Get The App

ડૂમ્સડે ક્લોક : પૃથ્વી પર માનવ સભ્યતાના વિનાશ માટે 89 સેકન્ડ જ બાકી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
ડૂમ્સડે ક્લોક : પૃથ્વી પર માનવ સભ્યતાના વિનાશ માટે 89 સેકન્ડ જ બાકી 1 - image


- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

ધારી લો કે સમગ્ર વિશ્વનો વિનાશ રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે થવાનો છે? તો આ વિનાશની ઘડિયાળમાં, અત્યારે કેટલા વાગ્યા છે? વિશ્વના વિજ્ઞાાનીઓ જાણે છે કે પરમાણુ શાસ્ત્રોના ઉપયોગથી, આબોહવાના બદલાવથી, કોઈ મોટી જૈવિક મહામારીના કારણે, રાસાયણિક શાસ્ત્રોના ઉપયોગથી, અથવા અવકાશી દુર્ઘટનાના કારણે, પૃથ્વી ઉપરનું જીવન ગમે ત્યારે ખતમ થઈ શકે તેમ છે. આ વાતની ચેતવણી આપવા માટે, કોઈ એક પ્રકારની ઘડિયાળ બનાવવી જોઈએ તેવો વિજ્ઞાાનીઓને લાગ્યું હતું. આવું લાગવા પાછળનું કારણ પણ સચોટ હતો. બીજા વિશ્વયુદ્ધમાં વિશ્વના અનેક દેશો ખુવાર થઈ ચૂક્યા હતા. અમેરિકા દ્વારા જાપાનના બે શહેર ઉપર પરમાણુ બોમ્બ ઝીકવામાં આવ્યો હતો. તેની તારાજી નજર સમક્ષ હતી. આવા વિનાશ અને સંકટના સમયે વિજ્ઞાાનીઓને લાગ્યું કે લોકોને, ચેતવણી આપવા માટે એક ઘડિયાળની જરૂર છે. જે બતાવે કે વિનાશની ઘડી સુધી પહોંચવા પર માટે, અને તેનાથી બચવા માટે પણ આપણી પાસે કેટલો સમય બચ્યો છે? આ પ્રકારની ઘડિયાળને તેમણે 'ડુમ્સ ડે ક્લોક' નામ આપ્યું હતું. તાજા સમાચાર હવે આવે છે કે 'તાજેતરમાં જ વિજ્ઞાાનીઓ આ ઘડિયાળને એક સેકન્ડ આગળ કરી છે. પૃથ્વી પર સર્વ વિનાશ માટે માત્ર ૮૯ સેકન્ડ બચી છે.'  આ ડુમ્સ ડે ક્લોક શું છે? તે કેવી રીતે ચાલે છે?

આખરી ટિક-ટિક 

બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટના સભ્યોના મતે, ડૂમ્સડે ક્લોક એ એક પ્રતીક છે, જે માનવજાત દ્વારા સર્જાયેલી વૈશ્વિક આપત્તિની સંભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૪૭થી જાળવવામાં આવેલી આ ઘડિયાળ એકને  તમે એક કાલ્પનિક રૂપક  તરીકે લઈ શકો છો.  જેની ગણતરીમાં કોઈ  વૈજ્ઞાાનિક ફોર્મ્યુલા લાગતી નથી પરંતુ, વિજ્ઞાાનીઓ ભૂતકાળની પરિસ્થિતિ અને વર્તમાનકાળને સરખાવીને,  વિશ્વવિનાશની ઘટના વિશે અનુમાન લગાવે છે. તે પ્રમાણે ઘડિયાળને આગળ પાછળ ગોઠવે છે. આમ છતાં આ ઘડિયાળ,  વર્તમાન રાજકીય પરિસ્થિતિ,  યુદ્ધ, રોગચાળો અને વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં થયેલી અનિયંત્રિત પ્રગતિને કારણે માનવજાત માટે ઊભી થયેલા જોખમોને દર્શાવે છે. આ ઘડિયાળ પર મધ્યરાત્રિના બાર વાગ્યાનો સમય, એક કાલ્પનિક વૈશ્વિક આપત્તિને રજૂ કરે છે. ડુમ્સ ડે ક્લોક રજૂ કરતી સંસ્થાના બુલેટિનના અભિપ્રાય મુજબ, વિશ્વ,  સંપૂર્ણ વિનાશની ઘડીથી કેટલું નજીક છે? તે  સંભાવનાને મધ્યરાત્રિથી ચોક્કસ મિનિટો અથવા સેકન્ડ દ્વારા દર્શાવવામાં આવે છે.

