અફીણ : સદીઓ જૂની દર્દની દવા મોડર્ન થઈ તો ડ્રગ્સ બની ગઈ!
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- મ્યાંમાર અને અફઘાનિસ્તાન અફીણના ઉત્પાદનમાં પહેલા-બીજા ક્રમે છે. એની સીધી અસર ભારતમાં થાય છે. ડ્રગ્સનો મોટો જથ્થો ભારતના યુવાધનને ખતમ કરી રહ્યો છે
અફીણ.
દવા અને ડ્રગ્સ બંને આમાંથી બને છે. દુનિયાભરમાં અફીણની ખેતી સરકારની પરવાનગી સાથે અને ગેરકાયદે એમ બંને રીતે થાય છે. ૧૯૬૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૨ દેશો સાથે અફીણની ખેતીના કરારો કર્યા હતા. એમાંનો એક દેશ ભારત હતો. દવા બનાવવા માટે દુનિયામાં અફીણના મોટા જથ્થાની જરૂર પડે છે. ખાસ તો અમુક પ્રકાનરી પેઈનકિલર દવાઓ અફીણ વગર બનતી નથી. અફીણમાંથી મેળવાતા મોર્ફિનનો ઉપયોગ કરીને જે દવાઓ બને છે એ કેટલાય રોગોમાં અનિવાર્ય છે. યુએનના કરારના આધારે ભારતમાં કેટલાક રાજ્યોના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી મળે છે. ખાસ તો મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ૪૦ હજાર હેક્ટરમાં અફીણનું ઉત્પાદન થાય છે. કેન્દ્ર સરકાર લાઈસન્સ આપીને જે ખેતી કરાવે છે તેમાંથી ૯૦૦ ટન જેટલું અફીણ મળે છે. સરકાર એ અફીણ કિલોના ૧૮૦૦ના ભાવે ખરીદે છે અને દવાઓ બનાવવા માટે એની નિકાસ કરવામાં આવે છે. મોર્ફિન બનાવવા માટેની કુલ જરૂરિયાતમાંથી ૭૦ ટકા જથ્થો ભારતમાંથી જાય છે. ભારતની સત્તાવાર અફીણની ખેતી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યૂરોના નિયંત્રણમાં છે.
પણ અફીણના ગેરકાયદે માર્કેટમાં એક કિલો અફીણનો ભાવ ૬૦ હજારથી દોઢ લાખ સુધી ચાલે છે. આ માતબર ભાવ મેળવવા ભારતમાં પણ ગેરકાયદે અફીણની ખેતી થાય છે. પાંચેક વર્ષ પહેલાં જ એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો કે અંડર ગ્રાઉન્ડ, એજન્સીઓના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમરાહે દેશમાં વર્ષે ૨૦૦૦ કરોડની અફીણની ગેરકાયદે ખેતી થાય છે. અફીણના ગેરકાયદે ઉત્પાદનમાં ભારત ટોપ-૫માં આવતું હોવાના દાવા પણ અહેવાલોમાં વારંવાર થાય છે. જોકે, આ મામલે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન પહેલાં ક્રમે હતું. એકલા અફઘાનિસ્તાનમાં જ વર્ષે અઢી લાખ હેક્ટર જમીનમાં અફીણનું ઉત્પાદન થતું હતું અને એમાંથી ચાર અબજ ડોલરની માતબર કમાણી થતી હતી. અફઘાનિસ્તાનમાં અફીણની જે જાતનું ઉત્પાદન થાય છે એમાંથી ૯૦ ટકાનો ઉપયોગ હેરોઈન બનાવવા માટે થતો હતો. દુનિયાના કુલ ગેરકાયદે અફીણ ઉત્પાનમાંથી ૮૪ ટકા ઉત્પાદન ગયા વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં