Get The App

આજ સુધી એક પણ મહિલા પ્રમુખપદે કેમ પહોંચી નથી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
આજ સુધી એક પણ મહિલા પ્રમુખપદે કેમ પહોંચી નથી 1 - image


- હોટલાઈન - ભાલચંદ્ર જાની

- વિશ્વના સૌથી મજબૂત અને સુધરેલા શ્રીમંત દેશ અમેરિકામાં...

- કમલા હેરિસે ૨૦૨૦માં અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ સર્જેલો કેમ કે અમેરિકામાં કમલા હેરિસ સિવાય બીજી કોઈ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ નથી બની

અમેરિકાના ૪૭મા  પ્રમુખપદના વિજેતા  કોણ બનશે.....  ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ? એ  પ્રશ્ન છેલ્લાં એક મહિનાથી આખી દુનિયામાં  ચર્ચાતો હતો. તેનો  જવાબ તો બધાને મળી ગયો. પરંતુ હવે  ઘણા એવો પ્રશ્ન  પૂછે  છે કે એવું કેમ બને છે કે કોઈ મહિલા  યુ.એસ. પ્રેસિડન્ટની  પોસ્ટ પર પહોંચી જ નથી શકતી? શું અમેરિકન નાગરિકો  મહિલા ઉમેદવારને  અબળા માને છે કે બુંદિયાળ માને છે..... જો ના તો પછી સદીઓના  ઈતિહાસમાં  ક્યારેય  કોઈ મહિલા પ્રમુખ પદની  વિજેતા કેમ નથી બની? 

ભારતને ઈન્દિરા ગાંધી મળ્યાં છે, પાકિસ્તાનને બેનેઝીર મળ્યા, બ્રિટનને માર્ગરેટ થેચર, જર્મનીને એન્જલા મર્કલ મળ્યા, ઇટાલીને મેલોની મળ્યા, અરે, બાંગ્લાદેશમાં પણ શેખહસીનાએ વર્ષો સુધી રાજ કર્યું પરંતુ અમેરિકાને હજુ સુધી કોઈ મહિલા સુકાની મળ્યા નથી.

 તાજુબ્બીની વાત એ  છે કે ઘણી  અમેરિકન મહિલાઓ પણ  એવું માને છે કે તમારે ચીન, નોર્થ કોરિયા કે  રશિયા  જેવા દુશ્મન દેશોના નેતા સાથે  તડનેફડ  વાત કરવી  હોય તો એ માટે આપણો  પ્રમુખ પુરુષ હોવો જોઈએ.  આંતરરાષ્ટ્રીય  સંબંધોમાં  એક પુરુષ નેતા સામે પુરુષનું જ વજન  પડે. અર્થાત્  અમેરિકી  માનુનીઓ  પણ માને છે કે  સ્ત્રી નેતાની વાતને જલદી કોઈ ગણકારે નહીં.

કંઈક આવો જ સૂર  કાઢનારી  ૩૦ વર્ષની  વ્હાઈટ વુમન  રેબેકા  અને તેના જેવી  કેટલીય નોકરિયાત  મહિલાઓ  કમલા હેરિસ માટે  કુણી લાગણી  ધરાવતી હતી.  પરંતુ રાષ્ટ્રપ્રમુખ  તરીકે  તો તેમની પસંદ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જુસ્સાવાળા  નેતા જ છે. ન્યૂયોર્કમાં  વકીલાત કરતી અને  એક સોલીસીટર્સ  ફર્મમાં  ઊચ્ચ હોદ્દો  ધરાવતી  મેરિલીન કહે છે 'આજે  અમેરિકા  એવા  ત્રિભેટે  આવીને ઊભું છે જ્યારે  દેશની અંદર તેમ જ બહાર  કેટલાંક  મોટા પડકાર  ઝીલવાના  છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ વાગી રહ્યાં છે.  આવા સંજોગોમાં  કોઈ મહિલા  પ્રમુખ  હોય તો તે વિકરાળ સમસ્યાને  હલ કરવામાં પાછી પડે.  પરંતુ કોઈ  બાહોશ, સ્પષ્ટવક્તા પુરુષ નેતા આવી ચેલેન્જ સહજતાથી 

ઉકલી શકે.

