પૂર્વજન્મનું સમર્થન કરતો એક રહસ્ય અને રોમાંચથી ભરેલો કિસ્સો
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- ઉમાને જોઈને ઓળખી લીધી કે તેની પૂર્વજન્મની પત્ની છે. સચિન અને અમિતને ઓળખી લીધા. તેમની સાથે પાછલા જન્મની કેટલીક વાતો કરી
યોગવાસિષ્ઠ રામાયણમાં પુનર્જન્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતાં કહેવાયું છે - 'જે રીતે રેશમનો કીડો પોતાને રહેવા માટે પોતાની જાતે જ કોશ તૈયાર કરી લે છે તે જ રીતે ચિત્તે પણ પોતાના સંકલ્પથી શરીરને એ રીતે બનાવ્યું છે જે રીતે કુંભાર ઘડો બનાવે છે. આપણી અંદર રહેલી વાસના કે ઈચ્છાને આકાર આપવા માટે જીવ પોતાનું શરીર બદલતો રહે છે.' શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય-૪ના પાંચમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'બહુનિ મે વ્યતિતાનિ જન્માનિ તવ ચાર્જુન । તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ।। હે અર્જુન! મારા અને તારા અનેક જન્મો થયેલા છે. મને તે બધા યાદ છે પણ તને તે યાદ નથી.'
વિજ્ઞાાન અને મનોવિજ્ઞાાન પણ આ સિદ્ધાંતને હવે સ્વીકારવા લાગ્યા છે. એ ક્રિટિકલ એક્ઝામિનેશન ઑફ ધ બિલિફ ઈન એ લાઈફ આફટર ડેથ (A Critical Examination of a belief in a life after death) ના લેખક, અમેરિકન તત્વચિંતક, પરામનોવિજ્ઞાાની સી. જે. ડુકાસ - કર્ટ જ્હોન ડુકાસ (Curt John Ducasse) જેમણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને બ્રાઉન યુનિવર્સિટી ખાતે અધ્યાપન કર્યું હતું તેમણે આ સંશોધન પત્રમાં પ્રાગૈતિહાસિક કાળથી માંડીને અત્યાર સુધીની પુનર્જન્મ સંબંધી ઘટનાઓનું વર્ણન કર્યું છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, સ્કૂલ ઓફ મેડિસિનમાં સાઈકિઆટ્રી ડિપાર્ટમેન્ટમાં ડાયરેકટર તરીકે કામગીરી કરનારા ઈઆન સ્ટિવન્સન (Ian Stevenson) થકી પુનર્જન્મ વિશે ખૂબ સંશોધન કરાયું છે. અનેક દેશોમાં પરિભ્રમણ કરીને તેમણે ૧૬૦૦ જેટલા પુનર્જન્મના પ્રસંગોનું અધ્યયન કરીને તે એકદમ સાચા હોવાનું પુરવાર કર્યું છે. તેમણે ૩૦૦ જેટલા રીસર્ચ પેપર્સ અને ૧૪ જેટલા પુસ્તકોમાં આવી ઘટનાઓનું વિવરણ કર્યું છે.
પુનર્જન્મના સિદ્ધાંતનું સમર્થન કરતી ભારતમાં જ બનેલી એક અદ્ભુત ઘટનાની વાત કરીએ. આ હેરતમંદ ઘટના રહસ્ય અને રોમાંચથી ભરેલી છે. આગરાના સદર બજારની વિખ્યાત સોદાગર લેનમાં આવેલ 'સુરેશ રેડિયોઝ'ના માલિક સુરેશ વર્માના હત્યાકાંડ સાથે જોડાયેલ ઘટનાક્રમે પુનર્જન્મની એવી તવારીખ ઊભી કરી જેણે દેશ-વિદેશના સંશોધકોને આના પરત્વે આકર્ષિત કર્યા. આ ઘટના લગભગ ૪૨ વર્ષ જૂની છે. આગરાની હતેહાબાદ રોડ પર આવેલી એક પૉશ કોલોનીમાં સુરેશ વર્મા નામનો વેપારી તેના માતા-પિતા, પત્ની ઉમા અને બે પુત્રો સચિન અને અમિત સાથે રહેતો હતો. આજે પણ સદર બજારમાં આ દુકાન છે. ૨૮ ઓગસ્ટ ૧૯૮૩ની રાત્રે કામકાજ પૂરું થયા બાદ કારથી સુરેશ ઘેર પાછો ફર્યો. તેની પત્ની ઉમા ઘરનું બારણું ખોલે તે હેતુથી કારનું હોર્ન વગાડયું. તે વખતે બે વ્યક્તિઓ તેના તરફ દોડીને આવી અને તેના પર બંદૂકથી ગોળીઓ છોડી. એક ગોળી એના માથા પર લાગી અને બીજી કાન પર. એનાથી સુરેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગઉં.
