'હવામાં ઊડતા સંત' જોસેફ ઓફ ક્યૂપર્ટિનો ગૂઢ શક્તિ ધરાવતા હતા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
'હવામાં ઊડતા સંત' જોસેફ ઓફ ક્યૂપર્ટિનો ગૂઢ શક્તિ ધરાવતા હતા 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સેન્ટ જોસેફમાં બીજી દૈવી શક્તિઓ પણ હતી. તે એક  જ સમયે જુદા જુદા સ્થળે હાજર હોય એવા પ્રસંગો પણ બન્યા હતા. તેમણે દૈવી શક્તિથી અનેક લોકોના રોગો પણ મટાડયાં હતાં...

જો સેફ ઓફ ક્યૂપર્ટિનો તરીકે ખ્યાતિ પામેલા ઈટાલિયન કોન્વેટુઅલ ફ્રાંસિસ્કન ફ્રાયર હતા જેમને ઈસાઈ રહસ્યવાદી અને સંત તરીકે સન્માનિત કરવામાં આવેલા છે. ક્યૂપર્ટિનોને અર્વાચીન કાળમાં કોપર્ટિનો તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૭ જૂન ૧૬૦૩ના રોજ નેપલ્સ સામ્રાજ્યના ટેરા ડિ ઓટ્રાન્ટોના કોપર્ટિનોમાં થયો હતો. જન્મ વખતે તેમનું નામ ગ્યૂસેપ ડેસા હતું. ઈસાઈ રોમન કેથોલિક પંથના મઠવાસી ભિક્ષુકસંઘ પૈકીના સદસ્ય સાધુ, ભિક્ષુ કે તપસ્વીને ફ્રાયર (Friar) તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જીવન ગાળો ૬૦ વર્ષનો રહ્યો. ૧૮ સપ્ટેમ્બર ૧૬૬૩ના રોજ તેમનું મરણ થયું હતું. ૧૬ જુલાઈ ૧૭૬૭ ના રોજ રોમ, પોપ સ્ટેટસ, પોપ ક્લેમેન્ટ-તેરમા દ્વારા તેમને મરણોત્તર સ્થિતિમાં સંત તરીકે ઉદ્ઘોષિત કરાયા હતા. ફ્રાયર જોસેફ ઓફ કોપર્ટિનોને વારંવાર ચમત્કારિક ઉત્તોલન (leritation)  અને પરમાનંદકારી દર્શન (ecstatic visions) થતાં હતાં. આ રહસ્યમય ગૂઢવાદી સંત હવામાં અધ્ધર થઈ જતા, હવામાં દૂર દૂર સુધી ઊડીને જઈ શકતા હતા. એમના જીવનકાળ દરમિયાન એમણે અનેકવાર વિશ્વસનીય નામાંકિત વ્યક્તિઓ, સત્તાધીશો અને સેંકડો લોકોની સામે આ રીતે ઉત્તોલન (જમીન પરથી ઉપર ઉઠી હવામાં અધ્ધર સ્થિતિમાં રહેવું) અને ઉડ્ડયન કર્યા હતાં. મહાન જર્મન તત્વજ્ઞાાની લિબનિઝે પણ આ લેવિટેશનની ઘટનાઓ સ્વયં નિહાળી હતી અને તેનો ઉલ્લેખ પણ પોતાના લખાણમાં કર્યો હતો. સંત જોસેફના અદ્ભુત, ચમત્કારિક લેવિટેશન અને ઉડ્ડયનનો ઉલ્લેખ ન્યૂ કેથોલિક એન્સાઈક્લોપીડિયા (ભાગ-૮, પૃષ્ઠ ૬૮૩) માં પણ થયેલો છે.

ગ્યુસેપ ડેસા (Giuseppe Desa) અર્થાત્ જોસેફ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમને ભણવા-ગણવામાં જરાય રસ નહોતો. તે એ અવસ્થા વખતે બહુ જ બીમાર પણ રહેતા. તે વારંવાર ઉપવાસ કરતા અને અવનવી ઔષધિઓ અને જડી બુટ્ટીઓનું સેવન કરતા. ૨૨ વર્ષની વયે જોસેફ દક્ષિણ ઈટાલીના કોપર્ટિનો જિલ્લાના ફ્રાન્સિસ્કન મન્ક બન્યા હતા. તેઓ સ્વભાવે શાંત, સાલસ, ઉદાર દિલ, દયાળુ અને પવિત્ર હતા. એકવાર તે પ્રાર્થનાખંડના એક દૂરના ખૂણામાં એકલા પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં એકાએક તેમનું શરીર ઘૂંટણ વળેલા હોય એવી સ્થિતિમાં જ જમીન ઉપરથી ઉઠયું અને થોડીવાર માટે હવામાં લટકતું સ્થિર થઈ ગયું. એમના મુખમાંથી હર્ષ ઉદ્ગાર નીકળવા લાગ્યા. આજુબાજુમાં રહેલા પાદરીઓ, નન વગેરે ત્યાં દોડી આવ્યા. ફ્રાયર જોસેફનું યજ્ઞાવેદી (altar) પર લટકતું શરીર જોઈ સેન્ટ લિગોરિથોની સાધ્વીઓ કહેવા લાગી - તે સળગતી મીણબત્તીઓ પર નીચે પડશે તો દાઝી જશે. તેમના કપડાં સળગી જશે. ફ્રાયર જોસેફની ગૂઢ શક્તિઓથી પરિચિત એમના મિત્ર ફ્રાયર લોડોવિકો (Lodovico) એ બધાને ધીરજ રાખવા જણાવ્યું અને કહ્યું - 'ફ્રાયર જોસેફને કંઈ જ નહીં થાય, તમે ચિંતા ના કરો. તે નીચે નહીં પડે.' થોડીવાર પછી ફ્રાયર જોસેફનું શરીર ત્યાંથી ઊડીને પાછું આવ્યું અને ધીમેધીમે જમીન પર ઊતરી આવ્યું.