અરે એક શ્યામ નીગ્રો નાગરિક કે જે એક મોલના  પાર્કિંગ લોટમાં સિક્યુરિટી  ગાર્ડની નોકરી કરે છે, તેણે પણ કમલા હેરિસનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમેરિકા જેવા વિશાળ દેશનાં  પ્રમુખ તરીકે  પુરુષ જ વધુ લાયક ઠરી શકે. કમલા હેરિસ મહિલા છે.  અને મહિલાને  પ્રમુખપદે રહીને જવાબદારી  અદા કરવામાં પારાવાર  મુશ્કેલી પડે.  નર્વસ  બ્રેકડાઉન  થઈ જાય.  આમ પણ  સ્ત્રીઓ   લાગણીશીલ  હોય છે એટલે   આવેશમાં આવી જઈને ક્યારેક ખોટા નિર્ણય લે તો અમેરિકાને માથે  મોટી મુસીબત નોતરી બેસે.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના ચૂંટણી  પ્રચારમાં  વારંવાર  સીધી કે  આડકતરી  રીતે મહિલા  કેન્ડિડેટ  કમલા હેરિસને  પોતાની સરખામણીમાં   નબળી ગણાવી હતી.  ઊતરતી કક્ષાની  લેખાવી હતી.

અમેરિકાનું લોકતંત્ર ભલે સૌથી જૂનું હોય, પરંતુ મહિલાઓને મતદાનનો અધિકાર સૌથી પહેલા ન્યુઝીલેન્ડે ૨૮ નવેમ્બર, ૧૮૯૩ના રોજ આપ્યો, જ્યારે અમેરિકામાં મહિલાઓને મતાધિકાર છેક ૧૯૨૦માં મળ્યો.

હવે આપણે અહીં કેટલીક અમેરિકી મહિલાઓની વાત કરીએ  જેમના  છેક હોઠ સુધી આવેલો પ્રેસીડેન્સીનો પ્યાલો ઝૂંટવાઈ ગયો.  જેમાં સર્વપ્રથમ હિલેરી ક્લિન્ટનનું નામ લઈ શકાય. 

૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટે નોમિનેટ થનારા પહેલા મહિલા હિલેરી ક્લિન્ટન હતાં. એ વર્ષે સેનેટેમાં ૨૦, હાઉસમાં ૮૫ મહિલા હતી. ૨૦૧૮માં સેનેટમાં ૨૩ અને હાઉસમાં ૮૭ મહિલા હતી.

 ૧૯૪૭માં શિકાગોમાં જન્મેલા હિલેરી ક્લિન્ટન ૧૯૯૩થી ૨૦૦૧ સુધી અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક હતા. બિલ ક્લિન્ટનનો શાસનકાળ પૂર્ણ થયા પછી હિલેરી અમેરિકાના સાંસદ બન્યા. ૨૦૦૭માં તેમણે અમેરિકાના પ્રમુખ બનવાની એષ્ણા જાહેર કરી પરંતુ ડેમોક્રેટ પાર્ટીમાં ઓબામાનું સમર્થન વધુ હોવાથી તેઓ રેસમાંથી પાછળ હટી ગયા હતા. ઓબામા ૨૦૦૮માં જીત્યા પછી હિલેરી તેમની સરકારમાં વિદેશમંત્રી બન્યા. ૨૦૦૯થી ૨૦૧૩ સુધી તેઓ વિદેશ પ્રધાન રહ્યા બાદ ૨૦૧૫માં તેમણે પોતાનું જૂનુ સપનું પુનઃજીવીત કર્યું  અને    ડેમોક્રેટીક પક્ષે તેમને ઉમ્મીદવાર જાહેર કર્યા હતા. તેમણે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ અને લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

વિદેશ પ્રધાન તરીકે હિલેરી ૧૧૨ દેશનો પ્રવાસ કરી ચૂક્યા છે. આથી તેઓ વિદેશ કટોકટીને બીજા કોઈપણ કરતા વધુ સારી રીતે સમજી શકતી હતી. બિલ ક્લિન્ટન જ્યારે રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે હિલેરી ક્લિન્ટન તેમના સલાહકાર રહ્યાં હતાં.  આથી તેઓ વોશિંગ્ટન ડીસીના રાજકારણને વધુ સારી રીતે સમજી શકે તેમ હતા. 

 ૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટી વતી ઉમેદવારી કરનારા હિલેરી ક્લિન્ટને  એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે એ 

અંગે હજુ સ્પષ્ટ નથી થઈ કે લોકો તેને પ્રમુખ તરીકે સ્વીકારવા માંગે છે કે નહીં.

  એક સર્વેમાં એવી વાત સામે આવી હતી કે મહિલાઓ પણ હિલેરીને પ્રાથમિકતા આપવાને બદલે પુરુષ ઉમેદવારોને મત આપવાની વિચારસરણી ધરાવે છે.

 એ  વાત ખરી કે  અમેરિકામાં આજ સુધી એક પણ મહિલાપ્રમુખ નથી બની શકી, પરંતુ ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેડિટ પાર્ટીની છ મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે એવું પહેલી વાર થઈ રહ્યું હતું, જ્યારે અમેરિકામાં કોઈ એક જ પક્ષની આટલી મહિલાઓ પ્રમુખ પદની રેસમાં હોય. તેમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ અને તુલસી ગેબાર્ડ પણ સામેલ હતી.

