લાઈફની ગેમનો માસ્ટરક્લાસ એક ચેમ્પિયન પાસેથી ટેલેન્ટ એટલે માત્ર નસીબની સોગાદ નહિ, ખુદનો સંકલ્પ પણ જરૂરી છે!

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
લાઈફની ગેમનો માસ્ટરક્લાસ એક ચેમ્પિયન પાસેથી ટેલેન્ટ એટલે માત્ર નસીબની સોગાદ નહિ, ખુદનો સંકલ્પ પણ જરૂરી છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- એક સમજુ પિતા જે શિખામણો આપે એવો લીજન્ડ રોજર ફેડરરે તાજેતરમાં આપેલો જિંદગી જીવવા અને જીતવા માટેનો વામન અવતારના ત્રણ ડગલા જેવો અમુલ્ય બોધપાઠ ફાધર્સ ડેએ ખાસ ગુજરાતીમાં!

૨૦ ૨૪ની નવમી જૂને આપણે  ત્યાં હેડલાઇનમાં આવે એવી ત્રણ ઘટનાઓ બની. વધુ એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ૧૮મી લોકસભાના ગઠન પછી શપથ લીધા. અમેરિકામાં ભારતે પાકિસ્તાનને રસાકસી પછી બુમરાહના જોરે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હરાવ્યું. હલકટ જેહાદી ત્રાસવાદીએ તીર્થયાત્રાની બસ પર ગોળીબાર કરી, કાશ્મીરમાં નિર્દોષોને હત્યાની વધુ એક કમકમાટી સર્જી. પણ એ જ નવમી જૂને અમેરિકાના હેનોવરમાં આવેલી જગતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં એક ગણાતી હેનોવરની ડાર્ટમાઉથ યુનિવર્સિટીમાં એક અનોખી ઘટના બની.

ગોટ યાને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ એવા ટેનિસ ધુરંધર  મહારાજાધિરાજ રોજર ફેડરરે ત્યાં ૨૦૨૪ની ગ્રેજ્યુએશન સેરેમનીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. રોજર ફેડરર હવે નિવૃત્ત છે. પણ સ્પોર્ટસના ઇતિહાસમાં સોનેરી પાનું છે કાયમ માટે એના નામનું. વળી જેન્ટલમેન ઈમેજ છે. એને પોતાને પણ વિશ્વ પ્રતિષ્ઠિત ડાર્ટમાઉથ યુનિવર્સિટીએ ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી આપી. વિશ્વના યાદગાર પ્રેરણાત્મક પ્રવચનોમાં સહેલાઈથી સામેલ થઈ શકે એવી ફેન્ટાસ્ટિક સ્પીચ રોજર ફેડરરની હતી. વિચારોના રેકેટ અને શબ્દોના બોલથી જબરદસ્ત સર્વિસ કરીને એણે એકચ્યુઅલ મોટીવેશનનો મેગા ડોઝ આપેલો. આપણા માટે બિનજરૂરી એવા સંદર્ભો ગાળીને થોડા સંક્ષેપ સાથે એનો તાબડતોબ ગુજરાતી અનુવાદ કરવાનો ધક્કો લાગ્યો રીતસર ! ઓવર ટુ રોજર ફેડરર.

હલો ક્લાસ ઓફ ૨૦૨૪. 

રિયલી, તમને ખબર નથી, હું કેટલો એક્સાઈટેડ છું. જીવનમાં ફક્ત બીજી જ વાર કોલેજ કેમ્પસમાં પગ મુક્યો છે, ને પ્રેસિડેન્ટ બેઈલોક (ડાર્ટમાઉથ યુનિ.ના ઇતિહાસમાં આવેલા પહેલા મહિલા ચાન્સેલર) મને ડો. રોજર બનાવીને મોકલી રહ્યા છે. આ મારે માટે રોજિંદુ નથી. આમે ય હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર ફીલ કરું છું. કારણ કે મોટો રોબ (ગ્રેજ્યુએશન સેરેમનીમાં પહેરાતો કાળો લબાદો, હેરી પોટર ફિલ્મોમાં ય જોયો હશે) પહેરવો એ મારા કાયમી વસ્ત્રો નથી. અટપટું લાગે છે, એવા માણસને જે જીવનના ૩૫ વર્ષ રોજેરોજ ચડ્ડી પહેરીને ફરતો રહ્યો છે ટેનિસ રમવા માટે. 

