મહામાયા કામાખ્યા : નરકાસુરનું પ્રાગજ્યોતિષપુરમાં આગમન!

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
મહામાયા કામાખ્યા : નરકાસુરનું પ્રાગજ્યોતિષપુરમાં આગમન! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- ભૂદેવીને રાજા જનકના વિચારોની જાણ થઈ ગઈ. એમણે પોતાના પુત્ર નરકને જંગલમાં લઈ જઈ તેના જન્મની સમગ્ર કથા જણાવી. તદુપરાંત, પિતા વિષ્ણુના દર્શન પણ કરાવ્યા

દ ક્ષ પ્રજાપતિના યજ્ઞામાં આત્મદાહ કર્યા પશ્ચાત્ મા સતીના શબનો યોનિભાગ જ્યાં સ્થાપિત થયો, એ છે પ્રધાન તંત્રપીઠ : કામાખ્યા! પ્રત્યેક તંત્ર-ઉપાસકોનું એક એવું નિજધામ, જે ઊર્જાના પ્રચંડ સ્રોત સાથે સીધું જોડાણ ધરાવે છે. નીલાચલ પર્વત ઉપર સ્થિત આ મહાશક્તિપીઠ પર તાજેતરમાં એક સુદીર્ઘ તંત્રસાધના કરવાનો અવસર પ્રાપ્ત થયો, ત્યારે વિચાર આવ્યો કે કામાખ્યાની તાંત્રિક વિશેષતાઓ અંગે એક લેખમાળા લખવી જોઈએ.

કામાખ્યા શક્તિપીઠનો ઉલ્લેખ કેટલાક શાસ્ત્રો (વિશેષત: યોગિનીતંત્ર, કાલિકાપુરાણ અને કામાખ્યા તંત્ર)માં 'પ્રાગજ્યોતિષપુર' અને 'કામરૂપ દેશ' તરીકે મળી આવે છે. કહેવાય છે કે કામરૂપ દેશ પર એક સમયે અસુરોનું સામ્રાજ્ય હતું. એક વખત બ્રહ્માદિ દેવતાગણને પોતાના તપોબળના આધારે આગોતરો પૂર્વાભાસ થઈ આવ્યો કે ધરતીના ગર્ભમાંથી એક મહાપરાક્રમી બાળક પેદા થવા જઈ રહ્યો છે, જે આગામી ભવિષ્યમાં ત્રિલોકમાં હાહાકાર મચાવી શકવા સક્ષમ હશે. ઘણાં લાંબા સમય સુધી પોતાની સિદ્ધિઓને આધારે દેવતાઓએ મા ધરિત્રી અર્થાત્ પૃથ્વી માતાના ગર્ભને રોકી રાખ્યો, તેનો જન્મ ન થવા દીધો. અંતે પ્રસવપીડા અસહ્ય થઈ જવાને કારણે ધરતી મા ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રસવ માટે રુદન કરવા લાગી.

એમના હૈયાફાટ રુદનને લીધે ભગવાન વિષ્ણુ વિચલિત થઈ ગયા. સતયુગનો અંત થવા જઈ રહ્યો હતો અને ત્રેતાયુગની શરૂઆત! જેવો ત્રેતાયુગ તેના મધ્યભાગમાં પહોંચ્યો કે તરત ભગવાન વિષ્ણુએ મા ધરતીને પ્રસવની વ્યવસ્થા કરી આપી. જે યજ્ઞાભૂમિ (ક્ષેત્ર) પર મા સીતાનો જન્મ થયો હતો, એ જ ક્ષેત્ર પર જઈને વસુમતી ધરાએ યથાસમયે એક મહાબળશાળી પુત્રને જન્મ આપ્યો. પ્રસવની રાતે જ ધરતી મા રાજા જનક પાસે ગયા અને પુત્રના જન્મવૃત્તાંત અંગે વિસ્તારપૂર્વક વાત કરી. ધરતી માતાના આદેશ પર રાજા જનક યજ્ઞાભૂમિ પર જઈને જુએ છે તો ચંદ્ર-સૂર્યના તેજ સમાન દિપ્યમાન ભૂમિપુત્ર સૂતાં-સૂતાં હાથ-પગ હલાવી રહ્યો હતો. ભૂદેવી પાસેથી આ બાળકના ઉછેરની અનુમતિ લઈને રાજા જનક તેને પોતાના પ્રાસાદમાં લઈ આવ્યા.

