દર્દ-એ-દિલ : હમ તો રૂઠે થે આઝમાને કો, કોઈ નહિ આયા મનાને કો !
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
- પ્રેમ વાતચીતથી આગળ વધે છે, પણ એ સંવાદ બંધ થાય ત્યારે સેતુ પણ ધીરે ધીરે તુટવા લાગે છે. બધાને બધું મળે છે પ્રયાસોથી પણ લવમાં કર્મ પછી રસ હોવા છતાં ફળ આજીવન ના પાકે, એવું પણ બને!
'વો ટ કેન નોટ બી સેઇડ વિલ બી વેપ્ટ... જે બાબતો કહી નથી શકાતી, એ રડાવી દે છે!'
આ વાક્ય છે સદીઓ પહેલા થઇ ગયેલી મહિલા કવિયિત્રી સાફોનું. ગ્રીસમાં એક ટાપુ છે ઃ લેસ્બોસ. એક સમયે નાવિકોની નાવ સાથે દિલ થંભાવી દે એવી અનુપમ સુંદરીઓ રહેતી. સ્ત્રી સ્ત્રી સાથેના કામુક સંબધો માટે લેસ્બિયન શબ્દ પણ ત્યાંથી જ આવ્યો છે. એની વે, સાફો એ પ્રદેશમાં રહેતી. અને એમ કેહવાય છે કે એક ખલાસીના પ્યારમાં ગિરફ્તાર સાફોએ દરિયામાં ઝળુંબતી ભેખડ પરથી પડતું મુકેલું. પણ આપણી અંદરનો પોલાણ કોતરી કાઢે એવું વાક્ય છે એનું.
લાગણીઓ જયારે ડૂમો બનીને બાઝી જતી હોય છે છાતીમાં ત્યારે પણ શ્વાસમાં દર્દ થતું હોય છે, પણ એને કોઈ સીટી સ્કેન પકડી નથી શકતો. વેલેન્ટાઈન્સ ડેનું મૂળ મહત્વ માતૃ પિતૃ પૂજન જેવી બકવાસ સ્ટંટબાજી નથી. એ છે, દિલમાં હોય એ વ્યક્ત કરવાનો સેફ પેસેજ. પણ ખરા પ્રેમીઓ કંઈ ના તો ચોક્કસ દિવસના મોહતાજ હોય છે, ના તો એની રાહ જોવા જેટલી એમને ધીરજ હોય છે. એટલે દિવસને બાજુએ મુકો. મૂળ મુદ્દો છે, મનમાં હોય એ કહી
દેવું તે.
અમેરિકાસ્થિત હબીબ તબીબ ડો. અશરફ ડબાવાલા 'આ તું જે લખલખ કરે છે એ તો બીજું કંઈ નથી, છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો..' જેવી ચોટદાર પંક્તિઓ લખતા લખતા કહે છે કે પેઈનને ડિપ્રેશનમાં બદલવા ન દેવું હોય તો ઘરના ઓરડાની જેમ જ વેન્ટીલેશન રાખવું. યાને હવાની અવરજવરની માફક મનમાં એકધારા હતાશા કે પીડાના વિચારો રહેવા ના દેવા. દુઃખ વહેંચવાથી એનો બોજ થોડો ઓછો લાગે છે. મોટા ભાગની ક્લાસિક કળાઓની પાછળ એક ટીસ હોય છે, જીવનમાં ગુલાબ ખીલવવા ધાર્યું હોય ત્યારે મળેલા કાંટાની. જો સબસે મધુર હો ગીત વો દર્દ કે સૂરમેં નીકલતે હૈ ! જોખમ અને જખમ માણસને ઘડે છે.
આજીવન સૌંદર્યના ઉપાસક જ નહિ, રસભોગી પણ રહેલા રાજ કપૂરને પણ એ વેદના રહી, કે એમને જોઈતી હતી એ વ્યક્તિ જીવનમાં ના જ મળી. મેરા નામ જોકરમાં ત્રણ વાર ભાંગેલું દિલ દર્શાવ્યું એમણે. ડિટ્ટો, રેખા. રાજેશ ખન્ના કે લતા મંગેશકર. સલમાન ખાન હોય કે રતન તાતા - તમે ગમે એટલા હેન્ડસમ હો કે ગમે એટલા પૈસાદાર હો, દુનિયા જીતવી સહેલી છે, દિલ જીતવું અઘરું છે !