થતું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ડ્રગ્સ અને ક્રાઈમ-૨૦૨૩ના અહેવાલ પ્રમાણે તાલિબાને આકરા પગલાં ભર્યા એટલે અઢી લાખ હેક્ટરમાંથી અફીણની ખેતી ૨૦૨૩માં માત્ર ૧૧ હજાર હેક્ટરમાં થઈ હતી. ૨૦૨૨માં અફઘાનિસ્તાનમાં ૬૨૦૦ ટન અફીણનું ઉત્પાદન થયું હતું. તાલિબાન સરકારના આકરાં પગલાં પછી ૯૫ ટકા ઘટાડા સાથે ઉત્પાદન ૩૩૩ ટને પહોંચી ગયું છે. ઓછા ઉત્પાદન સાથે જ અફઘાનિસ્તાને પહેલું સ્થાન ગુમાવ્યું હતું અને ભારતનું પાડોશી મ્યાંમાર અફીણ ઉત્પાદનનું નવું સેન્ટર બન્યું છે. મ્યાંમારે ૨૦૨૩માં ૧૦૮૦ મેટ્રિક ટન અફીણનું ઉત્પાદન કર્યું. ૧૫૪ ટન હેરોઈનનો જથ્થો મ્યાંમારે આ વર્ષે એક્સપોર્ટ કર્યો છે. મ્યાંમારનો આ વર્ષનો અફીણ-હેરોઈનનો બિઝનેસ ૨.૪ અબજ ડોલરનો છે, જે દેશની જીડીપીનો ૪.૧ ટકા હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ગયા વર્ષે મ્યાંમારમાં ૭૯૦ ટન અફીણનું ઉત્પાદન થયું હતું. મ્યાંમારમાં લશ્કરી શાસન આવ્યા પછી અફીણની ખેતીને છૂટો દોર મળ્યો છે. લશ્કરી અધિકારીઓએ અફીણની ખેતીને છૂટ આપી છે અને એમાંથી મળતા કાળા નાણાનો ઉપયોગ હથિયારો ખરીદવા પાછળ થઈ રહ્યો છે. દુનિયામાં ત્રણ લાખ હેક્ટરમાં ગેરકાયદે અફીણનું વાવેતર થયું હતું. એમાંથી એકલાં મ્યાંમારમાં જ એક લાખ હેક્ટર જમીનમાં અફીણની ખેતી કરવામાં આવી હતી.
યુગોસ્લાવિયા, બલ્ગેરિયા, ઈજિપ્ત, પાકિસ્તાન, તુર્કી, થાઈલેન્ડ જેવા દેશોમાં યુએનના કરાર પ્રમાણે સત્તાવાર રીતે પ્રોડક્શન થાય છે અને એનાથી ક્યાંય વધારે ગેરકાયદે ઉત્પાદન પણ કરવામાં આવે છે. યુએનના એક્સપર્ટ્સનો એવો અંદાજ છે કે વિશ્વના કુલ અફીણ ઉત્પાદનનો માત્ર ૧૨ ટકા હિસ્સો જ દવા બનાવવામાં વપરાય છે. તે સિવાયનો બધો જ જથ્થો નશાખોરી કે હેરોઈન બનાવવા માટે ખર્ચાઈ છે. ટૂંકમાં યુએનના કરાર પ્રમાણે જે ઉત્પાદન થાય છે એમાંથી દુનિયાભરની કંપનીઓ દવા બનાવે છે. ગેરકાયદે જથ્થામાંથી ડ્રગ્સ માફિયાઓ પાવડર બનાવીને અબજોની કમાણી કરે છે.
મ્યાંમાર ભારતનું સરહદી રાષ્ટ્ર છે. પૂર્વોત્તર રાજ્યો સાથે મ્યાંમારને ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશની ઘણી જાનજાતિઓનો પરંપરાગત તહેવાર પણ સરખો છે. મણિપુર, મિઝોરમ, મેઘાલયના નાગરિકોના તો દૂરના સંબંધીઓ મ્યાંમારમાં રહે છે. આવી સ્થિતિમાં મ્યાંમારમાં અફીણનું ઉત્પાદન વધે તો આપણે ચેતી જવા જેવું ખરું. ગમે તેમ કરીને મ્યાંમાર આ રસ્તેથી મોટો જથ્થો ભારતમાં ઘૂસાડી શકે. અત્યાર સુધી મ્યાંમારમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘૂસાડવામાં આવતો હતો. અફીણનું ઉત્પાદન વધતા ભારતમાં ઘૂસાડાતા હેરોઈનનો જથ્થો પણ વધશે.
