ભાષાજ્ઞાનનું મહાઆશ્ચર્ય .
- આજકાલ - પ્રીતિ શાહ
- અકરમ માને છે કે વ્યક્તિમાં પ્રતિભા હોય છે, પરંતુ તેને ઓળખવી અને તેનું સમર્થન કરવું તે માતા-પિતા અને શિક્ષકનું કામ છે
વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબુ્રઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષાના ઘોડાપૂરના સમયમાં ચેન્નાઈમાં ૨૦૦૬ની ૧૨ ફેબુ્રઆરીએ જન્મેલા મહમૂદ અકરમે ભાષા શીખવાની તેની અસીમ શક્તિનો પરિચય કરાવ્યો છે. માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે તે ચારસો ભાષા જાણે છે અને ૪૬ ભાષાઓમાં વાત કરી શકે છે, આમ છતાં પોતાની માતૃભાષા પ્રત્યે વિશેષ લગાવ છે તે કહે છે કે, 'જો હું માતૃભાષામાં વાત કરું તો વ્યક્તિ દિલથી જવાબ આપશે, પણ જો હું અંગ્રેજીમાં વાત કરીશ તો તે દિમાગથી વાત કરશે.' મહમૂદ અકરમના પિતા સોળ ભાષા બોલે છે. અકરમના પિતા શિલબી મોઝિપ્રિયન સંજ્ઞાનાત્મક મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. નોકરી માટે ઈઝરાયલ, સ્પેન જેવી જગ્યાએ જઈને ભાષાની મુશ્કેલી અનુભવી તેથી તેમણે અકરમને એકથી વધુ ભાષાઓ શીખવી.
તેના પિતાએ તેને વટ્ટેલુટ્ટૂ, ગ્રંથ અને તમિઝી જેવી પ્રાચીન તમિળ લિપિનો પરિચય કરાવ્યો. જ્યારે અકરમ છ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો એ એના પિતા કરતાં વધુ ભાષાઓનો જાણકાર બની ગયો હતો. આઠ વર્ષની ઉંમરમાં તેને પચાસ ભાષાની જાણકારી હતી. તે કહે છે કે જુદી જુદી ભાષા શીખવા માટે પાઠયપુસ્તકો અને ઓમનીગ્લોટ પર નિર્ભર રહેવું પડતું હતું. ઓમનીગ્લોટ એ લખવા અને વાંચવાની ભાષાઓનો આનલાઇન વિશ્વકોશ છે. આઠ વર્ષની ઉંમરે વિશ્વના સૌથી નાની ઉંમરના બહુભાષી ટાઈપીસ્ટ તરીકેનો વિશ્વરેકોર્ડ અકરમના નામે છે. એક કલાકમાં વીસ ભાષાઓમાં ભારતનું રાષ્ટ્રગાન લખીને દસ વર્ષની ઉંમરે એણે બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. બાર વર્ષની ઉંમરે ચારસો ભાષાઓ લખી-વાંચી શકતો. જર્મનીમાં સિત્તેર ભાષા વિશેષજ્ઞા સાથે સ્પર્ધા કરીને ત્રીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. જર્મનીમાં એક વાક્યને ત્રણ મિનિટમાં વધુમાં વધુ ભાષાઓમાં અનુવાદ કરવાની સ્પર્ધા હતી. તેમાં સૌથી વધુ અનુવાદ કરીને જર્મની 'યંગ ટેલેન્ટ ઍવૉર્ડ' જીત્યો.
