અમેરિકામાં 'હિન્દુ ફોબિયા' કેમ ?
- હોરાઈઝન - ભવેન કચ્છી
- હિન્દુઓને આપેલ વચન ડોનાલ્ડ ટ્રમ્પ નિભાવશે કે પછી 'વાયદા તો તોડવા માટે જ હોય ને'
અમેરિકાની શાળાઓમાં હિન્દુ વિદ્યાર્થીઓને અન્ય ગોરા વિદ્યાર્થીઓ જ નહીં ઘણા શિક્ષકો અને સંચાલકોનું મેનેજમેન્ટ પણ તુચ્છ અને દેશ પર બોજરૂપ તરીકે ગણે છે. હિન્દુ વિદ્યાર્થીનું આત્મ સન્માન ઘવાય તે રીતે તેને અન્ય ગોરા વિદ્યાર્થીઓ બધાની હાજરીમાં હિન્દુ ધર્મને ટાંકીને અપમાનિત અને નિમ્ન -હલકા સ્તરનો જણાવી અશ્લીલ અપશબ્દો કહે અને હાંસી ઉડાવે તેને અંગ્રેજીમાં ધમેનનઐહયધ કહેવાય છે.
શાળાઓમાં જ નહીં કોલેજમાં પણ આવું જ નકારાત્મક વાતાવરણ જોવા મળે છે. અમેરિકાના પ્રાંતીય અખબારોમાં અવારનવાર એવા સમાચાર પ્રગટે છે કે 'હિન્દી વિદ્યાર્થી જોડે વર્ગ ખંડમાં ગોરા વિદ્યાર્થીઓની મારામારી અને ગંભીર ઇજા પહોંચાડી.'
આવા પ્રત્યેક કિસ્સા વખતે હિન્દુ વાલીઓનું મંડળ કે હિન્દુ હિત રક્ષક જેવી સંસ્થાઓ સંચાલકોને આવેદન પત્ર આપે. બે ત્રણ મીડિયા થોડું ઘણું કવરેજ આપે પછી પરિસ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છે. ગોરા વિદ્યાર્થીઓ કે આવા શિક્ષકોને ઠપકો આપીને સંચાલકો છૂટી જાય છે.
ગોરાઓ જ નહીં પણ અશ્વેતો પણ હિન્દુ ફોબિયા ધરાવે છે તેનું મુખ્ય કારણ અમેરિકાના રાજ્યોમાં અને પશ્ચિમી દેશોમાં શાળા - કોલેજોમાં વિદ્યાર્થીઓના પાઠય પુસ્તકોના પ્રકરણોમાં હિન્દુ ધર્મને જુલમી, લૂંટફાંટની વૃત્તિ સાથેની જંગલિયત રાજાશાહીથી આગળ આવેલો અને અંધશ્રદ્ધાથી ખદબદતા ધર્મ તરીકે તરીકે ચિત્રિત કરાયો છે.હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાાન કે પ્રાચીન આધુનિકતાનો પરિચય કરાવવાની જગ્યાએ પુરાણ કથાઓને આધારે હિન્દુ ધર્મને મૂલવવામાં આવે છે.
'કેલિફાર્નિયા પેરેન્ટ્સ ફોર ધ ઈકવલાઈઝેશન ઓફ એજ્યુકેશન મટીરીયલ્સ' નામની સંસ્થાએ ફેડરલ કોર્ટમાં આવો અભ્યાસક્રમ બદલવા બે કેસ 'ધર્મ વિષયક ન્યાય હક' અંતર્ગત કર્યા છે.
અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મને આર્યન જાતિની થિયરી પ્રમાણે સ્થાન અપાયું છે.એટલું જ નહીં વેદો અને ઉપનિષદ આર્યન પ્રજાએ આપ્યા છે તેમ નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુઇઝમને ધિક્કારવા માટેની કેટલીક સંસ્થાઓએ જન્મ લીધો છે અને તેઓ ભયજનક રીતે હિન્દુઓને શાળાથી માંડી નોકરીના સ્થળે કે મંદિરો પર રોષ ઉતારે છે. જે મહિલાઓને કપાળ પર બિંદી લગાવેલ જુએ તેને આવા બહુમતી કટ્ટરપંથી જૂથ અપમાનિત કરીને મહેણાં ટોણા મારે છે. આવી એન્ટી બિન્દી ગેંગ ધીમા પગલે સક્રિય બની છે. કેટલીક અમેરિકી જ નહીં પણ હવે તો મેક્સિકન મહિલાઓ પણ રેસ્ટોરાંમાં કે પાર્કિંગ માટે હિન્દુ મહિલાઓ સાથે ઝઘડો કરી 'યુ ઇન્ડિયન .. તમે જ્યાં હો ત્યાં અમેરિકામાં ઉધઈની જેમ ફરી વળ્યા છો. અમારી રોજી પર તરાપ લગાવો છો' તેમ અશ્લીલ ગાળ ઉમેરીને અપમાનિત કરે છે.
અમેરિકા અને કેનેડામાં મંદિરો પરના હુમલા કે ધમકી આ ષડયંત્રનો હિસ્સો જ છે.
અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં ઇતિહાસ અને જુદા જુદા ધર્મનો અભ્યાસ કરવા માટેના વિભાગો છે તેમાં પણ હિન્દુઓને વેદ, ઉપનિષદ કે તત્વજ્ઞાાન જેવા વિષય પર સંશોધન કરવા માટે છૂટ નથી આપવામાં આવતી. અન્ય ધર્મો અને તત્ત્વ જ્ઞાાન પર રિસર્ચ થઈ શકે પણ હિન્દુ ધર્મ પર વિદેશી વિદ્યાર્થીઓ પણ મર્યાદિત ખેડાણ થઈ શકે તેવા પરિપ્રેક્ષ્યમાં જ સંશોધન કરી શકે છે.
'ધ સન્ડે ગાર્ડિયન' અખબારમાં જણાવાયું છે કે હિન્દુ વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે 'તમે હિન્દુ ધર્મનો વર્તમાન એક વૈશ્વિક સમસ્યા છે.તેઓ જુલમી, ઘાતકી અને પછાત અવસ્થામાંથી ઉદ્દભવેલો ધર્મ છે અને હિન્દુ ધર્મમાં જે પણ થોડું ઘણું હકારાત્મક પરિવર્તન આવ્યું તેમાં ગોરાઓનું (બ્રિટિશ શાસન)યોગદાન રહ્યું છે તે વિષયની આસપાસ જ સંશોધન કરી શકો છો.'
'હિન્દુ ફોબિયા' સમસ્યા વકરતી જ જાય છે તેનું એક કારણ એ છે અન્ય ધર્મો અને અશ્વેતોના માનવ હક્ક માટે અવાજ ઉઠાવતી વૈશ્વિક એન.જી.ઓ. (બિનસરકારી સંસ્થાઓ) હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મીઓ માટે જે દ્વેષ પ્રવર્તે છે તે બાબત કોઈ અવાજ જ ઉઠાવતી નથી. તેવી જ રીતે અમેરિકા સહિત પશ્ચિમ દેશોના મીડિયામાં હિન્દુ ફોબિયાની ગેરસમજ દૂર કરવા અને તેનો ભોગ બનતા વિદ્યાર્થીઓ કે હિન્દુ નોકરિયાતો અને હિન્દુ ધર્મીઓની માનસિક પીડા પર ખાસ કવરેજ આવતું જ નથી. હિન્દુને ધર્મ કરતા મહત્તમ ગોરા લોકો ખાસ એક સંસ્કૃતિ (કલ્ચર) તરીકે જુએ છે.જેઓ દિવાળી અને નવરાત્રિ જેવા તહેવાર ઉજવે છે. યોગ અને ધ્યાન પણ ધર્મ કરતા હિન્દુઓની માનસિક શાંતિ મેળવવાની પધ્ધતિ તરીકે જોવાય છે. એક બહોળો વર્ગ તો ધ્યાનને બૌદ્ધ ધર્મની દેન ગણે છે.
મિશિગન વિસ્તારના ડેમોક્રેટિક પક્ષના નેતા થાનેદારે કેપિટલ હિલમાં હિન્દુ અમેરિકન સંસ્થાના પ્રતિનિધિઓ (કોક્સ) જોડે આ વર્ષના એપ્રિલ મહિનામાં મીટીંગ યોજી અને તે પછી હિન્દુ ફોબિયાનો વિરોધ કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો.
