Get The App

ઉકેલ માંગતો કોયડો : દેશમાં રહેવું કે પરદેશ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
ઉકેલ માંગતો કોયડો : દેશમાં રહેવું કે પરદેશ 1 - image


- હોરાઈઝન - ભવેન કચ્છી

- પરિવાર અને આત્મસન્માનને હોડમાં મૂકી વિદેશમાં ઘૂસણખોરી કરવા માંગતા ભારતીયોએ સોનમ વાંગચૂકના વિચારો જાણવા જોઈએ

- ગેરકાયદે અમેરિકા જવા પાછળની ઘેલછા એક માનસિક બીમારી જ કહી શકાય

- અમેરિકામાં જે કામ કરીને કમાણી કરવાની તૈયારી બતાવીએ છીએ તે કામ ભારતમાં નથી કરવું 

અમેરિકા પછી હવે બ્રિટનમાં પણ હોટેલ,રેસ્ટોરાં અને દુકાનો પર દરોડા પાડીને ગેરકાયદેસર રહીશોને આતંકવાદી પકડયા હોય તે રીતે વર્તન કરતા ધરપકડ કરવામાં આવે છે.

અમેરિકામાં તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ક્યાં અને કેટલા કલાક નોકરી કરવા જાય છે તે હિલચાલ પર નજર રાખીને આ માટેની ખાસ પોલીસ દ્વારા પૂછપરછ કરાય છે.

અમેરિકાની નજરે ભારતીયો મેક્સિકન અને ગરીબ આફ્રિકી દેશો જેવા જ ઘૂસણખોર અને કાળી મજૂરી કરવા તૈયાર હોય તેવા 

ગરીબ છે.

થોડા દિવસો પહેલા મેક્સિકો સરહદ પર પકડાઈ ગયા પછી ભારતીયો જોડે કઈ રીતે ક્રૂર વ્યવહાર કરવામાં આવેલો તે આપવીતી પરત ફરેલા આવા ગેરકાયદેસર વસાહતીઓએ કરી હતી. લશ્કરના વિમાનમાં હાથમાં બેડી અને પગમાં સાંકળ પહેરાવીને તેઓને સ્વદેશ પહોંચાડયા હતા અને અમેરિકાની  આવી પાશવી વર્તણુંક બદલ હોબાળો મચ્યો હતો.અમેરિકા, બ્રિટન અને કેનેડા કાયદા મુજબ વર્તી ન રહેલા ઘૂસણખોરોની ખેપ પશુઓની જેમ લશ્કરી વિમાનમાં ભારત પરત મોકલવા માટે હવે સક્રિય બની છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઘૂસણખોરોને માટે ભારે કઠોરતા સાથે 'એલિયન ' એટલે કે અજાણ્યા ગ્રહના માણસો તેવો શબ્દપ્રયોગ કરે છે.

જે પણ ગેરકાયદેસર ઘૂસણખોરો ભારત પરત આવ્યા તેઓએ એક કરોડ રૂપિયા જેટલી રકમ એજન્ટને આપીને 'ડંકી રુટ' થી અમેરિકા જવાનું દુઃસાહસ કર્યું હતું.

માની લો કે તેઓ અમેરિકા પહોંચવામાં સફળ થયા હોત તો પણ તેઓ સત્તાવાર રીતે જે તે વિઝા મેળવીને નોકરી કે ધંધો કરી શકે તે તો શક્ય જ નહોતું. તેઓ કોઈ પરિચિતના સ્ટોર, મોટેલ કે ગેસ સ્ટેશનમાં નોકરી કરી શક્યા હોત. અત્યારે પણ જે ગેરકાયદેસર ભારતીયો અમેરિકામાં ઘુસવામાં સફળ થઈ ગયા છે તેઓ વર્ષોથી આવી જ નોકરી કે મજૂરી ઉચ્ચક મહેનતાણું મેળવીને કરે છે. એટલે સુધી કે તેઓ બેંક એકાઉન્ટ પણ ન ખોલાવી શકે કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન મેળવી શકે.

અમેરિકામાં કાયદા પ્રમાણે યોગ્ય વિઝા ધરાવતા કર્મચારી કે મજૂર - કારીગરને કલાકના ૧૭ - ૧૮ ડોલર આપવા પડે છે. રોજના નવ કલાકનું કામ થાય. દુકાન, રેસ્ટોરાં, મોટેલ કે બાંધકામ કંપનીઓ આથી ગેરકાયદેસર વસાહતીઓને નોકરીએ રાખીને કલાક દીઠ દસેક ડોલર આપીને ખાસ્સી બચત કરી શકે છે આથી અમેરિકન માલિકો પણ આવા કર્મચારી અને લેબરની વિઝા યોગ્યતાની ચકાસણી કરવાની પરવા કર્યા વગર તેઓને કામ આપે છે.

