અમદાવાદમાં ઓલિમ્પિક્સના આયોજન માટે તૈયારી શરૂ

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં ઓલિમ્પિક્સના આયોજન માટે તૈયારી શરૂ 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- 2036 સુધીમાં ઓલિમ્પિક્સના આયોજનનો ખર્ચ 100 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. એથેન્સમાં 2004માં ઓલિમ્પિક્સ પાછળ ભારે ખર્ચ કર્યા બાદ ગ્રીસનું 2008માં આર્થિક પતન થયું હતું. 

વ ર્ષ  ૨૦૩૬ :  ગરવી ગુજરાતના બે ટ્વીન સીટી અમદાવાદ અને ગાંધીનગર ખેલકૂદના વૈશ્વિક જમાવડાથી ધમધમતો હશે, દેશ-વિદેશમાંથી લાખો ટુરિસ્ટો, રમત-ગમતના શોખીનો અમદાવાદના આંગણે ઊતરી આવશે કારણ કે આ વર્ષમાં અમદાવાદમાં ઉનાળુ ઓલિમ્પિકનો રમતોત્સવ ઉજવાઈ રહ્યો હશે. આખા વિશ્વની નજર આ બે શહેરો પર મંડાઈ હશે.

તમે પૂછશો કે ૨૦૩૬ જ શું કામ? તો જાણી લો કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન દર ચાર વર્ષે થાય છે. ૨૦૨૪ની ગેમ્સ પેરિસમાં યોજાવાની છે. ૨૦૨૮માં લોસ એન્જિલસ અને ૨૦૩૨ની ઓલિમ્પિક બ્રિસ્બેનમાં રમવાની છે.

ગયા ઓક્ટોબર મહિનામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ થોમસ બેક મુંબઈ આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી  સાથે તેમની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં મોદીએ ૨૦૩૬ની સાલની ઓલિમ્પિક માટે ભારતનો દાવો રજુ કર્યો હતો. અત્રે એ વાતની નોંધ લેવી જોઈએ કે ભારતની જેમ બીજા દસેક દેશોએ ૨૦૩૬ની સાલમાં યોજાનારી ઓલિમ્પિક માટે પોતાને યજમાનપદ મળે તેવો દાવો કર્યો છે. જેમાં મુખ્યત્ત્વે સ્પેન, મેક્સિકો, ઇન્ડોનેશિયા, તુર્કી, પોલેન્ડ અને કતારનો સમાવેશ થાય છે. આપણા માટે ખુશીની વાત એ છે કે ફ્રાંસે ૨૦૩૬નું યજમાનપદ ભારતને મળે તો તેને સફળ બનાવવા તમામ સહાય કરવા તૈયારી દર્શાવી છે.

અગાઉ ભારત સરકારે ૧૯૮૨ એશિયન ગેમ્સ અને ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આથી હવે પછીનો તબક્કો સમર ઓલિમ્પિક્સ હોય તે સ્વાભાવિક છે. ભારતે હાલમાં જી ૨૦ પ્રેસિડન્સી સફળતાપૂર્વક અને ભવ્ય રીતે યોજી હોવાથી આઈઓએ સાથે સહયોગ કરીને ઓલિમ્પિક યોજવા સરકાર તત્પર છે. જો કે ૨૦૩૨ સુધીના તમામ સ્લોટ બૂક થઈ ગયા હોવાથી હવે ૨૦૩૬ પર મીટ માંડવામાં આવી છે.

ખાસ વાત એ છે કે ગુજરાતે અનેક વાર ઓલિમ્પિક્સ યોજવા વિશે ઈચ્છા પ્રદર્શિત કરી છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઓલિમ્પિક્સ યોજવાની બાબત રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો હિસ્સો પણ હતી.

  અમદાવાદ  અર્બન ડેવલપમેન્ટ  ઑથોરીટી  (ઔડા)ની દેખરેખ હેઠળ અત્યારે અમદાવાદમાં  સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ  એન્ક્લેવના પરિસરમાં  છ સ્ટેડિયમ બંધાઈ રહ્યા છે. તેની કુલ બેઠક ક્ષમતા ૮૦,૦૦૦ની  છે.  આ સિવાય  અમદાવાદમાં મોટેરાખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો છે જ.  જેની બેઠક  ક્ષમતા  એક લાખથી  વધુની છે.  ગુજરાત  રાજ્ય  સરકારે  ઓસ્ટ્રેલિયાની  આર્કિટેક્ટ કંપની પોપ્યુલસ ડિઝાઈન  પ્રાઈવેટ  લિમિટેડને માસ્ટર પ્લાન તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. આ આર્કિટેક્ટ  કંપની હાલમાં  લોસ એન્જિલસ  (૨૦૨૮) અને બ્રિસ્બેન (૨૦૩૨)  ખાતે રમાનાર ઓલિમ્પિક  ગેમ્સની  કામગીરી  પણ સંભાળી રહ્યું છે. 

