Get The App

હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી 1 - image


- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- દેવીદાસની આગેવાની હેઠળ હિંદુ ખેલાડીઓની રમતે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસનને આકર્ષ્યો અને એને કારણે ઈ.સ. ૧૮૯૫માં 'હિંદુ જિમખાના' બંધાયું

ભા રતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઈંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ (આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઈતિહાસમાં ક્યાંય નોંધ મળતી નથી. આમેય ઈતિહાસવિદોની નજર ઈ.સ. ૧૯૩૨માં ભારતે પ્રારંભેલા ટેસ્ટ ક્રિકેટ પછી વધુ ગઈ છે, પરંતુ ભાગ્યે જ કોઈની નજર પ્રારંભના બ્રિટિશરો અને પારસીઓનાં પ્રભાવ હેઠળ ભારતમાં ખેલાતા ક્રિકેટ પર ગઈ છે.

એ જૂનાં પુસ્તકોમાં પણ મુંબઈની ચતુરંગી અને પચરંગી સ્પર્ધામાં હિંદુ ટીમનાં સર્જક દેવીદાસ વીરજી દેસાઈનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ભારતીય ક્રિકેટની મહાન ઈમારતનાં સૌથી પ્રારંભના પાયાના સર્જક અને ક્રિકેટની રમતને માટે તન, મન અને ધનથી સમર્પિત થનાર દેવીદાસ વિરજીની આજે વાત કરવી છે.

દેવીદાસનો જન્મ વિ. સં. ૧૯૦૮ના જેઠ વદ દસમના દિવસે પોરબંદરના સુખીવણિક ગૃહસ્થ શ્રી વીરજી રુગનાથજી દેસાઈના ત્યાં થયો. એ સમયે વીરજી દેસાઈ મુંબઈમાં રહેતા હતા અને એમનું કુટુંબ ધાર્મિકચૂસ્તતા ધરાવતું હતું. એમાંય સત્યપ્રિયતા અને ખાનદાની એ એમના કુટુંબનાં વિશેષ ગુણો હતા. આવા કુટુંબમાં જન્મ પામેલા દેવીદાસે હિંદુ ક્રિકેટના નવસર્જનનું ભગીરથ કાર્ય કર્યું. શાળાના અભ્યાસ દરમિયાન કુમારવયથી જ ક્રિકેટનાં મેદાન પર સિદ્ધિ મેળવવાનાં દેવીદાસને મનોરથો જાગતા હતા, પરંતુ કૌટુંબિક બંધનો અને સાંસારિક દુઃખોની પરંપરાના કારણે એ ક્રિકેટની રમતમાં વધુ વિકાસ કરી શકતા નહોતા.

જરા એ જમાનાની વાત કરીએ તો એ સમયે મુંબઈ પ્રેસિડેન્સીનાં યુરોપિયનો, પારસીઓ અને ગણ્યા ગાંઠયા હિંદુ કુટુંબો જ ક્રિકેટની રમતમાં રસ ધરાવતા હતા. બ્રિટિશરોની ક્રિકેટ પ્રત્યેની પોતિકી રમત અને પ્રભુત્વની ભાવનાને કારણે વિદેશીઓ હિંદુ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા નહોતા. એના પિતા અને એના કાકા દેવીદાસ ક્રિકેટ ખેલે એના વિરોધી હતા, ત્યારે સ્કૂલેથી નીકળીને દેવીદાસ મુંબઈના અસ્પ્લેનેડ મેદાન પર ખેલાતી મેચો જોતો.