અને મને તો ભાષણો આપવાનો પણ એવો અનુભવ નથી. ૧૭ વર્ષની ઉંમરે હું સ્વીસ નેશનલ ટીમમાં સિલેક્ટ થયેલો ત્યારે એટલો નર્વસ હતો કે સ્ટેજ પર ગણીને ચાર શબ્દો બોલી શક્યો, બસ. 'હેપી ટુ બી હીઅર'. અને આ રહ્યો હું, ૨૫ વર્ષ પછી પણ ગભરાટ તો છે, પણ આજે વધુ શબ્દો છે. જો કે શરૂઆત તો એ જ છે : અહીં આવીને ખૂબ ખુશ છું. તમારા ગ્રીન યુનિફોર્મ ને વૃક્ષોથી ગ્રીન કેમ્પસ જોઇને પણ. ગ્રાસ ( ટેનિસની લીલા ઘાસની કોર્ટ) આમ પણ મારી ફેવરિટ સર્ફેસ છે ને.

ડાર્ટમાઉથનો બીઅર પોંગ (ડ્રિંંકના ગ્લાસમાં પીંગ પોંગ બોલ ફેંકવાની મસ્તી) મશહૂર છે. પણ અહીં હું રોકાયો ને એથી વિશેષ જોયું. સ્વીસ આલ્પ્સથી નાના પણ પહાડો છે. હું અહીના ટેનિસ સેન્ટરમાં ગયો. મારા બાળકો સાથે રમ્યો. બચ્ચાંઓને કોમિક બુક્સ જોવી હતી એટલે લાયબ્રેરી ગયો અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ સાથે સેન્ડવિચ પણ ઝાપટી. પણ અહીં હું આવ્યો છું એનું કારણ છે ટોની. તમારી જ સંસ્થાનો ૧૯૯૩નો વિદ્યાર્થી. જે મારો જૂનો દોસ્ત છે, પછી એજન્ટ ને હવે બિઝનેસ પાર્ટનર છે. પણ સૌથી અગત્યનું અત્યારે તમારી સાથે ભણતી ૨૦૨૪ના ક્લાસની સ્ટુડન્ટ ઈઝાબેલા એની દીકરી છે. એને એડમિશન મળ્યું ત્યારની એના ચહેરા પરની ખુશી મેં નજરે જોઈ છે. ને અહીં આવ્યો તો દરેકને એની જેમ જ રાજી જોયા. 

નેચરલી, હું તો ઈમ્પ્રેસ એટલે પણ થયો કે મેં ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલ છોડી ફૂલ ટાઈમ ટેનિસ રમવાનું શરુ કરેલું. એટલે હું કદી કોલેજે તો ના ગયો, પણ ગ્રેજ્યુએટ જરૂર થયો. ટેનિસ ગ્રેજ્યુએટ. અને મને એક શબ્દ ખબર છે. રિટાયર. રોજર ફેડરર ટેનિસમાંથી રિટાયર થયો. આ શબ્દ મને નથી ગમતો. તમે કોલેજ પુરી કરીને પણ એવું કદી નહિ કહો કે હું કોલેજમાંથી રિટાયર્ડ થયો. બહુ ભદ્દું લાગશે એ તો. એટલે તમારી જેમ મેં એક મોટી બાબત પૂરી કરીને હવે નવી બાબત તરફ નજર દોડાવું છું. અને તમારી જેમ જ કોશિશ કરું છું, એ નક્કી કરવાની કે એ શું હોઈ શકે. માટે તમારું દર્દ, તમારી મૂંઝવણ હું આ તબક્કે અનુભવી શકું છું. મને ખબર છે કે, લોકો સતત પૂછયા કરશે - હવે તમારો પ્લાન શું છે ? મને પણ પૂછે છે. હવે શું કરશો પ્રોફેશનલ ટેનિસ છોડયા બાદ ? મને નથી ખબર. અને ઇટ્સ ઓકે. કશુંક ના ખબર હોય એમાં આભ નથી તૂટી પડતું. હું બાળકોને સ્કૂલે તેડવા મુકવા જાઉં કે ઓનલાઈન ચેસ રમું કે ઘર સાફ કરું. પણ એક તાજા ટેનિસ ગ્રેજ્યુએટ તરીકે મારે તમને જીવનના મને જડેલા ત્રણ મહત્વના પાઠ શેર કરવા છે. 