અમેરિકા જવાની આંધળી દોટ એ હદની છે કે ભારતમાં પ્રમાણમાં સુખથી અને તેના કરતાં પણ વધુ આત્મ સન્માન અને આઝાદી સાથે રહેવાનું હોવા છતાં કેટલાક  નાગરિકો તેમની અને આખા પરિવારની જીંદગી હોડમાં મૂકીને ઘૂસણખોરી કરવા માટે લાઈન લગાવીને બેઠા છે. 

ઘૂસણખોરો યાતના વીતાવીને પરત આવ્યા તેઓની વિતક કથા જાણવા છતાં અને ટ્રમ્પ તેની ટર્મ દરમ્યાન અતિ કડક વલણ અને ચાંપતી નજર રાખવાના છે તેનાથી પણ વાકેફ હોવા છતાં  વિશેષ કરીને પંજાબ અને ગુજરાતના નાગરિકો ફરી ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા સક્રિય બનશે જ. હાલ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા આવા એજન્ટોને પણ આવી ખાતરી હોઇ કેટલાક મહિના  પછી તેમના ગોરખધંધાનો પ્રારંભ કરશે જ.

ડોલર અને અમેરિકાની માનસિક બીમારી જેવી લાલસાને લીધે ગયેલા એક પરિચિતે કહ્યું કે 'જેઓ શૈક્ષણિક રીતે ડિગ્રી ધારી કે એન્જિનિયર છે કે પછી યોગ્ય વિઝા ધરાવી નોકરી કરે છે તેઓને માટે સારું છે બાકી કાયદેસર કે ગેરકાયદેસર રીતે વર્ર્ષોથી રહેતા ભારતીયો ગુલામની જેમ નોકરી કે મજૂરી કરે છે. અમેરિકાના સ્ટોરમાં એક પણ ગ્રાહક ન હોય તો પણ નવ કલાક ઊભા જ રહેવું પડે છે. બાંધકામ સાઈટ પર પણ કોન્ટ્રાકટર ગુલામ હોઈએ તેમ વંશીય અપશબ્દો બોલી અને સ્વદેશની હાંસી ઉડાવતા હોય છે. એક પછી એક વજનદાર બોક્સ કન્ટેનરમાં ચઢાવવાની ઝડપ એવી રીતે રાખવી પડે કે શ્વાસ હેઠો બેસાડવાની કેટલીક સેકંડો પણ ન મળે. જો થોભો તો આખી અમારા જેવા મજૂરોની સાંકળ પણ અટકી જાય અને તે સાથે જ કોન્ટ્રાકટર ખરાબ રીતે  અશ્લીલ ગાળ આપીને અપમાનિત કરી નાંખે.'

અમેરિકાની મોટેલોમાં કામ કરતા આપણા ગુજરાતીઓ જીવ પડીકે લઈને નોકરી કરતા હોય છે કેમ કે અડધી રાત્રે દારૂ ઢીંચીને ગોરાઓ અને અશ્વેતો આવતા હોય છે. કેટલાક યુવતીઓ લઈને આવે.

કોમ્યુટરમાં  એન્ટ્રી પાડવા માટે તેઓનું નામ પૂછતા પણ અંદરથી ધુ્રજતા હોઈએ તેવો ડર અનુભવાતો હોય છે. તેઓ પાસે ગન હોઇ ગમે ત્યારે ગોળી વીંધી શકે. રૂમ સર્વિસ વખતે પણ  અને પેમેન્ટ લેતી વખતે પણ ફફડાટ હોય છે. 

મોટેલ કે હોટલમાં કામ કરતા આવા ભારતીયોને કાઉન્ટર સંભાળવા ઉપરાંત  સર્વિસ અને સફાઈ સહિતના તમામ કામ કરવાના હોય છે. જાજરૂ - બાથરૂમ, કચરા પોતાં કરવાના, દારૂની બોટલો, બગડી ગયેલી ચાદરો બદલવાની રહે છે.