ચીન અને યુરોપનો જોડતો સિલ્ક રૂટ એક સમયે વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર હતો. એ રૂટમાં ચીનનું સિલ્ક અને ભારતના મરી-મસાલા યુરોપ પહોંચતા હતા. પછી એ જ રૂટ અફીણની હેરાફેરી માટે પણ જાણીતો હતો. ભારત અને ચીનમાં આરબ વેપારીઓ અફીણ લાવ્યા હતા. ભારતમાં વિદેશી આક્રમણખોરોનું શાસન શરૂ થયું પછી અફીણની ખેતી થવા માંડી. તે વખતેય અફીણનો ઉપયોગ દવા અને ડ્રગ્સ બંનેમાં થતો. એમાંથી હજુ હેરોઈન બનાવવાની પદ્ધતિ વિકસી ન હતી, પરંતુ અફીણનું પ્રવાહી ઉજવણીઓ વખતે દરબારીઓને પીવડાવવામાં આવતું. ધીમે ધીમે ભારતનાં નાના-મોટા રાજ્યોમાં અફીણનો ફેલાવો થયો.
આજે જે અફઘાનિસ્તાન-મ્યાંમારની સ્થિતિ છે એવી એક સમયે ભારત-ચીનની હતી. બ્રિટિશરાજમાં ભારતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી. જે ખેડૂતો અફીણની ખેતીની ના પાડતા હતા તેમને બીજી ઉપજ પર ઊંચો કરવેરો આપવો પડતો. ૧૯મી સદીના અંતે અખંડ ભારતની કુલ વસતિ ૨૪-૨૫ કરોડ હતી એમાંથી ૧૫ લાખ ખેડૂતો અફીણની ખેતી કરતા હતા. ઉત્તર અને મધ્ય ભારતમાં અફીણના કારખાના હતા, ત્યાં અફીણને સૂકવીને ચોસલા બનાવાતા અને એ લાકડાની પેટીઓમાં પેક કરીને યુરોપમાં મોકલાતા.
બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે અફીણની ખેતી માટે હોડ જામી હતી. એ વખતે યુરોપમાં અફીણની ડિમાન્ડ વધતી જતી હતી. યુરોપના રાજાઓ અને જમીનદારો ભારત-ચીનમાં થતાં અફીણના મોં માગ્યા દામ આપતા હતા. પરિણામે અફીણની દાણચોરી એ સમયગાળામાં વધી ગઈ. અફીણની જરૂરિયાતને પહોંચી વળવા ભારતમાં તો મોટાપાયે એની ખેતી શરૂ કરાવી જ, પરંતુ ચીનમાં પણ ઉત્પાદન શરૂ કરાવવા તખ્તો ઘડાયો અને એના કારણે ચીન સાથે જે જંગ થયો એ અફીણ વિગ્રહના નામે ઓળખાયો.
૧૯મી સદીની શરૂઆતમાં ભારત પર અંગ્રેજોનો દબદબો થઈ ચૂક્યો હતો. ભારતમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપની ચીન સાથે વેપાર કરતી, પણ ચીનના રાજાઓ સાથે એ વેપાર સોના-ચાંદીથી થતો. અંગ્રેજોને વેપાર મોંઘો પડતો હતો. એટલે ચીનને નબળું પાડવા ગેરકાયદે અફીણ ઘૂસાડવાનું શરૂ થયું. ચીનના લોકોને અફીણની લત લાગવા માંડી. ચીને અફીણની આયાત પર પ્રતિબંધ વધુ આકરો બનાવ્યો, તોય ગેરકાયદે અફીણ મોકલાતું રહ્યું. ચીને હજારો પેટીઓ જપ્ત કરી લીધી. અફીણનો એ સંઘર્ષ આખરે યુદ્ધમાં ફેરવાયો. એમાં ચીનની હાર થઈ એટલે બ્રિટનને હોંગકોંગ મળી ગયું. એ રીતે ચીનનું બંધ માર્કેટ વિદેશીઓના હાથમાં આવ્યું. પછી તો એ જ સિલસિલામાં આગળ જતાં બ્રિટન-ફ્રાન્સના સૈન્યએ સંયુક્ત રીતે ચીન સામે યુદ્ધ ખેલ્યું હતું. એમાં ચીનની પીછેહઠ થઈ એટલે ભારતની જેમ ચીનમાં પણ અફીણની ખેતી થવા માંડી.
