Get The App

સક્રિય માજુલી: સત્રિય નૃત્યાવલિ .

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સક્રિય માજુલી: સત્રિય નૃત્યાવલિ                           . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- દિવસે કીર્તન - રાત્રે નાટક 

ઈશ્વરની અમીદ્રષ્ટિનો પ્રસાદ જેને મળ્યો છે એવા આપણા પૂર્વોત્તર રાજ્યોનાં આભૂષણ સમાન નૈસર્ગિક તત્ત્વો ત્યાંના મૂળ રહીશોના જીવનમાં તાણાંવાણાં સ્વરૂપે દેખા દે છે. કાચ જેવી નિર્મળ નદીઓ, નાગરવેલનાં પાન, સોપારી, કેળાં, નાળિયેરી, ચા, વિવિધ ધાન અહીં ધરાને અને જીવનને ઉપકૃત કરે છે. અરે ! વરસાદની વાછંટ અને વાયુને પગલે સોપારી અને તાડનાં ઊંચા - એકવડિયા બાંધાનાં વૃક્ષો લળી લળીને એક મેકને અને સામે સાક્ષાત્ ઊભેલી પ્રકૃતિને સલામી ભરે ત્યારે એમની એ સભાના સાક્ષી બનવાનું અણભાગ્ય સાંપડે તો ઘેલાં ઘેલાં ન થઈ જવાય ?! વળી, સત્ર, સત્રિય નાટકો, જાતરા કે નૃત્યનાટિકા જેવી એમની પ્રવૃત્તિઓ અને મહોરાં વિશ્વમાં મ્હાલવા જવાનું સૌભાગ્ય સામે ચાલીને આપણું સ્વાગત કરે ત્યારે તો કૃતકૃત્ય થઈ જવાય, ખરૃંને ? અને જ્યારે આ બન્ને કળાઓનો અવિનાભાવિ સંબંધ નરી આંખે અને ભર્યા દિલે દર્શન દે ત્યારે એ સંગમમાં અચૂક ડૂબકી દઈ સ્નાન કરી લેવાની તક શેં ચૂકાય ? આ આવી પહોંચ્યાં આપણે 'સત્ર'માં જેનો ડંકો હવે આખી દુનિયામાં વાગે છે. સીમોગુરિ સત્ર (લોકનૃત્ય)ની સ્થાપના ૧૬૬૩માં થયેલી. 'શ્યામ' નામના મોટા ઝાડની નીચે રાજા સત્રધરાસિંહે કલાપ્રવૃત્તિ શરૂ કરી અને મુખૌટા (મહોરાં) પણ બનાવ્યા. ૫૦૦ વર્ષો પૂર્વે ગુરુ શંકરદેવે અને તેમના શિષ્ય માધવદેવે બ્રહ્મા, વિષ્ણુ, નારદનું મહત્ત્વ જતાવતી ચિહ્નજાત્રા શરૂ કરેલી. બે પ્રકારના સત્ર હોય : ગૃહસ્થ અને અન્યસ્થ. પછી તો પરંપરાગત અત્રિય નૃત્ય આગળ વધવા માંડયાં. આ નૃત્યમાં ક્યાંક ઓડિસી ત્રિપરિમાણીય નૃત્યની છાયા અને મુજરા જેવી બેઠકનો અહેસાસ થાય.

