વિપરીત બુદ્ધિ, વિપરીત સંજોગોથી વિનાશ
- સુભાષિત-સાર-કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
મા ણસના જીવનમાં કોઈ એક વાત નિશ્ચિત હોય, તો તે છે મૃત્યુ. તે ગમે તે કારણે આવે. કુદરતી મરણ, અકસ્માત, યુદ્ધ કે મારામારી, વ. બીજા કોઈ કારણસર નહિ, તો આખર એક માંદગીથી મરો ક્યારેક માંદગીથી બચે, તો ય છેવટે બીજી બિમારીથી મરે. ક્યારેક પરિસ્થિતિ એવી થાય કે માણસને એમ લાગે કે આના કરતાં મોત સારૂં. પૈસા, પદવી, પ્રતિષ્ઠા બધું લૂંટાઈ જાય, જાણે માણસની અસ્મિતાનો જ વિનાશ થાય. આના દાખલા પણ આ સુભાષિતમાં આપ્યા છે.
રાજા પાસે સમગ્ર રાજ્યની સત્તા હોય. સમસ્ત સૈન્યનું પીઠબળ એની સહાયમાં એની સાથે હોય. શાસન ચલાવવા ઉત્તમ અધિકારીઓ બરાબર ચકાસીને રાખ્યા હોય છતાં કોઈ ભ્રષ્ટ, ખટપટીઓ કે દગાખોર માણસ ઉંચા અધિકારી પદે નિમાઇ ગયો હોય, કોઈ લોભિયો અને લાંચિયો આવી ગયો હોય, તો તે ઉંધી જ સલાહો આપે અને રાજ્યનું અહિત કરે, તો રાજાનો પોતાનો જ વિનાશ થાય. તપસ્વી સાધુઓ હંમેશાં તપશ્ચર્યા, વૈરાગ્ય અને અસંગ પાળતા હોય, પણ જો તે સંસારના ભોગે વૈભવ કે લાલચ-લાલસામાં લપટાય તો તેમની તપસ્યામાં પુણ્યોનો અને તેમની સાધનાનો નાશ થાય છે. પુત્રને હંમેશાં કુટુંબના સંસ્કાર, વિનય અને શિસ્ત શિખવાડવા જોઈએ. તેને બદલે જો તેને બાળપણથી લાડકોડમાં અને આળપંપાળમાં ઉછેરવામાં ઉચ્છુંખલ આવે તો એ મોટપણમાં સ્વચ્છંદી, વ્યસની, થાય અને તેની જિંદગી બરબાદ થાય. બ્રાહ્મણોએ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ અને નાગરિકોને શિક્ષણ, સદુપદેશ આપવા જોઈએ, અને વિદ્યાઓનો સતત અભ્યાસ કરવો જોઈએ. નિયમિત અભ્યાસ ન કરનાર બ્રાહ્મણ નાશ પામે છે.
કુટુંબમાં સંસ્કારોની પરંપરા ચાલુ ન રાખે તેનો કપૂત પાકે તો કુળનો વિનાશ થાય છે. માણસ કોઈ દુષ્ટનો સંગ કરવાથી અથવા આશ્રય લેવાથી તેના ચારિત્ર્યનો નાશ થાય છે. દારૂના સેવનથી માણસ નિર્લજ્જ, નિર્દય અને ઉદ્ધત બને છે. સમાજ એને ધિક્કારે છે. આ તેની આબરૂનો અંત છે. ખેડૂત હોય તો તેણે તેની જમીન અને ખેતીવાડીનું રોજેરોજ નિરીક્ષણ કરવું જોઈએ. રવિશંકર મહારાજ કહેતા કે જમીન ઉપર તેના માલિકની ચરણરજ રોજેરોજ પડવી જોઈએ. મતલબ કે ખેતીનું દરેક કામ રોજેરોજ બરાબર થયું કે નહિ. પાક બરાબર તૈયાર થાય છે કે નહિ તે જોવા રોજ ખેતરે જવું પડે. આમાં બેદરકારી થાય તો પાક તદ્દન નાશ પામે છે.
સતત પ્રવાસ એ સ્નેહનો દુશ્મન છે, એનાથી સ્નેહીજન તરફ દુર્લક્ષ થાય છે, એને સ્વજનનો સહકાર પૂરતો મળતો નથી અને પરસ્પરની લાગણીમાં ઓટ આવે છે, અને છેવટે સ્નેહ અદ્રશ્ય થાય છે. મૈત્રીનું પણ આવું જ. મિત્રો વચ્ચે પ્રેમભાવ, એક બીજા માટે લાગણી, સહાનુભૂતિ હોય, ભોગ આપવાની તૈયારી હોય, ત્યાં સુધી મૈત્રી નભે છે, લાગણીઓ ન રહે તો મૈત્રીનો અંત આવે. ધનવાન માણસ પોતાની સંપત્તિને નીતિથી સાચવે નહિ, તેનો સંગ્રહ અને સંવર્ધન કરવામાં તેમજ તેનો સદુપયોગ કરવામાં અનૈતિક રીતે વર્તે, તો તેની સંપત્તિનો નાશ થાય. સંગ્રહની કાળજી રાખવામાં, હિસાબો નિયમિત અને ચોકખા રાખવામાં માણસ જો આળસ કે બેપરવાઈ કરે તો તેનું ધન વેડફાઈ જાય છે.
આ ઉપરથી નાના-મોટા બધાયને પોતાની મિલ્કત, પોતાના સામાજિક સંબંધોમાં પૂરી કાળજી રાખવાનો પાઠ મળે છે.