કોઈ કામ ખરાબ કે નાનું નથી હોતું. પ્રમાણિકતાથી કમાણી કરવામાં આવતું કોઈપણ કાર્ય ઊંચું કે નીચું નથી. પણ તે સાથે જ એવો તો  વિચાર આવે જ કે આ જ ભારતીયો ભારતમાં આવી નોકરી તો શું તેમના ઘરની સ્વચ્છતા માટે પણ આવું કામ નથી કરતા. જેઓ ભારતમાં આવી નોકરી કરે છે તેઓને સમાજ જુદી હીન નજરે જુએ છે.

ભારતમાં સારા પરિવારના પુરુષ કે મહિલા સ્ટોરમાં બેસીને નોકરી કરે કે રેસ્ટોરાંમાં વેઇટર બને તો સમાજમાં તેઓ આર્થિક રીતે કથળી ગયા હોય તે રીતે જોવાય છે.  

 ભારતમાં આપણા કોઈ ખાધે પીધે પરિચિત  સુખી પરિવારના સંતાનને હોટલમાં રૂમ સર્વિસ કરતા,પીઝા કે મદ્યપાન પીરસતા કે પેટ્રોલ પંપ પર, જાહેર માર્ગો પર ઉકરડાને ટ્રકમાં ઠાલવતા કે  સફાઈનું મશીન ફેરવતા જોઈએ તો  આપણે તે પરિવાર અને તે યુવાન કે યુવતી પર ચોકડી લગાવી દઈએ છીએ અને સમાજમાં ગોસીપ ચાલે છે.

સમાજ શાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાાનીઓએ અભ્યાસ કરવો જોઈએ કે આપણે માત્ર સમાજના માપદંડોને લીધે કોઈપણ પ્રકારની કમાણી કે રોજી મેળવવા માટે તૈયાર નથી કે ભારતમાં રહેતા આત્મવિશ્વાસ અને ખુમારીનો અભાવ છે.

અગાઉ અમે બેકારીના સંદર્ભમાં એક લેખ લખ્યો હતો ત્યારે સોનમ વાંગચૂકે  કહેલું  વાક્ય યાદ આવે છે કે 'ભારતમાં બેકારીનો જે આંક છે તે અર્ધ સત્ય છે. ખરેખર જોબ તો ઘણી છે પણ તેને કરવા માટે એક બહોળો બેકાર વર્ગ તૈયાર નથી. ખરેખર તો કમાણી માટે  પ્રામાણિક અને કાયદા મુજબના જે પણ બૌધ્ધિક કે શારીરિક મહેનત અને કુનેહ માંગી લેતા કામ કરવા તમે તૈયાર હોવ અને છતાં તમને નોકરી કે મહેનતાણું ન મળે તો તે સાચી બેકારી કહેવાય. ભારતમાં યુવા પેઢી એવું મનમાં ધારીને બેઠી છે કે તેઓ કયા પ્રકારની નોકરી કે ધંધો,વ્યવસાય કરવા માંગે છે. જો તે નહીં મળે તો પોતાને બેકાર માનશે. વિદેશમાં આવી સ્થિતિ નથી.ત્યાં કોઈ કામને હીન નથી મનાતું અને સમાજ તો કોઈ શું કરે છે તેની મુલવણી કે પરવા જ નથી કરતો.'

હવે ગેરકાયદેસર માર્ગેથી વિદેશમાં જનારા વ્યક્તિ અને પરિવારે વિચારવું જોઈએ કે તેઓને આત્મસન્માન જેવું કંઇક છે કે નહીં. ચોરી છુપીથી આજીવન રહેવાનો અર્થ શું? વિઝા સ્ટેમ્પ નહીં હોઇ ફરી ભારત આવી જ ન શકાય તેવું પણ બનતું જ હોય છે. 

પરત આવેલા ઘૂસણખોરોમાંથી કેટલાકને તો ભારતમાં નોકરી કે નાનો મોટો ધંધો હતો. ખેતરો અને જમીન હતી. ઘર પણ ખરા. અમેરિકામાં એવા ભારતીયો છે કે જેઓને ભારતમાં નિશ્ચિત મોટી આવક હતી આજે પણ જમીન અને ઘરોમાં રોકાણ છે છતાં તેઓ અમેરિકામાં ગ્રોસરીમાં બેસે છે કે ગેસ સ્ટેશન પર નોકરી 

કરે છે.