એક દેવ એક ખેવ, એકો બિના નાહિ કેવ 

સત્રિય નૃત્યમાં કૃષ્ણ વંદના મુખ્ય વિષય છે. આસામ સહિત ઓરિસ્સા અને અન્ય પૂર્વીય વિભાગમાં પણ તે ભજવાય છે. દરેકમાં ભિન્ન ભિન્ન શૈલીમાં ત્રિભંગ, હસ્તમુદ્રા, પદચાપ અને દેહલાલિત્ય દેખાય છે - કેટલાક કલાકારો તો નૃત્ય દરમ્યાન જ ચિત્ર પણ સર્જે છે. નૃત્યના અંગ અને વિષય અનુસાર મહોરાંની જમાવટ રંગત લાવે ! દશાવતારના પાત્રોની મુદ્રા પણ તેઓ દાખવી જાણે. મત્સ્ય, કૂર્મ, રામ, વરાહ ઈત્યાદિ. આ નૃત્યના મૂળમાં જ કૃષ્ણ છે તેથી તેઓ માને છે કે ઝાડના મૂળમાં પાણી નાખીએ તો વૃક્ષ વિલસે એ જ રીતે 'કૃષ્ણકા પૂજિલે, સમસ્ત હોય, જેનોજલ દિયા... હોય તૃપ્તિ... સબે પુષ્પ, પત્ર, ડાલ, ફળ.' પછી કહે છે કે આ તો 'વિચારશીલ ચતુર સુજાણને અર્પણ' સત્રિય માર્ગમાં નૃત્ત (શુધ્ધ નૃત્ય) અને નૃત્ય (અભિવ્યકિત) ઉપરાંત નાટયનું મહત્ત્વ છે. આ અમૂર્ત કળામાં શુધ્ધ ક્ષણોને ઝડપી ગતિમાં હલનચલન, વિશાળ રેન્જ અને પેટર્ન નકશીભાત જેવાં હોય છે. આમાં કવિ-કલાકારને પોતાનો મત હોય છે - વાર્તાકથન નહિ. સત્રિય નૃત્ય ધીમુ અને લાગણી વ્યક્ત કરતું પણ જણાય. નૃત્યનાટિકાની જેમ એમાં નાટક, સંવાદ પણ ભળે - ટીમ હોય કે સોલો - પાત્રને રજુ કરવાના ખાસ મુદ્દાઓમાં હોય. કુચિપુડી અને મણિપુરી જેવી અભિવ્યક્તિનો પણ એ પડઘો પાડે છે. આમાં પૌરુષિક ભંગિમા કૂદકા સાથે શક્તિશાળી લાગે જ્યારે સ્ત્રી ભંગિમામાં લાસ્ય-નજાકત મુખ્ય છે. અગાઉ પુરુષો જ આ નૃત્ય કરતા પણ હવે સ્ત્રીઓ પણ ભળી છે. એમાં પુરુષો ધોતી, ચાદર, પાઘડી ધારણ કરે, જ્યારે સ્ત્રીઓ ઘુરી, ચાદર, મેખલા અને કમરે કાંચી બાંધે. તેમાં લાલ, લીલા, ભૂરા, પીળા રંગના ગીચ બુટ્ટા કિનખાબ, મિરિ, કોલતા નામે ઓળખાય.

ભુવન ભૂલાય આનંદેગોપી નાચે પ્રભુ શરણે

સત્રિય નૃત્યમાં કથાવસ્તુ અનુસાર પરિધાન બદલાય. કૃષ્ણ હોય તો 'નાદુ ભંગિ' નૃત્યમાં પીળો અને મોરપીંછ રંગ ઝળકી ઊઠે. સૂત્રધાર શ્વેત પરિવેશ અને ખાસ પાઘ ધારણ કરે. આ નૃત્ય પારંપરિક આભૂષણોનો પ્રચાર-પ્રસાર કરે છે. 'કૈસા સુન' એટલે કે કાચા સોનામાંથી ઘડેલી દામણી (કોપાલી), મુઠી ખારુ અને ગામ ખારુ નામનાં બ્રેસલેટ અને ઢોલ આકારના ધુલ બિરિ ગળપટ્ટા, બેના (ચન્દ્રબીજ), ડુગડુગી, સેનપટા (ગીધ), ધનસિરા (ડાંગરધરુ) અને લોકાપારો (કબૂતર)ની ડિઝાઇનના હાર બહેનો પહેરે. એને મેચિંગ બુટ્ટીય ખરી. અંબોડે સફેદ ફૂલ અને નાટયની વાત આવે ત્યારે મહોરાં, શણગારેલી પાઘડી અને મેક અપ જરૂરી મુદ્દા છે. સત્રિયમાં સંગીત અને વાદ્યોનું આગવું મહત્ત્વ છે. શંકરદેવા અને માધવ દેવ રચિત 'બીરગીત'માં શાસ્ત્રીય રાગ આધારિત સંગીત પીરસાય છે. સત્રિય નૃત્યનાં ખાસ વાદ્યોની યાદી લાંબી છે. 'ખોલ' એ બે મોઢાળાં અસમપ્રમાણતાવાળાં ડ્રમ છે જે અન્ય ઢોલથી જુદા પડે છે. ખોલનો આકાર ઢોલ જેવો છે જેમાં માટી, લાકડું, ચામડું, ચોખાની કણક અને લોખંડનું પૂરણ નાખવામાં આવે. એને દોરડાં બંધાય. ખોલની જમણી બાજુએથી હાઈ પીચ ધ્વનિ સર્જાય અને ડાબી બાજુએ ઊંડો 'બાસ સાઉન્ડ' નિષ્પન્ન થાય. ઉપરાંત મંજિરા, ભોર તાલ, બિહુતાલ, પટિતાલ, ખુટિતાલ, વાંસળી અને હવે આધુનિકમાં હાર્મોયનિયમ અને વાયોલિનનો સમાવેશ થાય છે. આ ફેરફાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા. નૃત્યોની સાથે સાથે નાટયમાં પણ પરંપરા ચાલુ રાખીને અનેક ફેરફારો અને ઉમેરણો ઉમેરાયાં જેથી એની લોકપ્રિયતા બરકરાર રહી છે. યમુના નદીને તીરે શ્રી કૃષ્ણ-ગોપી રાસલીલા ખેલાતી અને કલ્પીને, આત્માસાત્ કરીને સાંપ્રત સમયમાં પણ નૃત્ય નાટકો ભજવાય છે.