ભૂદેવીપુત્ર ધીમે ધીમે મોટો થવા લાગ્યો. ગૌતમ મુનિએ જન્મસંસ્કાર કર્યા પશ્ચાત્ તેનું નામ રાખ્યું, નરક! જન્મના સમયે બાળકનું માથું એક મૃતકના મસ્તક ઉપર હતું, એ કારણોસર જ ગૌતમ મુનિએ તેનું નામ 'નરક' પાડયું હતું. ક્ષત્રિયને છાજે એવા વિદ્યાભ્યાસમાં નરક નિપુણ થવા માંડયો. ભૂદેવી પણ છૂપા વેશે કાત્યાયની તરીકે સોળ વર્ષ સુધી પોતાના પુત્રને નીતિશિક્ષા આપતી રહી. નરક એટલો બળશાળી બની ગયો કે રાજા જનકના પુત્રો પણ તેની સામે ઝાંખા પડવા લાગ્યા. રાજા જનકને ચિંતા થઈ કે ભવિષ્યમાં જો નરક પોતાના માર્ગ પરથી ભટકી ગયો તો એમના પુત્રોનું કોણ? નરકને કારણે એમના પુત્રો પાસેથી રાજ્ય છીનવાઈ ગયું તો?

ભૂદેવીને રાજા જનકના વિચારોની જાણ થઈ ગઈ. એમણે પોતાના પુત્ર નરકને જંગલમાં લઈ જઈ તેના જન્મની સમગ્ર કથા જણાવી. તદુપરાંત, પિતા વિષ્ણુના દર્શન પણ કરાવ્યા. ભૂદેવીનો સ્પષ્ટ આદેશ હતો કે ભગવાન વિષ્ણુની આરાધના કર્યા પશ્ચાત્ તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ એકમાત્ર હેતુ હોવો જોઈએ. ભૂદેવીની આ ભાવના અને નરકના તપને કારણે ભગવાન વિષ્ણુ બંને મા-દીકરાને લઈને ગંગા નદીમાં ઊતરી ગયાં. તેઓ નદીમાર્ગે પહોંચ્યા, પ્રાગજ્યોતિષપુર અર્થાત્ આજના કામાખ્યા ક્ષેત્રમાં!

રસપ્રદ વાત એ છે કે નીલાચલ ક્ષેત્રમાં પણ ગંગા વહી રહી છે! ઋષિ વશિષ્ઠે અહીં તપ કર્યુ હતું. એમણે જોયું કે સમસ્ત ક્ષેત્રમાં પાણીની ભયંકર અછત છે, ત્યારે એમણે ભગવાન શિવને પોતાના તપ થકી પ્રસન્ન કર્યા અને એમની પાસેથી ગંગાને અહીં સ્થાપિત કરવાનું વરદાન માગ્યું. શિવની જટાઓમાંથી ગંગા ઊતરી અને નીલાપર્વત પર વહેવા લાગી. આજની તારીખે એ 'વશિષ્ઠ ગંગા' તરીકે પ્રચલિત છે. વશિષ્ઠ મુનિ અને નરકાસુર વચ્ચેના તાંત્રિક યુદ્ધની કથા પણ અત્યંત રોચક છે, પરંતુ એની ચર્ચા આવનારા સમયમાં કરીશું. હાલ પૂરતું, વશિષ્ઠ આશ્રમ આજની તારીખે પણ એક એવું સ્થાન છે, જ્યાં દૈવત્વ અને પવિત્રતાની અનુભૂતિ કરી શકાય છે. ગુવાહાટીની મુલાકાત લેનારા પ્રત્યેક દર્શનાર્થીઓ વશિષ્ઠ આશ્રમ અને વશિષ્ઠ ગંગાના દર્શને અચૂક આવે છે.

પ્રાગજ્યોતિષપુર વાસ્તવમાં શિવભૂમિ તરીકે પ્રખ્યાત હતું, કારણ કે પોતાના પુત્રો માટે ભગવાન શિવે તેને અકબંધ રાખ્યું હતું. અહીં પ્રવેશ મેળવ્યા બાદ ભગવાન વિષ્ણુ, ભૂદેવી અને નરકને કઈ કઈ આપત્તિઓનો સામનો કરવો પડયો એ અંગે ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે.


Google NewsGoogle News