અકરમે પાંચમા ધોરણ સુધી ચેન્નાઈમાં શિક્ષણ મેળવ્યું, પરંતુ ભાષાઓ પ્રત્યે વધતા જુનૂનને કારણે એક અલગ દ્રષ્ટિકોણની આવશ્યકતા જણાઈ. તેની ઇચ્છા માત્ર ભાષાઓ પર કેન્દ્રિત સ્કૂલમાં અભ્યાસ કરવાની હતી, પરંતુ ભારતમાં આવી કોઈ સ્કૂલ ન મળતા ઈઝરાયલની સ્કૂલમાં ઑનલાઇન અભ્યાસ કર્યો અને અરબી, સ્પેનિશ, ફ્રેંચ અને હિબ્રૂ ભાષા શીખી. ત્યારબાદ ઑસ્ટ્રિયાના વિયેનામાં ડેન્યૂબ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૉલરશિપ મેળવીને હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તેના ક્લાસમાં જુદી જુદી ભાષા બોલનારા ચાળીસ વિદ્યાર્થીઓ હતા. તેણે યુ.કે.ના મિલ્ટનકીન્સની ઓપન યુનિવર્સિટીમાંથી ભાષા-વિજ્ઞાન, અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને ચેન્નાઈની અલાઝયા યુનિવર્સિટીમાંથી એનિમેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
અકરમ કહે છે કે, 'ભાષા મારી પ્રતિભા છે, પરંતુ એનિમેશન મારો શોખ છે.' તે માને છે કે વાંચવું-લખવું એક વાત છે, પરંતુ કોઈ ભાષાને બોલવા માટે બોલી અને ઉચ્ચારણને સમજવા જરૂરી છે. અનેક ભાષાઓ સાથે સંપર્ક જાળવવા માટે તે સોશિયલ મીડિયા અને મનોરંજનના માધ્યમોનો ઉપયોગ કરે છે. આટલી બધી ભાષાઓ વચ્ચે પણ પોતાની માતૃભાષા તમિળ માટે એના હૃદયમાં ખાસ જગ્યા છે. જાપાની ભાષાનું વ્યાકરણ અને ઉચ્ચારણ તમિળ સાથે ઘણું મળતું છે, તો સામે પક્ષે ચેક, ફિનિશ અને વિયેતનામી ભાષા સૌથી કઠિન લાગી. તમિળનાડુમા અકરમ લોકોને વધુમાં વધુ ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે.
ચેન્નાઈના શેનોય નગરમાં અકરમના પિતાએ ૨૦૧૬માં અકરમ ગ્લોબલ લેંગ્વેજ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી છે. જેથી અન્ય લોકો પણ જુદી જુદી ભાષા શીખે. આ સંસ્થા ભારત અને મિડલ ઈસ્ટ, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોના વિદ્યાર્થીઓને ઑનલાઇન અને ઑફલાઇન શીખવે છે. પ્રતિ માસ આશરે દોઢસો વિદ્યાર્થીઓ ભાષાનું શિક્ષણ મેળવે છે. અહીં અકરમના માતા અને પિતા શીખવતા હતા, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે અકરમ પણ શિક્ષક બનીને શીખવે છે. તેઓ મ્યાંમાર, કંબોડિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાની સ્કૂલો અને કૉલેજોમાં ભાષાની વર્કશોપનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓની માતૃભાષા જાણતા હોવાથી અકરમ વિદ્યાર્થીઓની ઇચ્છા પ્રમાણે શીખવે છે. અકરમ દરરોજ બે કલાક ભાષાઓનો અભ્યાસ કરવા માટે સવારે પાંચ વાગ્યે ઊઠે છે. ભાષાઓ પ્રત્યેનો પ્રેમ તેને વિદ્યાર્થી અને શિક્ષકની સંતુલિત ભૂમિકા ભજવતા શીખવે છે. તે માને છે કે વ્યક્તિમાં પ્રતિભા હોય છે, પરંતુ તેને ઓળખવી અને તેનું સમર્થન કરવું તે માતા-પિતા અને શિક્ષકનું કામ છે. અકરમની ઇચ્છા કોઈ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં ભાષાના પ્રોફેસર બનવાની છે અને થિરુક્કુરલ અને થોલકાપ્પિયમ જેવા તમિળ સાહિત્યિક ખજાનાનો વધુમાં વધુ ભાષામાં અનુવાદ કરીને વિશ્વને તમિળની સમૃદ્ધ વિરાસતથી પરિચિત કરાવવાનો છે.