(૧) 'એફર્ટલેસ' જેવું કશું હોતું નથી.

સાચે જ. અને તમે આ એવા માણસ પાસેથી સાંભળો છો જેણે આ શબ્દ બહુબધી વખત પોતાના માટે સાંભળેલો છે. એફર્ટલેસ. એટલે કે કોઈ પ્રયાસ કે તકલીફ વિના કેટલી આસાનીથી સાવ સહેલાઈથી એણે આ કરી બતાવ્યું. લોકો મારી રમત વિશે આ જ કહેતા. એ બિચારા ભલે વખાણ કરતા એમ કહીને પણ મને ક્યારેક એની ચીડ ચડતી જયારે કોઈ એમ કહે કે 'એણે તો પરસેવાનું ટીપું પાડયા વિના બસ ઇઝીલી આ મેળવી લીધું.' કે પછી 'એને તો કોઈ મહેનતની ક્યાં જરૂર છે, એને માટે સાવ આસાન છે.'

સત્ય એ છે કે એક લેવલ પછી કશું આસાન નથી. દરેક વાત માટે મહેનત કરવી જ પડે છે. હું પણ સખત કામ કરતો, પણ દેખાડતો એવી રીતે કે આ રમતા રમતા થઇ ગયું. તમને ખબર છે ? અગાઉ હું ઝટ ગુસ્સે થઇ જતો. બધું ફટાફટ મળે ને હું જીતેલો જ હોઉં એવું માનતો. નાની નાની વાતોમાં ધૂંધવાઈ જતો, અરે રેકેટનો ઘા કરી નાખતો... પણ એવી તુંડમિજાજી તંદ્રામાંથી જગાડતો એલાર્મ સદ્નસીબે બહુ વહેલો આવી ગયો મારા માટે. 

ઈટાલીયન ઓપનમાં એક હરીફે જાહેરમાં કહ્યું કે 'રોજર પહેલા બે કલાક ફેવરિટ હશે, પછી હું ફેવરિટ હોઈશ.' પહેલા તો મને સમજ ના પડી. પણ પછી ખબર પડી. નવું નવું હોય, શરૂઆત હોય ત્યારે બધા સારું રમે. તમે ફિટ હો, તરોતાજા હો, ફાસ્ટ હો. પણ કસોટી તો પછી થાય. થાક લાગે, તમારું બેસ્ટ ઠલવાઈ જાય, પગ એકીબેકી રમવા લાગે. મગજ કંટાળી જાય...ને શિસ્તનું બાષ્પીભવન થઇ જાય. 

અને મને અહેસાસ થયો કે આ સફરમાં લાંબે જઈ ઉંચે ટકવું હશે તો મારે મારા પર ઘણું કામ કરવું પડશે. મારા પેરન્ટસ, કોચીઝ, મિત્રો, સ્વજનો અને હરીફો બધાનો ફાળો છે કે હું વધુ ને વધુ હાર્ડ ટ્રેનિંગ કરતો થયો. મગજ પર કાબૂ રાખતા શીખ્યો. કોઈ જોતું ના હોય ત્યારે ઘડિયાળમાં જોયા વગર પણ મારા કામને સમર્પિત થયો. લોકોને ઘણીવાર લાગ્યું કે આ આવ્યો, ઉભ્યો ને જીત્યો. પણ એવું નથી. એવું એમને દેખાયું કારણ કે મેં મારું સજ્જડ હોમવર્ક અગાઉથી જ કરેલું હતું, જે જોવા એ કોઈ હાજર ના હોય. 

તમે ભણવામાં પણ રાતના ચા કોફી પીવા રખડો, કે એકાંત ખૂણામાં જઈને હતાશ થઈને રડો ત્યારે જે લોકો ચૂપચાપ એકધારી તૈયારી કરતા હોય છે, એ બધા સતત એ ગ્રેડ મેળવે છે. એફર્ટલેસ ઈઝ મિથ. ફક્ત પ્યોર ટેલન્ટથી કોઈ કશે નથી પહોંચતું. દરેક બાજીમાં જીવનમાં સ્પર્ધકો હોય છે, તમે નહિ કરો તો એ કરી દેશે. મેં મારી જાતમાં ભરોસો રાખ્યો. પણ એ આત્મશ્રદ્ધા ય કમાવી પડે. 