અમદાવાદમાં  યોજાનારી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સાબરમતીનો  દ્વિતીય   રિવરફ્રન્ટ  પ્રોજેક્ટ  પણ ટૂંક સમયમાં  શરૂ કરાશે.  આ સંદર્ભમાં  રાજ્ય સરકારે દુબઈ સ્થિત  ડીપી વર્લ્ડ સાથે સમજૂતી-કરાર કરીને  રિવરફ્રન્ટને ડેવલપ કરી તેની આસપાસના   ૩૫૦ એકરના વિસ્તારમાં  ખેલકૂદને  લગતી માળખાકીય સુવિધા ઊભી કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે.  ઔડાના એક અધિકારીએ  જણાવ્યા  મુજબ આ તમામ  માળખાકિય  સુવિધા એવી રીતે તૈયાર થઈ રહી છે જેથી રમતોત્સવ  પૂરો થયા પછી રિયલ એસ્ટેટના હેતુથી તેનો  ઊપયોગ થઈ શકે.  ૨૦૧૨ના  ઓલિમ્પિક પછી લંડનમાં આ જ માર્ગ અપનાવાયો હતો. 

ભારત ૨૦૩૬ની  સાલમાં ઑલિમ્પિકના યજમાન દેશ બનવા વિચારતું હોય તોે આજથી જ કમર કસવી પડે. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળવાના હોય અને કમિશન મારી ખાવા મળવાનું હોય એટલે રાજકારણીઓ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ તોે ઑલિમ્પિકનો અભરખો પૂરો કરવાની વાત હોંશે હોેંશે કરે પરંતુ એ વાત ભૂલાવી ન જોઈએ કે આપણા દેશમાં છાશવારે બંધ, હડતાળ રાસ્તા રોકો...આંદોલન  થતા હોય છે. રાજકીય ઈરાદાથી યોજાતા ધરણા અને ભૂખ હડતાળ જેવાં ગતકડાં સંપૂર્ણ આયોેજનને બગાડી મૂકે, વેરવિખેર કરી નાંખે તેવી ધાસ્તી  રહે છે. થાય એવું કે જ્યારે આખા વિશ્વની નજર ભારત પર મંડાયેલી હોેય ત્યારે જ આપણા દેશમાં ચાલતા રાજકીય નાટકથી દેશની બદનામી થાય. અરે, બીજી બધી વાત તો છોડો, આપણા રમતવીરો ઘરઆંગણે યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં સાવ નબળોે દેખાવ કરે તોે નાક કપાવાનો વારો આવે.

ભૂતકાળ પર એક નજર કરીએ તોે આપણે ત્યાં યોજાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલથી માંડીને વ્યાપારી મેળામાં પણ ઘણી ધાંધલધમાલ થાય છે. ઠેર ઠેર ગેરવ્યવસ્થા, અરાજકતા વ્યાપેલી દેખાય છે. અલબત્ત, રમતગમતના કેટલાંક ઈવેન્ટમાં ભારતે સારો દેખાવ પણ કર્યો છે. ૧૯૫૧માં જ્યારે ભારતે પહેલીવાર એશિયન ગેમ્સનું આયોજન કર્યું ત્યારે મેડલ મેળવવાની બાબતમાં આપણે બીજા સ્થાને હતા. જોકે ત્યારે ચીન અને અમુક એશિયન દેશોે સ્પર્ધામાં નહોતા. ૧૯૮૨માં ફરીવાર દિલ્હીમાં એશિયન  ગેમ્સ યોજાયો  ત્યારે ભારત પાંચમા ક્રમે હતું. આ સિવાય ભારત   ક્રિકેટ વર્લ્ડ કપ અને ક્રિકેટની ઘણી ટુર્નામેન્ટો માટે સારા યજમાન જેવો દેખાવ કરી શક્યું છે.  