અમેરિકામાં હિન્દુ ફોબિયા ચાર રીતે પ્રવર્તે છે અને હિન્દુઓને ધિક્કાર કરનારા ત્રણ જૂથમાં વહેંચાયેલા છે.(૧) હિન્દુ ધર્મના ઉદ્ભવ અને તેના માટેનો ડરામણો ખ્યાલ ધરાવીને - અભ્યાસક્રમમાં(૨) ભારતીયો અમેરિકામાં જે પ્રગતિ કરે છે તેની ઈર્ષ્યાથી પીડાઈને ભારતીયો પર શાબ્દિક કે માનસિક વિકૃતિ બહાર લાવીને જે ઘટનાને જન્મ આપે. ભારતીયો પરના આવા ધિક્કારને પણ હિન્દુ ફોબિયા તરીકે જ જોવાય છે અને (૩) વડાપ્રધાન મોદી અને ભાજપ વિરોધી ભારતના અને અમેરિકામાં વસતા તત્ત્વો દ્વારા હિન્દુ ફોબિયાને અપાઈ ચૂકેલ જન્મ. (૪) અમેરિકા ગોરાઓનોજ દેશ છે તેવી માન્યતા સાથે અન્ય ધર્મી અને રંગ ધરાવતા સમુદાય પર હુમલા.
જે પોલિટિકલ ત્રીજું કારણ બહાર આવ્યું છે તે અંતર્ગત અમેરિકામાં હિન્દુ ફોબિયા જેવો કોઈ શબ્દ જ નહોતો.તે હદે કોઈ હિન્દુઓને હિંસક અને ગુંડાગર્દી ધરાવતો ધર્મ જ નહોતા માનતા પણ અમેરિકામાં હિન્દુઓ પ્રત્યે શંકા ,ભય અને તિરસ્કાર ઊભો કરવામાં ભારતમાં જ જે નેતાઓ, રાજકીય પક્ષો,ડાબેરીઓ અને કેટલાક મીડિયા વડાપ્રધાન મોદીની વિરૂધ્ધમાં છે તેઓએ જે આક્ષેપો મૂક્યા અને ભાજપ, આર.એસ.એસ. તેમજ અન્ય હિન્દુ પાંખોની વિચારસરણી હિંસક સાંપ્રદાયિક છે તેવો પ્રચાર વ્યાપક બન્યો. અમેરિકાની મુલાકાતે આવતા વિરોધ પક્ષના નેતાઓએ ભારતમાં લઘુમતી પર કેવા હુમલા થાય છે તેને જ તેમના સંબોધનમાં એકતરફી સ્ટેન્ડ લઈને પ્રકાશિત કર્યુંં. આવા સંબોધન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ યોજેલ ડિનર સ્પિચમાં થતાં હોય છે. અમેરિકાના ડાબેરી મીડિયા પણ મોદીને બદનામ કરવા હિન્દુઓને ગુંડા તરીકે ચિતરવામાં પાછળ નથી પડતાં. અન્ય ધર્મીઓ દ્વારા આચરવામાં આવતા હુમલાઓ અને ધિક્કારની ઘટનાઓનું તે હદે કવરેજ નથી અપાતું. ટોચની યુનિવર્સિટીઓમાં 'હિન્દુ ધર્મ વિશ્વ પર ખતરો જેવા વિષય પર સેમિનાર યોજાય છે.'
અમેરિકામાં હિન્દુ પરના હુમલાઓ કરનારા, મંદિરોની દીવાલ પર અપમાનિત ભાષામાં સૂત્રો લખનારા અને શાળા - કોલેજમાં હિન્દુ વિદ્યાર્થીઓને માટે ધિક્કાર જન્માવતી સ્પીચ આપનારા સી.સી.ટી.વી.માં કેદ છે. હિન્દુ સંસ્થાઓ આવા તત્ત્વો સામે કેસ કરે છે સિવિલ રાઈટ સંસ્થાઓ અને કોર્ટ આવા તત્ત્વોને કોઈ સજા જ નથી કરતી. અમેરિકાના રાજ્યોની પોલીસ, ઓફિસરો,ન્યાય તંત્ર પણ જાણે હિન્દુઓ કે લઘુમતી અને અશ્વેતો સામે પૂર્વગ્રહ ધરાવતી હોય તેમ વર્તન કરે છે. 'ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ'ની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.
