જીવન હૈ સંગ્રામ બન્દે, જીવન હૈ સંગ્રામ
- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી
- 'હસે તેનું ઘર વસે' અવારનવાર આડી અવળી ને કંટાળાભરી જોકથી વિભાએ કંટાળતી : 'આખરે તું 'જોકર' જ રહ્યો. કોઈ સરકસમાં રયો હોત તો?'
સા સરેથી સહુની અર્ધ ભીંજેલી આંખોથી ભાવ ભીની વિદાય માટે રશ્મિએ મેકે જવા માટે પગલાં માંડયાં.
ત્યારે તેનો પણ સંયમ સચવાયો નહિ. આંખો લૂછતાં એણે પગલાં માંડયા ત્યારે 'મોટાં બા'એ પૂરા સ્નેહભાવથી એને મૃદુતાભરી ટકોરથી કહ્યું...'બેટા, ઉજળા પ્રસંગ માટે જાય છે ત્યારે હસતા મુખે જવાનું.' પ્રતિમાબહેન પણ ભાવવિભોર થયાં અને રશ્મિ સાથે પ્રસ્થાન કર્યું.
સાંજ સુધીમાં તો મા દીકરી વડોદરા સુખરૂપ પહોંચી ગયાનો મોબાઈલ પણ રણકી ગયો. ઘરમાં ખુશીની લહર પ્રસરી ગઈ. સવારે પ્રોફેસર પ્યારેલાલ સુખદ સમાચાર સાંભળવા આવી રહ્યા. પેથાભાઈ પાસે સીધા પહોંચી ગયા. એ જરાક નર્વસ લાગતા હતા.
મોટાં બાએ એમને જોતાં જરાક કંપતા સ્વરે કહ્યું : 'રશ્મિને ગયે હજી તો બાર કલાક પણ પૂરા થયાં નથી, અને ઘરમાં જાણે કેવો ખાલિપો ખાલિપો લાગે છે.'
પેથાભાઈએ પણ સૂર પુરાવ્યો : 'એને ઘરમાં હરતી ફરતી જોઈને વસતી લાગતી.'
પ્રોફેસર પ્યારેલાલે એમની વાતનું સમર્થન કરતાં કહ્યું : 'વ્યક્તિને પણ એનું આગવું વ્યક્તિત્વ હોય છે એ વ્યક્તિત્વની સંસ્કારિતા, નમ્રતા એની વાણીની મીઠાશ અને સહુ પ્રત્યે પ્રેમની ખુશબો. આવા ગુણોને લઈને ઘરમાં - પરિવારમાં ઉજાસ લાગે છે. વાતાવરણ ઉષ્માભર્યું
લાગે છે.'
આ સાંભળતા જ વિશાલના પપ્પા અચાનક ઉચ્ચારી ઉઠયાં : 'આઈ એગ્રી વીથ યુ.'
વિશાલ ખુશ થઈ ગયો : 'પપ્પા આજે અંગ્રેજીમાં બોલ્યા.'
ફેન્ટાએ પતિ મહાશયને ખુશહાલ જોઈને મઝાની કોમેન્ટ (comment) કરી : 'વિશાલના પપ્પા ખુશ હોય ત્યારે અને ગુસ્સામાં હોય ત્યારે અંગ્રેજીને યાદ કરે છે. ખુશ હોય ત્યારે ચિયર યુ (Cheer you) અને મિજાજમાં હોય ત્યારે "you stupid ''યુ સ્ટુપીડ - એ બે શબ્દો એમને જીભવગા છે.''
વિશાલે જરા નવાઈ પામીને અથવા તો કદાચ એમને ખુશ કરવા પૂછ્યું : 'પપ્પા અંગ્રેજી મિડિયમમાં ભણ્યા હતા?'
ફેન્ટાથી અચાનક જ બોલી જવાયું : 'દસમા ધોરણ સુધી અંગ્રેજો ઉપર ઉપકાર કર્યો હતો.'
ફેન્ટા બોલતાં તો બોલી ગઈ, પણ સામે ઘુરકતા વાઘ જેવા ડોળા જોઈ ગભરાઈ ગઈ. તરત ફેરવી તોળ્યું : 'એમની સ્કૂલ દસમા ધોરણ સુધીની જ હતી. નહિતર એમનું અંગ્રેજી સારું હતું.' વિશાલના પપ્પાના મુખ પર પ્રશંસાની તેજી જણાઈ.
એમણે કહ્યું : 'બેટા! અમારી સ્કૂલના પ્રિન્સિપાલે તો મને હાયર સેકન્ડરીમાં આગળ વધવાની સલાહ આપી હતી.'
'પણ એમને એક ખાનગી ઓફિસમાં ટાઇપિસ્ટની અને પછી ક્લાર્કની જગ્યા મળી ગઈ. એમનું અંગ્રેજી વાંચીને મેનેજરે એમને બઢતી આપી.'
