ટ્રમ્પનું પ્લાસ્ટિક સ્ટ્રૉને પ્રોત્સાહનઃ 'નો પ્લાસ્ટિક' કેમ્પેઈનને ફટકો
- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
- ડોનાલ્ડ ટ્રમ્પે પ્લાસ્ટિક સ્ટ્રૉ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો એટલે અમેરિકામાં ફરીથી પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વપરાશ વધશે. તેની સીધી અસર દુનિયા પર પણ પડશે.
- દેશમાં પ્રતિબંધ છતાં પ્લાસ્ટિક સ્ટ્રૉનો ઉપયોગ
ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જુલાઈ-૨૦૨૨થી પ્રતિબંધ છે. પ્લાસ્ટિક બેગ, કટલેરી, સ્ટ્રૉ, પ્લાસ્ટિક પેકેજિંગ સહિત ૧૯ ચીજવસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ કરી શકાતો નથી. છતાં દેશમાં આ પ્રતિબંધનો બધા રાજ્યમાં એકસરખો અમલ થતો નથી. રેસ્ટોરાં, કેફેમાં પ્લાસ્ટિક સ્ટ્રૉને બદલે પેપર સ્ટ્રૉ આપવામાં આવે છે. ગુજરાત જેવા રાજ્યોમાં પેપર સ્ટ્રૉનું ચલણ છે, પરંતુ અંદરખાને અમુક છૂટક વેપારીઓ પ્લાસ્ટિક સ્ટ્રૉ વેચે છે અને ઘણી જગ્યાએ એનો ઉપયોગ પણ થાય છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક સ્ટ્રો જોવા મળી જાય છે. બીજા અનેક રાજ્યોમાં પ્લાસ્ટિક પ્રતિબંધમાં એકસૂત્રતા નથી. નાના બિઝનેસમાં પ્લાસ્ટિકના વિકલ્પમાં પેપર બેગ્સ અને પેપર સ્ટ્રૉ મોંઘા પડે છે. વેપારીઓની કોસ્ટ વધી જતી હોવાથી એ પ્લાસ્ટિકનો વિકલ્પ ખાસ તલાશતા નથી. દિલ્હીની સંસ્થા સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ સેન્ટરને ટાંકીને કહેવાયું કે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ લાગ્યો ત્યારે શરૂઆતમાં સરકારી એજન્સીઓએ દરોડાં પાડીને, કાર્યવાહી કરીને પ્રતિબંધનું પાલન થાય એવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ધીમે ધીમે વરસ, દોઢ વરસ પછી એના પરથી ધ્યાન હટયું કે તુરંત જ અંડર ગ્રાઉન્ડ સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રોડક્ટ અવેલેબલ થઈ ગઈ હતી.
સ્ટ્રૉ જ્યારે 'સ્ટ્રૉ'ના નામથી ઓળખાતી ન હતી ત્યારથી માણસ એનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક અને પેપર સ્ટ્રૉનું ઉત્પાદન શરૂ થયું ન હતું ત્યારે જુદી જુદી રીતે સ્ટ્રૉનું નિર્માણ થતું હતું. પણ હા, એ સામાન્ય લોકોના ઉપયોગ માટે ન હતી. ખાસ રાજા-મહારાજા-ઉમરાવ-જમીનદારોની મહેફિલમાં એનો ઉપયોગ થતો. પાતળા બાંબૂમાંથી બનતી સ્ટ્રૉને બોમ્બિલા કહેવાતી. એ પ્રકારના પોલાં વૃક્ષોમાંથી જે સ્ટ્રૉ બનતી એ મોસ્ટલી બિયર પીવા માટે વપરાતી. પ્રાચીન સમયમાં બિયર બને ત્યારે એમાં નીચે ઘાટો પદાર્થ રહી જતો. પીવામાં આવતી અડચણ નિવારવા સ્ટ્રૉ ઉપયોગી થઈ પડતી.