કોઈ કદાચ એવી દલીલ કરે કે ઑલિમ્પિક ગોઠવવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધે અને રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. પણ આપણાં માટે તો સરવાળે આ અનુભવ ઘરના છોકરા ઘંટી ચાટે એવો થાય. લાફો મારીને ગાલ રાતો રાખવાની ચેષ્ટા ભલા ભારતે શા માટે કરવી જોઈએ.

 ૨૦૧૦માં ભારતે જ્યારે કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું ત્યારે તત્કાલીન રમતગમતના પ્રધાન રહી ચૂકેલા મનોહર સિંહ ગીલની લાગણીઓથી આ તદ્દન વિપરીત છે. તેમણે ત્યારે જણાવ્યું હતું કે, ભારત જેવા ગરીબ દેશ માટે આટલી મોટી રકમ ખર્ચવાનો કોઈ અર્થ નથી. ૨૦૦૮માં ચીને ઓલિમ્પિક ગેમ્સના આયોજન પાછળ ૫૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો એવી જાહેરાત કરતાં ગીલે જણાવ્યું હતું કે, ભારત જેવા ગરીબ દેશે આવું ન કરવું જોઈએ.

૨૦૩૬ સુધીમાં ઓલિમ્પિક્સના આયોજનનો ખર્ચ ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. એથેન્સમાં ૨૦૦૪માં ઓલિમ્પિક્સ પાછળ ભારે ખર્ચ કર્યા બાદ ગ્રીસનું ૨૦૦૮માં આથક પતન થયું હતું. ૧૯૭૬માં ઓલિમ્પિક્સ ગેમ્સના યજમાન બનેલા મોન્ટ્રિયલને દેવું ચૂકવવામાં ૩૦ વર્ષ લાગ્યાં હતાં. રશિયામાં સોચી વિન્કે ગેમ્સ પાછળ પંચાવન અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જેમાંનો ૮.૫ અબજ ડોલરનો ખર્ચ રેલલાઈન માટે કરાયો હતો, જેનો પછી ક્યારેય ઉપયોગ થયો નહતો. એક અંદાજ મુજબ સોચીના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી પાછળ દર વર્ષે ૧ અબજ ડાલરનો ખર્ચ કરવો પડયો હતો. રીઓ-ડી જાનેરોમાં આયોજિત ઓલિમ્પિક્સે બ્રાઝીલને ૧૩ અબજ ડાલરનો ખર્ચ કરાવ્યો હતો, જેમાં બે અબજ ડાલર સંચાલનની નુકસાની પાછળ વેડફાયા હતા. ખેલકૂદની જરૂરિયાતો સાથે દર ચાર વર્ષે ઓલિમ્પિક્સમાં નવી રમતોનો ઉમેરો થતો રહે છે, જેનાથી બાંધકામ અને સંચાલનનો ખર્ચ સતત વધતો રહે છે. ૨૦૨૦ની ટોકિયો આલિમ્પિક્સમાં કરાટે, સ્ટેટ બોડિંગ, સ્પોર્ટ્સ  ક્લાઈમ્બિંગ અને સર્ફિંગ જેવી રમતો ઉમેરવામાં આવી હતી. ૨૦૩૬ સુધીમાં તો હજી ઘણી બધી રમતો ઓલિમ્પિક્સસમાં ઉમેરાઈ જશે. એટલે જો ૨૦૩૬માં ભારત ઓલિમ્પિક્સનું  યજમાન બનશે તો તે રાષ્ટ્રીય ગૌરવની બાબત બનશે કે પછી દેખાડાની મુર્ખામી કે ભવ્યતાનો ભ્રમ હશે? આનો જવાબ ઓલિમ્પિક્સમાં ક્રિકેટના ચતુરાઈભર્યા સમાવેશમાં રહેલો છે. જોકે, ઓલિમ્પિક રમતો ૧૦૭થી વધુ દેશોના પ્રેક્ષકોને આકર્ષતી હોય છે, પરંતુ જે-તે દેશના પ્રેક્ષકો એવી રમતો તરફ આકર્ષાય છે, જેમાં તેમના રમતવીરોએ ભાગ લીધો હોય. બાકીની રમતોની તેઓ અવગણના કરે છે.