એ બનાવ બન્યો ૨૦૦૩માં. એટીપી ફાઈનલ હતો  બેસ્ટ ઓફ એઈટ. હું અગાઉ જે પ્લેયર્સને માન આપતો એમની સ્ટ્રેન્થથી દૂર રહી બચવા પ્રયાસ કરતો. કોઈ ફોરહેન્ડમાં મજબૂત હોય તો હું એ બેકહેન્ડ પર રમે એવું કરું. પણ આ વખતે મેં ઊંધું કર્યું. જે જેમાં સ્ટ્રોંગ હોય એમાં એનો મુકાબલો કરવો. એસ્કેપ રૂટ શોધીને આપણી કેપેસિટી ઓછી ના કરવી. એટેકરની સામે એટેક કરવો. ડિફેન્સ સામે એટલો જ તગડો ડિફેન્સ કરવો. આમ તો જોખમી હતું આ, પણ છતાં મેં કર્યું. 

કારણ કે એ રીતે હું મારી ગેમ બેહતર તો બનાવી જ શક્યો, પણ એને વિસ્તારી શક્યો. મારા ઓપ્શન્સ વધી ગયા. કેટલાક દિવસો એવા હોય કે તમે ભાંગેલા થાકેલા હો. ઈજાગ્રસ્ત હો, માંદા હો કે નિરાશ હો, મૂડલેસ હો પણ ત્યારે તમારે રમવાનું ને જીતવાનું તો છે જ. અને એવી જીત જ મનોમન તમને પોતાને ગૌરવ અપાવે છે. કારણ કે તમે સાબિત કર્યું કે તમે બેસ્ટ હો ત્યારે નહિ, એવરેજ હો ત્યારે પણ જીતી શકો છો. પાસા પોબાર ના પડતા હોય ત્યારે પણ ફેંકાઈ નથી જતા. 

બિલકુલ, પ્રતિભા જરૂરી જ છે. હું એવું નહિ કહું કે એનું કોઈ મૂલ્ય નથી. પણ એની વ્યાખ્યા થોડી મોટી કરવાની જરૂર છે. મોટે ભાગે એ કોઈ કુદરતી બક્ષિસ જેવી ગિફ્ટ પર જ આધારિત નથી. પણ 'ગ્રિટ' યાને તમારા મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ, હિંમત પર આધારિત છે. અને ટેનિસ હોય કે જિંદગી, ડીસીપ્લિન યાને અનુશાસન પણ ટેલન્ટ છે. ધીરજ પણ ટેલન્ટ છે. પોતાના પર વિશ્વાસ રાખીને માત્ર પરિણામને નહિ, એના માટે થકવી દેતી પ્રક્રિયાને ચાહવી એ પણ ટેલન્ટ છે. તમારી લાઈફ મેનેજ કરવી, સ્વભાવ મેનેજ કરવો...એ પણ ટેલન્ટ છે. કેટલાક લોકો લકી છે કે એવા જન્મતા હશે. બાકી બધાએ આ દિશામાં પરિશ્રમ કરવો પડે છે. 

તમે સારી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ભણ્યા કે એવા પરિવારમાંથી આવ્યા એટલે તમારે માટે બધું સહેલું એવું ઘણા માનતા હશે. ભલે એ લોકો એવું માનતા. તમે ના માનતા. 

(૨) ઇટ્સ ઓન્લી એ પોઈન્ટ.

તમે ખૂબ મહેનત કરો. સાચી દિશામાં કરો. અને છતાં ય હારી શકો. હું પણ હાર્યો છું એમ. ટેનિસની રમત જીવનની જેમ જ ક્રૂર છે. દરેક ટુર્નામેન્ટનો અંત એ રીતે જ થાય છે કે એકને ટ્રોફી મળે, ને બાકીના ઘેર જતી વખતે બારીમાંથી બહાર જોતા જોતા પસ્તાયા કરે કે 'સાલું, આ કેવી રીતે મારાથી મિસ થઇ ગયું... આમ ને જો આમ થયું હોત તો...' એવું ઈમેજીન કરો કે આજે તમને એકને જ ડિગ્રી મળે ને બાકીના બધા નાપાસ થાય..એવું કૈંક. 

