દીવા નથી દરબારમાં, છે અંધારું ઘોર ! .
- એક નજર આ તરફ… - હર્ષલ પુષ્કર્ણા
- ભારતીય વાસ્તુશાસ્ત્ર અને પશ્ચિમની સ્થાપત્યકલાના અદ્ભુત સમન્વયથી બનેલી ચેટ્ટીનાડની ૧૦,૦૦૦ ભવ્યાતિભવ્ય હવેલીઓ ભેંકાર ને ભૂતિયા કેમ બની ગઈ ?
- એક સમયે જ્યાં ચેટ્ટીયાર પરિવાર જોડે જાહોજલાલી, વૈભવ, સુખસાહ્યાબીનો પણ વાસ હતો તે હવેલી આજે ભૂતબંગલા જેવી ભાસે છે. એવું તો શું થયું કે જેને કારણે ચેટ્ટીયાર પરિવારો તેમનાં વૈભવી સ્નેહધામ તજીને ચાલ્યાં ગયાં?
તામિલ નાડુનું ૨,પ૦૦ વર્ષ પુરાણું મદુરાઈ નગર ત્યાંના અતિ સુંદર મીનાક્ષી મંદિર માટે ખ્યાત છે. લગભગ ૬,૦૦,૦૦૦ ચોરસ ફીટમાં (ફૂટબોલનાં ૧૩ મેદાનો જેટલા વિસ્તારમાં) ફેલાયેલા મીનાક્ષી મંદિર સંકુલના ૧૪ ગોપુરમ્ પર બધું મળીને ૩૩,૦૦૦ શિલ્પો છે, જેમનાં ૧,પ૦૦થી વધુ પાત્રો દ્વારા વ્યક્ત થતા પુરાણ કથાના પ્રસંગો સમજવા બેસો તો દિવસો ખૂટી પડે પરંતુ પ્રસંગો ખૂટે નહિ. મંદિર સંકુલમાં આવેલા ડઝનેક મંડપો પૈકી ‘Hall of thousand pillars’ તરીકે ઓળખાતા વિશાળ મંડપને સ્થપતિઓએ ૯૮પ (હજારમાં ૧પ ઓછા) કલાત્મક pillars/ પિલર્સ/ સ્તંભો વડે સજાવ્યો છે. દરેક સ્તંભ પર કંડારવામાં આવેલી મૂર્તિનો પોઝ બાકીના તમામ સ્તંભની મૂર્તિ કરતાં નોખો છે. કોતરણીમાં આટલું બધું વૈવિધ્ય તત્કાલીન કલાકારોએ શી રીતે આણ્યું હશે તે વિચારમાત્રથી તેમના પ્રત્યે અહોભાવની લાગણી પેદા થઈ આવે. સાડા છસ્સો વર્ષ લાંબા કાળખંડમાં આસ્તે આસ્તે નિર્માણ પામેલું મીનાક્ષી મંદિર દ્રવિડ સ્થાપત્ય કળાનો ચમકતો હિરો હોવા છતાં તેનું તેજ હજી સુધી યુનેસ્કોની વર્લ્ડ-હેરિટેજ સાઇટ કમિટીને આંજી શક્યું નથી એ ખેદની વાત છે.
યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદિમાં સ્થાન પામવા માટે મીનાક્ષી મંદિરની સાથે ઊભેલી બીજી સ્થાપત્ય અજાયબી ચેટ્ટીનાડ ખાતે આવેલી કલાત્મક હવેલીઓ છે. જો કે, બેઉ વચ્ચે સમયની માપપટ્ટી અનુસાર છએક સદીનો તથા અંતરની દૃષ્ટિએ ૯૪ કિલોમીટરનો ફાસલો છે. મીનાક્ષી મંદિર દ્રવિડ સ્થાપત્ય શૈલીનું શિરમોર ઉદાહરણ છે, જ્યારે ચેટ્ટીનાડની ભવ્ય હવેલીઓ દ્રવિડ, ઇન્ડો-સાર્સેનિક, મોગલ, વિક્ટોરિયન, ગોથિક તથા રોમન શૈલીના સ્થાપત્યનું અજબગજબ સંયોજન છે.