ભારે આવક થવાની સંભાવના હોય એવી રમતોનો આલિમ્પિક્સમાં સમાવેશ કરવા એ એક શ્રે માર્ગ છે. આઈઓસીએ તાજેતરમાં ૨૦૨૮ની લોસએન્જેલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ, ફલેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વૉશનો સમાવેશ કર્યો  છે, તેમ જ બૅઝબોલ અને સાફટબોલને ફરીથી દાખલ કરી છે. આ બધામાં ક્રિકેટ સૌથી વધુ આવક રળી આપવાની સંભાવના ધરાવે છે. તાજેતરની ભારત-પાક ક્રિકેટ મચે ૩.૫ કરોડની વિક્રમ સર્જક  સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષ્યા હતા. ઓલિમ્પિક્સસમાં માત્ર ક્રિકેટ જ અબજો ડોલર ખેંચી લાવશે અને આમ જંગી આવક ઓલિમ્પિક્સના આયોજનના ખર્ચને વાજબી ઠેરવી શકશે. 

જો ૨૦૩૬માં નવી દિલ્હીમાં ઓલિમ્પિક્સ ગમ્સ યોજાશે તો કેટલાંક જૂનાં સ્ટેડિયમોને ઓલિમ્પિક્સનાં ધારાધોરણો સાથે મેળ બેસાડવા નવું રૂપ આપવામાં આવશે, પરંતુ એક જ શહેરમાં ઘણાં બધાં નવાં ક્રિકેટ સ્ટેડિયમ્સ બાંધવાનો કોઈ અર્થ નથી. હાલના વર્લ્ડ કપની જેમ અનેક શહેરોમાં ક્રિકેટની સ્પર્ધાઓનું આયોજન કરવાનું સારું રહેશે.

બહુ જ ઓછા દેશો જ્યારે બહુ જ ઓછી સ્પર્ધાઓમાં ભાગ લેતાં હોય ત્યારે તે સ્પર્ધાઓ એક જ શહેરમાં યોજાય એ અર્થપૂર્ણ ગણાય. આનાથી એ જ શહેરમાં જુદાં જુદાં સ્ટેડિયમોમાં જઈને મેચ જોવાનું પ્રેક્ષકો માટે શક્ય બને છે, પરંતુ આજે સ્ટેડિયમમાં જઈને મેચ જોનારા (જીવંત પ્રસારણ જોતા પ્રેક્ષકો)ની સંખ્યા ઘટતી જાય છે. મોટા ભાગના પ્રેક્ષકો ટીવી પર કે મોબાઈલ પર મેચ જોઈ લેતા હોય છે તેમને માટે કોઈ એક શહેરમાં મચ યોજાય કે વધુ શહેરોમાં યોજાય તેનાથી કોઈ ફરક પડતો નથી.

આઈઓસીએ એક જ શહેરમાં તમામ ગેમ્સનું આયોજન કરવાની નીતિનો ત્યાગ કરવાની જરૂર છે. અનેક શહેરોમાં આયોજન કરવાથી એક જ શહેર પર બોજ ઓછો પડશે તથા અન્ય શહેરોના વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વધુ ઉપયોગની છૂટ આપવાથી નવા બાંધકામનો ખર્ચ પણ ઘટશે. જો કે આ બધી ચર્ચા વચ્ચે કેટલાક એવી દલીલ કરે છે કે આધુનિક ઓલિમ્પિક મહોત્સવનો વિરાટ ખર્ચ ભારત જેવા વિકાસશીલ દેશને પોસાય તેમ નથી. અમેરિકા, બ્રિટન, કેનેડા, દક્ષિણ કોરિયા જેવા દેશોની વાત જુદી છે. લૉસ એન્જેલસની ઓલિમ્પિક પરથી પ્રેરણા મેળવનારા આપણા નેતાઓને એ ખબર નથી કે અમેરિકા અને ભારત વચ્ચે સમૃદ્ધિની દ્રષ્ટિએ કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. લૉસ એન્જેલસમાં હજારો દર્શકો ત્રણ કલાકની સ્પર્ધા નિહાળવા સેંકડો ડૉલરની ટિકિટ ખરીદતા અચકાતા નથી. બોક્સિંગ અને એવી કેટલીક લોકપ્રિય રમતો જોવા તે અમેરિકનો ટિકિટ દીઠ ૨૫૦૦૦ રૂપિયાનો ચાર્જ હોય તો પણ સ્પર્ધા જોવા પડાપડી કરે છે. ભારતમાં ટિકિટનો દર આટલો ઊંચો રાખ્યો હોય તો કેટલાં પ્રેક્ષકો આવે એની કલ્પના જ કરવી રહી.  લૉસ એન્જેલસ, સૉલ (દક્ષિણ કોરિયા) કે મોન્ટ્રિયલ (કેનેડા)ના શ્રીમંતો અને ભારતના ધનિકોમાં ય ઘણો તફાવત છે. 

