તમારી પાસે તમારું લક્ષ્યાંક કાર્ડ છે ?
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- આપણું મન તો એવું વેગીલું છે કે એ દિવસના અજવાળામાં તો દોડે છે, પણ રાત્રે ઊંઘમાં પણ દોડે છે. નભમંડળમાં ચંદ્ર, સૂર્ય કે તારા કેટલાંય જોજન દૂર હોય અને અવકાશયાત્રીઓને ત્યાં પહોંચવા માટે પારાવાર મથામણ કરવી પડે, પરંતુ તમારું મન તો ક્ષણવારમાં અવકાશમાં કરોડો માઈલની સફર કરીને ચંદ્ર કે તારાઓને પેલે પાર પહોંચી જાય છે.
રસ્તા પર ખેલ કરતા બજાણિયાનાં સમતોલન જેવું આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું સમતોલન હોવું જોઈએ. આમાંથી એક પણ પ્રકારનું સ્વાસ્થ્ય નબળું હોય, તો વ્યક્તિનાં જીવનમાં એક પ્રકારની હતાશા, નિર્બળતા કે નિષ્ફળતા છવાઈ જાય છે. એ સંદર્ભમાં આપણે માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો વિચાર કર્યો અને એના મનની વિકટ પરિસ્થિતિ છે, એનો ખ્યાલ મેળવ્યો.
આપણું મન તો એવું વેગીલું છે કે એ દિવસના અજવાળામાં તો દોડે છે, પણ રાત્રે ઊંઘમાં પણ દોડે છે. નભમંડળમાં ચંદ્ર, સૂર્ય કે તારા કેટલાંય જોજન દૂર હોય અને અવકાશયાત્રીઓને ત્યાં પહોંચવા માટે પારાવાર મથામણ કરવી પડે, પરંતુ તમારું મન તો ક્ષણવારમાં અવકાશમાં કરોડો માઈલની સફર કરીને ચંદ્ર કે તારાઓને પેલે પાર પહોંચી જાય છે. આ રીતે મન એ ત્રણેય કાળ, દશ દિશાઓ, આપણી બ ાહ્ય અને આંતરિક સૃષ્ટિ- એ સઘળે વેગથી વ્યાપી વળે છે. આ મનનાં ઉડ્ડયનને વ્યક્તિએ ઓળખવું જોઈએ, કારણ કે પ્રકાશની ગતિ કરતાં પણ મનની ગતિ વધુ તેજ છે. અથવા તો કહી શકાય કે મનની ગતિ અસીમ છે, એને કોઈ સીમા કે ક્ષિતિજ હોતી નથી.
એવું પણ બને કે આપણું શરીર અત્યંત નિર્બળ હોય અને આપણું મન અતિ વેગથી ચાલતું હોય. એવી ઘણી વ્યક્તિ મેં જોઈ છે કે જે જીવનની પાછલી અવસ્થામાં શરીરથી અત્યંત નિર્બળ હોય, પણ એમનું તેજીલું અને વેગીલું મન. એમના મનમાં એટલા બધા મનોરથો જગાડતું હોય કે અંતે એ મન થાકી જતું હોય છે. આમ શરીર અને મન વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલતું હોય છે. થાકેલા શરીરને આપણે ચાબુક મારીને દોડાવીએ છીએ, પણ એ અંતે થાકીને લોથપોથ થઈ જાય છે. એ જાણે છે કે આ સઘળી ઉપાધિ મનમાં જાગતી ઇચ્છાઓ, વિચારો અને ઝંખનાઓને કારણે છે, પરંતુ જીવનની છેલ્લી ઘડી સુધી એ ઇચ્છાઓ, વિચારો કે ઝંખનાઓને દૂર કરી શકતા નથી અને એને પરિણામે સતત એક પ્રકારની પીડા અનુભવતા હોય છે. આ પીડાને કારણે એમનું વાર્ધક્ય વ્યથા અને વેદનાથી ઘેરાઈ જાય છે.
આનો અર્થ જ એ કે વ્યક્તિનાં દેહની ઉંમર જેમ વધે એમ એમણે એમની અભીપ્સાની ઉંમર ઘટાડવી જોઈએ. હજી મારે એક બીજી વાત કરવી છે અને એ છે કે આપણા ભીતરી મનની. બાહ્ય ઘટનાઓ એ પડઘો છે, ખરું તો આપણું અંતર-મન છે. બાહ્ય જગતમાં બનતી ઘટનાઓ કરતા ખરું મહત્ત્વ તો એનો આપણા અંતર્મનમાં પડતો પડઘો છે. આખા વિશ્વની અનુભૂતિ આપણા બહિર્મનને નહીં, પણ આપણા અંતર-મનને થતી હોય છે. આમ જે કંઈ મહત્ત્વ છે તે અંતર-મનનું છે.