જુદા જુદા ધર્મનાં નાગરિકો પર બહુમતધર્મીઓ ધિક્કાર કેટેગરીમાં જે ગુનાઓ કરતા હોય તેવા કેસો પૈકી અમેરિકામાં યહૂદીઓ ( જ્યુ) દ્વારા કરાયેલા કેસ ૪૦ ટકા,તે પછીના ક્રમે હિન્દુઓ સામેના ધાર્મિક ધિક્કારના કેસ ૨૪ ટકા અને મુસ્લિમ ધર્મીઓ પરના 'હેટ ક્રાઇમ'ના કેસોની ટકાવારી ૧૫ ટકા છે. અમેરિકામાં ઇસ્લામ ફોબિયા કરતા હિન્દુ ફોબિયા વધારે છે તેમ કહી શકાય.
ભારતીયો જે રીતે અમેરિકાના વિજ્ઞાાન, ટેકનોલોજી, તબીબી જગત, બેન્કિંગ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ અને રાજકારણમાં પ્રગતિ સાધી રહ્યા છે તેને કારણે પણ ભારતીયો માટે અમેરિકનોમાં ઈર્ષાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતીયો અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે હિન્દુઓના મત મેળવી શક્યા છે. કમલા હેરિસ ભારત અને હિન્દુ વિરોધી તેમજ કાશ્મીર મુદ્દા પર પણ તેઓ એન.જી.ઓ. પ્રકારની વિચારધારા ધરાવે છે. જ્યારે ટ્રમ્પ ભારતમાં પણ કોઈ નેતા ખુલ્લેઆમ પ્રચાર રેલીમાં બોલવાની હિંમત ન કરે તેમ ખોંખારીને કહી ચૂક્યા છે કે 'હું અમેરિકામાં રહેતા હિન્દુઓનું અને બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બનતા લઘુમતીઓ( હિન્દુ)નું રક્ષણ કરીશ.'
ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાતા જ એવું મનાય છે કે કેનેડાના જસ્ટિન ટ્રુડોને કડકાઇથી ખાલિસ્તાન તરફી હવા ઊભી કરવા બદલ ઠપકો આપવામાં આવશે.
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે 'ભારતીયો અમેરિકાના વિકાસમાં કેટલું યોગદાન આપી રહ્યા છે તે હું જાણું છું. હું ભારતના આવા શિક્ષિતો અને ટેકનોક્રેટ્સ કઈ રીતે નિશ્ચિંત બની અમેરિકા જોડે જ જોડાયેલા રહે તેવી સિસ્ટમ ગોઠવવા કે નીતિ વિષયક નિર્ણય લેવા કટિબદ્ધ રહીશ.'
હવે જોવાનું એ રહે છે કે આ માત્ર ચુનાવી વાયદો જ રહે છે કે ખરેખર ટ્રમ્પ નક્કર નિર્ણયો લેશે.જો કે મહત્વના નિર્ણય લેતી ટીમમાં ભારતનું હિત ધરાવનાર ને જ પસંદ કર્યા છે. ટ્રમ્પની ટીમ જ આગામી ચાર વર્ષ અમેરિકા અને વિશ્વના ભાવિનો આકાર ઘડશે. ચીન, ઈરાન અને તેના સમર્થક દેશોની લશ્કરી અને વ્યાપારિક પહોંચ વેતરવા માટે આ ટીમ રખાઈ છે. તેઓ ભારત અને હિન્દુઓ પરત્વે આદર ધરાવે છે. ભારતને સીધો કે પરોક્ષ ફાયદો થઈ શકે છે.
હિન્દુ ફોબિયા વધુ પ્રબળ બનશે કે તેનું શમન થશે તે જોવાનું રહ્યું. ડેમોક્રેટિક પક્ષ તેની ડાબેરી જેવી નીતિથી રાજકારણ આગળ ધપાવશે.. વિશ્વ જાણે એક ક્રોસ રોડ પર ઉભુ હોય તેમ લાગે છે.