એ સમયે યુરોપિયન ખેલાડીઓ આ રમતને પોતિકી રમત ગણતા હતા અને તેથી પારસી ખેલાડીઓને ઝળકવાની તક આપતા નહોતા. મેદાન પરની રમત જોઈને દેવીદાસના મનમાં ક્રિકેટર બનવાનાં સ્વપ્ન ઊભરાતા હતા, પણ સામે મુશ્કેલી એ હતી કે એના પિતા એને ક્રિકેટનાં સાધનો માટે પૈસા આપે તેમ નહોતું. માગતા પણ બીક લાગતી. આથી આ ક્લબોનાં તંબુઓ પાસે દેવીદાસ ક્રિકેટનાં સાધનોનું સમારકામ કરનાર ફેરિયા તરીકે આંટા મારતો, બૂમ લગાવતો અને એમાંથી જે કંઈ નાણાં મળ્યાં અને એથીયે વિશેષ એને કારણે જે ક્રિકેટરોનો પરિચય થયો એમાંથી એના સક્રિય જીવનની શરૂઆત થઈ.

પારસી કોમના આગેવાન ક્રિકેટરો પેશ, એન, બમ્મન, મુરગી, શોલુ લેફ્ટહેન્ડ ઈત્યાદિ સાથે દોસ્તી કરવા લાગ્યો અને ધીરે ધીરે એમની ક્લબનો સભ્ય બની ગયો. ક્રિકેટની રમતમાં વધુને વધુ તાલીમ લઈને એ સહુની ચાહના મેળવવા લાગ્યો. એ સમયે યુરોપિયનો અને પારસીઓની ક્રિકેટસ્પર્ધા થતી હતી. દેવીદાસ વીરજીનાં મનમાં હિંદુ ઈલેવન ઊભી કરવાનો વિચાર જાગ્યો અને આને માટે એણે પોતાના મિત્રોનો સંપર્ક સાધ્યો.

એણે પહેલવહેલી હિંદુ ઈલેવન ઊભી કરી અને શ્રી જમશેદજી માણેકજી પટેલ દ્વારા એ સમયના ડેપ્યુટી કમિશ્નર એમ. જેલ.ની મદદથી મુંબઈના અજિત પ્રેસિડેન્સી જિમખાના સામે હિંદુઓની પહેલ-વહેલી મેચ ગોઠવાઈ. અહીં તમને 'લગાન' ફિલ્મની જરૂર યાદ આવશે. આ મેચમાં દેવીદાસે બેટિંગ અને બોલિંગમાં કામયાબી બતાવી. ઑલરાઉન્ડર તરીકે એની નામના થવા લાગી અને પહેલીવાર યુરોપિયન ખેલાડીઓ સામે ખેલતા હિંદુ ખેલાડીઓ જોવા મળ્યાં.

દેવીદાસની ગોલંદાજીને કારણે પ્રમાણમાં સામાન્ય ખેલાડીઓ ધરાવતી હિંદુ ટીમ સારો દેખાવ કરી શકતી નથી. હિંદુ ટીમના ગોલંદાજોમાં પી. બાલુ અને એલ. ભંડારી ડાબોડી ગોલંદાજી તરીકે યશસ્વી કારકિર્દી ધરાવતા હતા. જ્યારે ઑલરાઉન્ડર તરીકે દેવીદાસ વધુ પંકાયેલા હતા. એની ગોલંદાજીનું વર્ણન કરતા મળતી એ સમયના અખબારોમાં આ પ્રમાણે નોંધ મળે છે - 'ડાબા હાથની ઊંચી, લેંથ પરનાં પૂરતા કાબુવાળી, છેતરામણી 'ડિલીવરી' કરનાર, તદ્દન ઓછા શ્રમે જોઈતા બ્રેક નાખનાર, ઊંચાઈમાં, ફેંકણીમાં, પેચ-પીચ બદલવામાં, બધી રીતે નિપુણ બનેલો એ બૉલર સુંદરમાં સુંદર યુરોપિયન બેટ્સમેનોને રૂખસદ અપાવી દેેતો.'