કેટલાક આને 'હાયર માઈન્ડ' અને 'લોઅર માઇન્ડ' કહે છે. આમાં નીચે વાળું મન એ દેહાસકત હોય છે અને ઉપરવાળું મન એ આત્મપ્રવણ હોય છે. આવા મનને એકાગ્ર રાખવું જોઈએ, કારણ કે એ તો સતત ઘૂમતું રહે છે, દસે દિશામાં દોડતું રહે છે અને વળી એ કેટલાંય વિચારો કરતું રહે છે. એ સ્વિટ્ઝર્લેન્ડમાં ફરવા જાય છતાં એની આસપાસની રળિયામણી પ્રકૃતિ જોવાને બદલે એને શેરબજારની ચિંતા સતાવતી હોય છે. પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીને એનું મન પરેશાન કરતું હોય છે અને પરીક્ષા પછી પણ એ મન અનેક ચિંતાઓથી ગ્રસિત રહેતું હોય છે. આવા મનને મહાયોગી આનંદઘનજીએ માર્મિક રીતે બતાવ્યું છે અને કહ્યું છે,
'મનડું કિમહી ન બાઝઈ,
જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અવલુ ભાજે હો.'
(મન પકડમાં આવતું નથી. જેમ જેમ પકડીને રાખું છું, તેમ તેમ અવળું-ઉલટું ભાગે છે.)
આ સ્તવનમાં મનને મર્કટની ઉપમા આવી છે. મર્કટ એટલે માંકડું અને તમે મર્કટની ચાલ જોઈ હશે. એ સીધી ગતિએ ન ચાલે, પણ ગુલાંટ મારતું ચાલે. આ મન પણ વારંવાર આવી ગુલાંટ લગાવતું હોય છે. એ યાદ રાખવાનું ભૂલી જતું હોય છે અને જે ભૂલવા જેવી બાબત છે, તેને શિલાલેખની જેમ યાદ રાખે છે.
મહાયોગી આનંદઘનજીએ આ મનની ચંચળતાને બહુ માર્મિક રીતે આલેખી છે. આ સ્તવનમાં તેઓ કહે છે કે,
પ્રભુમાં મનને ઠેરવવા પ્રયત્ન કરું છું, પણ એ તો જેમ પ્રયત્ન કરું છું, તેમ તેમ પ્રભુથી વધુને વધુ દૂર જતું જાય છે. એ રાત-દિવસ અહીં તહીં, વસ્તીમાં કે નિર્જન પ્રદેશમાં, આકાશમાં કે પાતાળમાં ફર્યા જ કરે છે, એને છતાં એને ક્યાંય નિરાંત થતી નથી. ધ્યાન અને જ્ઞાાનનો અભ્યાસ કરનારાઓના આ મન બૂરા હાલ-હવાલ કરે છે. આગમનો અભ્યાસી પણ એને અંકુશમાં રાખી શકતો નથી. અને જો હઠ કરીને રોકી રાખે તો સાપની પેઠે વાંકું-ચૂંકું થઈને છટકી જાય છે. આ મન ઠગારું છે, છતાં કોઈને છેતરતું દેખાતું નથી, બધામાં છે છતાં કોઈને હાથ આવતું નથી. એની જાતિ ન્યાયેતર છે, છતાં ભલભલા મરદને ધક્કે ચડાવે છે. એ મન દેખાતું નથી, છતાં આખા જગતને દોરે છે. એ પકડાતું નથી, છતાં આખા જગતને પકડી રાખે છે. આનંદધન પ્રભુને પ્રાર્થના કરે છે કે આ મન વશમાં રહે એવું કરજો. આ સ્તવનમાં આનંદધનજીએ આત્મસાધના માટે મનોવિજય કેટલો મહત્ત્વનો છે તે દર્શાવ્યું છે.
'મન સાધ્યું તેણે સઘળું સાધ્યું' એ જ આનો મર્મ છે. મર્કટની જેમ એટલે કે માંકડાંની જેમ હૂપાહૂપ કરતા મનને એક સ્થળે રાખવાનો મુખ્ય ઉપાય તે મનની એકાગ્રતા છે. જો મનને એકાગ્ર કરવામાં આવે, તો તમે તેના પર કાબૂ મેળવી શકો છો. વર્તમાન સમયમાં સૌથી મોટો પ્રશ્ન એકાગ્રતાનો છે અને એનું કારણ એ છે કે મોબાઈલનાં સ્ક્રીન પર સતત ફરતું મન એકાગ્રતા ઓછી કરતું જાય છે. એકાગ્રતાની પ્રાપ્તિ માટેનો એક ઉપાય એ વાંચન છે. વ્યક્તિ જ્યારે ગ્રંથનું વાંચન કરે કે પછી કોઈ સર્જન કરે, ત્યારે એનું ચિત્ત એમાં પૂર્ણપણે એકાગ્ર થઈ જતું હોય છે. એનું સમગ્ર અસ્તિત્ત્વ એમાં એકરૂપ થઈ જતું હોય છે. આથી જ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જૈન હંમેશા એમના વિદ્યાર્થીઓને રોજ એક પાનું લખવાનો નિયમ કરાવે છે.