અભિનયમાં ભાવના સાથે 'ઓજપાલિ' નાટક

નૃત્ય નાટકની કથાવસ્તુ વિશાળ હોય છે. પ્રવેશ, નૃત્ય અને ઝુમુરા (એક નૃત્ય શૈલી) સંગ સૂત્રધાર ખાસ શૈલીમાં વાર્તા કહે છે. શ્રીકૃષ્ણ વિચારનું આધ્યાત્મિક મૂલ્ય રજુ કરે છે. સ્થાનિક ભાષામાં સૂત્રધાર માહિતગાર કરે છે. અહીં, નૃત્ત, નૃત્ય અને નાટયનો સંગમ જોવા મળે. એકાંકી, બેલે, અન્ય નાટકનો એક 'કોમ્બો' પણ સર્જાય છે. અનુરૂપ વેશભૂષા પહેરી પાત્રો જીવનના પડાવો ઉપર પ્રકાશ પાડે છે. પાછળથી પ્રવેશેલા રાધારાણી, કૃષ્ણ અને ગોપીઓને તેઓ લાડ લડાવે છે. ચહેરાની ખાસ અભિવ્યક્ત રસિકોનું મન મોહી લે. ભરત મુનિના 'નાટકશાસ્ત્ર'માં દર્શાવ્યા મુજબ કળાના મૂળ સ્વરૂપને સાચવી રાખવાની મથામણ દેખાય છે. અભિનય એટલે જ ગાયન અને વાર્તા પ્રસ્તુતિ. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર ગુરુવંદનાનું પણ આમાં મહત્ત્વ છે. આરંભે ભૂમિવંદના અને પ્રભુ સ્તુતિ સાથે ઈષ્ટદેવની જય બોલાવવામાં આવે. પુરુષ નૃત્ય કરે તે નાટકપુરુષ પાક' અને સ્ત્રી નૃત્ય કરે તે 'પ્રકૃતિ પાક' આસામની ખાસ બોલી 'બોરગીત' દ્વારા કલાકાર શબ્દો પર ભાર મૂકી ગીતો ગાય. ભાવના આધારિત નૃત્યમાં 'ભયનાર' નાચથી 'ખરમનાર' નાચ સુધી સ્વતંત્ર ચાલ અને રાજઘરિયા ચાલ દ્વારા ઝુમરા, નાદુભંગિ ઇત્યાદિ પ્રસ્તુત કરી કલાકારો નૃત્ય અને નાટયની પરંપરાને જીવંત અને જીવિત રાખે છે... હા, મહોરાં ક્યારે અને કેવાં પહેરે છે તે તો જોઈએ !

લસરકો :

ગોપિત કળા જડે

આનંદ છોળ ઉડે

જય હો જાદવ તાત

જલનિધિ વિધાતા... 

(ગુરુ શંકરદેવ)


Google NewsGoogle News