એક જુઓ, ને એક ભૂલો જેવી ઉત્કૃષ્ટ હવેલીઓની સંખ્યા મુઠ્ઠીભર નથી. બલકે, તેમનો સ્કોર નવાઈ પમાડે તેવો માતબર ૧૦,૦૦૦નો છે. નવાઈની બીજી વાત એ કે જૂજ અપવાદોને બાદ કરતાં તમામ હવેલીઓ સૂની અને ભેંકાર છે. આપણે ત્યાં સિદ્ધપુર નગરના વ્હોરવાડમાં પણ કેટલીક ઐતિહાસિક હવેલીઓ વર્ષોથી ધૂળ ખાતી પડી રહી છે, જેમને જુઓ તો આલીશાન સજાવટથી આંખો અંજાઈ જાય. બીજી તરફ, ચેટ્ટીનાડની હવેલીઓ તો વ્હોરવાડનાં મહાલયોને કદ તથા કળા બાબતે વામણાં સાબિત કરી દે એટલી વિશાળ અને વૈભવી છે. એકાદ હવેલીમાં ફરતા હો ત્યારે એમ જ લાગે કે જાણે ભૂતકાળમાં ટાઇમ ટ્રાવેલ કરીને રાજાશાહી યુગમાં આવી ગયા. ચેટ્ટીનાડની હવેલીઓ ઓગણીસમી સદીની સ્થાપત્ય કળાનું એવું પ્રતિબિમ્બ છે, જેના પર સમયની ધૂળ બાઝી ગઈ છે. રખરખાવના અભાવે તેમની હાલત જીર્ણ થઈ ચૂકી છે—અને છતાં તેમાંથી ભવ્યતા ડોકાયા વિના રહેતી નથી. સરેરાશ પોણા બસ્સો વર્ષ પહેલાં ચેટ્ટીયાર સમુદાયના સંયુક્ત કુટુંબોથી જીવંત રહેતાં ૧૦,૦૦૦ સ્નેહધામો આજે અવાવરુ હાલતે સૂનાં પડ્યાં છે.
તામિલ નાડુનો ચેટ્ટીનાડ (અથવા ચેટ્ટીનાડુ) પ્રાંત આશરે ૧,પ૦૦ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો છે. પોણો સો જેટલાં ગામોને તે આવરી લે છે. તામિલ ભાષામાં નાડ (અથવા નાડુ) એટલે ભૂમિ, જ્યારે ચેટ્ટી શબ્દ શેટ્ટી પરથી અપભ્રંશ પામીને આવ્યો છે. અલબત્ત, ખરું પૂછો તો શેટ્ટી શબ્દ પોતે પણ શુદ્ધ નથી. સંસ્કૃત શબ્દ શ્રેષ્ઠિનનો અપભ્રંશ પામેલો અવતાર છે.
વ્યાપારમાં પુષ્કળ દામ તથા નામ કમાયા હોય તેવા વગદાર ધનિક વ્યક્તિને દેવભાષા સંસ્કૃતમાં શ્રેષ્ઠિન કહેવાય. આ શબ્દે સમયાંતરે શ્રેષ્ઠી, શેઠી, સેઠી, શેઠ અને શેટ જેવા અવતારો ધારણ કર્યા છે. દક્ષિણ ભારતમાં શેટનું શેટ્ટી થયું અને તેમાંથી ચેટ્ટી શબ્દ અવતરણ પામ્યો. તવારીખી નોંધ મુજબ અગ્નિ એશિયાના દેશો સાથે મરી-મસાલા, તેજાના, કાપડ, ચામડું, હસ્તકલાની ચીજો વગેરેના દરિયાઈ વેપાર વડે ચેટ્ટી (ચેટ્ટીયાર) સમુદાયે અખૂટ ધન ઉપાર્જિત કર્યું હતું. કુબેર દેવની તેમના પર કેવીક કૃપા રહી હશે તે જોવું-જાણવું હોય તો ચેટ્ટીનાડ પ્રાંતમાં તેમણે બાંધેલી કોઈ હવેલીમાં એક આંટો મારવો રહ્યો.