 અમદાવાદમાં  ૧૦ નવા ઇન્ડોર સ્ટેડિયમ બાંધવા પડે. ઉપરાંત હાલના મોજૂદ સ્ટેડિયમની સુવિધા પણ ખૂબ જ સુધારવી પડે. જેની પાછળ આજની તારીખમાં કમ સે કમ ૧૦ અબજ રૂપિયા ખર્ચ થાય. ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ૧૯૮૨માં બંધાયુ તો પણ ૩૫ કરોડ રૂપિયા ખર્ચ આવ્યો હતો. સ્ટેડિયમ એકલાથી ન ચાલે. ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટલોની સુવિધા ઊભી કરવી.  ટેલિવિઝન પ્રસારણ તંત્રને લખલૂટ ખર્ચે સુધારવું પડે. સંદેશવ્યવહાર પદ્ધતિમાં તળિયાઝાટક ફેરફાર કરવા પડે. અમદાવાદ-ગાંધીનગરના  રસ્તા, ફલાય ઓવર, મેટ્રો ટ્રેન, બસસેવા ખૂબ જ સક્ષમ બનાવવા પડે.

ભારતમાં ઓલિમ્પિક યોજવા આતુર લોકોની ગણતરી એવી છે કે દેશની ખાનગી કંપનીઓ, ઉદ્યોગપતિઓનો સાથ-સહકાર લઈને રમતોત્સવ આયોજન થાય તો ભારતને રૃા. ૩૦૦ કરોડનો લાભ થાય. કુલ ૧૦૦૦  કરોડ રૂપિયાના ખર્ચમાંથી સરકારે માત્ર ૯૦કરોડ જ ખર્ચવાના આવે. બાકી બધા ખર્ચ ખાનગી કંપનીઓ ઉઠાવે તેવો અંદાજ હતો, પણ આ બધું ધારીએ એટલું સહેલું નથી. ખર્ચાના વાસ્તવિક આંકડા બધા અંદાજો અને આયોજન પર પાણી ફેરવી દે એવું આપણા દેશમાં અવશ્ય બની શકે એમ છે. એક જાણીતા અર્થશાસ્ત્રીએ ભારત દ્વારા  સંભવિત  આયોજાનારા ઓલિમ્ક્સ બાબત પોતાનો અભિપ્રાય આ રીતે આપ્યો છે.   આવા મહોત્સવને જે આંતરરાષ્ટ્રીય આભા વળગેલી હોય છે એ ક્ષણભંગુર હોય છે. રમતગમતની સભાનતા વધશે એ સિધ્ધાંત વિચારમાં જેટલો રૂપાળો લાગે છે એટલો વાસ્તવમાં ખૂબસૂરત નથી. અબજો રૂપિયા ખર્ચ્યા પછી એવો અનુભવ થાય જાણે આપણે કોક મૃગજળ પાછળ દોડ મૂકીને કશું હાથમાં ન આવ્યું. વિશ્વ રમતોત્સવ ભારતના આંગણે યોજવાની ઘેલછા આપણે ત્યાં સુધી રાખવી ન જોઈએ જ્યાં સુધી દેશની આર્થિક હાલત સુધરે નહીં. ઓલિમ્પિકના ચાંદની ધુમ્મસિયા આભા કરતાં કશીક સંગીન પ્રવૃત્તિની પાછળ આપણે પુરુષાર્થ કરવાની જરૂર છે. દેશના હજારો ગામડાંને પીવાના પાણી પૂરા પાડવા પાછળ અને ગ્રામીણ બાળકો માટેની શાળા અને રમતના મેદાન તૈયાર કરવા પાછળ પૈસા ખર્ચ કરશો તોય લેખે લાગશે. બાકી ઑલિમ્પિકનું આયોજન કરીને પ્રજાના નાણાંનો ધુમાડો કરવાનું સત્તાવાળાઓએ હરગિઝ વિચારવું જોઈએ પણ નહીં. અલબત્ત, ૨૦૩૬માં  ભારત ઓલિમ્પિક્સનું યજમાન બને તે સદંતર  નિરર્થક તો નથી જ, તેના નફા-નુકસાનના બધા જ પાસા વિચાર્યા પછી સરકારે નિર્ણય  લેવો જોઈએ.


Google NewsGoogle News