કમલા હેરિસ ડોનેશન મની ભેગા કરવામાં બીજા નંબરે આવ્યા હતાં.  તેમની  ઉંમર - ૫૪ વર્ષ છે, વ્યવસાયે વકીલ છે , કેલિફોનયાથી સાંસદ છે,  ફીમેલ ઓબામા તરીકે જાણીતાં કમલા હેરિસ અમેરિકન સંસદના ઉપલા ગૃહમાં પહોંચનારાં પહેલાં ભારતીય મૂળનાં મહિલા છે. તેમનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો. કમલા હેરિસના દાદા પી.વી. ગોપાલન ભારતીય ડિપ્લોમેટ હતા. બાળપણમાં તેઓ રજાઓ ચેન્નાઈમાં ગાળતાં.

કમલા હેરિસે ૨૦૨૦માં અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ સર્જેલો કેમ કે અમેરિકામાં કમલા હેરિસ સિવાય બીજી કોઈ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ નથી બની. જો કે કમનસીબે કમલા અમેરિકાનાં પહેલાં મહિલા પ્રમુખ બનવાનો ઈતિહાસ ના રચી શક્યાં. 

અમેરિકામાં હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક પાર્ટી અને રીપબ્લિકન પાર્ટી એ બે મોટા પક્ષમાંથી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં પહેલાં મહિલા હતાં. હિલેરી ૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર હતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયેલાં. વર્તમાન પ્રમુખ જો બિડેન છેલ્લી ઘડીએ ખસી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર બનાવતાં કમલા અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં બીજાં મહિલા બન્યાં હતાં.

ચૂંટણીના બે સપ્તાહ બાકી હતાં ત્યારે વારંવાર એવા અહેવાલ આવતા હતા કે કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. કમલા હેરિસ જ આ વખતે ચૂંટણી જીતીને પ્રમુખ બનશે એવું અનેક અમેરિકનો માનતા હતા.

રીપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બંને પક્ષો પુરૂષપ્રધાન રહ્યા છે.અમેરિકા દુનિયાના સૌથી સુધરેલા દેશોમાં એક ગણાય છે પણ મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાના નામે સાવ પછાત ગણાય. જાણીને આશ્ચર્ય થશે પણ અમેરિકામાં અત્યાર સુધી માત્ર ૩ મહિલા જ વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઉતરી છે, પરંતુ પ્રમુખપદના સર્વોચ્ચ સ્થાને એક પણ સ્ત્રી પહોંચી શકી નથી.

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી થાય છે પણ બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપપ્રમુખ એટલે કે વાઈસ પ્રેસિડેન્ડની ચૂંટણી થતી નથી. પ્રમુખપદની ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાના રનિંગ મેટની પસંદગી કરે છે. પ્રમુખપદના ઉમેદવાર ચૂંટાય એટલે આપોઆપ જ તેમના રનિંગ મેટ ઉપપ્રમુખ બની જાય છે. જો બાયડને પોતાનાં રનિંગ મેટ તરીકે કમલા હેરિસને પસંદ કર્યાં હતાં તેથી બાયડન પ્રેસિડેન્ટ બનતાં જ કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બન્યાં હતાં. 

કમલા હેરિસ પહેલાં વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ માત્ર બે મહિલાઓ લડી હતી પણ બંને હારી ગઈ હતી. ૧૯૮૪માં ગેરલ્ડાઈન ફેરારો અને ૨૦૦૮માં સારાહ પાલિન વાઈસ પ્રેસિડેન્ટ બનવા મેદાનમાં ઉતરેલાં પણ હારી ગયેલાં.

આ વખતે  કમલા હેરિસે પ્રમુખપદ પ્રાપ્ત કરવા ડોનાલ્ડ ટ્રમ્પને સારી ટક્કરી આપી પરંતુ કમલાના સપના ચકનાચુર થઈ ગયા.  ખૂબ જ રસાકસીભરી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પમાં ૨૯૮ ઇલેક્ટોરલ મત સાથે સત્તા પર પુનરાગમન થયું છે તો કમલા હેરિસને ૨૨૬ મત મળ્યાં છે.  