આ ઘટનાના લગભગ સાડા ત્રણ મહિના પછી ૧૦ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ ગ્વાલિયર રોડ પર સદર વિસ્તારથી ૧૩ કિલોમીટર દૂર આવેલા 'બાદ' ગામમાં મહાવીર પ્રસાદ અને શાંતિદેવીના ઘેર એક બાળકનો જન્મ થયો. ઘરવાળા તેને પ્રેમથી 'ટીટૂ' નામથી બોલાવતા. પછી તેનું નામ તોરણસિંહ પાડવામાં આવ્યું. ટીટૂ સિંહ પાંચ વર્ષનો થયો ત્યારે તેના પાછલા જન્મની વાતો કરવા લાગ્યો. તે કહેતો - 'હું સુરેશ વર્મા છું. મારી આગરામાં એક રેડિયોની દુકાન છે. મારી પત્નીનું નામ ઉમા છે. મારે બે પુત્રો છે. જેમના નામ સચિન અને અમિત છે. તમે મને ટીટૂ નહીં, સુરેશ કહો. જ્યારે ટીટૂ વારંવાર તેના પૂર્વજન્મની વાતો કરવા લાગ્યો ત્યારે તેના ભાઈ અશોકસિંહે ઘરના લોકોને કહ્યું - 'હું આગરા જઈ તપાસ કરું છું કે ટીટૂની વાતમાં કોઈ તથ્ય છે કે નહીં.'' તેણે આગરા જઈ સુરેશ રેડિયોઝ પર જઈ ત્યાંથી ઉમાદેવી અને તેના પરિવારને ટીટૂના પુર્વજન્મની સ્મૃતિની વાત કરી. ઉમાદેવીએ જણાવ્યું કે ટીટૂની વાત તો બધી સાચી જ છે. પછી તે બધા ટીટૂને મળવા બાદ ગામ આવ્યા. ઉમાને જોઈને ઓળખી લીધી કે તેની પૂર્વજન્મની પત્ની છે. સચિન અને અમિતને ઓળખી લીધા. તેમની સાથે પાછલા જન્મની કેટલીક વાતો કરી. તેણે ઉમાદેવીને એવી ટકોર પણ કરી કે તે આવા વસ્ત્રો કેમ પહેર્યા છે ! અહીં માતા-પિતા ઊભા છે તો માથે ઓઢ્યું કેમ નથી ? પછી તેણે તેના પૂર્વજન્મના માતા-પિતા સાથે પણ એવી કેટલીક વાતો કરી જે સુરેશ જ જાણતો હોય.
આ બધા પછી ટીટૂ (તોરણ) સિંહ અને સુરેશ વર્માના કુટુંબીજનો માનવા લાગ્યા હતા કે તોરણ જ પૂર્વજન્મમાં સુરેશ હતો. એમ છતાં વધુ ખાતરી કરવા તે બધા તોરણને બાદ ગામમાંથી આગરા લઈ આવ્યા. તોરણને કશું કહ્યા વગર તે સુરેશની રેડિયોની દુકાન પાસેથી પસાર થયા. તે સાથે તેણે દૂરથી તે દુકાન ઓળખી લીધી અને ત્યાં અટકવા કહ્યું તે દુકાનમાં આવ્યો અને એક સ્ટૂલને હાથથી થાબડવા લાગ્યો. ઉમાએ જણાવ્યું કે સુરેશની એવી આદત જ હતી. પછી એક શો કેસ તરફ આંગળી ચીંધીને પૂછયું - 'આ ક્યારે બનાવ્યું ? આ પહેલાં તો નહોતું ! વાત સાચી હતી. તે સુરેશના મરણ બાદ જ બનાવીને ત્યાં મૂકવામાં આવ્યું હતું.'
અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટીના ડૉ. એન્ટોનિયા મિલ્સ અને દિલ્હી યુનિવર્સિટીના ડૉ. એન. કે. ચડ્ડા નામના મનોવૈજ્ઞાાનિત સંશોધકોએ તોરણસિંહની કિસ્સાની વિસ્તૃત તપાસ કરી. તેમાં પણ આ બધી બાબત સાચી પુરવાર થઈ. તેમાં પણ એક અચરજભરી બાબત જોવા મળી. તોરણસિંહના જમણા કાનની બુટ પર એક નિશાન હતું. સુરેશના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે સુરેશના જમણા કાનની બુટ પર ગોળી વાગી હતી. તોરણના કાનની બુટ પર બરાબર તે જગ્યાએ જન્મનું નિશાન (birth mark) હતું. ઉમાદેવીએ જણાવ્યું કે તેના પતિની ફિઆટ કારની ચોરી થઈ ગઈ હતી. પોલીસની મદદથી તે કાર ગુરુગ્રામ (ગુડગાંવ)ના એક કબાડી પાસેથી મળી આવી હતી. લોકોની કાર ચોરાઈ જાય ત્યારે સુરેશ તે કબાડીને ત્યાં તપાસ કરવાનું કહેતો. તેથી તેના પ્રત્યે વેર રાખી તેણે સુરેશની હત્યા કરાવી દીધી હતી.
પુનર્જન્મ બાદ તોરણસિંહે યોગ અને આયુર્વેદનો અભ્યાસ કર્યો. અત્યારે ડૉ. તોરણસિંહ તરીકે તે હરિદ્વારમાં આવેલ પતંજલિ યુનિવર્સિટીમાં ફેકટરી ઓફ નેચરોપથી એન્ડ યોગિક સાયન્સ વિભાગમાં ડીનના પદ પર નિયુક્ત છે એની પહેલાં તે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કામગીરી કરતા હતા. તે તેમના ગામને પણ ભૂલ્યા નથી. કૌટુંબિક પ્રસંગ હોય ત્યારે તે બાદ ગામ આવે છે અને એમના પૂર્વજન્મના આગરાને તો ક્યાંથી ભૂલે? તે તે કુટુંબના લોકોના સુખ-દુઃખના પ્રસંગે પણ હાજર રહે છે.