હારવા માટે કોઈ નથી રમતું. પણ છતાં હું હાર્યો છું. ઘણા હારે છે. મોટી તક ગુમાવે છે. જેમ કે ૨૦૦૮નો નાદાલ સામેનો વિમ્બલડન ફાઈનલ. ઘણા એને ગ્રેટેસ્ટ મેચ ઓફ ઓલ ટાઈમ કહે છે. ઓકે, રાફા (ફેડરરનો બરોબરિયો હરીફ રાફેલ નદાલ)ને સલામ  પણ એ મેચ હું જીત્યો હોત તો બહુ સારું થયું હોત મારા માટે. વિમ્બલડન જીતવું એ ઘણા માટે તો એક જ સપનું હોય છે. દુનિયામાં ઘણા મેદાનો છે, પણ ટેનિસનું આ તો તીર્થ છે. જાદૂઈ અનુભૂતિ થાય. અને હું તો ૨૦૦૮માં માત્ર એના ટાઈટલ માટે નહોતો રમતો. ત્યારે હું રેકોર્ડ બનાવવાની અણી પર હતો, જો જીત્યો હોત તો એ મારું સતત છઠ્ઠું ટાઈટલ હોત ! સિક્સ ઇન એ રો ! બેજોડ કહી શકાય એવી એચીવમેન્ટ. એટલે હું ઈતિહાસ રચવા રમતો હતો. 

હવે હું બધું વર્ણન વિગતવાર કરું તો કલાકો થશે. એ મેચ જ ૫ કલાક ચાલ્યો હતો ! વરસાદ આવેલો. સૂરજ ડૂબેલો. રાફા બે સેટ જીત્યો, હું બે જીત્યો. પાંચમો ટાઈ થયો. અને ત્યારથી મને ખ્યાલ આવ્યો કે કેમ એન્ડ સુધી ફોકસનું મહત્વ છે. અમુક વખતે શરૂઆતમાં શક્તિ વેડફી નાખો તો છેલ્લે ધ્યાન ગુમાવી બેસો. ત્યારે અંધારું થતું જતું હતું. ઘાસ પર સફેદ ચોક પડયો હોય તો દેખાય નહિ, એવી મારી હાલત હતી. પણ હું એ મેચ ત્યારે નહોતો હાર્યો. એની પહેલા જ હારી ગયેલો.

રાફાએ એન્ટ્રી લીધી ને એણે મને સ્ટ્રેઈટ સેેટસમાં ફ્રેંચ ઓપનમાં હરાવેલો એ ઘડી મને યાદ આવી ગઈ. વધુ જવાન, વધુ આક્રમક ને મને હરાવી ચુકેલો..એવું વિચારતા વિચારતા મેં રમવાનું શરુ કર્યું. 

છેક ત્રીજા સેટમાં મને અચાનક અંદરથી થયું કે 'કમ ઓન રોજર, યાર તું પાંચ વખતનો ડિફેન્ડીંગ ચેમ્પિયન છો. અને આ તારો કિલ્લો કહેવાય એવી ગ્રાસ કોર્ટ છે. પ્રેશરમાં તો એ હશે અત્યારે. એને બદલે ભૂતકાળ યાદ કરીને તું કેમ ધરબાઈ ગયો ?'

પણ મોડું થઇ ગયેલું. ટક્કર જોરદાર આપી, પણ રાફાએ શરૂઆતમાં જમાવેલી પક્કડ કામ કરી ગઈ. એ દિવસે એ વધુ લાયક પણ હતો જીતવા માટે. પણ કેટલાક પરાજય બીજા અન્ય પરાજય કરતા વધારે દર્દનાક હોય છે. મને ખબર હતી હવે જીવનમાં એકધારા છ ટાઈટલ જીતવા એ મોકો ક્યારેય નહીં આવે. સપનાની સમાપ્તિ થઈ. વિમ્બલ્ડન જ નહિ, હું નંબર વન રેન્કિંગ પણ ગુમાવી ચુક્યો. લોકો જાતજાતની વાતો કરતા થઇ ગયા. 

પણ મને ખબર હતી, થઇ ગયું એ થઇ ગયું. વિકલ્પ તો એક જ છે. હજુ રમતા રહો. સ્પર્ધાઓમાં ભાગ લેતા રહો. આગળ વધો. 

