માંજરી મોનાલિસા અને તપખીરી રૂદ્વાક્ષનું રહસ્ય !!
- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
મહાકુંભમાં સેંકડો રૂદ્રાક્ષની માળા પહેરેલા સાધુ-સંતો જોવા મળ્યા. સાથે માંજરી આંખવાળી વણજારા કબિલાની મોનાલિસા પણ 'રૂદ્રાક્ષ સેલર' તરીકે પ્રસિદ્ધિ પામી. ભણેલા લોકોને બેવકૂફ કહેનારી આ અભણ મોનાલિસા 'રીલ'ને 'સેલ્ફી'ના ચક્કરમાં રૂદ્રાક્ષની માળાનો બિઝનેસ કરી ના શકી અને ખુદ બેવકૂફ બની અદ્રશ્ય થઈ ગઈ....!
લિઓનાર્ડો દા વિન્સીની સ્મિત ફેલાવતી મોનાલિસાની પ્રસિદ્ધ પેઇન્ટિંગ પણ પેબ્લો પિકાસો જેવી વ્યક્તિએ ચોરી હતી એવું કહેવાય છે. આ ભારતીય મોનાલિસાની રૂદ્રાક્ષ માળા પણ લોકોએ તફડાવી હતી પરંતુ સિદ્ધ કરેલાં રૂદ્રાક્ષ જ સાચી અસર ઊપજાવી શકે છે. પ્લાસ્ટિકના રૂદ્રાક્ષથી કોઈ ફાયદો થતો નથી.
આમળા સાઈઝના રૂદ્રાક્ષ અને એકમુખી રૂદ્રાક્ષ શ્રેષ્ઠ ગણાય છે. રૂદ્રાક્ષમાં કુદરતી છિદ્ર હોય અને તેમાંથી દોરો પસાર થઈ શકતો હોય એ સાચો રૂદ્રાક્ષ છે.
અક્ષમાલિકા ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે શિવના અશ્રુમાંથી એક વૃક્ષ જન્મ્યુ અને તેના ફળને રૂદ્રાક્ષ કહેવાય છે.
રૂદ્રાક્ષનું વૈજ્ઞાાનિક મહત્ત્વ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના સંશોધકોએ જણાવ્યું છે રૂદ્રાક્ષના રસાયણો તમને માનસિક અને શારીરિક સ્વસ્થતા આપે છે.
નેપાળના રૂદ્રાક્ષ જાણીતા છે. થાઈલેન્ડ, ઇન્ડોનેશિયાના રૂદ્રાક્ષ કદમાં નાના હોય છે. રૂદ્રાક્ષની માળાના મણકાં હિમાલય અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મળતાં વૃક્ષના બીજમાંથી બને છે.
સંતોના મતે રૂદ્રાક્ષ પહેરવાથી ગજબની શાંતિ અનુભવાય છે. તેનાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે, ડાયાબિટીશમાં રાહત થાય છે. ઓરી-અછબડાની બળતરા ઓછી થાય છે. તાવના દુઃખાવા મટે છે, પીડા ઓછી થાય છે રૂદ્રાક્ષથી તનાવ ઘટે છે રોગપ્રતિકારશક્તિ વધે છે. બ્લડપ્રેસરને કાબુમાં રાખી હૃદયને સ્વસ્થ કરી શકાય છે. આ બધી અંધ માન્યતા નથી. કારણ કે ઇન્ડિઅન મટીરિઆ મેડિકામાં તેનો ઉલ્લેખ 'મેડિસિનલ પ્રોડક્ટ' તરીકે થયો છે!!
રૂદ્રાક્ષ પર પાતળી રેખાઓ જોવા મળે છે બે રેખા વચ્ચેના ભાગને મુખ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષને આવા એકથી માંડી ૧૪ મુખો હોય છે. દરેક પ્રકાર શરીર પર જુદી જુદી અસરો ઉપજાવે છે.
વિશ્વનું સૌથી મોટું રૂદ્રાક્ષથી બનેલ શિવલિંગ ધરમપુરમાં શિવરાત્રિ દરમિયાન જોવા મળે છે. આ વખતે ૩૬ લાખ રૂદ્રાક્ષ વાપરી ૩૬ ફિટ ઊંચું શિવલિંગ બનાવાયું છે.
રૂદ્રાક્ષ તપખીરી રંગ ઉપરાંત લાલ, પીળા, કાળા અને સફેદ રંગના હોય છે. એક સંશોધન પ્રમાણે ''ઈલેઓકાર્પસ ગેનિટ્સ'' નામનું વૃક્ષ ભૂરા રૂદ્રાક્ષ આપે છે. દર વર્ષે આ ફળ ૧૦૦૦-૨૦૦૦ ફળો આપે છે. આ ફળ બ્લ્યુ બેરી બીડ્સ તરીકે ઓળખાય છે.
આ ફળમાં ટેનિન્સ, સ્ટીરોઈડ, ફલેવેનોઈડ્સ, આલ્કલોઈડ્સ, કાર્બોહાઈડ્રેઈટ અને કાર્ડિએક ગ્લાયકોસાઈડ્સ હોય છે.
રૂદ્રાક્ષ એક આસ્થા છે, એક ઔષધિ પણ છે. તેમાં સ્પિરિચ્યુઅલ પાવર છે. શિવજીની આ ભેટને ઓળખો, ધારણ કરો, શરીરને સ્પર્શ થવા દો અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરો એવું ઋષિમુનિઓ સૂચવી રહ્યાં છે.