આ મૂલ્યાંકન દર વર્ષે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવે છે. ઘડિયાળને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળોમાં પરમાણુ યુદ્ધ, આબોહવા પરિવર્તન અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. બુલેટિનનું વિજ્ઞાાન અને સુરક્ષા બોર્ડ જીવન વિજ્ઞાાન અને ટેક્નોલોજીના નવા વિકાસ પર નજર રાખે છે, જે માનવજાત માટે  સૌથી મોટું નુકસાન કરી શકે છે. ૧૯૪૭માં ઘડિયાળની મૂળ સેટિંગ મધ્યરાત્રિથી ૭ મિનિટ દૂર હતી. ત્યારથી તેને ૮ વખત પાછળ અને ૧૮ વખત આગળ ખસેડવામાં આવી છે. મધ્યરાત્રિથી સૌથી દૂરનો સમય ૧૯૯૧માં ૧૭ મિનિટ હતો, જ્યારે સૌથી નજીકનો સમય ૮૯ સેકન્ડ છે, જે જાન્યુઆરી ૨૦૨૫માં સેટ કરવામાં આવ્યો હતો. જે ઇતિહાસમાં સૌથી નજીકનો સમય છે. આ ઘડિયાળ માનવજાતને સતત ચેતવણી આપે છે કે આપણી પ્રગતિ અને શક્તિ સાથે જોડાયેલા જોખમોને ધ્યાનમાં લેવા જરૂરી છે. તે એક પ્રતીક છે, જે  મનુષ્ય પ્રજાતિને તેમની  સામુદાયિક જવાબદારી અને ભવિષ્યની સુરક્ષા માટે આવશ્યક પગલાં લેવા માટે ચેતવણી આપે છે.

માનવજાતનો મૃત્યુઘંટ : 13 નોબેલ વિજેતાઓ વિજ્ઞાાનીઓની નજરે

આખી દુનિયામાં સંકટની નજીક દર્શાવતો ડૂમ્સડે ક્લોક (કાળાંતક ઘડિયાળ) કેટલા વાગ્યે ગોઠવવો? તેનો નિર્ણય કોણ લે છે? જ્યારે આ ઘડિયાળ પ્રથમ બનાવવામાં આવ્યું, ત્યારે તેના સમયના પરિવર્તનનો નિર્ણય 'બુલેટિન' પત્રિકાના સંપાદક યૂજીન રેબિનોવિચ લેતા. રેબિનોવિચ એક વિજ્ઞાાનિક હતા, જેમને રશિયન ભાષા સારી રીતે આવડતી. તેઓ પરમાણુ નિરસ્ત્રીકરણ (ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ) વિશેની ચર્ચાઓમાં અગ્રણી નામ ગણાતું હતું. વિશ્વભરના વિજ્ઞાાનીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાઓ કર્યા બાદ તેઓ ઘડિયાળ આગળ કે પાછળ ખસેડવી કે નહીં? તે નક્કી કરતા. પ્રથમ કેટલાક દાયકાઓ સુધી આ નિર્ણયની જવાબદારી તેમણે સંભાળી. ૧૯૭૩માં તેમના અવસાન પછી, બુલેટિનના સાયન્સ અને સુરક્ષા બોર્ડ (જીબૈીહબી ચહગ જીીબેિૈાઅ મ્ર્ચગિ) આ જવાબદારી  સંભાળી રહ્યું છે. આ બોર્ડમાં પરમાણુ ટેકનિક અને હવામાન વિજ્ઞાાનના નિષ્ણાતો હોય છે. જેમાં ૧૩ નોબેલ વિજેતાઓનો પણ તેમાં સમાવેશ  કરવામાં આવ્યો છે. બોર્ડ દર વર્ષે બે વાર બેઠક ગોઠવે છે, જેમાં વિશ્વની ચાલી રહેલી ઘટનાઓ, જેમ કે યુક્રેન યુદ્ધ પર ચર્ચા થાય છે. ઘડિયાળના સમય બદલવાની જરૂર છે કે નહીં? તે નક્કી કરવામાં આવે છે. વિજ્ઞાાનીઓએ વિશ્વના વધતા તાપમાન અંગે ચિંતાજનક માહિતી  આપી હતી. ૨૦૨૪એ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર થયું છે. તાપમાનના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવી ઘટના નોંધવામાં આવી હતી, જ્યારે તાપમાન  અગાઉના ઔદ્યોગિક યુગની સરખામણીએ ૧.૫ભથી વધુ  ઊંચું ગયું  હતું.

