સુહાસનું સાહસ ફળ્યું! .

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સુહાસનું સાહસ ફળ્યું!                                       . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- સુહાસ શેટ્ટી નેચરલ અને ઓર્ગેનિક આઇસક્રીમ બનાવે છે, તેની સાથે સાથે તે પર્યાવરણની જાળવણી પણ કરે છે

ઉ નાળાના ધોમધખતા તાપમાં વ્યક્તિ સતત થોડી ઠંડક મેળવવા પ્રયત્ન કરતો હોય છે. તક મળે ઠંડા પીણાં, છાશ, લસ્સી, બરફગોળા કે આઇસક્રીમની પણ મજા માણે છે. એમાંય નાનાં બાળકો તો આઇસક્રીમની ચમચી અને બરફગોળાની લાકડાની સ્ટીક ચાટીને મસ્તી કરે, ત્યારે સહુને પોતાના બાળપણની યાદ આવી જાય. ઉંમર વધતાં આ બધી મોજ વ્યક્તિ મુક્ત પણે માણી શકતો નથી, કારણ કે ખાંડ, કૃત્રિમ રંગો, પ્રિઝર્વેટીવ એમાં હોય, તેનાથી બીમાર પડવાનો ભય લાગતો હોય છે. ઘણી કંપનીઓ તો આઇસક્રીમના નામે ફ્રોઝન ડિઝર્ટ આપે છે, જેમાં વેજીટેબલ ઑઇલ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરને માટે ખૂબ નુકસાનકર્તા હોય છે. આ બધી સમસ્યાનો ઉકેલ આંધ્રપ્રદેશના નેલ્લોરમાં રહેતા સુહાસ શેટ્ટીએ શોધી કાઢયો.

નેલ્લોરમાં જન્મેલા અને ઉછરેલા સુહાસ શેટ્ટીને અભ્યાસાર્થે અન્ય શહેરમાં જવું પડયું. એણે ફાર્મસીમાં પીએચ.ડી.નો અભ્યાસ કર્યો અને માતા-પિતા પાસે રહેવા માટે ૨૦૧૩માં વતન પાછો ફર્યો. ઘણાં વર્ષો ઘરથી દૂર રહ્યો હોવાથી તેની ઇચ્છા માતા-પિતા સાથે રહેવાની હતી, પરંતુ આવક કઈ રીતે મેળવવી, તે અંગે વિચારવા લાગ્યો. નેલ્લોરમાં ફાર્મા કંપની શરૂ કરવાનું તેને માટે શક્ય નહોતું. તેણે ક્યારેય આંત્રપ્રિન્યોર બનવા માટે વિચાર કર્યો નહોતો. પોતાના જીવન વિશે વિચારતો હતો, ત્યારે તેની નજર નેલ્લોરમાં સહેલાઈથી મળતા દૂધ પર ગઈ. એણે જોયું કે અહીં પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ દૂધ મળે છે અને તે પણ પંચાવન ૃરૂપિયે ! આ જ દૂધ શહેરમાં ઘણું મોંઘું મળે છે. આ વિચારે એને આઇસક્રીમ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેર્યો. આમ પણ તે જ્યારે નાનો હતો, ત્યારે તેના દાદા નાના પાયે આઇસક્રીમ બનાવતા હતા અને સ્થાનિક લોકો સુધી તેમનો આ વ્યવસાય સીમિત હતો. તેમની આઇસક્રીમ બનાવવાની રીત અને તેમના અનુભવના જ્ઞાાનને આધારે તેણે આઇસક્રીમનું ઉત્પાદન કરવાનું વિચાર્યું.

આઇસક્રીમમાં વપરાતી સામગ્રીમાં દૂધ મુખ્ય હોય છે, જે સહેલાઈથી મળી શકે તેમ હતું, તેથી તેણે નેલ્લોરમાં જ એક નાની દુકાનમાં આઇસક્રીમ વેચવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં એણે પિસ્તાળીસ લીટર દૂધનો આઇસક્રીમ બનાવ્યો અને બે દિવસમાં વેચાઈ ગયો. આ લેવા માટે ઘણા લોકો આવવા લાગ્યા, પછી ઉત્તરોત્તર વેચાણ વધતું ગયું અને સારી આવક થવા લાગી. જે કંઈ આવક થતી તે મૂડીનું તેના વ્યવસાયમાં જ રોકાણ કરતો. તે સમયે ઓર્ગેનિક ખાનારાઓનો એક વર્ગ ઊભો થઈ રહ્યો હતો. લોકો ઓર્ગનિક બિસ્કીટ, નમકીન ખાય છે. અરે ! ઓર્ગેનિક અગરબત્તી પણ વાપરે છે, તો પછી ઓર્ગેનિક આઇસક્રીમ શા માટે નહીં?