એ જમાનામાં પારસી ટીમ પાસે અત્યંત અસરકારક ઝડપી ગોલંદાજો હતાં. ડૉ. ડી. કે. કાપડિયા, ડૉ. ધનજીશાહ પટેલ, દોરાબ ધારવાડી, પેશ એન, બમ્મન મુરગી, સોરાબજી લેફટહેન્ડ અને રૂસ્તમ અવારી જેવા પારસી ઝડપી ગોલંદાજો સામે દેવીદાસ બરાબર ઝીંક ઝીલતા હતા, તો બીજી બાજુ અવારનવાર ટૅકનિક બદલાતા યુરોપિયન ઢબનાં ગોલંદાજો સામે એ સાવધાની, ચપળતા અને દુરંદેશીથી ખેલતો હતો. વળી ફિલ્ડીંગમાં પણ દેવીદાસ એવો 'ફાંકડો' ફિલ્ડર ગણાતો કે એ મેદાન પર કોઈ પણ પૉઝિશિનમાં ઊભો રહીને કામયાબ ફિલ્ડીંગ કરતો હતો અને એ સમયનાં અંગ્રેજી અખબારોમાં એને 'ફ્લાવર ઑફ ધ ફિલ્ડ'નામે ઓળખવામાં આવતો.

દેવીદાસ લાંબા સમય સુધી એકધારી ગોલંદાજી કરવાની તાકાત અને કલા ધરાવતો હતો અને એથી જ એ હિંદુ ટીમનો એક વિશ્વાસુ ગોલંદાજ ગણાતો હતો. એ જમાનામાં એમ.આર. વાયર, ફ્રેન્ક એ. ટેરન્ટ, માયર્સ, કાલ્ડિયટ વગેરે કામયાબ યુરોપિયન બેટ્સમેનો સામે એ આબાદ ગોલંદાજી કરતો. એની લેન્થ એવી સચોટ હતી કે જેને પરિણામે ભાગ્યે જ કોઈ બેટ્સમેન એના દડાને ફટકારીને સારો એવો સ્કોર નોંધાવી શકતો.

આ દેવીદાસ વીરજીને કારણે જ મુંબઈમાં હિંદુ જિમાખાનાનો પાયો નંખાયો. દેવીદાસની આગેવાની હેઠળ હિંદુ ખેલાડીઓની રમતે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસનને આકર્ષ્યો અને એને કારણે ઈ.સ. ૧૮૯૫માં 'હિંદુ જિમખાના' બંધાયું. આથી એનો ખરેખરો પ્રણેતા દેવીદાસ જ ગણાય. એ સમયે ગોરધનદાસ પરમાનંદદાસ જીવણલાલે આને માટે દસ હજાર રૂ.ની સખાવત કરી.

આ સમયે ભારતીય ક્રિકેટમાં પારસીઓનો દબદબો હતો અને દેવીદાસ આ પારસી ખેલાડીઓ સાથે સારો એવો ઘરોબો ધરાવતા હતા. પારસીઓ પણ દેવીદાસની ભલાઈ, સહૃદયતા, સજ્જનતા અને વ્યક્તિત્વની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. દેવીદાસ સાથે લક્ષ્મીદાસ અને શિવજી જેવા ખેલાડીઓ હતા. સતત વીસ વર્ષ સુધી હિંદુ ક્રિકેટમાં અજોડ કામયાબી મેળવનાર દેવીદાસ પોતાના અંતિમ દિવસોમાં પણ ક્રિકેટનાં મેદાન પર આવીને મેચ જોતા હતા. વેપારમાં સારી એવી કમાણી કરનાર દેવીદાસ કુટુંબ-પરિવારની લીલી વાડી વચ્ચે સંવત ૧૯૮૩ના ચૈત્ર સુદ દસમનાં દિવસે પંચોતેર વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એ સમયે એવી માગ પણ થઈ હતી કે હિંદુ જિમખાનામાં દેવીદાસ વીરજીની યાદગીરી માટે એક તૈલચિત્ર મુકાવું જોઈએ. ૧૯૨૭ની ૧૫મી ઓગસ્ટના 'હિંદુસ્થાન' સામયિકમાં પારસી લેખક ડી. બી. તાપીઆએ પણ આવી અપીલ કરી હતી.