આ પ્રકારની સ્ટ્રૉના પુરાવાં પ્રાચીન સુમેરિયન સભ્યતાના ખોદકામ દરમિયાન મળ્યા હતા. પાંચેક વર્ષ જૂની એક સ્ટૉ સુમેરિયન કબરમાંથી મળી આવી હતી. એ સોનામાંથી બની હતી એટલે કોઈ રાજા-મહારાજાની હશે. મિક્સ ધાતુમાંથી બનેલી એક સ્ટ્રૉ આર્મેનિયામાંથી મળી આવી છે. એ ઈ.સ. પૂર્વ ૩૭૦૦થી ૨૨૦૦ની વચ્ચે વપરાતી હોવાની શક્યતા છે.
આ પ્રકારની સ્ટ્રૉનું ઉત્પાદન બહુ જ મર્યાદિત સંખ્યામાં થતું હશે. જથ્થાબંધ ઉત્પાદન શરૂ થયું ૧૮મી સદીના અંતે ૧૯મી સદીની શરૂઆતમાં. યુરોપમાં એ સમયે ખાસ પ્રકારની તહઝિબ આકાર લઈ રહી હતી. બિયર, જ્યૂસ સહિતના લિક્વિડને સીધા મોંથી પીવાને બદલે સ્ટ્રૉની મદદ લેવાતી. સ્ટ્રૉ વગર આવાં પીણાં પીવા એ સભ્યતાની નિશાની ગણાતી નહીં. ત્યારે હજુ પ્લાસ્ટિક પદાર્થ શોધાયો ન હતો એટલે સ્ટ્રૉ પોલાં વૃક્ષોના પાતળી ડાળીઓમાંથી બનતી.
આ એ જ સમય હતો જ્યારે આ 'નળી'ને સ્ટ્રૉ કહેવાનું શરૂ થયું હતું. સ્ટ્રૉ શબ્દ જૂની અંગ્રેજીમાંથી ઉતરી આવ્યો, જેનો અર્થ થતો હતો સૂકી ડાંડલી. એ સમયે સ્ટ્રૉનો સીધો અર્થ થતો હતો સૂકાયેલી પોલી ડાળખી. ૧૯મી સદીના અંતે સ્ટ્રૉ મેકિંગમાં ક્રાંતિ આવે એવી એક ઘટના બની. અમેરિકન ઈન્વેન્ટર માર્વિન સ્ટોને ૧૮૮૮માં પેપર સ્ટ્રૉની પ્રથમ પેટન્ટ નોંધાવી. એ સમયે રાઈ-બાંબૂમાંથી બનતી સ્ટ્રૉમાં એનો સ્વાદ કે સ્મેલ આવી જતી હતી. એના બદલે માર્વિનની પેપર સ્ટ્રૉ જે તે પદાર્થનો જ ટેસ્ટ આપતી હતી. પેપર સ્ટ્રૉ બનાવવામાં બહુ સમય લાગતો હતો. વચ્ચે પેન્સિલ જેવો પદાર્થ રાખીને કાગળમાં ગુંદર ચિપકાવીને ગોળ સ્ટ્રૉ હાથે બનાવવી પડતી હતી. પછી તો માર્વિન સ્ટોને જ મશીન પણ વિકસાવ્યું અને એ રીતે સ્ટ્રૉની આખી અલાયદી ઈન્ડસ્ટ્રીનો પાયો નંખાયો.
૧૯૦૭માં દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ બલ્ગેરિયાના કેમિસ્ટ લીઓ હેન્ડ્રિકે પ્લાસ્ટિક મટિરિયલ બનાવ્યું હતું. તેની પહેલી પેટન્ટ ૧૯૦૯માં નોંધાઈ હતી. અમેરિકન સંશોધક વાલ્ડો સેમોને પ્લાસ્ટિકના ઉત્પાદનને ઉત્તેજન આપવા ૧૯૨૬માં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને મજબૂત બનાવતું રસાયણ બનાવ્યું. ૨૦મી સદીની શરૂઆતથી અમેરિકન-યુરોપિયન સંશોધકોએ પ્લાસ્ટિકને લગતા અનેક સંશોધનો કર્યા. તેના પરિણામે નવી નવી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ડિઝાઈન થઈ અને જથ્થાબંધ પ્રોડક્શન શરૂ થયું. એવી જ એક પ્રોડક્ટ હતી - પ્લાસ્ટિક સ્ટ્રૉ.
બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા-યુરોપમાં પેપર સ્ટ્રૉને પ્લાસ્ટિક સ્ટ્રૉથી રિપ્લેસ કરી દેવાઈ. શરૂઆતમાં એના ગેરફાયદા ધ્યાનમાં ન આવ્યા, કારણ કે પેપરની સ્ટ્રૉ ટકાઉ ન હતી એટલે લોકો એનાથી થાક્યા હતા. તેમને પ્લાસ્ટિકની સ્ટ્રૉ ખૂબ પસંદ પડી. ટ્વિસ્ટ્સ સાથેની સ્ટ્રૉનું એક જમાનામાં અમેરિકામાં આકર્ષણ હતું. એને ક્રેઝી સ્ટ્રૉનું હળવું નામ મળ્યું હતું. આ ક્રેઝી સ્ટ્રૉ બાળકો અને ટીનેજર્સમાં બેહદ પોપ્યુલર બની. માત્ર કૉફી જેવાં પીણાં ઉપરાંત બાળકોની સિરપની બોટલ સાથેય સ્ટ્રૉએ જોડી જમાવી લીધી. ૧૯૮૦ સુધીમાં પેપર સ્ટ્રૉનું સ્થાન સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક સ્ટ્રૉએ લઈ લીધું.
૨૧મી સદીમાં એક તરફ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની અવેરનેસ આવતી હતી, તો બીજી તરફ ગ્લોબલ પ્લાસ્ટિક સ્ટ્રૉ માર્કેટ સતત ઊંચકાઈ રહ્યું હતું. ૨૦૨૪ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી ૭૧૨ અબજ ડોલરની હતી. ૨૦૩૦ સુધીમાં એ વધીને ૮૫૦ અબજ ડોલરને પાર પહોંચે તેવો અંદાજ છે. એમાંથી ૧૮-૨૦ અબજ ડોલરનો હિસ્સો પ્લાસ્ટિક સ્ટ્રૉનો છે. પેપર પ્લાસ્ટિક સ્ટ્રૉનો ગ્લોબલ માર્કેટ શેર માંડ અઢી અબજ ડોલર છે ને અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ૨૦૩૧માં વધીને ૩.૮ અબજ ડોલરે પહોંચશે. તેની સામે પ્લાસ્ટિક સ્ટ્રૉનો ગ્લોબલ બિઝનેસ ૨૦૩૧માં ૨૮ અબજ ડોલરે પહોંચી જવાનો અંદાજ છે.
વેલ, પ્લાસ્ટિક સ્ટ્રૉનું આ માર્કેટ હવે નવી ઊંચાઈએ પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્લાસ્ટિક સ્ટ્રૉના ફેન છે. તેમને પેપર સ્ટ્રૉ વાપરવાનું ફાવતું નથી. એ પીણું પીતા હોય ત્યારે જ રદ્દી થઈ જાય છે એવી તેમની ફરિયાદ છે. ટ્રમ્પ અમેરિકાના સાધારણ નાગરિક હોત તો આ ઓપિનિયન આપીને બહુ બહુ તો પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકની સ્ટ્રૉ ક્યાંકથી બ્લેકમાં શોધીને વાપરતા હોય. ઉદ્યોગપતિ છે એટલે તેમના માટે પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકની સ્ટ્રૉ મેળવવાનું અઘરું નથી.
પરંતુ ટ્રમ્પ સાધારણ નાગરિક નથી, અમેરિકાના પ્રમુખ છે. તેમણે આટલેથી અટકવાને બદલે અમેરિકામાં વર્ષોથી લાગેલો પ્લાસ્ટિક સ્ટ્રૉ પરનો પ્રતિબંધ હટાવી દીધો. તેમણે કહ્યુંઃ 'આપણે પ્લાસ્ટિક સ્ટ્રૉ તરફ પાછા ફરીએ. પેપર સ્ટ્રૉ કેટલીય વખત ભાંગી-તૂટી જાય છે. આપણે પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરીશું એનાથી મને નથી લાગતું કે શાર્કને એટલી બધી અસર થશે.'
