કોણે ગૂંથ્યું જાળું? .
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- તાળામાં જેમ કેદ થવાય એમ જાળામાં પણ કેદ થવાય! ઈશ્વરે સંસાર નામનું જાળું રચીને ઈરાદાપૂર્વક કેટલાક જીવોને એમાં ફસાવવાની યુક્તિ જ રચી છે!
'જા ળું' એકવચનનો શબ્દ છે. મૂળ તો 'જાળ'માંથી તે બન્યો છે. કશુંક કેદ કરવાના ઈરાદે જાળ-ગૂંથણી થતી હોય છે. માછલી પકડવા માટે માછીમાર સમુદ્રમાં જાળ પાથરતો જોયો છે ? ઘરમાં કરોળિયો પણ જાળાં ગુંથે છે. કળાની દ્રષ્ટિએ જાળનું સૌંદર્ય નિરખવા જેવું હોય છે ? એ કરોળિયો ક્યાં કળાના વર્ગો ભણ્યો છે ? ના. પણ કલાત્મક જાળા ગુંથે છે ? જેમાં અન્ય જીવો ફસાય, એ એનો ખોરાક. કરોળયા પાસે કયો કલર હોય છે ? કઈ પેન્સિલ હોય છે ? કયો કાગળ હોય છે ? વગર કેનવાસે માત્ર દિવાલના આધારે કેવો અદ્ભૂત નજારો ઊભો કરે છે ? મૂળે તો લાળ છે. લાળમાંથી બનાવે છે જાળ.
'કરતાં જાળ કરોળિયો ભોંય પડી પટકાય.' એવી પૂર્વાર્ધ પંક્તિમાં એના પ્રયત્નોની વાત છે. પરિશ્રમની વાત છે પછી એ સફળ થાય છે એ વાત ઉત્તરાર્ધમાં આવે છે. જાળુ કેમ બનાવે છે ? કેવી રીતે બનાવે છે ? આ બે પ્રશ્નોના ઉત્તરો આપણને કરોળિયામાં બ્રહ્માનાં દર્શન કરાવે છે !! ષટકોણની અનોખી ડિઝાઈન ! હવાના કેનવાસ ઉપર !! એમાં જ્યારે ધૂળ ભરાય, એ ડિઝાઈનમાં ધુમાડો પ્રવેશ કરે ત્યારે એ જાળાનાં નામ મટી 'બાવાં' બની જાય છે. બાવાં અને જાળાંનાં કુળ એક જ છે બંનેનાં રૂપ નોખાં છે. જાળું બાવું બને ત્યારે પારદર્શક્તા ગુમાવે છે. એમાં રજકણો ફસાઈ જાય છે. ધુમાડો અને કચરો એની અસલિયતને ડહોળી નાખે છે. જ્યાં સજીવની અવરજર ઓછી રહેતી હોય ત્યાં કરોળિયા જાળાં ગૂંથે છે. જાળાં ગૂંથવા છતાં કેટલાક જીવો જાળાની બહાર જ રહી જતા હોય છે તે સદ્ભાગી જીવો છે. એ જાળું એક પ્રકારનું ગૂંથણી કરેલું તાળું જ હશે ? તાળામાં જેમ કેદ થવાય એમ જાળામાં પણ કેદ થવાય ! ઈશ્વરે સંસાર નામનું જાળું રચીને ઈરાદાપૂર્વક કેટલાક જીવોને એમાં ફસાવવાની યુક્તિ જ રચી છે !
થોરકુળની દૂધ ધરાવતી વનસ્પતિમાંથી ખાસ કરીને આકડાના પાનને તોડી એ પાનના બે ફટકા કરી વચ્ચેથી સ્હેજ પ્હોળા કરો તો અંદરના દૂધને કારણે જે તાંતણા વડે જાળં રચાય છે એવો જ આકાર જાળાનો હોય છે. જાળાનો મૂળભૂત આહાર ફસાવવાનો છે પણ એ ક્રિયા દરમિયાન બે સજીવ, નિર્જીવ પદાર્થો પરસ્પર જોડાય છે. એક દીવાલ સાથે બીજી દીવાલ ભલે વાત ન કરી શકે પણ જાળાની મદદથી તેનામાં આત્મીયતા પ્રવેશે છે. એક છોડ બીજા છોડ સાથે, એક ડાળ બીજી ડાળ સાથે, એક છેડો બીજા છેડા સાથે સંયોજાય છે સંયોજન કરવાનું કામ જાળું કરે છે. સહારા વગર તો કશુંય થતું નથી સહારો જરૂરી છે. દરિયો પાર કરવા નૌકા સહારો બને છે, નદી પાર કરવા હોડી સહારો બને છે. બે સ્થળો સાંધવા વાહનો સહારો બને છે. રચનાત્મક કાર્યો કરવા વિચારો સહારો બને છે. સાહિત્યિક, કળાત્મક કૃતિઓ રચવા પણ કલમ, પીંછી, ટાંકણું સહારો બને છે. એમ જાળું રચવા માટે પણ સહારો જરૂરી છે. જીવને શિવ સુધી પહોંચવું હોય તો પણ સહારાની અવશ્ય જરૂર પડે છે. સહારાને કારણે જ સત્કાર્યો થતાં રહે છે. ચંદ્ર સોળે કળાએ ખિલી ઊઠે છે તેની પાછળ પૂનમના ચંદ્રમાનો સહારો છે. આમ સહારાથી સમગ્ર વિશ્વની ગૂંથણી થઈ છે એવા સહારામાંથી જાળું કેવી રીતે બાકાત હોય ?