 કમલા હેરિસને સૌથી વધુ મહિલાઓએ ૫૩ ટકા મત આપ્યા. જ્યારે તેમને પુરુષોએ ફક્ત ૪૨ ટકા વોટ જ આપ્યા. બીજી તરફ ટ્રમ્પને ૫૫ ટકા પુરુષોએ અને ૪૫ ટકા મહિલાઓએ વોટ આપ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ પર મહિલાઓના જાતીય શોષણના ડઝનથી પણ વધુ કેસ નોંધાયેલા છે અને કેટલાક મામલામાં તેમને દોષિત પણ ઠેરવવામાં આવી ચૂક્યા હોવા છતાં તેને મહિલાઓના મળેલા ૪૫ ટકા મતે આશ્ચર્ય સર્જયુ છે. એ વાત જુદી છે કે કેટલીક બટક બોલી અમેરિકન માનુનીઓએ એવી જાહેરાત કરી છે કે જે પુરુષોએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં મતદાન કર્યું છે તેમની સાથે યુવતીઓ ડેટિંગ નહીં કરે!

હવે  આપણે અમેરિકન રાજકારણમાં નામ ગજવનાર અને  પ્રમુખ બનવા સુધીની મંઝિલ તય કરી ચૂકેલા  તુલસી ગેબાર્ડની  વાત કરીએ. તુલસી ગેબાર્ડ  પહેલા હિન્દુ ઉમેદવાર હતા.  તેમની ઉંમર - ૩૮ વર્ષ છે,  ઈરાક યુદ્ધમાં સૈનિક તરીકે ફરજ બજાવી. હવાઈથી સાંસદ છે,  તેમની ખાસિયત - ૨૧ વર્ષની ઉંમરે સ્ટેટ એસેમ્બલીમાં પહોંચ્યાં. ૩૮ વર્ષીય તુલસી ગેબાર્ડ આંતરજાતીય પરિવારમાંથી છે. સ્કૂલમાં તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ૨૦૦૨માં ૨૧ વર્ષીય તુલસી ગેબાર્ડ યુએસ સ્ટેટ એસેમ્બલીમાં પહોંચનારા સૌથી નાની ઉંમરનાં મહિલા બન્યાં હતાં. તેઓ નેશનલ ગાર્ડમાં મેજર રેન્કના અધિકારી હતાં.

ભારતીય અમેરિકનોમાં તુલસી ખૂબ જ લોકપ્રિય હોવાથી સ્વભાવિક છે કે તેમનો સમાજ તેમને ટેકો આપે.આ સમુદાય યહુદીઓ પછી સૌથી પૈસાપાત્ર વંશિય સમુદાય મનાય છે.અમેરિકાના અનેક રાજ્યોમાં ભારતીય અમેરિકનો ચૂંટણીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.તુલસી ભારતીય નથી.  કેથોલિક પિતા (હવાઇ સ્ટેટ સેનેટર માઇક ગબાર્ડ)ને ત્યાં  અમેરિકન સમોઆમાં જન્મ્યા હતા. તેમના માતા કેરોલ પોર્ટર ગબાર્ડ કાઉકાશિયનના વંશજ છે જેઓ હિન્દુ ધર્મ પાળે છે. જો તેઓ ભવિષ્યમાં ફરીવાર પોતાની ઉમેદવારી જાહેર કરશે તો વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા માટે જાહેરાત કરનાર કોઇ રાજકીય પક્ષના પ્રથમ હિન્દુ ઉમેદવાર હશે.

યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ મહિલા અને ચાર વખતની ડેમોક્રેટ્સ સાંસદ તુલ્સી ગબ્બારડે એ  રિપબ્લીકન પ્રમુખ ટ્રમ્પ સામે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.     ડેમોક્રેટ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરનાર સેનેટર એલિઝાબેથ વારેન પછી ઇરાક યુધ્ધની વેટરન તુલ્સી ગબ્બારડ બીજી મહિલા છે.

વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પને પડકારવાની લડાઇમાં વ્હાઇટ હાઉસની દાવેદારોમાં  કમલા હેરિસ સહિત ૧૨ મહિલા સાંસદોએ પોતાની ઉમેદવારીની  જાહેરાત કરવા હામ ભીડી હતી. 

આ સિવાય એમી ક્લોબશર, એલિઝાબેથ વોરેન, ક્રિસ્ટન ગિલિબ્રાન્ડ વગેરે મહિલાઓ પણ ઉપપ્રમુખ પદની રેસ સુધી પહોંચી. પરંતુ તેમાંથી એક પણ સ્ત્રીને પ્રમુખ પદની દાવેદારી નોંધાવાનો પણ મોકો ન મળ્યો.

આમ જોઈએ તો અમેરિકા  ખૂબ સુધરેલો શ્રીમંત દેશ છે. પરંતુ રાજકારણમાં સ્ત્રીઓને  સમાન તકો મળતી નથી એવું ચિત્ર ઉપસે છે.



Google NewsGoogle News