નાઓયા ઈનોયુ : જાપાની બોકસરે પાવર પંચ થકી 'ધ મોન્સ્ટર' તરીકે ઓળખ મેળવી
- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- ઈનોયુ એક સાથે બે વજન વર્ગમાં નિર્વિવાદ વિશ્વવિજેતાની સિદ્ધિ હાંસલ કરનારો ઈતિહાસનો ત્રીજો બોક્સર
- અત્યાર સુધીની કારકિર્દીના તમામ ૨૯ મુકાબલા જીતી ચૂકેલા ઈનોયુએ ૨૬ વખત તો હરિફ બોક્સરને નોકઆઉટ કરી દીધા છે
વ રસોથી તાકાત અને ચપળતાને વિશેષ સન્માન આપવામાં આવતું રહ્યું છે. બાહુબળમાં શ્રેષ્ઠતા સાબિત કરવાની વિવિધ સ્પર્ધાઓ વિવિધ સ્વરુપમાં ચાલતી રહી છે. એક સમયે જે સ્પર્ધા તેમાં ભાગ લેનાર માટે જીવન-મરણનો પ્રશ્ન બની જતી - તે જ સ્પર્ધાઓ આધુનિક સમયમાં વિવિધ નિયમોને કારણે રમત તરીકેની ઓળખ મેળવી ચૂકી છે. જેમાં વિશ્વની સૌથી લોકપ્રિય રમત એટલે બોક્સિંગ.
મુહમ્મદ અલી, માઈક ટાઈસન, લેનોક્સ લુઈસ, ઈવાન હોલીફિલ્ડ, ફ્લોઈડ મેવેધર જુનિયર વગેરે જેવા ધુરંધર બોક્સરોની હરોળમાં સ્થાન મેળવવા તરફ જાપાનના ૩૧ વર્ષના બોક્સર નાઓયા ઈનોયુએ આગેકૂચ કરી છે. પ્રોફેશનલ બોક્સિંગમાં છેલ્લા એક દશક કરતા વધુ સમયથી એક પછી એક મુકાબલા જીતવાની સાથે આગેકૂચ કરી રહેલા નાઓયાએ ચાર જુદા-જુદા વજન વર્ગમાં વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કરી બતાવ્યો છે.
બોક્સિંગના ઈતિહાસમાં અત્યાર સુધી અમેરિકાનો ટેરેન્સ ક્રુફોર્ડ અને યુક્રેનનો ઑલેક્ઝાન્ડર યુસીક જ એવા બોક્સર હતા કે જેમણે ચાર બેલ્ટના યુગમાં બે વજનવર્ગમાં નિર્વિવાદ વિશ્વવિજેતા તરીકે ગૌરવ મેળવ્યું હતુ. હવે આ યાદીમાં નાઓયા ઈનોયુનુ નામ પણ જોડાઈ ગયું છે. નાઓયાએ લાઈટ ફ્લાયવેઈટ, સુપર ફ્લાયવેઈટ, બેન્ટમવેઈટ અને સુપર બેન્ટમવેઈટ એમ ચાર વિભાગમાં વિશ્વવિજેતા બનવામાં સફળતા મેળવી છે.
પાંચ ફૂટ અને પાંચ ઈંચ ઊંચાઈ અને ૬૮ કિગ્રા વજન ધરાવતા ઈનોયુના મુકકામાં એટલી તાકાત હોય છે કે ભલભલા બોક્સરોના પગ તેની સામે રિંગમાં ઉતરતા ધુ્રજવા લાગે છે. બોક્સિંગ રિંગમાં ચિત્તા જેવી ઝડપથી હરિફ પર આક્રમણ કરતા ઈનોયુને હરિફો વળતો જવાબ આપી શકતા નથી. મજબુત સંરક્ષણ અને અસરકારક ફૂટવર્કને કારણે તે રિગમાં હરિફ બોક્સરોને થકવી નાંખે છે. આ જ કારણે તેની સામે જીતવું તો દૂર પણ છેક છેવટ સુધી ટકી રહેવું પણ મુશ્કેલ હોય છે. અત્યંત પ્રભાવશાળી રેકોર્ડને કારણે જ બોક્સિંગ જગતમાં તેને ધ મોન્સ્ટર તરીકેની ઓળખ મળી છે.
આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં એક દશકથી વધુની કારકિર્દી દરમિયાન તેણે કુલ મળીને ૨૯ મુકાબલા ખેલ્યા છે, જેમાંથી ૨૬માં તેનો હરિફ બોક્સર મુકાબલો પુરો થાય ત્યાં સુધી ટકી શક્યા નહતા અને ઈનોયુને નોકઆઉટ વિજેતા જાહેર કરવામા આવ્યો. જ્યારે ત્રણ મુકાબલામાં પણ આખરે જજીસના સ્કોરને કારણે બહુમતીથી તે વિજેતા બન્યો. બોક્સિગમાં બેન્ટમવેઈટ કેટેગરી એટલે કે ૫૨ થી લઈને ૫૩.૫ કિગ્રા વજન વર્ગના બોક્સરોની સ્પર્ધામાં ઈનોયુ ૧૯૭૨ પછીનો સૌ પ્રથમ નિર્વિવાદ વિશ્વવિજેતા રહી ચૂક્યો છે. છેલ્લે આવી સિદ્ધિ પનામાના બોક્સર એનરિક પિન્ડેરે હાંસલ કરી હતી.
બોક્સિંગ વિશ્વમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહેલા નાઓયાની સિદ્ધિના પાયામાં તેના પિતા શિનગોની મહેનત અને તાલીમ રહેલી છે. શિનગો ખુદ પણ બોક્સર રહી ચૂક્યા છે અને તેઓએ તેમના બંને પુત્રોને પણ બોક્સિગમાં જ આગળ વધવાની પ્રેરણા આપી. નાઓયા ઈનોકુને શરુઆત થી જ ફૂટબોલ તેમજ બેસબોલ સહિતની રમતોમાં રસ લેવાનું શરુ કર્યું હતુ. જોકે તેના પિતા તેને અચૂક જીમ્નેશિયમમાં લઈ જતાં. પિતાને જોઈને તે પણ બોક્સિંગની રમત તરફ આકર્ષાયો અને કિશોરાવસ્થામાં જ તેણે બોક્સિંગ પર હાથ અજમાવવાનું શરુ કરી દીધું. પિતાની સાથે પરિવારના અન્ય સિનિયર બોક્સરોનું માર્ગદર્શન તેના માટે અત્યંત ઉપયોગી સાબિત થયું અને ધીરે ધીરે તેેણે રિંગમાં પગ જમાવવા માંડયો.
૧૬ વર્ષની ઉંમરે ઈનોયુએ જાપાનની જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતવાની સાથે આગવું પ્રભુત્વ જમાવ્યું. એશિયન જુનિયર ચેમ્પિયનશિપના કાંસ્ય ચંદ્રક બાદ તો તેણે એમેચ્યોર બોક્સર તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ ઉભી કરી. ઈરાન, અઝરબૈજાન, ઈન્ડોનેશિયા તેમજ કઝાખસ્તાન જેવા દેશોમાં યોજાયેલી જુદી-જુદી જુનિયર અને સિનિયર ચેમ્પિયનશિપમા તેણે સફળતાનો સિલસિલો આગળ ધપાવ્યો. એમેચ્યોર બોક્સર તરીકે ૭૫ મુકાબલામાં જીત હાંસલ કરી અને માત્ર છ માં જ તેને પરાજય સહન કરવો પડયો. તેણે ૭૫ માંથી ૪૮ વિજય તો નોકઆઉટના હતા.