કટાક્ષમાં કહેવાયેલી શાર્કની વાતનો રેફરન્સ એ હતો કે અનેક સંશોધનોમાં જણાયું તેમ પ્લાસ્ટિકના કારણે શાર્ક સહિત દરિયાઈ સજીવો પર માઠી અસર પડે છે. દરિયામાં પ્લાસ્ટિકના ટૂકડાં તરતા રહે છે એનાથી માનવીના હેલ્થ સામેય જોખમ સર્જાય છે. ટ્રમ્પ માને છે કે માણસની જરૂરિયાત માટે શાર્કને થોડી ઘણી અસર થવાની હોય તો ભલે થતી! રાજકારણી બન્યા તે પહેલાં ટ્રમ્પ ઉદ્યોગપતિ હતા, ટ્રમ્પ આવું વિચારે એમાં નવાઈ નથી.
પણ ટ્રમ્પના નિર્ણયની દૂરગામી અસર પડશે. અમેરિકામાં જ દરરોજ ૫૦ કરોડ સ્ટ્રૉની ડિમાન્ડ છે. છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી પેપર સ્ટ્રૉ વપરાય છે એના સ્થાને પ્લાસ્ટિક સ્ટ્રૉ વપરાશે તો દરરોજ ૫૦ કરોડ સ્ટ્રૉ કચરામાં જઈને પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવશે. કુલ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ૭.૫થી ૧૦ ટકા સુધીનો હિસ્સો આજેય પ્લાસ્ટિક સ્ટ્રૉનો છે. અમેરિકામાં ફરીથી પ્લાસ્ટિક સ્ટ્રૉ વપરાશે એટલે એનું મોટાપાયે ઉત્પાદન થશે. તેની સીધી અસર અન્ય દેશોમાંય થશે. જ્યાં અંદરખાને પ્લાસ્ટિક સ્ટ્રૉ વપરાશ છે ત્યાં ટ્રમ્પના માર્ગે જવાનું વલણ વધશે. પરિણામે દુનિયાની 'નો પ્લાસ્ટિક' કેમ્પેઈનને મોટો ફટકો પડશે.
એક માણસના એક નિર્ણયથી કેટલાય વર્ષોની મહેનત પર પાણી ફરી વળે એનું ઉદાહરણ ભવિષ્યમાં આપવાનું થશે ત્યારે ટ્રમ્પના આ નિર્ણયને ટાંકવામાં આવશે.
- 100 દેશોમાં સિંગલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
૨૦૨૪ના અંતે સિંગંલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનારા દેશોનો આંકડો ૧૦૦ને પાર પહોંચ્યો હતો. પ્લાસ્ટિક પર સંપર્ણ પ્રતિબંધ તો એટલેય શક્ય નથી કે પ્લાસ્ટિકની પ્રોડક્ટ ડેઈલી રૂટિનમાં એવી ગોઠવાઈ ગઈ છે કે એના વગર એક દિવસ કાઢવો અઘરો છે. એ બધી પ્લાસ્ટિકની પ્રોડક્ટ રિસાઈકલ થઈ શકે છે એટલે એવી ધરપત લઈનેય એનો વપરાશ યથાવત્ રખાયો. પર્યાવરણ પર સૌથી વધુ અસર થાય છે - સિંગલ યુઝ પ્લાસ્ટિકની. કેરી બેગ્સ, પેકેજિંગ બેગ્સ, સ્ટ્રો, નાની ચમચીઓ જેવી પ્રોડક્ટ એક વખત ઉપયોગમાં આવે છે અને પછી એ કચરામાં જાય છે. એ કચરો પ્રદૂષણ ફેલાવે છે. એમાંથી સેંકડો ટૂકડાં નદી-દરિયાના પાણીમાં ભળે છે અને માનવજીવન સહિત સજીવસૃષ્ટિના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો સર્જાય છે. આ સ્થિતિ ટાળવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની હિમાયત થવા માંડી. ૨૦૦૨માં બાંગ્લાદેશમાં એવો પ્રથમ બૅન મૂકાયો હતો. જોકે, એ કહેવા પૂરતો પ્રતિબંધ હતો. આજે એવા તો કેટલાય દેશો છે, જ્યાં સત્તાવાર પ્રતિબંધ છે, પરંતુ બિનસત્તાવાર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રોડક્ટ મળી જાય છે. જોવાની વાત એ છે કે ૧૦૦ દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે એમાં પ્લાસ્ટિક સ્ટ્રૉ પર પ્રતિબંધ મૂકનારા દેશો બે ડઝનથીય ઓછા છે.