આજે જોવા મળતી ઘણીખરી હવેલીઓનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦થી ૧૯૨૦ના અરસામાં થયું હતું કે જ્યારે ચેટ્ટી (ચેટ્ટીયાર) વેપારીઓનો આયાત-નિકાસ ધંધો પરાકાષ્ટાએ હતો. અગ્નિ એશિયાના મલાયા (મલયેશિયા), બ્રહ્મદેશ (મ્યાનમાર), સિંગાપુર, સિઆમ (થાઇલેન્ડ), જાવા, સુમાત્રા જોડે તથા દક્ષિણમાં સિલોન (શ્રીલંકા) સાથે તેમનો મોટો વેપાર ચાલતો. આર્થિક રીતે સંપન્ન ચેટ્ટીયાર વેપારીઓ નાણાં ધીરધારનું પણ કામ કરતા, જે માટે તેમની હૂંડી (દેશ પરદેશ વચ્ચે નાણાંની આપલે કરવાને ચલાવવામાં આવતી સાહુકારી ચિઠ્ઠી) વ્યાપક ચલણમાં હતી. નાણાકીય લેવડદેવડનું મોટું કામકાજ જોતાં બ્રિટિશહિંદ સરકાર ચેટ્ટીયાર શ્રીમંતોને Bankers of the East/ પૂર્વની બેંક તરીકે ઓળખતી હતી. બાય ધ વે, આજે કાર્યરત ઇન્ડિયન ઓવરસીસ બેંક, ઇન્ડિયન બેંક તથા બેંક ઓફ મદુરાની સ્થાપના વર્ષો પહેલાં ચેટ્ટીયાર સાહસિકોએ કરી હતી. ચોલામંડલમ ફાઇનાન્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ્સ, ટી.આઇ. સાઇકલ્સ સહિત કુલ ૨૯ કંપનીઓ જેના આર્થિક છત્ર નીચે આવે તે મુરુગપ્પા જૂથના સ્થાપક દિવાન બહાદુર મુરુગપ્પા ચેટ્ટીયાર પણ ચેટ્ટી કુળના હતા.
ધનકુબેર ચેટ્ટીયાર વેપારીઓની આર્થિક સમૃદ્ધિનું પ્રતિબિંબ તેમના મહેલાત જેવા આવાસોમાં ઊપસી આવવાનો આરંભ ઓગણીસમી સદીના મધ્યાહ્ને થયો. કામકાજ અર્થે પરદેશમાં જતા ચેટ્ટીયારોના મનમસ્તિષ્ક પર યુરોપનાં આલીશાન સ્થાપત્યોની ગહરી છાપ પડી હતી. આથી જ તેમને ભવ્ય આવાસો બાંધવાનો વિચાર આવ્યો હોવો જોઈએ. આકાશમાં સૂર્યની ચાલ, પવનની દિશા, પ્રાચીન વાસ્તુશાસ્ત્રના નિયમો વગેરેના આધારે તેમણે તત્કાલીન સ્થપતિઓ પાસે મકાનની એવી ડિઝાઇન તૈયાર કરાવી જેમાં ભારતીય વત્તા પશ્ચિમી સ્થાપત્ય શૈલીનો આબાદ સમન્વય થતો હતો. મહેલાતને ફરતે ઊંચી દીવાલો તથા તેની પાછળથી બહાર તરફ ડોકાતી બોગનવેલ જેવી સપુષ્પ વનસ્પતિ ચેટ્ટીયાર વેપારીના મહાલયની પ્રથમ અને પ્રમુખ ઓળખાણ હતી.
કોટના ભવ્ય પ્રવેશદ્વારને વટાવીને અંદર દાખલ થતાં જ બિલકુલ સામે વિશાળ વરંડો આવતો. લંબચોરસ વરંડાને છત નહોતી, એટલે દિવસભર પુષ્કળ હવાઉજાસ રહેતા તથા ચોમાસામાં ત્યાં પડતું વરસાદનું પાણી સંખ્યાબંધ ગળણા વાટે ચોખ્ખું થઈ ભૂગર્ભ ટાંકામાં સંચય પામતું.