અફીણનો જૂનામાં જૂનો પુરાવો ઈ.સ. પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલાં (જેને ઉત્તર પાષાણ યુગ કહેવાય છે) નિઅલિથિક કાળમાં મળે છે. સંશોધકો માને છે કે સાતેક હજાર વર્ષ પહેલાંના માનવીઓ ધાર્મિક વિધિઓમાં એનો ઉપયોગ કરતાં હતા. એ પછી પ્રસૂતિ વખતે સ્ત્રીને કે પછી યુદ્ધમાં ઘાયલ સૈનિકને દર્દ ઓછું ફીલ થાય તે માટે અફીણમાંથી રસ બનાવીને પીવડાવવામાં આવતો હતો. ઈ.સ. પૂર્વે ૭મી સદીના એસિરિયન દસ્તાવેજોથી લઈને પહેલી સદીમાં થયેલા ગ્રીક લશ્કરી ડોક્ટર પેડેનિયસ ડાઓસ્કોરાઈડના લખાણો સુધી અફીણને દર્દશામક ઔષધિ ગણાવાઈ હતી.
સંશોધકોએ આરબ ચિકિત્સકોની નોંધોના આધારે તારણ રજૂ કર્યું કે છેક ૭મી ૮મી સદી સુધી અફીણથી નશો થતો હોય એવું નોંધાયું નથી. તે છેક ૧૨-૧૩મી સદી સુધી અફીણ નશા માટે વપરાતું ન હતું. એ પછી અફીણ નશીલા પદાર્થ તરીકે વિખ્યાત થવા માંડયું. શરૂઆતમાં અલગ અલગ રીતે અફીણનો ઉપયોગ નશામાં થતો હતો, પરંતુ પછી એમાંથી હેરોઈન બનાવવાની પદ્ધતિ પ્રચલિત થઈ ત્યારથી અફીણની ડિમાન્ડ અભૂતપૂર્વ વધી ગઈ.
એક સમયે અફીણની ઔષધિ દર્દનો નાશ કરતી હતી. ઔષધિમાંથી એડિક્શન બનેલું અફીણ હવે આખી યુવાપેઢીને ભરખી રહી છે. પહેલાં દર્દની દવા શોધે ને પછી દવામાંથી દર્દ શોધે, માણસ એટલે જ કદાચ સૌથી વિચિત્ર પ્રાણી છે!
મોર્ફિન અને હેરોઈન
અફીણમાંથી મોર્ફિનને છૂટું પાડવાનું કામ જર્મન તબીબ ફ્રેડરિક સેર્ટનરે ૧૮૦૩માં કર્યું હતું. ગ્રીક દેવતા મોર્ફિસના નામ પરથી ફ્રેડરિકે આ તત્ત્વને મોર્ફિન નામ આપ્યું હતું મોર્ફિસ ઊંઘ અને સપનાનો દેવતા ગણાય છે અને મોર્ફિન દર્દીને બેભાન કરવા કે ગાઢ ઊંઘ માટે આપવામાં આવે છે. ૧૮૫૩ સુધી એનો મેડિસીનમાં ઉપયોગ થતો ન હતો. ૨૦મી સદીથી એનો ઉપયોગ છૂટથી થવા લાગ્યો. હવે વર્ષે ૭૦૦ ટન મોર્ફિનની જરૂર પડે છે.૧૮૭૪માં સી. આર. એલ્ડર રાઈટ નામના બ્રિટિશ રસાયણશાસ્ત્રીએ મોર્ફિનમાંથી ડાયમોર્ફિન છૂટું પાડયું. એ પદાર્થ ભવિષ્યમાં નશાના પર્યાય જેવા હેરોઈનના નામથી ઓળખાવાનું હતું. હેરોઈનના પણ મેડિકલ યુઝ છે, પરંતુ એનો સૌથી વધુ ઉપયોગ નશાકારક પદાર્થ માટે થઈ રહ્યો છે. સાત કિલો સૂકવેલા અફીણના ડોડામાંથી એક કિલો હેરોઈન પાવડર બને છે. એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ત્રણ કરોડ જેટલી કિંમત આવે છે. દુનિયામાં ૧.૭ કરોડ લોકો હેરોઈનનો નશો કરે છે. હેરોઈનના નશાથી વર્ષે સરેરાશ ૧.૨૦ લાખ લોકોનાં મોત થાય છે.