અરે, જીતી લીધા પછી પણ જાળવી રાખવું કઠિન છે ! જેફ બેઝોસ હોય કે બિલ ગેટ્સ કે ઈલોન મસ્ક. રૂપિયા હોવાથી કંઈ લવ લાઈફ પરમેનન્ટ નથી થતી. રૂપ હોવાથી પણ નહિ ! હિૃતિક હોય કે આમિર હોય કે કરિશ્મા હોય કે પરવીન બાબી. મધુબાલા હોય કે મેરેલીન મનરો, ડાયેના હોય કે એન્જેલીના જોલી. એવું ના માનશો કે ભૌતિકવાદી લોકો છે એટલે આ ચેલેન્જ આવે છે. આધ્યાત્મિક ફિલસુફી આપનારા હોય કે સંબંધો પર કવિતા અને કથાઓ લખનારા હોય એમના પણ દાંપત્ય બધાના સુખદ અખંડ નથી રહ્યા.
કોઈ વાર ચીટીંગની વાત આવે તો કાયમ માટે ગમતા માણસ પરથી મન ઉતરી જાય છે. ઘણી વાર ખોટું કર્યું એથી પણ વધુ મોટો આઘાત જેના પર ભરોસો કર્યો એણે જૂઠ બોલી અંધારામાં રાખ્યાનો હોય છે. ક્યારેક જેમ અગાઉ ખૂબ ભાવતી વાનગી પરથી સમય જતા મન ઉતરી જાય કે એકની એક જગ્યાએ બહુ ફર્યા કે એકનું એક સંગીત સતત સાંભળ્યા બાદ કશાક નવાની કિક લાગે એવું પણ થતું હોય છે. પ્રેમના ઉછાળા નવેસરથી ફીલ કરવા માટે થ્રિલ ખાતર પાત્ર બદલવામાં આવે છે, એ પણ થાય છે, જે વાસ્તવિકતા છે. કોઈ વાર આરંભમાં કોઈ બાબતે આકર્ષણ ફીલ થાય પણ લાંબા ગાળે એ સિવાયની બીજી બાબતોમાં મેળ ના પડે કે ગમે નહિ એવું પણ થઇ શકે. ક્યારેક સમય સંજોગો મુજબ માણસનું વ્યક્તિત્વ કે વિચાર બદલાય અને છૂટા થવું પડે કે કોઈ અન્ય વ્યક્તિ અત્યંત ગમી જતા કાબૂ બહારનું ખેંચાણ અનુભવાય એવું પણ થાય.
કારણ ઘણા હશે પણ સારાંશ એટલો જ કે રિલેશનની બાબતમાં ગામડાના ડોશીમાની ભાષામાં કહીએ તો કોઈ 'સોંસરવા ઘરી નથી ગયા' કે બધું જાણી લે ! એટલે જ મહોબ્બતની મજા છે. એમાં એક રહસ્ય છે. સાથે તો ઘણા ભણતા હોય કે કામ કરતા હોય અમુક જ કેમ ગમી જાય છે ? અને એ અમુક વળી અમુક સમય જતા ગમતા કેમ બંધ થઇ જાય છે ? આ સવાલના જવાબ ત્યારે મળશે જયારે માણસ મૃત્યુનું નિવારણ શોધીં લેશે કે બાળક લેબોરેટરીમાં પ્રોડયુસ કરી શકશે ! મતલબ, આ બ્રહ્માંડના સૌથી અઘરા અકળ કોયડા છે !
નોર્વેના ઓસ્લોમાં વિશ્વવિખ્યાત એવા નોબેલ પ્રાઈઝના જન્મદાતા આલ્ફ્રેડ નોબેલનું પીસ પ્રાઈઝ અપાય છે. નોબેલના બાકીના બધા ઇનામો સ્વીડનના સ્ટોકહોમમાં અપાય. પણ શાંતિ પુરસ્કાર નોર્વેમાં ઓસ્લોના સિટી હોલમાં અપાય. ત્યાં એનું સરસ નાનકડું પીસ પ્રાઈઝ સેન્ટર છે. જેમાં દીવાલો પર આકર્ષક અને રસપ્રદ રીતે નોબેલની જીવનકથા લખાઈ છે.
ધનકુબેર કેવો હતો એ તો જગત જાણે છે. હજુ પણ સરેરાશ ચાર કરોડનું એક એવા ઇનામો વિજ્ઞાાન, અર્થશાસ્ત્ર, સાહિત્ય વગેરેમાં અપાય છે દર વર્ષે એટલી સંપત્તિ છોડી ગયો છે. એની નેમ એ હતી કે જે સર્જક છે, એની કદર થવી જોઈએ એ સાચું પણ એને તગડો આર્થિક પુરસ્કાર મળવો જોઈએ જેથી બીજી ચિંતા મુકીને એનું સર્જનકાર્ય સરખી રીતે કરે ને એ માટે એની પાસે પુરતી સગવડો આવે ! આવો નોબલ થોટ એને આવ્યો એ તો બરાબર પણ કેમ બધો ખજાનો આજીવન દુનિયા આખીમાં ઇનામ દેવામાં લૂંટાવી દીધો ?