વિજયકુમાર (વિશાલના પપ્પા) પત્નીના મુખે આવાં વખાણ સાંભળી ખુશ થઈ ગયા.
ફેન્ટાએ એમને વધુ પોરસાવ્યા : 'અત્યારે ય એમને ઓફિસમાં મોટો હોદ્દો મળ્યો છે.' ફેન્ટાએ જીભમાંથી અમી વરસાવા માંડયું.
અને પતિ મહાશય પત્ની પર વારી ગયા.
વિશાલને તો પોતાના પપ્પા કેવા અપ્તરંગી Wrinsied (Mainsied) છે તેનો ખાસ્સો અનુભવ હતો. એ કારણે તો એણે રશ્મિનું આ પપ્પાને હાથે અપમાનભર્યું વર્તન થાય, એના કુટુંબ સુધી પપ્પા પહોંચી જાય એ ગણતરીથી રશ્મિને પોતાના પરિવારથી દૂર રાખવાની 'જફા' કરી હતી. એય થોડો અપ્તરંગી અને ચંચળ મનનો તો હતો જ. પણ છેવટે એનાં મમ્મી, મંજરીભાભી વગેરેની કુશળતાથી વાત આખી પતી ગઈ. અને બંને લગ્ન સુધી પહોંચી ગયાં.
આવી બધી બિનજરૂરી વાતોમાં સમય વીતતો હતો તેવામાં વિશાલનો મોબાઈલ રણક્યો. ખીસામાંથી એણે ઝડપથી મોબાઈલ ખેંચી કાઢ્યો : 'હેલો, હેલો! રશ્મિ, રશ્મિ!' એના ચહેરા પર સુખદ હાસ્ય ચમકી રહ્યું.
રશ્મિ સાથે ત્રણચાર મિનીટની વાતોમાં તો વિશાલના અંગે અંગમાં રોમાંચ ફેલાઈ ગયો. ફોન પૂરો થતાં જ 'મમ્મી, મમ્મી!' એનો અવાજ હરખાઈ ગયો. 'મમ્મી! રશ્મિ મઝામાં છે. એ અને મમ્મી સમય મળ્યે કેરમ રમે છે.'
ફેન્ટા હરખાઈ ઉઠી.
એવામાં પ્રોફેસર પ્યારેલાલ આવ્યા.
ફેન્ટાની વાત સાંભળીને એય ખુશી થઈ ઉઠયા.
બસ, આમ જ સમય આનંદમાં સારી રીતે પસાર કરવો જોઈએ.'
રશ્મિના ફોનની ખુશનુમા વાતો ચલાતી હતી ત્યાં દુરથી વીરેનનો અવાજ સંભળાયો. કંઈક મોટેથી ગાતો ગાતો ઘરમાં પ્રવેશ્યો.
મેરે બિછડે હુએ સાાથી, તેરી યાદ સતાયે
વિશાલને થયું : 'આ વળી ક્યાંથી અત્યારે?'
વિભાએ તરત કહ્યું : 'આકાશવાણી' થઈ એટલે અમે આવી ગયાં. 'રશ્મિ વડોદરા મેકે પહોંચી ગઈ? ગુલતાન કરે છે ને.'
'અરે મા દીકરી સમય મળ્યે કેરમ રમે છે' વીરેન કહે : 'રશ્મિને તો બધી રમત આવડે.'
વિશાલ હોંશમાં કહે : 'કેરમમાં તો રશ્મિ જ જીતે છે. ક્વીન તો એ જ લઈ જાય છે.'
વીરેને મજાક કરી : 'એ તો રશ્મિની મમ્મી એને રાજી રાખવા, જાણી જોઈને એને જિતાડતી હશે.'
વિભાએ એને રોક્યો : 'તને તો બધી વાતે અવળું જ સૂઝે છે.'
વીરનને તો હાસ્યના ટહુકા વિના ટાઈમ જાય જ નહિ. 'હસે તેનું ઘર વસે' અવારનવાર આડી અવળી ને કંટાળાભરી જોકથી વિભાએ કંટાળતી : 'આખરે તું 'જોકર' જ રહ્યો. કોઈ સરકસમાં રયો હોત તો?'
વીરેન હસીને કહે, 'હસે તેનું ઘર વસે.'
અચાનક વિશાલ બોલી ઉઠયો : 'હસે તેનું ખસે.'
વીરેન ખડખડાટ હસી પડયો : 'વાહ રે વિશાલ! હવે તું રંગમાં આવ્યો.'
વિશાલ આ અંજલિથી ઝૂમી ઉઠયો.
ફેન્ટાએ ખુશાલીમાં શીરો ખવડાવી દીધો.