કેલ્શિયમ તથા મેગ્નેશિયમ જેવા ક્ષારો છૂટા પાડીને હજારો વર્ષમાં જે પરવાળાનું સર્જન કર્યું તેનો જોતજોતામાં સફાયો કરી દીધો!
ઓગસ્ટ ૧૯૪પમાં જગત વિશ્વયુદ્ધના લોહિયાળ પંજામાંથી મુક્ત થયું, પણ તુવાલુ માટે આઝાદીનો સૂરજ બીજાં ૩૩ વર્ષ પહેલાં ઊગ્યો નહિ. બ્રિટિશ બેડીઓમાંથી ઓક્ટોબર ૧, ૧૯૭૮ના રોજ છુટકારો થતાં તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા મળી.
■તુવાલુની આજ અને કાલ
આજે તુવાલુ ટાપુઓ પર પોલિનેશિયન જાતિના વંશજોની ૧૧,૦૦૦ જેટલી આબાદી છે. વડવાઓની ત્રણ સહસ્રાબ્દિ પુરાણી કળા, સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજો વગેરેને તેમણે જાળવી રાખ્યા છે. ગ્લોબલ વોર્મિંગના (વાંચો, આપણા) પાપે તુવાલુ પર દરિયાનું અતિક્રમણ જોતાં ભવિષ્યમાં એ બધું જળવાય કે કેમ તે સવાલ છે. આથી તુવાલુની સરકારે આબાદ કીમિયો અપનાવ્યો છે. પ્રાચીન સંસ્કૃતિ, રીતરિવાજો, ભાષા, વાનગીઓની રેસીપિ, સંગીત, નૃત્ય, હસ્તકળા વગેરેને લગતી રજેરજની વિગતો એકઠી કરી તેમને ડિજિટલ સ્વરૂપે ઇન્ટરનેટ પર મૂકી દીધી છે.
આવતી કાલે દરિયો તુવાલુનું નામોનિશાન મિટાવી દે તે નિઃશંક વાત છે, કારણ કે પાછલાં ૩૦ વર્ષમાં તુવાલુની ચોપાસ જળસપાટી ૬ ઇંચ વધી ચૂકી છે. વર્ષે પાંચથી સાત મિલિમીટર લેખે સપાટી વધી રહી છે અને ભરતીનાં મોજાં ટાપુની ભૂમિ પર વધુને વધુ અંદર ઘૂસી આવવાં લાગ્યાં છે. આથી તુવાલુ મોડોવહેલો ગરકાવ થવાનો એમાં બેમત નથી.
પરંતુ જળસમાધિ લેતા ટાપુ જોડે તેનો ૩,૦૦૦ વર્ષ પુરાણો કળા-સાંસ્કૃતિક વારસો પણ ડૂબી જાય તો જગતની ઇતિહાસ પોથીમાંથી એક મહત્ત્વનું પૃષ્ઠ ગાયબ થાય. તુવાલુ સરકારને એ મંજૂર નથી. પરિણામે આખા દેશના ભૂપૃષ્ઠનું તેણે Light Detection and Ranging/ LIDAR/ લિડાર ટેક્નોલોજિ વડે સ્કેનિંગ કરાવી થ્રી-ડી નકશો બનાવ્યો છે. તુવાલુના વર્તમાન રહીશોની ભાવિ પેઢીઓ ઇન્ટરનેટ પર એ નકશા જોઈને પોતાનું મૂળ માદરે વતન થ્રી-ડીમાં જોઈ શકશે. પોતે ત્યાં ઊભા હોવાની વર્ચ્યુઅલ રિઆલિટી વડે અનુભૂતિ કરી શકશે. ગીત-સંગીત, નૃત્ય, કળા, સંસ્કૃતિ, ઉજવણી વગેરેની વિડીયો જોઈ એ વારસો આગળ ધપાવવાનો પ્રયાસ કરશે.
આ પ્રકારનો નુસખો આજ દિન સુધી જગતના કોઈ દેશે અજમાવ્યો નથી. તુવાલુ પહેલો છે, પણ દુર્ભાગ્યે છેલ્લો નથી. પ્રશાંત મહાસાગરના કિરિબાઝ, માર્શલ અને કૂક ટાપુઓએ તુવાલુની જેમ ઇન્ટરનેટ પર પોતાનો ડિજિટલ અવતાર બનાવવાનું શરૂ કરી દીધું છે. કારણ કે તુવાલુની જેમ એ સૌને પણ પ્રશાંત મહાસાગર ગળી જવાનો છે.