કારણ કે, એની પાસે પરિવાર જ નહોતો ! એક બે નહિ પૂરી ૩૫૫ પેટન્ટ એની પાસે હતી અને ધીખતી કમાણી કરતી ડાયનેમાઈટની પેટન્ટ પણ. જેને લીધે જગતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસતું થયું. હેન્ડસમ હતો ને પાછો હરવા ફરવાનો શોખીન હતો. હોશિયાર ને તેજસ્વી વિજ્ઞાાની હતો. સંગીત, નાટક અને કલાનો રસિયો હતો. સારી વસ્તુઓ વાપરવા અને હરવાફરવાનો શોખીન હતો. વાતચીતમાં પણ સજ્જન હતો. છતાં આવા મૂરતિયાને પરણવા ભલે ઘણા તૈયાર હશે, એના પ્રેમને ક નહિ, ત્રણ ત્રણ વાર રિજેક્ટ કરવામાં આવ્યો !
એને એલેકઝાન્ડ્રા નામની એક રશિયન છોકરી સાથે નાની ઉંમરે પ્રેમ થયો, પણ એનો પ્રસ્તાવ છોકરીએ ઠુકરાવી દીધો. પછી એની સેક્રેટરી તરીકે આવેલી બર્થા સાથે એને પ્રેમ થયો. બંનેના ઇન્ત્લેક્ચ્યુઅલ સંવાદો પણ લાંબા ચાલ્યા. પણ બર્થાએ એની સાથે મેરેજ કરવાની ના પાડી દીધી ! બર્થા બીજે પરણી પછી પણ મૈત્રી એવી રહી કે એની સલાહ પર જ શસ્ત્રોના ઉત્પાદકે જાતી જિંદગીએ યુદ્ધમુક્ત વિશ્વશાંતિનું ઇનામ વિલમાં લખ્યું અને એના મૃત્યુ બાદ ૧૯૦૫માં એ મોરચે સક્રિય કામ કરતી બર્થાને જ પ્રથમ મહિલા તરીકે એ મળ્યું પણ ખરું! પણ બર્થા એની મિત્ર રહી, પ્રેયસી ના બની. નોબેલ જોડે સોફી નામની ફૂલ વેંચવાની દુકાનમાં કામ કરતી છોકરી સોફી પરિચયમાં આવી ત્યારે નોબેલ ૪૩ વર્ષનો ને સોફી ૨૬ વર્ષની. ૧૮ વર્ષ બેઉનો ઇન્ટીમેટ કહેવાય એવો સંબંધ રહ્યો, બધા એવું માનતા કે હવે પરણી જશે પણ સોફી કોઈ બીજા પુરુષના બાળકથી પ્રેગનન્ટ થઇ અને એને લીધે બ્રેકઅપ થયું. તો પણ નોબેલે એનો ખર્ચ ઉઠાવ્યો ને રહેવા ખાવાની વ્યવસ્થા પોતાના પૈસે કરી આપી !
આવા અલ્ટીમેટ ગિવર એવા આલ્ફ્રેડ નોબેલે અંતે પ્રેમિકા કે સંતાન કે સાથીના અભાવમાં દુનિયાના કલ્યાણ માટે બધું આપી જવું પડયું પણ એને ગમતી કોઈ સ્ત્રીએ પોતાનું દિલ તો એને ના જ આપ્યું ! શ્વાસ શરુ થતાં જ બાળક રડતું એટલે જ હશે કે સ્મિત કટકે કટકે મળે, પણ રૂદન આજીવન જોડે રહેવાનું છે !
'લવ ઈન ૩૯ ડિગ્રીઝ' નામની એક નવીનક્કોર ફીલગુડ ફિલ્મ છે. તુર્કીશ છે એટલે આમે ય રૂડીરૂપાળી હોય. પણ એમાં એક ડાર્ક ડાયલોગ છે, જેનું ગુજરાતી કરીએ તો ખામોશી સંબંધોને ખાઇ જાય છે ! કેવી તેજ ધાર વાત છે ! કોઈ પણ સંબંધ ઝગડાને લીધે તૂટી નથી જતો. અબોલાને લીધે તૂટી જતો હોય છે ! ગુસ્સો કે અકળામણ કે મતભેદ પણ ઠલવાઈ જાય એ તો સારું કહેવાય. પણ મનમાં ઘૂંટાતા થઈ ને વાતનો વહેવાર બંધ થઈ જાય એ સ્થિતિ ખતરનાક છે. ફોર્મલ હાઈ બાય ની પાછળ કેટલીય એવી વાતો હોય છે કે જે કહેવાતી નથી. એકમેકને મળવાનું થાય તો પણ ફોર્મલી. મુદ્દાની વાત થાય નહિ.