- સાર્થક જીવનનો પંથ
- નાનપણથી જ કોઈની ય સામે ફરિયાદનો સૂર ન કાઢનારી સ્વાતિએ આ સમયે પણ પોતાની જાતને, ઇચ્છાને ઈશ્વરની ઇચ્છામાં સમર્પિત કરી દીધી હતી
વ્ય ક્તિ પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા અથાક પુરુષાર્થ કરે છે, પરંતુ તેમાં અણધાર્યું વિઘ્ન આવતા હતાશ થઈ જાય છે. એમાંય ખાસ કરીને ગંભીર બીમારી આવતાં જાણે જીવન હારી ગઈ હોય તે રીતે ભાંગી પડે છે, પરંતુ હરિયાણાની સ્વાતિ ભાર્ગવ એક જુદી માટીની સર્જાયેલી સ્ત્રી છે. હરિયાણાના અંબાલા શહેરમાં રહેતી સ્વાતિ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. એસ.એસ.સી. પછી અગિયાર અને બારમા ધોરણના અભ્યાસ માટે સ્કૉલરશિપ મળી અને એ માટે સિંગાપોર ગઈ અને ત્યારબાદ સ્કૉલરશિપ સાથે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરવાની તક મળી. તે હંમેશાં વિચારતી કે લંડનમાં કામ કરીને સારી એવી રકમ મેળવીશ અને પરિવારને મદદ કરીશ, પરંતુ શારીરિક તકલીફને કારણે ભારત આવી. તેણે બધા ટેસ્ટ કરાવ્યા અને જાણવા મળ્યું કે તેની કિડની પચાસ ટકા જ કામ કરે છે. થોડી સારવાર કરાવી અને દવા સાથે લંડન ગઈ. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસની તક એ જવા દેવા માગતી નહોતી.
સ્નાતક થયા પછી લંડનની જાણીતી ગૉલ્ડમૅન સૈક્સ ગૂ્રપમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં નોકરી શરૂ કરી અને પાંચ વર્ષ કામ કર્યું. જીવનમાં સફળતા મળી, પરંતુ જીવનમાં કંઈક સારું કામ કરવાની ઇચ્છા જાગી. તેની સાથે અભ્યાસ કરતાં રોહન ભાર્ગવ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેઓ બંને જ્યારે ફરવા ગયા, ત્યારે તેમણે બ્રિટનની ક્વિડકો નામની કેશબેક સાઇટનો ઉપયોગ કર્યો અને દસ હજાર રૂપિયા પાછા મેળવ્યા. આના પરથી એ બંનેને ભારતમાં આવું પ્લેટફોર્મ શરૂ કરવાનો વિચાર આવ્યો. ૨૦૧૩માં એમણે પોરિંગ પાઉન્ડ્સ નામની કેશબેક સાઇટ સફળતાપૂર્વક શરૂ કરી અને ત્યારબાદ ભારતમાં 'કેશકરો'ની શરૂઆત કરી. આજે કેશકરો એ ભારતની સૌથી મોટી કેશબેક અને કૂપન ઍપ છે. આ ઍપથી આનલાઇન શોપિંગ કરતાં કેશબેક મળે છે. કેશકરો પાસે દોઢ હજાર જેટલી સાઈટ છે. તમે સીધા કોઈ વેબસાઇટ પર જઈને ખરીદી કરો તો તેથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ એ જ વસ્તુને કેશકરો દ્વારા ખરીદો, તો તેમાં નક્કી કરેલી રકમ તમને તમારા ખાતામાં પોઇન્ટ તરીકે, બેંક ખાતામાં કે ગિફ્ટકાર્ડ દ્વારા પાછી મળે છે. તેઓ જ્યારે કેશકરો પ્લેટફોર્મ શરૂ કરવાના હતા, ત્યારે પોતાનો આ વિચાર મુંબઈની તાજ હૉટલમાં રતન ટાટાને જણાવ્યો. તેમને આખી યોજના સમજાવી અને પ્રેઝન્ટેશન કર્યું, ત્યારે રતન ટાટાએ ખુશ થઈને કહ્યું કે ભારત એક એવો દેશ છે કે અહીં લોકો બચત કરવાનું પસંદ કરે છે અને ત્યાં તમે આવી રીતે લોકોને વળતર રૂપે પૈસા આપશો તો આમાં પસંદ ન કરવા જેવું કશું નથી અને સ્વયં રતન ટાટાએ આમાં મૂડીરોકાણ કર્યું.