લંબચોરસ વરંડાની ચારેય તરફ કોતરણીયુક્ત સ્તંભની કતાર ઉપરના માળને ટેકો આપવા ઉપરાંત જોનારને હવેલીની લંબાઈનો પરિપ્રેક્ષ્ય પણ આપતા. સ્તંભની પાછલી બાજુએ પહોળી પરસાળ હતી, જેના પર ચાલીને જે તે ઓરડા તરફ જઈ શકાતું હતું. ગ્રાઉન્ડ પ્લસ વન બાંધકામની વિશાળતાનો ખ્યાલ એ વાતે મળે કે તેમાં કમ સે કમ પચાસ ઓરડા હતા—અને બાંધકામની વૈભવી ભવ્યતાનો ખ્યાલ સજાવટમાં વપરાયેલા મટીરિયલ થકી મળે. જેમ કે,
ફરસને આવરી લેવા માટેનો આરસ ઇટાલીથી તથા સ્પેનથી આયાત કરવામાં આવતો. બજારમાં મળતી પરંપરાગત ટાઇલ્સ વડે કામ ચલાવી લેવાને બદલે વિશિષ્ટ રંગ-ભાતવાળી આકર્ષક ટાઇલ્સ મુંબઈ, જાપાન, જર્મની, ફ્રાન્સ તથા ઇંગ્લેન્ડમાં આવેલાં કારખાનાંને ખાસ ડિઝાઇન આપી તૈયાર કરાવવામાં આવતી. આ રીતે ટાઇલનો નંગદીઠ ખર્ચ જરા ઊંચો જતો, પણ ચેટ્ટીયાર વેપારીઓની ઊંડી તિજોરીને તેનાથી ખાસ કશો ફરક પડતો નહિ.
હવેલીના બારી-દરવાજા તથા રાચરચીલા માટે બર્માનાં (મ્યાનમારનાં) જંગલોમાં થતા જાતવાન ઇમારતી લાકડાને જ પસંદગી આપવામાં આવતી. કાષ્ઠકામ માટે તત્કાલીન ભારતના ઉસ્તાદ કારીગરોને તેડાવી તેમની પાસે કોતરણીનું સંકીર્ણ કામ લેવાતું. ઓગણીસમી સદીના તે યુગમાં સિમેન્ટનું ચલણ નહોતું. આથી ગોળ, ચૂનો, ગાયનું છાણ, મધ વગેરેના ચોક્કસ મિશ્રણ વડે mortar/ મોર્ટાર/ કોલ બનાવી પથ્થરોની દીવાલ પર ચડાવવામાં આવે અને તે સૂકાય ત્યાર પછી મરઘીનાં ઇંડાં વત્તા પામ વૃક્ષમાંથી નિતારેલી સાકરની ચાસણીના ભેગવાળા દ્રાવણ વડે દીવાલને ફિનિશિંગ ટચ અપાતો. લીસ્સી ને ચમકદાર દીવાલો પર અવનવાં રંગો વડે ઇટાલિયન ફ્રેસ્કો પદ્ધતિએ ચિત્રો તથા ભૌમિતિક ડિઝાઇન્સ દોરવા માટે વળી ચિત્રકારોની ખાસ ટીમને તૈનાત કરવામાં આવતી.
કોઈ ખૂણો કળા વિહોણો રહી જવો ન જોઈએ તે નિયમની રૂએ ચેટ્ટીનાડ હવેલીની છત પણ શૃંગારથી ભરપૂર હતી. ઇમારતી લાકડાના ભારોટ પર આકર્ષક કોતરણી, બેલ્જિયમથી ખાસ આયાત કરેલાં કાચના ઝૂમર, છતની ચોપાસ મોગલ શૈલીની કમાનો, તેમની ઉપર ગોથિક સ્થાપત્ય શૈલીની વેલનો શણગાર, બેલ્જિયમના રંગબેરંગી સ્ટેઇન્ડ ગ્લાસ, હાથ વડે અત્યંત ધીરજપૂર્વક પેઇન્ટ કરેલી જાપાનીઝ ટાઇલ્સ વગેરે વડે હવેલીની છત તેમજ છતને ટેકો આપતી દીવાલો શોભતી હતી.