૨૦૧૭થી કંપનીએ ઓર્ગેનિક આઇસક્રીમ શરૂ કર્યો અને નેલ્લોરમાં જ તેનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું. એનું કારણ એ હતું કે ઓર્ગેનિક આઇસક્રીમમાં વપરાતું દેશી ગાયનું દૂધ નેલ્લોરમાં પચાસથી સાઠ રૂપિયે લીટર મળતું, જે શહેરમાં દોઢસો રૂપિયે મળે છે. સ્થાનિક શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કર્યો, જેથી ઓછી કિંમત થાય. ખાંડની જગ્યાએ મીસરી અને કૃત્રિમ રંગોને બદલે વેજીટેબલ રંગનો ઉપયોગ કરે છે. આ આઇસક્રીમમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટીવનો ઉપયોગ કરતા નથી. પ્રિઝર્વેટીવ તરીકે ગુંદરનો ઉપયોગ કરે છે. આ ગુંદર ઓર્ગેનિક હોય છે અને તે છથી આઠ મહિના સુધી જળવાઈ રહે છે. આ પદ્ધતિની પેટન્ટ મેળવવા માટે તે પ્રયત્ન કરે છે. તેઓ વેનીલા, બટરસ્કોચ અને ચોકલેટ ઉપરાંત ટેન્ડર કોકોનટ, મેંગો, ચીકુ, ફણસ, ડ્રેગન ફ્ટનો આઇસક્રીમ બનાવે છે. તેમનો ચારકોલ આઇસક્રીમ સાવ જુદા પ્રકારનો જ છે. નાળિયેરની કાચલીને બાળીને તે બનાવવામાં આવે છે અને તે આઇસક્રીમ કાળા રંગનો હોય છે. તેઓ જુદાં જુદાં દૂધમાંથી કેમલ મિલ્ક, ગોટ મિલ્ક અને ડોન્કી મિલ્ક આઇસક્રીમ બનાવે છે તે તેમની વિશિષ્ટતા છે અને પ્રથમ વખત જ આવા આઇસક્રીમ તેમણે બનાવ્યા છે. ગ્રાહકોને તેમનો ફણસનો, ચિલીનો, જામફળનો અને કોકોનટનો આઇસક્રીમ વધારે ભાવે છે. આજેે આઇસબર્ગ ઓર્ગેનિક આઇસક્રીમના દક્ષિણ ભારતમાં પંદર સ્ટોર છે. સિત્તેર આઉટલેટ અને ફ્રેંચાઇઝી છે. એકસો 'ડાર્ક  સ્ટોર્સ છે, જે ઝોમાટો અને આનાલઇન પ્લેટફોર્મથી વેચાણ કરે છે, જેમાં મુંબઈ, પૂણે, એનસીઆર, બંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કાલકાતા, જેવાં શહેરોનો સમાવેશ થાય છે. આજે આઈસબર્ગ ઓર્ગેનિક આઇસક્રીમની રેવન્યૂ વર્ષે બાર કરોડની છે. સુહાસ શેટ્ટી ભવિષ્યમાં ઓર્ગેનિક આઇસક્રીમ કેક, વ્હીટ-બેઝ કેક જેવાં સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો મૂકવા માગે છે, જેથી તેના ગ્રાહકો કોઈ પણ પ્રકારની ચિંતા વગર તેને ખાઈને આનંદ માણી શકે.

સુહાસ શેટ્ટી નેચરલ અને ઓર્ગેનિક આઇસક્રીમ બનાવે છે, તેની સાથે સાથે તે પર્યાવરણની જાળવણી પણ કરે છે. તેની બે ફેક્ટરીમાં પિસ્તાળીસ લાખના ખર્ચે સોલર પેનલ નખાવી છે અને સૌર ઊર્જાથી આઇસક્રીમનું ઉત્પાદન કરે છે. તેમણે વેસ્ટ વાટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નખાવ્યો છે અને રીસાયકલ થયેલું પાણી બગીચામાં વપરાય છે.