આ બધા કામ વચ્ચે સ્વાતિ શિસ્તબદ્ધ જીવન, બોડી ચેકઅપ અને સકારાત્મક દ્રષ્ટિકોણથી ક્ષતિગ્રસ્ત કિડનીને વીસ વર્ષ સુધી કાર્યરત રાખી શકી. કામ, પરિવાર અને મૂડીરોકાણકારો સાથે સતત સંપર્કમાં રહીને પોતાનો વ્યવસાયનો વ્યાપ વધારતી ગઈ, ૨૦૨૨માં તેની કિડની માંડ પાંચથી છ ટકા કામ કરી રહી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટના ત્રણ મહિના પહેલાં સુધી અને સાડા પાંચ ટકા હિમોગ્લોબીન સાથે તે પોતાના દ્રઢ મનોબળ અને સકારાત્મક દ્રષ્ટિકોણને કારણે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહી હતી. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે મેચિંગ દાતા શોધવા મુશ્કેલ કામ હોય છે, પરંતુ તેની માતાની કિડની મેચ થતાં તેણે પુત્રીને કિડની આપી. આજે આ વાતને યાદ કરતાં કૃતજ્ઞાતાપૂર્વક તે કહે છે કે તેની માતાએ તેને બે વાર જન્મ આપ્યો. આ સમયે એક બાજુ સ્વાતિ અને રોહનની મહેનતથી કેશકરોને પૂરતું ફંડિંગ મળી ચૂક્યું હતું તેનો કાર્યાલયમાં અનેરો ઉત્સાહ હતો, તો બીજી બાજુ દિલ્હીની હોસ્પિટલમાં તે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ થઈ ચૂકી હતી. સ્વાતિ એ ક્ષણને યાદ કરતાં કહે છે કે એક જ સમયે તે નર્વસ, ઉત્સાહિત અને ખુશ હતી. જિંદગીને કેવી તડકી છાંયડી !
નાનપણથી જ કોઈની ય સામે ફરિયાદનો સૂર ન કાઢનારી સ્વાતિએ આ સમયે પણ પોતાની જાતને, ઇચ્છાને ઈશ્વરની ઇચ્છામાં સમર્પિત કરી દીધી હતી. હોસ્પિટલમાં કોઈને મળવાની છૂટ નહોતી, ત્યારે પણ તે સકારાત્મક વિચારો કરતી રહી. તે પોતાના વસિયત વિશે, પરિવાર અને મિત્રો વિશે તેમજ વ્યવસાય અંગે વિચારતી. દસ દિવસ પછી ઘરે આવી અને થોડા દિવસમાં ઘરેથી કામ શરૂ કર્યું. ત્રણ મહિના ઘરેથી કામ કર્યું. ભીતરના મનોબળથી વધારે મજબૂત બની. સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટ લખે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અન્ય દર્દીઓને માર્ગદર્શન આપે છે. એની માતા અંગદાન માટે અન્ય લોકોને પ્રેરિત કરે છે. આજે સ્વાતિ પાસે ત્રણ કિડની છે, જેમાંથી પોતાની બે કિડની કામ નથી કરતી અને ટ્રાન્સપ્લાન્ટ કરી તે ત્રીજી! સ્વાતિ ભાર્ગવે સાહસ, સકારાત્મકતા, શિસ્ત અને કૃતજ્ઞાતાથી પોતાના જીવનને સર્વશ્રેષ્ઠ આપ્યું. સ્વાતિ જીવનમાં કઠિન સમય અને સંઘર્ષમાંથી પસાર થનાર વ્યક્તિને પ્રેરણા આપે છે કે તેઓ પોતાની જાતને જેટલી જાણે છે તેનાથી ઘણી વધારે શક્તિ અને સબળ સામર્થ્ય તેમના ભીતરમાં રહેલું હોય છે.