લાઈફની જેમ જ ટેનિસમાં પરફેક્શન પોસિબલ જ નથી. ૧૫૨૬ સિંગલ્સ હું રમ્યો, એમાં કરિઅર દરમિયાન ૮૦% મેચો મેં જીતી. પણ પોઈન્ટ્સ કેટલા હતા ખબર છે ? માત્ર ૫૪% ! મતલબ, ટોપ રેન્કર હો તો પણ દરેક શોટ પરફેક્ટ નથી જવાનો તમારો. ખરેખર તો તમે દર બીજો પોઈન્ટ ગુમાવશો. છતાં ઘણું જીતીં શકશો. 

એટલે રમો ત્યારે એવી રીતે રમો કે જગતમાં એના સિવાય બીજું કશું છે જ નહી. પણ જયારે એ પાછળ છે, તો ભૂતકાળ છે. બિહાઈન્ડ યુ. આ માઈન્ડસેટ જરૂરી છે. નહિ તો ગુમાવેલા પોઈન્ટની લાહ્ય કરતા રહેશો ને આવનારો પોઈન્ટ પણ ગુમાવી દેશો. આ ક્લેરિટી ફોકસ આપશે કે બેસ્ટ આપ્યું. પોઈન્ટ ના મળ્યો. કંઈ નહિ, નેક્સ્ટ પોઈન્ટ મેળવશું. એમ જ લાઈફની ગેમ ઇન્ટેન્સ થઈને રમવાની છે. ક્યારેક તો હારશો જ. પોઈન્ટ, મેચ, એક્ઝામ, જોબ, લવ... રોલરકોસ્ટર છે, અપ એન્ડ ડાઉન. 

અને નેચરલ છે કે હારશો એટલે સેલ્ફ ડાઉટ આવશે. ખુદ પર દયા આવશે. અને તમને જે થતું હશે એ જ તમે જેને મહાન ને જીતેલા માનો છો એને પણ થતું હશે, એ ભૂલતા નહિ. પણ નેગેટીવ એનર્જી ઈઝ વેસ્ટેડ એનર્જી. અઘરી કટોકટીની પળોમાં ટકી જાય એ જ ચેમ્પિયન. બેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે બેસ્ટ નથી કે એ બધા મેચ, બધા પોઈન્ટ્સ જીતે છે. પણ એટલે બેસ્ટ છે કે એ જાણે છે કે એ હારશે, વારંવાર હારશે અને શીખે છે એ સંતાપ સાથે કેમ કામ પાડવું એ ! મૂવ ઓન, થાકો નહિ, નવું સ્વીકારો ને વિકસો. વર્ક હાર્ડર ને વર્ક સ્માર્ટર. રિમેમ્બર, સ્માર્ટર. 

(૩) જીવન મેદાનથી મોટું છે.

ટેનિસ કોર્ટની સ્પેસ નાની હોય છે. ૨,૧૦૬ ફીટની, સિંગલ્સ મેચો માટે. હોસ્ટેલના ચારેક રૂમ જેવડી જ. હું એમાં હજારો માઈલ દોડયો હોઈશ. પણ દુનિયા એનાથી ઘણી મોટી છે. મેં શરૂઆત કરેલી, ત્યારે પણ એટલી ખબર હતી કે ટેનિસને લીધે હું વિશ્વ જોઈ શકીશ. પણ માત્ર ટેનિસ મારું વિશ્વ નથી. 

મને ખબર હતી કે હું જો નસીબદાર હોઈશ તો, આયુષ્યની ત્રીસી સુધી રમી શકીશ. બહુ બહુ તો ચાલીસીની શરૂઆત સુધી. પણ હું ટોપ ફાઈવમાં હતો ત્યારે પણ જાણતો હતો કે જીવવું અગત્યનું છે. નવા દેશો ફરવા, નવી સંસ્કૃતિઓ જોવી, મિત્રો સાથે મહેફિલ જમાવવી, અને ખાસ તો પરિવાર. મેં મારા મૂળિયાં નથી છોડયા, ક્યાંથી આવ્યો એ નથી ભૂલ્યો. પણ જગત જાણવાની મારી ભૂખ પણ ઓછી નથી થઇ. પહેલી વાર ઘર છોડી હોમસિક બહુ થયેલો, પણ જીવન માત્ર ઘરમાં જ બેઠા રહેવા માટે નથી. મારે જગત જોવું હતું. કેવળ ટુરિસ્ટ તરીકે નહિ, પણ બીજા દેશોના લોકોને કોઈ મદદ કરીને. મારી મા સાઉથ આફ્રિકન એટલે ત્યાં બાળકોને મદદ કરવા મેં એક ફાઉન્ડેશન માત્ર ૨૨ વર્ષની ઉંમરે બનાવ્યું, ખબર નહોતી વધુ. પણ ક્યારેક લાઈફમાં એમ જ કશુક કરતા કરતા શીખતા જવાય, આજે એને ૨૦ વર્ષ થઇ ગયા. 