તુવાલુને ટાઇટેનિક નં.2 બનતું રોકી શકાય તેમ નથી. બહુ મોડું થઈ ચૂક્યું છે. આથી ડૂબતાને તણખલું દેવા ઓસ્ટ્રેલિયાની સરકારે પહેલ કરી છે. તુવાલુના લોકોને તેણે પોતાના દેશમાં આશ્રય દેવાનો નિર્ણય લીધો છે, જેના અંતર્ગત વર્ષે લગભગ ૩૦૦ તુવાલુવાસીઓ પોતાનું માદરે વતન છોડીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ રહ્યા છે.
આ છે ગ્લોબલ વોર્મિંગની નઠારી અસર, જેના વિશે સામાન્ય માણસ કાં તો જ્ઞાત નથી અથવા મુસીબતનો રેલો ખુદના પગતળે આવતો ન હોવાથી અસરોની તેને કશી પડી નથી. જે હોય તે, પણ ગ્લોબલ વોર્મિંગના પાપમાં આપણે સહભાગી હોવાની વાસ્તવિકતાથી મોઢું ફેરવી શકાય તેમ નથી.
■પાપમાં આપણી ભાગીદારી
ઔદ્યોગિક એકમોની ચિલમ વાટે કાર્બન ડાયોક્સાઇડનું સ્મોકિંગ કરવામાં ચીન અને અમેરિકા મોખરે છે, તો આપણો દેશ કંઈ પાછળ નથી. વાર્ષિક ૨.૮ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન વડે આપણે ભારતીયો પૃથ્વીના વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છીએ. આંકડો વાંચીને દોષનો ટોપલો દેશનાં ઔદ્યોગિક એકમો પર નાખી દેવાનું મન થતું હોય તો જાણી લો કે—
સામાન્ય નાગરિક તરીકે વાહન હંકારો, ટ્રેન-વિમાન-બસમાં મુસાફરી કરો, કોલસાનું દહન કરીને પ્રાપ્ત થનારી વીજળી ખાતાં વીજાણુ ઉપકરણો વાપરો તથા તેમજ ઔદ્યોગિક એકમોમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરો ત્યારે સીધી યા આડકતરી રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભેળવવામાં નિમિત્ત બનતા હો છો. આ હિસાબે વાર્ષિક ૨.૮ અબજ કાર્બન ડાયોક્સાઇડના ધૂમ્રપાનમાં આપણોય થોડોક ફાળો છે. દેશના વસ્તીઆંક વડે ૨.૮ અબજ ટનના આંકડાનો ભાગાકાર કરી દો, તો સરેરાશ ભારતીય વાર્ષિક લગભગ બે ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણ માટે જવાબદાર છે.
બીજી તરફ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધુ ન બિચકે, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અને સરવાળે દરિયાની સપાટીમાં વધારો ન થાય એ માટે કાર્બન ડાયોક્સાઇડનું માથાદીઠ વાર્ષિક ઉત્પાદન કેટલું હોવું જોઈએ?
માત્ર ૦.૩ ટન! આ લક્ષ્મણરેખા વટાવીને આપણે કેટલા આગળ નીકળી ચૂક્યા છીએ! માથાદીઠ કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણનો આંકડો હજી તો વધવાનો છે, કારણ કે ઔદ્યોગિક વિકાસ તરફ ભારતની દોટ અટકવાની નથી. આથી ગ્લોબલ વોર્મિંગના પાપમાં અત્યાર સુધીની અને હવે પછીની ભાગીદારી બદલ આપણે સૌ વધુ-ઓછા અંશે કસૂરવાર છીએ. જાણ્યે-અજાણ્યે થયેલા એ ગુનાની સજા જેણે ભોગવવાની આવી છે તે તુવાલુની (અને તેના જેવા ટાપુઓની) બે હાથ જોડી, સોરી કહીને માફી માગવી રહી!
બાકી તો, તુવાલુ જેવડો તલભર ટાપુ પૃથ્વીના નકશામાં રહે ન રહે તેનાથી મહાસત્તાઓને કશો ફરક પડવાનો નથી. આ સંદર્ભે સાહિર લુધિયાણવી લિખિત ગીતની નીચેની પંક્તિઓ તુવાલુ માટે એકદમ બંધબેસતી છે.
कल कोई मुझको याद करे
क्यूँ कोई मुझको याद करे
मसरूफ़ ज़माना मेरे लिये
क्यूँ वक़्त अपना बरबाद करे.■