25 ફેરફાર

ડૂમ્સડે ક્લોકની શરૂઆત શિકાગોના એટોમિક સાયન્ટિસ્ટ તરીકે ઓળખાતા સંશોધકોના આંતરરાષ્ટ્રીય જૂથ દ્વારા થઈ હતી, જેમણે મેનહટન પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ બોમ્બના ધડાકા પછી, આ સંશોધકોએ એક મીમિયોગ્રાફ કરેલ ન્યૂઝલેટર અને પછી 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ' નામનું સામયિક પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આ સામયિકે તેની શરૂઆતથી જ દરેક અંકના કવર પર ઘડિયાળનું ચિત્ર દર્શાવ્યું છે. ઘડિયાળને પ્રથમ વાર ૧૯૪૭માં રજૂ કરવામાં આવી હતી. જ્યારે બુલેટિનના સહ-સ્થાપક હાયમન ગોલ્ડસ્મિથે મેગેઝિનના જૂન ૧૯૪૭ના અંક માટે, કલાકાર માર્ટીલ લેંગ્સડોર્ફને કવર ડિઝાઇન કરવા કહ્યું હતું. માર્ટીલ લેંગ્સડોર્ફ મેનહટન પ્રોજેક્ટ રિસર્ચ એસોસિએટની પત્ની હતા. બુલેટિનના અન્ય સહ-સ્થાપક યુજેન રાબીનોવિચે પછીથી સમજાવ્યું કે, 'બુલેટિનની ઘડિયાળ આંતરરાષ્ટ્રીય સત્તા સંઘર્ષના ઉતાર-ચઢાવની નોંધણી કરવા માટેનું માપન નથી; તે માનવજાત પરમાણુ યુગમાં જીવે છે, તેવા સતત ભયના સ્તરમાં મૂળભૂત ફેરફારોને પ્રતિબિંબિત કરવાનો હેતુ ધરાવે છે.' જાન્યુઆરી ૨૦૦૭માં, ડિઝાઇનર માઇકલ બાયરુટે, જે બુલેટિનના ગવર્નિંગ બોર્ડમાં હતા, તેમણે ડૂમ્સડે ઘડિયાળને વધુ આધુનિક અનુભવ આપવા માટે ફરીથી ડિઝાઇન કરી. ૨૦૦૯માં, બુલેટિને તેની પ્રિન્ટ એડિશન બંધ કરી દીધી હતી.  હવે તે સંપૂર્ણપણે ડિજિટલ  સ્વરૂપે પ્રકાશિત થતું પ્રિન્ટ પ્રકાશનોમાંનું એક બન્યું હતું.  ડુમસ ડે  ક્લોક બુલેટિનની વેબસાઇટ પર લોગોના ભાગરૂપે પણ જોવા મળે છે. આ સંસ્થા અવારનવાર, પૃથ્વી ઉપરના ખતરા વિશે ચર્ચા કરવા માટે સિમ્પોઝિયમ પણ યોજાય છે. અમેરિકન એસોસિયેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ ખાતે યોજાયેલી પેનલ ચર્ચાઓ બુલેટિનની વેબસાઈટ પરથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. જે હજુ પણ ત્યાં જોઈ શકાય છે. માનવજાત માટે જોખમી આંતરરાષ્ટ્રીય ઘટનાઓને પ્રતિબિંબિત કરતી, ઘડિયાળને ૧૯૪૭માં તેની શરૂઆતથી ૨૫ વખત એડજસ્ટ કરવામાં આવી છે. ધ ડૂમ્સડે ક્લોક, એનપીઆર બ્લોગ અનુસાર, સર્વવ્યાપી રીતે જાણીતું રૂપક બની ગયું છે. બુલેટિન મુજબ, ઘડિયાળ અન્ય કોઈપણ વિશેષતા કરતાં બુલેટિનની સાઇટ પર વધુ દૈનિક મુલાકાતીઓને આકર્ષે છે.

