બુંદ જો બન ગઈ મોતી .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
'માહ્ય પડયા તે મહાસુખ પામે,
દેખણહારા દાઝે રે...' તરત જ પેલા મહાસુખ સાથે મરજીવા અને મોતીની યાદ આવવા માંડે. સમુદ્રમંથનમાં આ મોતી જેણે નાંખ્યા ગોતી એની સૂરત કદી ના રોતી !
આગ્રામાં મોતી મસ્જિદ બની ઐતિહાસિક ધરોહર... તો અમદાવાદમાં સ્ટેશન પાસે મોતીમહલ! ગીતકાર માટે મોતી ઉદ્દીપક બની આજના લેખનું શીર્ષક બની. બૂઁદ જો બન ગઈ મોતી ! અરે ! મોતી સ્વાદના રવાડે ચઢી... ને મિઠાઈમાં મોતીચૂર લડ્ડૂ બની ! ભૂતકાળને સહેજ વાગોળો. શાંતિદૂત વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના સૂત્રધાર પિતા પણ મોતીલાલને ! હીરાની જોડે ગઠબંધન કરી મુંશી પ્રેમચંદની કથા હીરા-મોતી પણ કલમનો કસબ બની !
જૂના જમાનામાં સંતાન પ્રાપ્તિનાં સમાચાર સાંભળતાં જ રાજા-મહારાજા સંદેશ લાવનાર દાસીને મોતીની માળા કે હીરાનો હાર પધરાવી દેતા ! મોતીનો વેપાર કરવા ભારતીય સાત સમંદર પાર ખેપ કરતા! પ્રાણીઓના નામકરણમાં મોતી ગાય કે મોતી કૂતરી પણ નજરનો રડારમાં ઝીલાય છે. 'બૂરી નજરવાલે તેરા મુઁહ કાલા...'
પ્રિયદર્શી અશોકની બીમારી વખતે દેશ વિદેસનાં હકીમ વૈદ્યો પણ સાચા મોતીનો ભૂકો કરી અર્ક બનાવીને રામબાણ ઇલાજ કરતા !
રાજાનાં મુગટ સિંહાસન, મંદિરમાં પ્રભુની મૂર્તિનાં આભૂષણોમાં સ્થાન પામી એટલું તો જરૂર લાગે 'મોતી વેરાણા ચોકમા'
મરી મસાલા
જન્મી, અથડાઈ, કૂટાઈ મરે
તે પૃથ્વી પરનાં જીવો છે
ડૂબકી મારી, પાતાળે જઈ
લાવે મોતી એ મરજીવો છે.