મનમાં કેટલું બધું વ્યક્ત કરી દેતા હોઈએ છીએ આપણે. પણ કોઈ અંગતની સામે બોલતી વખતે બધું બહાર નીકળતું નથી. ખરેખર તો અંગત જ એ કહેવાય કે કોઈ ભાર વિના, ઇમેજની ફિકર કે નબળાઈ જાહેર થવાના જોખમ વિના બધું એને કહી શકાય. પણ ફીલિંગની ગેમ જ એવી છે કે બધું બધું નિખાલસ વ્યક્ત કરો તો શરૂઆતમાં ચાર્મ ઓસરી જાય. સસ્પેન્સ ખતમ થઈ જાય એટલે સરપ્રાઈઝ રહે નહી. ને પ્રેડીકટેબલ થાવ તો બોરિંગ બની જાવ. એટલે જાણી જોઈને છૂપાવવાની કળા અજમાવવાની હોય છે એમાં. કોઇની નજીક સરકવા માટે દૂર જવાનો દેખાવ કરતા શીખવું પડે છે.
પણ એક વાર નજીક આવ્યા બાદ પણ જો સંબંધમાં કહેવાનું મન થાય ને કહી ન શકાય એવું પ્રયત્નપૂર્વકનું મૌન સાચવી રાખવું પડે તો એ ગરબડ કહેવાય. નવોસવો પ્રેમ હોય તો તાજા લવરને એવું થાય કે કહેવાનું કશું હોય ને કશું યાદ ના આવે. પણ એક અવસ્થા રિશ્તામાં એવી આવે છે કે કેટલું બધું કહેવાનું યાદ હોય ને છતાં કહેવાનું મન જ ના થાય સામે કે જવા દો હવે શું ફાયદો કારણ વગરની લપ કરીને. શું જવાબ આવશે એ તો ખબર છે. નથી કરવી વાત. થીજેલો બરફ ઓગાળવા માટે હૂંફની ઉષ્મા જોઈએ. બાકી ઠંડી વધુ હોય ત્યારે બધા ઢબુરાઈ ને બેસી જાય. વાતો પણ ના થાય. પ્રેમમાં દિલ કરતા લોકો કહેવાતા ઇન્ફ્લ્યુએન્સર કે કોર્ટને વધુ સાંભળે ત્યાં ક્યાંથી ઉદ્ધાર થાય. એમાં આપણો તો માંદલો સમાજ જ્યાં પ્રેમ કરવો એજ પાપ ગણાય છે. પાર્ટનરની ચોઈસ જેવી બેઝીક ફ્રીડમ સગા મા બાપ જ આપતા નથી !
'અન્ના કેરનીના' નવલકથામાં લિયો તોલ્સતોયે એવું લખ્યું છે કે જે કદી વાસી નહિ થાય ! સૌથી કરુણ પ્રેમ એ છે કે જે કદી થોડા સમય માટે પણ હકીકત બનતો નથી. બસ ખ્વાબ જ રહી જાય છે. જે માત્ર રંગીન સપના અને બીજે વાંચેલા રળિયામણા ક્વોટસ કવિતાઓ પુરતો જ સીમિત છે. જે ઈશ્ક ચોરેલ ઇશારા અને ના બોલાયેલા શબ્દો વચ્ચે લટક્યા કરે છે. જે હોઈ શકત ને થઇ શકત જેવી કલ્પનાઓએ છોડેલી ખાલી જગ્યામાં ભટક્યા કરે છે. સમય પસાર થાય એમ આવો લવ એક કડવીમીઠી યાદ બની જાય છે. કાયમ માટે દિમાગમાં ઉઠતું એક નાજુક દર્દ બની જાય છે. બહુ ના ખૂંચે પણ એ કાયમ ત્યાં હોય ખરું તમામ જવાબદારી અને જલસા વચ્ચે પણ. એ યાદ અપાવતું કે શું ગુમાવી દીધું હતું એ મળી પણ જાય એ પહેલા જ !
સેડ. પણ બધા પ્રોબ્લેમના સોલ્યુશન નથી હોતા, એ વાસ્તવ સ્વીકારવું એ પણ એક રાહત છે, એક સમાધાન છે, ઉકેલ છે !
(શીર્ષક : ફહમી બદાયૂની)
ફાસ્ટ ફોરવર્ડ
કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં!
તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છીદ્ર પડયું હોય નાવમાં!
દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં!
તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં!
હું વ્યસ્ત થઈ ગયો હતો બસ તારા સ્મિતમાં,
આવી શક્યો ન એટલે ખુદનાં બચાવમાં!
શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને!
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!
(સંદીપ પૂજારા)