હું રહું છું એ સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશોમાં બાળકનું ભણતર ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવાય છે. પણ સબ સહારન આફ્રિકામાં એવા વિસ્તારો છે, જ્યાં ૭૫% બાળકોએ બાલમંદિર પણ નથી જોયા ! દરેક બાળકોની જેમ એમને પણ એમની ક્ષમતા ખીલવવા સારી શરૂઆતનો હક છે. અત્યાર સુધીમાં અમે ૩૦ લાખ આવા બાળકોને ક્વોલિટી એજ્યુકેશન આપી શક્યા અને ૫૫૦૦૦ ટીચર્સને ટ્રેઈન કરી શકયા એનો આનંદ છે. એ સન્માન પણ છે ને નમ્રતા પણ. 

સન્માન એટલે છે કે આવો પડકાર ઝીલ્યો, નમ્રતા એટલે કે દુનિયા કેટલી હદે પડકારજનક હોય છે કોઈ માટે એ જાણ્યું. જયારે હું એમની ભાષામાં કોઈ વાત સાંભળું કે પછી ઝામ્બિયાના કોઈ ગ્રામીણ વિસ્તારમાં બોર્ડ પર ટેનિસ કોર્ટ દોરીને સમજાવતો હોઉં ને ખબર પડે કે એ બાળકોને ખબર જ નથી કે ટેનિસ શું છે ! એટલે દોસ્તો, દુનિયા ફરો. અજાણ્યા ગામડે જાવ. જે દરેક બાળકનો હક છે એ શીખવું, ભણવું અને રમવું એ કરતા જુઓ એ પણ આનંદ છે. એમાથીં કોઈ નર્સ, કોઈ ટીચર, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર બને એ જોવાની પણ પ્રેરણા છે. 

દાતારી ઘણી બધી બાબતો છે. પૈસા આપવા એ તો ખરું. પણ વિચાર, સમય ને શક્તિ આપવી. એવું કોઈ મિશન પકડવું કે જે તમારી જાતથી મોટું હોય. અને તમે બધા પણ દુનિયા બેહતર બનાવવાનો, જે છે એ આપવાનો આવો કોઈ વિકલ્પ શોધજો. અહી તો એન્જીનિયર કલાનો ઈતિહાસ ભણે. ખેલાડી ગીતો ગાય ને આઈટીવાળા વિદેશી ભાષા શીખે છે એ શક્ય છે. ટેનિસમાં ભલે એકલો ખેલાડી દેખાય. એની પાછળ આખી ટીમ હોય છે. મારી એક ટીમ અહીં પણ છે. પેરન્ટસ, પત્ની, બાળકો. તમારી પણ હશે. એમને માટે પણ સમય ફાળવો. તમે બહાર જશો ત્યારે એમના સંઘર્ષ ને બલિદાનો પણ સાથે હશે. ત્રીસેક વર્ષ પછી મને મળો તો રોકીને કહેજો કે હું સાંભળવામાં હતો. અને આગળ વધવાનું ને પાછળ જવાનું બંને જરૂરી છે. જીવનમાં પણ અને ટેનિસમાં પણ. પ્લે ફ્રી. ટ્રાય એવરીથિંગ. 

ફાસ્ટ ફોરવર્ડ

ફૂટબોલ કોચ બડી ટીવેન્સ જયારે ખેલાડી પસંદ કરતા ત્યારે પેરન્ટસને કહેતા 'તમારું સંતાન ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ ખેલાડી થશે, એકેડેમિક ટાઈમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થશે, પણ કાયમ માટે શ્રેષ્ઠ માનવી થશે !' 

(રોજર ફેડરરની સ્પીચમાંથી ) 


Google NewsGoogle News