લક્ષ્મી : વૃંદાવનની એંજલ 

વીસ વર્ષની ઉંમરે લક્ષ્મીના લગ્ન થયા, ત્યાર પછી અભ્યાસ ચાલુ રાખવા માટે સાસુ કનકલતા ગૌતમે સતત પ્રોત્સાહન આપ્યું 

વૃં દાવનમાં જન્મેલી અને ઉછરેલી લક્ષ્મી ગૌતમ નાનપણથી જોતી કે વૃંદાવન આવતા અનેક દર્શનાર્થીઓમાં સ્ત્રીઓની સંખ્યા વિશેષ રહેતી. એમાં પણ કેટલીક સ્ત્રીઓએ લાલ બોર્ડરવાળી કે રંગીન સાડી, માથામાં સિંદૂર અને હાથમાં બંગડી પહેરેલી હોય તો કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય કે જેણે સફેદ સાડી પહેરી હોય, માથામાં વાળ નહીં અને કોઈ ઘરેણાં પહેર્યા ન હોય. લક્ષ્મી ગૌતમ નાની હતી, ત્યારે તો એને સમજાતું નહીં કે આવો ભેદ શા માટે ? દસ વર્ષની લક્ષ્મી પિતાને પૂછતી તો તેના પિતાએ કહ્યું કે આ બધું સમજવા માટે તે ઘણી નાની છે. મોટી થશે એટલે સમજાશે. આવા જવાબે તેની જિજ્ઞાાસા વધારી દીધી. તેવામાં બંગાળથી આવેલી એક સ્ત્રીનો પરિચય થતાં તેણે જણાવ્યું કે તે નવ વર્ષની હતી, ત્યારે તેના લગ્ન ત્રીસ વર્ષની ઉંમરના પુરુષ સાથે કરવામાં આવ્યા હતા. બે વર્ષ પછી સમાચાર આવ્યા કે તેના પતિનું મૃત્યુ થયું છે, તો ઘરના લોકોએ તેના વાળ કાપી નાખ્યા, સફેદ વસ્ત્રો પહેરાવી દીધા અને બહાર ખેલકૂદ કરવાની મનાઈ ફરમાવી દીધી. એનાથીયે વિશેષ એનું ભાવતું ભોજન પણ બંધ થઈ ગયું. આ સાંભળીને એને આઘાત લાગ્યો. 

૨૦૧૧માં નેશનલ એકેડેમી ઑફ લીગલ સ્ટડીઝ એન્ડ રીસર્ચ દ્વારા વૃંદાવન અને મથુરામાં રહેતી નિરાશ્રિત મહિલાઓનો સર્વે કરાવવામાં આવ્યો કે કેટલી મહિલાઓને ભોજનની, રહેવાની, સુરક્ષાની જરૂર છે. તે સર્વે કરવાનું કામ કરનારાઓમાં લક્ષ્મી ગૌતમ પણ હતા. તેમણે આગરા યુનિવર્સિટીમાં ઇતિહાસ અને હિંદી વિષય સાથે અભ્યાસ કર્યો છે. ત્રણ વિષયમાં એમ.એ. અને બે વિષયમાં પીએચ.ડી. થયેલા ડૉ. લક્ષ્મી ગૌતમ વૃંદાવનમાં ઇન્સ્ટિટયૂટ ઑફ ઓરિએન્ટલ ફિલોસોફીમાં એસોસિયેટ પ્રોફેસર છે. સર્વેક્ષણ કરતાં કરતાં એમને વિચાર આવ્યો કે આ મહિલાઓ વર્ષોથી અહીં જ રહે છે, વૃદ્ધ થાય છે, બીમાર પડે છે અને અહીં જ મૃત્યુ પામે છે તો તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે ? આ વિચારે એના જીવનને નવો વળાંક આપ્યો. એમણે સંકલ્પ કર્યો કે વૃંદાવન કે એની આસપાસની ભૂમિ પર કોઈ બેસહારા અને લાચાર એકલી રહેતી મહિલાનું મૃત્યુ થાય તો તેઓ એક માતા તરીકે, દીકરી તરીકે કે બહેન તરીકે તેનો સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરશે અને છેલ્લાં તેર વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે.