સરેરાશ ચેટ્ટીયાર વેપારીનું કુટુંબ વીસથી ત્રીસ જણાનું હોવાથી વારતહેવારે હવેલીમાં સામાજિક મેળાવડા, પ્રસંગો, ઉત્સવોનું આયોજન થતું. આથી રસોડાની જોગવાઈ પણ તદનુસાર કરવામાં આવી હતી. મકાનની પાછલી તરફ આવેલા કિચન ગાર્ડનની લગોલગ બીજું રસોડું હતું, જેને મિજબાની વખતે કાર્યરત કરાતું. આ રસોડાનો એક દરવાજો વિશાળ ડાઇનિંગ હોલમાં ખૂલતો કે જ્યાં લાંબા ડાઇનિંગ ટેબલ તથા કતારબંધ ખુરશીઓનો પ્રબંધ હતો. ભોજન દરમ્યાન થતી વાતચીતના પડઘા ન પડે એ ખાતર લાકડાની છતમાં ખાનેદાર પેટર્ન રચવામાં આવી હતી, જેના પરથી તત્કાલીન યુગના સ્થપતિઓના acoustic/ એકોસ્ટિક/ ધ્વનિશાસ્ત્ર અંગેના જ્ઞાનની સાબિતી મળે છે.
ભવ્ય, અદ્ભુત, લાજવાબ, બેમિસાલ, ઉત્તમ વગેરે જેવાં વિશેષણો વાપરવા માટે આપણને મજબૂર કરે તેવાં સેંકડો કલાત્મક પાસાં ચેટ્ટીનાડની હવેલીઓમાં જોવા મળે છે. બીજી તરફ, હવેલીઓની બિસ્માર સ્થિતિ જોઈને મનમાં કચવાટ થયા વિના પણ ન રહે. એક સમયે જ્યાં ચેટ્ટીયાર પરિવાર જોડે જાહોજલાલી, સુખસાહ્યબી, વૈભવનો પણ વાસ હતો તે હવેલી આજે ભૂતબંગલા જેવી ભાસે ત્યારે મનમાં વિચાર આવી જાય કે એવું તો શું થયું હશે કે જેને કારણે ચેટ્ટીયાર પરિવારો તેમનાં વૈભવી સ્નેહધામ તજીને ચાલ્યાં ગયાં?
જવાબ બીજા વિશ્વયુદ્ધના અરસામાં નીકળે છે કે જ્યારે અગ્નિ એશિયા યુદ્ધની હોળીમાં હોમાયું. મલાયા, સિંગાપુર, જાવા, મ્યાનમાર જોડે વર્ષોથી ચાલતો આયત-નિકાસ વેપાર ઓચિંતો પડી ભાંગતા ચેટ્ટીનાડના વેપારીઓ માટે આવકનો એકમાત્ર સ્રોત સદંતર બંધ થઈ ગયો. બીજી તરફ સરેરાશ ૮૦,૦૦૦ ચોરસ ફીટનો એરિયા ધરાવતી હવેલીનો રખરખાવ ખર્ચ કમરતોડ સાબિત થવા લાગ્યો. અઢળક નાણાંખર્ચે બનેલાં વૈભવી મહાલયોનું કોઈ લેવાલ તો મળે નહિ. આથી એક પછી એક ચેટ્ટીયાર પોતાની હવેલી તથા ચેટ્ટીનાડ છોડીને બીજે સ્થાયી થવા લાગ્યા. થોડાં જ વર્ષમાં ચેટ્ટીનાડ પ્રાંતની તમામ હવેલીઓ ખાલીખમ બની.
સમય વીત્યો. સૂની પડેલી અમુક હવેલીઓને સમારકામ વડે ફરી ઠીકઠાક કરવામાં આવી. હેરિટેજ હોટેલ તરીકે તેમનો પ્રચાર પ્રસાર કરાયો. આજે ચેટ્ટીનાડ પ્રાંતમાં એવી હોટેલ્સ કાર્યરત છે, પણ તેમની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. બાકીના મહેલાત સમારકામની પ્રતીક્ષામાં સૂમસામ છે. કવિ નાનાલાલની કાવ્ય પંક્તિઓ તેમને બંધબેસતી આવે છે, કે—
‘સૂનાં સૂનાં તે મારા ઓરડા...
ને એક સૂની અંધાર રાત રે;
સૂનું સૂનું આભ આંગણું...
મારાં સૂનાં સવાર ને બપોર રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે.’