કેટલો વિરોધ અને  કેટલી ટીકાઓ? 

૨૦૧૬માં ફ્યુચર ઑફ હ્યુમેનિટી ઇન્સ્ટિટયૂટના એન્ડર્સ સેન્ડબર્ગે જણાવ્યું હતું કે હાલના ડૂમ્સડે ઘડિયાળમાં વિવિધ પ્રકારની ભયજનક પરિસ્થિતિઓનું સંમિશ્રણ છે. જે કોઈ પણ નિર્ણય લેવામાં અડચણ ઉભી કરી શકે છે. ઉદાહરણ તરીકે, પરમાણુ શસ્ત્રોના અચાનક વિસ્ફોટને અટકાવવા માટે લીધેલા પગલાં, પરમાણુ યુદ્ધ રોકવાના દિશામાં એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું હતું. સ્લેટ મેગેઝિનમાં એલેક્સ બરાશે દલીલ કરી હતી કે માનવજાતને હંમેશા ભયની ઉંચી સપાટીએ રાખવું કોઈપણ નીતિ કે વિજ્ઞાાન માટે સારું નથી. તેઓ તેને યોગ્ય રીતે સમજાવવા કે માપવા માટે પ્રયત્ન કરતા નથી.'

જ્ઞાાનાત્મક મનોવૈજ્ઞાાનિક સ્ટીવન પિંકરે ડૂમ્સડે ક્લોકને રાજકીય ચળવળ તરીકે વખોડી કાઢી. પિંકરે કહ્યું કે આ  પ્રકારની વિસંગતિ છે,  વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી  તેનો આધાર સુરક્ષાની કોઈ ચોક્કસ માપદંડ ગોઠવવામાં આવ્યો નથી. પિંકરે  ઉદાહરણ  આપતા કહ્યું હતું કે '૧૯૬૨ની ક્યુબન મિસાઇલ કટોકટી દરમિયાન વિશ્વ ખરેખર પરમાણુ યુદ્ધના નીકટ હતું,  આમ છતાં   ડૂમ્સ ડે ક્લોક મધ્યરાત્રિથી  ઘણી દૂર  બતાવવામાં આવી હતી. આની સામે ૨૦૦૭નું વર્ષ, જે શાંતિપૂર્ણ વર્ષ ગણાય છે, તે સમયે ડૂમ્સ ડે ક્લોક,  મધ્યરાત્રીથી નજીક બતાવવામાં આવી હતી. સ્ટીવન પિંકરનું માનવું છે કે 'ડૂમ્સડે ક્લોક માનવજાતના ઐતિહાસિક નિરાશાવાદનું ઉદાહરણ છે.'

કેટલાક પરંપરાગત મીડિયા સંસ્થાઓએ પણ બુલેટિન અને ડૂમ્સડે ક્લોકની ટીકા કરી છે. કીથ પેને ૨૦૧૦માં નેશનલ રિવ્યુમાં લખ્યું હતું કે ઘડિયાળ પરમાણુ પરીક્ષણ અને શસ્ત્ર નિયંત્રણમાં થયેલી પ્રગતિને યોગ્ય રીતે સમજી શકતું નથી. જેના કારણે  લોકોમાં  ભય  ઉભો થાય છે. ૨૦૧૮માં, નેશનલ પોસ્ટમાં ટ્રિસ્ટિન હોપરે સ્વીકાર્યું કે 'આબોહવા પરિવર્તન એક ગંભીર સમસ્યા છે,' પરંતુ તેમનું માનવું હતં્ કે તે સંપૂર્ણ પરમાણુ વિનાશ જેટલું ભયાનક નથી. મુખ્ય વાત એ છે કે વિનાશ માટે જે ફેક્ટર ગણવામાં આવે છે, તેને ચોક્કસ મૂલ્યાંક આપીને, એક વૈજ્ઞાાનિક ફોર્મ્યુલા બનાવી ઘડિયાળનું સંચાલન થાય તેવું કરવાની જરૂર છે.  આજના આર્ટિફિશિયલ ઈટલીજન્સના યુગમાં, આ કામ કરવું અઘરું નથી.


Google NewsGoogle News