એમેચ્યોર બોક્સર તરીકેની જબરજસ્ત સફળતા બાદ ઈનોયુએ પ્રોફેશનલ બોક્સિંગમાં ઝંપલાવ્યું. પિતાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સખત મહેનત કરી રહેલા ઈનોયુએ ૨૦૧૨માં માત્ર ૧૯ વર્ષની વયે પ્રોફેશનલ બોક્સર તરીકેના પ્રથમ મુકાબલામાં જ નોકઆઉટ જીત સાથે શરુઆત કરી. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ જાપાનના યુકી સાનો સામેનો તેનો પ્રોફેશનલ બોક્સિંગનો મુકાબલો ભારે રસપ્રદ બન્યો હતો. આ મુકાબલામા ઈજા થતાં ઈનોયુ જમણા હાથથી પંચ મારી શકે તેમ નહતો, તો તેણે માત્ર ડાબા હાથથી જોરદાર લડત આપીી હતી અને છેક ૧૦મા રાઉન્ડ સુધી સંઘર્ષ ખેલતાં આખરે ટેકનિકલ નોકઆઉટને સહારે વિજય મેળવ્યો હતો. ઈનોયુના આ વિજયે તેને બોક્સિંગ વિશ્વમાં આગવી ઓળખ અપાવી. ખાસ કરીને જીતવા માટેના ઝનૂન અને છેવટ સુધી લડી લેવાના મિજાજને કારણે તેનો એક આગવો ચાહકવર્ગ પણ ઉભો થયો.
ઈનોયુએ કારકિર્દીના ધમાકેદાર પ્રારંભ બાદ જુદા-જુદા વજન વર્ગમાં એક પછી એક મુકાબલા જીતવાની સાથે અજેય બોક્સર તરીકેની સિદ્ધિ હાસલ કરી. આતરરાષ્ટ્રીય બોક્સિંગની વર્લ્ડ સિરીઝમાં પણ તેણે અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. વર્લ્ડ બોક્સિંગ સિરિઝની ફાઈનલ્સમાં મેળવેલી સફળતાના પગલે તેને પાઉન્ડ ફોર પાઉન્ડમાં વિશ્વના નંબર વન બોક્સર તરીકેનું સ્થાન આપવામાં આવ્યું હતુ. બોક્સિંગની સાથે કુસ્તી અને મિક્સ માર્શલ આર્ટ જેવી લડાયક રમતોના ખેલાડીઓેને રેન્કિંગ આપવાનું કામ પાઉન્ડ ફોર પાઉન્ડ કરે છે અને તેના રેન્કિગમાં બોક્સિગમાં ટોચ પર પહોંચનારા સૌપ્રથમ જાપાનીસ બોક્સર બનવાનું ગૌરવ ઈનોયુને મળ્યું છે.
વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનના સુપર બેન્ટમવેઈટના નિવવાદ ચેમ્પિયન તરીકેનો તાજ જાળવી રાખવા માટે ઉતરેલા ઈનોયુએ સાઉથ કોરિયાના યે જૂન કીમની સામે નોકઆઉટ વિજય મેળવ્યો હતો. આ સાથે તેણે બોક્સિગ રિંગમાં તેનું પ્રભુત્વ જાળવી રાખવાની સાથે તેની વિજયકૂચને ૨૯ પર પહોંચાડી હતી. હવે આગામી સમયમાં તે અમેરિકાના નેવાડા અને સાઉદી અરેબિયામા આગામી મુકાબલા ખેલવાની તૈયારી કરી રહ્યો છે.
બોક્સિંગ જગતમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતા ધુરંધર માઈક ટાઈસને પણ ઈનોયુના ભારોભાર વખાણ કરતા કહ્યું કે, તેની ઝડપ અને કુશળતા જબરજસ્ત છે. આ જ કારણે ઘણી બધી બાબતોમાં તે ફિલિપાઈન્સના એક સમયના દિગ્ગજ બોક્સર મની પેક્યાઓ કરતાં પણ વધુ ચઢિયાતો છે. આગામી સમયમાં તે હજુ નવો વિક્રમ સર્જતાં તેની આગવી છાપ છોડી જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.