જો આવી એકાગ્રતા સધાય, તો જ ચિત્ત એના લક્ષ્ય તરફ જઈ શકે છે અને કેટલાંક તો પ્રત્યેક નવા વર્ષે આગામી વર્ષનાં સંકલ્પો લખતા હોય છે અને પછી એમાં પોતાના ચિત્તને એકાગ્ર કરીને લક્ષ્ય તરફ ગતિ કરતા હોય છે. મહુડી તીર્થનાં પ્રેરક અને ૧૩૦ જેટલાં ગુજરાતી અને સંસ્કૃતમાં ગ્રંથો રચનાર યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી દિપાવલીના સમયને 'ભાવદિવાળી' કહેતાં અને પછી પોતાના નૂતન વર્ષનાં સંકલ્પો નોંધાતા હતા અને ગત વર્ષે લીધેલાં સંકલ્પોમાંથી કેટલા સાર્થક થયા તેનો વિચાર આલેખતા હતા.
આજે વિદેશમાં કેટલાંક લોકો પોતાના વોલેટમાં 'લક્ષ્યાંક કાર્ડ' રાખતા હોય છે. એમાં પોતે વ્યક્તિ તરીકે શું કરવાનું છે, વ્યવસાયમાં આગળ વધીને કેવાં લક્ષ્યો સિદ્ધ કરવાનાં છે અને એથીય વિશેષ આધ્યાત્મિક માર્ગે જઈને શું પ્રાપ્ત કરવાનું છે, એની નોંધ આ કાર્ડમાં રાખતા હોય છે. આને કારણે બને છે એવું કે પેલું કૂદાકૂદ કરતું મન લક્ષ્યાંક સિદ્ધિ કાજે એકાગ્ર રહીને કામ કરે છે.
વળી આવા લક્ષ્યથી બીજું એક કામ પણ સધાશે કે તમે જીવનમાં તમારા લક્ષ્યને ઉપયોગી ન હોય એવી બાબતોથી અળગા રહી શકશો. કેટલાંક લોકો કમને પણ અણગમતી બાબતો સ્વીકારતા હોય છે, જ્યારે તમે દ્રઢતાપૂર્વક એનો ઇન્કાર કરી શકશો.
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી તેમજ ૧૯૬૩માં 'ભારતરત્ન'નાં ખિતાબથી સન્માનિત ડૉ. ઝાકીરહુસેન પર એમના દૂરના એક સગાનો પત્ર આવ્યો. એમણે એમના કોઈ સંબંધીની સિફારિશ કરવાનો એમને આગ્રહ કર્યો. ડૉ. ઝાકીરહુસેને કશું કર્યું નહીં એટલે તેઓ સીધેસીધા એમને મળવા આવી પહોંચ્યા.
પોતાના આ સગાનો ડૉ. ઝાકીરહુસેને અત્યંત વિનમ્રતાથી આદરસત્કાર કર્યો અને પાસે બેસાડયા. થોડી ગપસપ પછી એમના આ સંબંધી મૂળ વાત પર આવ્યા, પરંતુ ઝાકીરહુસેન એ બાબતમાં કોઈ સ્પષ્ટ ઉત્તર આપતા નહોતા. આથી એમના એ સગા અકળાઈને બોલ્યા, 'આપ તો મુસલમાન છો અને મુસલમાન તરીકે તમારી ફરજ છે કે તમારે આ કામ કરવું જોઈએ. તમારી પાસે અમે આટલી તો આશા રાખી શકીએ ને ?'
ઝાકીરહુસેને એમના સંબંધીને કહ્યું, 'જુઓ, મુસલમાન હોવાની દુહાઈ આપશો નહીં. આપણા બધાનો ધર્મ એક છે અને તે ભારતીયતા. આપણે બધા પહેલાં ભારતીય છીએ.'
સંબંધીએ કહ્યું, 'એ તો ઠીક. આપણે બધાય ભારતીય છીએ. પણ આપણે સગા છીએ, તેનું શું? લોહીની સગાઈ તો બધી સગાઈથી ઊંચી છે.'
આમ સંબંધી સંબંધના દાવે આગ્રહ કરતા જ રહ્યા, ત્યારે ડૉ. ઝાકીરહુસેને એમના અંગત સચિવને બોલાવીને કહ્યું, 'જુઓ, ઘણા ઉપાય કર્યા, પણ મારા આ સંબંધીને વાત સમજાતી નથી. તમે એમને કહો કે હું દેશસેવા કરવા માટે આ પદ પર નિયુક્ત થયો છું. મારા સંબંધીઓની સેવા કરવા માટે નહીં. જો મારા આ સંબંધી યોગ્ય લાયકાત ધરાવતા હોય, તો પછી એમને મારી સિફારશની જરૂર શી ?'
આ સાંભળીને એમના સંબંધી ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયા. આ છે લક્ષ્યાંકથી આવતી મનની દ્રઢતા.