અમેરિકામાં ગેરકાયદેસર કે પછી આંધળી દોટ હેઠળ ગયા છે તેવા ૬૦ પ્લસ વય ધરાવતા ભારતીય દંપતીઓને મોટેલમાં એક નાના બેડરૂમ જેવડી જગ્યા રહેવા માટે ફાળવેલી હોય  તે રીતે જોયા છે. તેઓએ કહ્યું કે 'અમે  અમુક દિવસો રજા પાડીને પણ અમેરિકાની જે મજાની ભૌતિક લાઇફ અને સ્થળો, બીચ  વગેરે ખાસ  વર્ષોથી જોયા માણ્યાં નથી. કાર વગર તો દિવ્યાંગ જેવા બની જઈએ.'

આની સામે ભારતમાં વયસ્કોને જુઓ કેવી મજાની જિંદગી, બગીચામાં ભેગા થાય. ફિલ્મ ગીતોની જમાવટ કરે, સાથે બેસીને ભજીયા ખાય, પ્રવાસ ખેડે અને સાજે માંદે મિત્ર વર્તુળ અને પાડોશીઓ ખડે પગે ઊભા રહે.

અમેરિકામાં તમે કવોલિફાઇડ ન હોવ કે  માલિકીની દુકાન ન હોય તો નરી મજૂરી, માનસિક બીમારી અને બચત ન થાય તેવી આવક હોય છે.

કેટલાક વર્ષો અમેરિકામાં રહીએ છીએ તેનો નશો કે અહંકાર પોષાતો હોય પછીથી આજીવન પગના જૂતાં બહારથી ચમકતા લાગે અને અંદરથી પહેરનારને ડંખતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામતી હોય છે.

ગેરકાયદેસર ઘુસનાર વ્યક્તિ એક કરોડ જેટલી રકમ ખર્ચે છે અને  પછી તે પકડાય તો આખુ જીવન કલંક સાથે જીવવું પડે છે.  એક કરોડ રૂપિયા ગયા તે નુકશાન પણ કેટલું મોટું.

ભારતમાં એવા હજારો પરિવાર હશે જે એક કરોડની આખરી બચતની રકમ સાથે લહેરથી મધ્યમ વર્ગના પરિવારને નિભાવે છે.

એક કરોડ રૂપિયા લોભમાં આવ્યા વગર આઠ ટકાના વ્યાજના દરે બેંકમાં મૂકો તો પણ મહિને સાઈઠ - સિત્તેર હજાર જેટલી રકમ વ્યાજની મળે અને જે પણ નોકરી મળે તે કરો.. અમેરિકામાં ૧૨ કલાક કામ કરવા તૈયાર છો તો ભારતમાં બીજા ત્રણ કલાક કંઇક હુન્નર કે ધંધો કરો. પણ કોઈપણ હિસાબે કોઈપણ લાલચ કે યોજના હેઠળ એક કરોડને નહીં અડકવાનું. અમેરિકામાં તો પત્ની પણ નવ કલાક સ્ટોરમાં ઊભી રહીને નોકરી કરે છે. ભારતમાં પણ મહિલાએ તેવી કમાણીમાં જોડાવું જોઈએ.

અમેરિકામાં બ્રિટન અને કેનેડામાં રહેતા ઘણા ભારતીયો પણ હવે કહેતા થયા છે કે 'હવે અમેરિકા, બ્રિટન અને કેનેડા અગાઉ જેવું નથી રહ્યું. ભારત વધુ રહેવાલાયક બનતું જાય છે. અમે મહત્તમ સમય ભારતમાં વીતાવવા માંગીએ છીએ. 

આમ છતાં વિદેશ ચોકકસ જાવ. જેઓ પાસે પ્રતિભા છે તેઓ તો અમેરિકામાં વધુ ખીલી ઉઠશે પણ જો કોઈ શૈક્ષણિક લાયકાત,ટેકનોક્રેટ નોકરી કે ત્યાં રોકાણ માટે ડોલર આપી શકે તેવા પરિવારજનો કે પીઠબળ ન હોય તો અમેરિકા જવા કરતાં ભારતમાં સન્માન, ગૌરવ અને સામાજિક વ્યવસ્થા જોતા ભારત 

શ્રેષ્ઠ છે.'

ભારતમાં પણ યુવાનોની દૃષ્ટિ બદલાતી જાય છે. માસ્ટર ડિગ્રી ધારી યુવાનો ભેગા થઈ હેર સ્ટુડિયો કરે છે. કચરા વીણવાનો સ્ટાર્ટ અપ શરૂ કરે છે. ભારતમાં પણ ભવિષ્ય તો છે જ.

આપણે ઘુસણખોર બનીને વિદેશમાં જવા માટે બધું જ હોડમાં મૂકી દેતા પહેલા દસ વખત વિચારવું જોઈએ. 


Google NewsGoogle News