ભારતમાં ક્રિકેટના પ્રારંભ સમયે યોગદાન આપનાર અનેક ખેલાડીઓનાં જીવન પર અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે એમણે યુરોપિયનોનાં પ્રભુત્વ અને મજબૂત પારસી ટીમ સામે ભારે ઝીંક ઝીલી હતી. એથીયે વિશેષ એ જમાનામાં ક્રિકેટની તાલીમ લેવા માટે યોગ્ય મેદાનો નહોતા અને ખાસ તો ક્રિકેટનાં સાધનો મેળવવાની ઘણાં ખેલાડીઓમાં આર્થિક ક્ષમતા પણ નહોતી. આવા કેટલાંય જાણ્યા-અજાણ્યા ખેલાડીઓની સંઘર્ષ કથાઓ ક્રિકેટનાં ઈતિહાસમાં છુપાયેલી પડી છે. એને વિશે હવે પછી ક્યારેક જોઈશું.

- મનઝરૂખો

અમેરિકાના સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ દરમિયાન લશ્કરના સર સેનાધિપતિ, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને અમેરિકાના રાષ્ટ્રપિતા એવા જ્યોર્જ વૉશિંગ્ટને એક વાર લંચ માટે કેટલાક મહેમાનોને નિમંત્રણ આપ્યું હતું. એ મહેમાનો સાથેનો ભોજન સમારંભ પુરો થયા બાદ એમણે સેનાના કમાન્ડરો સાથે એક જરૂરી મિટિંગ ગોઠવી હતી. જ્યોર્જ વૉશિંગ્ટનના સમયપાલનની ચુસ્તતાનો એમના નોકર-ચાકરોને બરાબર પરિચય હોવાથી ભોજનનો સમય થતાં જ એમણે પ્રમુખને જાણ કરી કે ભોજનની સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજુ સુધી મહેમાનો આવ્યા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન ભોજનખંડમાં આવ્યા અને બોલ્યા, 'બાકીની બધી પ્લેટ ઉઠાવી લો. હું એકલો જ ભોજન કરીશ.'

લગભગ અડધું ભોજન પતાવી દીધું હતું, ત્યારે મહેમાનો આવ્યા અને ભોજનના ટેબલ પર એમની પ્લેટ મુકવામાં આવી. એટલામાં જ્યોર્જ વૉશિંગ્ટન પોતાનું ભોજન પતાવીને ઊભા થયા અને મહેમાનોની વિદાય લઈને કમાન્ડરોની બેઠકમાં સામેલ થયા. બન્યું એવું કે આ બેઠકમાં એ આવ્યા ત્યારે જાણ થઈ કે અમેરિકાના એક ભાગમાં ભયંકર વિદ્રોહ થયો છે. એમણે તરત જ આ વિદ્રોહનો સામનો કરવા માટે આવશ્યક બાબતોના હુકમો આપ્યા. એનાં બધાં પાસાં પર વિચાર કર્યો એ કઈ રીતે આગળ વધવું એનું આયોજન કર્યું. આ બધું સમયસર થવાથી ઘણી માનવખુવારી ઘટી ગઈ અને સંપત્તિને પણ ઓછું નુકશાન થયું. થોડા સમય બાદ આ વાતની જાણ એ દિવસે ભોજન સમારંભમાં વિલંબથી આવેલા મહેમાનોને થઈ, ત્યારે એમને આત્મગ્લાનિનો અનુભવ થયો. એમને સમજાયું કે પ્રત્યેક કાર્ય સમયસર કરવાથી જાનમાલની કેટલી મોટી ખુવારીમાંથી બચી જવાય છે અને જીવનમાં વ્યવસ્થિત રહીને કાર્ય સિદ્ધ થાય છે. આ વિચાર સાથે તેઓ ફરી રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગ્ટનના ઘેર આવ્યા અને એમણે એ દિવસે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, 'આમાં ક્ષમાની કોઈ વાત જ નથી. જેને પોતાના જીવનની વ્યવસ્થા તેમજ પરિવાર, સમાજ અને દેશની ઉન્નતિનો ખ્યાલ રાખવો હોય, એણે સમયનું કડક પાલન કરવું જ જોઈએ.'


Google NewsGoogle News