ગામમાં કોઈ બે દુષ્ટ માણસો ભેગા થઈ એક સજ્જનને જે રીતે સાણસામાં લઈ ફસાવે છે તે જાળુ રચે છે. પ્રેમનો સહારો લઈ વાસનાગ્રસ્ત યુવાનો ભોળી યુવતીઓને ફસાવે છે તે જાળું રચે છે. લેખક ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર નવલકથામાં પ્રણય રસની જાળ ગૂંથીને સંસ્કૃતિબોધ વાચકને ભેટ કર્યો છે. એ નવલકથાનો બીજો ભાગ 'ગુણસુંદરીનું કુટુમ્બજાળ' શીર્ષક ધરાવે છે એમાં પણ 'જાળ' શબ્દ મહત્વનો છે પરિવાર પણ પ્રેમનું જાળું છે. પ્રેમી પાત્રો પણ પ્રેમની જાળમાં ફસાયેલાં છે.
માછીમારની જાળમાં ફસાયેલી માછલીઓ ત્રણ પ્રકારની હોય છે, જાળને વશ થયેલી, જાળમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતી અને કોઈક બહાર નીકળવામાં સફળ થતી તેમ ઈશ્વરે રચેલો આ સંસાર પણ એક વિશિષ્ટ પ્રકારનું જાળું છે, જેમાં ઈશ્વર અદ્રશ્ય છે પણ જાળું દ્રશ્યમાન છે. એ જાળામાં બધા જીવો ફસાયા છે, કેટલાક જાળને તોડી જાળમાંથી જીવ બહાર નીકળવાની સફળ કોશિશ કરે છે, તેને મુક્તિ પણ મળે છે. મુક્તિ નામનો આનંદ પ્રાપ્ત કરવા માટે આવી માયાવી જાળ ભેદવાની પૂર્વશરત હોય છે. જીવ ગર્ભમાંથી જે બહાર નીકળવાની પ્રક્રિયા ધરાવે છે એ જાળામાંથી જ બહાર આવવાની પ્રક્રિયા છે. જેટલો શ્રમ જાળુ રચવા માટે કરવો પડે છે એવી સભાનતા જાળામાંથી બહાર નીકળવાની પ્રત્યેક જીવ રાખી શકતો નથી તેને કારણે સમસ્યાઓ સર્જાય છે ! ઈન્દ્રિયો દ્વારા ઊભા થતા ભાવ-વિભાવો એ જાળના તંતુઓ છે. એ બધા જ તંતુઓ વીંધી નાખીને જે જીવ બહાર આવવામાં સફળતા મેળવે છે તે જ પરમાત્મા સુધી પહોંચવાનું સામર્થ્ય ધરાવે છે. મહાભારતમાં એક મંકી નામના પુરુષની કથા છે ધનની લાલસાથી તે મંકી પુરુષે અનેક ઉદ્યોગો કર્યા, બે બળદ ખરીદ્યા. બે બળદોને ખેડમાં જોડયા. કાંધ ઉપર ઘોંસરું મેલ્યું. બળદોની પાસે બેઠેલા ઊંટને જોઈ બળદો ભડક્યા. ઊંટની ડોક ઉપર ઘોંસરું આવી ગયું. બળદો લટકી પડયા. મૃત્યુ પામ્યા. વધારે ધન મેળવવાની લાલસાની જાળ તૂટી પડી. મંકી પ્રભુને આધીન થયો. એક સ્વરચિત ગીત જુઓ - જેને ગાંધીનગરના સુરેશભાઈએ કંઠ આપ્યો છે.
કોણે ગૂંથ્યું જાળું કોણે ગૂંથ્યું જાળું !
તાર તાંતણે કરોળિયાએ કેવું ગૂંથ્યુ જાળું ? પાકો કેદી કરોળિયો પણ ખુદ કરે રખવાળું !
જ્યાં જ્યાં જાળું ત્યાં અંધારું,
કોણ કરે અજવાળું ?
કોણે ગૂંથ્યું જાળું !