વૃંદાવનમાં પ. બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારથી અનેક મહિલાઓ વૃંદાવનમાં ઠાકુરજીના શરણમાં મોક્ષની ઇચ્છાથી આવે છે. વિધવા થતા પરિવારમાં ઉપેક્ષા પામે છે કે પોતાના સ્વજનો જ એને ત્યજી દે છે, ત્યારે તે આવી લાચાર અને બેસહારા વિધવાઓ સાથે પરિવારની જેમ એમની પડખે ઉભી રહે છે અને સહુને સધિયારો પૂરો પાડે છે. એમણે આવી સ્ત્રીઓના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો. એંશી વર્ષની એક વૃદ્ધ મહિલાને હોળીના દિવસે તેમના પુત્રોએ વસ્ત્રવિહીન અવસ્થામાંથી કાઢી મૂકી હતી. તો એક આશ્રમમાં બે વિધવાઓને એક રૂમમાં પૂરી દેવામાં આવી હતી. એના રૂમનું તાળું ખોલાવ્યું ત્યારે તે બંને વિધવા ભોજનની થાળી અને મળમૂત્ર વચ્ચે પડી હતી. સડક પરથી મળેલાં બે મૃતદેહોના થેલામાંથી આધારકાર્ડ મળતાં એમના પરિવારજનોને સમાચાર આપ્યા, પણ તેમણે આવવાનો જ ઇન્કાર કરી દીધો - આવા અનેક અનુભવો લક્ષ્મી ગૌતમને એના જીવનમાં થાય છે અને જ્યારે જ્યારે આવી ઘટના બને છે, ત્યારે તેઓ રાત્રે ઊંઘી શકતા નથી. અત્યાર સુધીમાં આશરે હજાર મહિલાઓની અંતિમવિધિ તેઓ કરી ચૂક્યા છે.

આજે સાઠ વર્ષના લક્ષ્મી ગૌતમ કહે છે કે પરિવારના સહયોગ વિના આ પ્રકારનું કામ કરવું મુશ્કેલ હોય છે. તેમના પતિ નિવૃત્ત બેંક આફિસર છે તેમના બે પુત્રો, એક પુત્રી, પુત્રવધૂઓ સહુનો સહકાર છે, પરંતુ સૌથી વિશેષ આભાર તો તેઓ તેમના સાસુનો માને છે. વીસ વર્ષની ઉંમરે લક્ષ્મીના લગ્ન થયા, ત્યાર પછી અભ્યાસ ચાલુ રાખવા માટે સાસુ કનકલતા ગૌતમે સતત પ્રોત્સાહન આપ્યું. લક્ષ્મી કહે છે કે, 'તેઓ અધ્યાપક હતા. તેમણે મને જીવન જીવતા શીખવ્યું. તેઓ માનતા કે દરેક સ્ત્રીએ પોતાની આગવી ઓળખ બનાવવી જોઈએ.' તેમની સ્મૃતિમાં ૨૦૧૩માં 'કનકધારા' નામની સંસ્થા સ્થાપી. તે અંતર્ગત તેઓ કાલિ કાર્યક્રમ દ્વારા સ્ત્રીઓની સુરક્ષા, કનકધારા ઉમ્મીદ દ્વારા શિક્ષણમાં સહાય, કનકધારા દેહદાન અને કનકધારા મોક્ષ દ્વારા અંતિમ સંસ્કાર કરે છે. 'એંજલ ઑફ વૃંદાવન'નું બિરુદ પામનારા લક્ષ્મીને તો હવે અંતિમ સંસ્કારની વાત આવતાં પોલીસ પણ મદદ માટે ફોન કરે છે.

'વિધવા' શબ્દ જ તેમને નારીજાતિના સન્માન પર કલંકરૂપ, અભિશાપરૂપ લાગે છે. તેઓ માને છે કે આ મારી માનવતા પ્રત્યેની નૈતિક જવાબદારી છે તેથી તેઓ શરીર, મન અને આત્મા રેડીને આ કામ કરે છે. એક વખતે રાત્રે એક વાગ્યે એક મહિલાના અંતિમ સંસ્કાર કરવા જવું પડયું, ત્યારે કોઈએ પૂછયું કે તમને ડર નથી લાગતો ? લક્ષ્મી ગૌતમ કહે છે કે, 'મૃત્યુ પામેલા લોકોથી ડર નથી લાગતો, પણ જીવતા લોકોથી ડર લાગે છે, કારણ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે.'


Google NewsGoogle News