એકવાર ફ્રાયર જનરલે નામદાર પોપ, અર્બન-આઠના ચરણ ચૂમવાનું કહ્યું ત્યારે જોસેફ ભાવાવેશમાં આવી પરમાનંદ (ecstasy) ની એવી દશામાં આવી ગયા કે એમની હાજરીમાં એકાએક અધ્ધર થઈ હવામાં લટકવા લાગ્યા. ફ્રાયર જનરલે યાદ દેવડાવ્યું ત્યારે તેમને ભાન આવ્યું અને તે જમીન પર પાછા ઊતરી આવ્યા. નામદાર પોપ પણ આ ઘટના વિશે જાણી તેમનાથી પ્રભાવિત થયા હતા. તેમની ઉપસ્થિતિમાં પણ સંત જોસેફે લેવિટેશન કરી બતાવ્યું હતું.

સેન્ટ જોસેફના ઉત્તોલન અને ઉડ્ડયનો હંમેશાં મકાનની અંદર જ થતા હતા એવું નથી. ઘણીવાર બહાર ખુલ્લામાં પણ એ થયેલાં છે. એકવાર સેન્ટ જોસેફને કોપર્ટિનો અને ગ્રોટેલાની વચ્ચે આવેલી એક ટેકરી પર વિશાળ કદના ત્રણ ક્રોસ ખડા કરવાની ઈચ્છા થઈ. આમાંનો એક ક્રોસ તો ખૂબ જ ઊંચો અને ભારે વજનનો હતો. એને ટેકરી પર જડવા માટે એક સાથે ૧૦ કારીગરો કામે લાગેલા હતા. ચોક્કસ જગ્યાએ ગોઠવવામાં તેમને સફળતા મળતી નહોતી. સેન્ટ જોસેફે આ જોયું એટલે તેમને કહેવા લાગ્યા - ચાલો, હું તમને મદદ કરું! તે પક્ષીની જેમ હવામાં ઉડયા અને બાર યાર્ડ જેટલે ઊંચે જઈને બન્ને હાથથી પેલા ક્રોસને પકડી રાખ્યો અને તેને જડવા માટે જે છિદ્ર પાડવામાં આવ્યુ હતું ત્યાં જ તેને બરાબર ગોઠવી દીધો. કારીગરોએ તરત ત્યાં ખીલા ઠોકી દીધા અને કામ સરળતાથી પૂરું થઈ ગયું.

સેન્ટ જોસેફના ઉડ્ડયનો ઘણીવાર તો દૂરના શહેરો સુધી થતા. એમની સારવાર કરતા ડોક્ટરને પણ તે પોતાની સાથે દૂરના ઉડ્ડયન પર લઈ ગયા હતા. પોતાના અનુભવનું વર્ણન કરતાં તેમણે લખ્યું હતું - 'જ્યારે હું સેન્ટ જોસેફની દેખભાળ કરતો હતો ત્યારે એક દિવસ એમણે અચાનક મારો હાથ પકડયો. તે જમીન પરથી અધ્ધર થઈ હવામાં ઉડવા લાગ્યા હું પણ તેમની સાથે હવામાં ઊડવા લાગ્યો. ત્યાં પ્રાર્થના હોલમાં ઊતરીને તેમણે પ્રાર્થના કરી. પછી મને કહ્યું - 'હવે મારે તમારી ચિકિત્સાની કે દેખભાળની જરૂર નહીં પડે. હવે મારા શરીરને છોડવાનો સમય આવી ગયો છે. હું બહુ જલદીથી જિસસ ક્રાઈસ્ટ પાસે જવાનો છું.' ત્યાર પછી તે મને લઈને પાછા આવી ગયા. બીજા જ દિવસે તેમણે કહ્યું હતું તેમ થયું. ૧૮ સપ્ટેમ્બર ૧૬૬૩ ના રોજ તેમનું મરણ થઈ ગયું. 

અર્વાચીન ભૌતિકવિજ્ઞાાનનો ક્વોન્ટમ ગ્રેવિટી સિદ્ધાંત ગ્રેવિટોન નામના પાર્ટિકલ્સની અવધારણા આપે છે. એ રીતે કેટલાક ભૌતિકવિજ્ઞાાનીઓ 'લેવિટોન'ની પણ ધારણા રજૂ કરે છે. તે એવું માને છે કે એના પ્રભાવ હેઠળ લેવિટેશન થતું હોય છે. તેનું પ્રમાણ વધે ત્યારે વ્યક્તિ ઉત્તોલન (લેવિટેશન) કરવા લાગે છે. ધ્યાન, પ્રાર્થના, પ્રેમ,ભક્તિ, જેવી ચેતનાની વિશિષ્ટ સ્થિતિમાં ગુરૂત્વાકર્ષણની અસર દૂર થાય છે અને તે હવામાં અધ્ધર થાય છે. અને ઉડવા પણ લાગે એવું બને છે. સેન્ટ જોસેફ ઓફ કોપર્ટિનો મિસરની સેન્ટ મેરી, ભારતના યોગી ચાંગદેવ, લંગ ગોમ સાધના કરનારા તિબેટના લામા યોગીઓ ઉત્તોલન, આકાશગમન કે ઉડ્ડયન કરતા હતા.


Google NewsGoogle News