માણસાઇનું વાવેતર કરતી શાળાઓ ક્યાંય દેખાતી નથી
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- માણસાઇ વગરનો નાગરિક પૃથ્વી ઉપર ભારરૂપ છે. જેથી પરિવાર, શાળા બંને માધ્યમો અને ગુરુ-માબાપ જેવા પાયાના કેળવણીકારોએ પણ આ અંગે વિચાર કરવો જોઈએ.
આ પણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા ગુરુ-શિષ્ય પરંપરાવાળી હતી. એ પરંપરામાં તૈયાર થતો શિષ્ય આત્મનિર્ભર થવાના પાઠ ભણતો, આત્માની-પરમાત્માની પરખ પામતો, પુણ્ય-પાપના, ઇષ્ટ-અનિષ્ટનો ભેદ પણ શિખતો હતો. સંસ્કારલક્ષી એ શિક્ષણ વ્યવસ્થા અને સાંસારિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં માનવધર્મ હતો. કૃષ્ણ પણ શિષ્ય તરીકે જંગલમાંથી અપાર જીવનશિક્ષણ પામ્યા છે. અર્જુન, કર્ણ વગેરે પણ ગુરુ પાસેથી જીવનઘડતરના પાઠ શિખ્યા છે. ગુરુ સ્થૂળ અને સૂક્ષ્મ, અંદર અને બહારનું શિક્ષણ આપી શિષ્યને-માણસ તરીકે તૈયાર કરતા, જેથી કરીને શિષ્ય જીવનમાં આવતા પડકારોને પહોંચી વળી શકે ત્યારે શિક્ષણ શ્રેય અને ગુણ ભાવનાવાળું હોવાને કારણે આત્મકેન્દ્રી - માણસકેન્દ્રી વધારે હતું. એ પરંપરાએ પ્રજાને ધર્મને માર્ગે ચાલવાનો રસ્તો ખોલી આપ્યો હતો. તેવી પદ્ધતિમાંથી માણસાઇનાં ધરુ તૈયાર થતાં હતાં.
આજે શિક્ષણપ્રથાના કેન્દ્રમાંથી ધર્મ અને માણસ બંને ખસી ગયાં છે. ધન અને અધર્મ કેન્દ્રમાં આવીને બેસી ગયા છે. શિક્ષણ આપવાનો અર્થ કેવળ પુસ્તકિયા માહિતી સંક્રાન્ત કરવાનો નથી, સારું લખી-વાંચી શકે કે ગણતરીઓ માંડી શકે, વધારે કમાણી કરાવી શકે એ નથી પરંતુ ઉત્તમ માણસ પેદા કરવાનું કામ તેણે કરવાનું છે. આપણે ત્યાં વધારે ગુણાંક મેળવનાર વિદ્યાર્થીનું બહુમાન થાય છે, સારી ડીગ્રી પ્રાપ્ત કરે તેની વાહવાહ થાય છે. ખૂબ ઊંચો પગાર મેળવે તેને માન-પાન અપાય છે. શાળાઓ અને સમાજ તેવા વિદ્યાર્થીઓને ઉત્તમ માને છે. અભિવાદનનો તાજ પહેરાવે છે. તેવા વિદ્યાર્થીઓ પરિવારનો, શાળાનો અને સમાજનો પ્રતિષ્ઠામૂલક માપદંડ બની બેઠા છે. એવા ઊંચા પરિણામોનો વિરોધ નથી પણ એની સાથે જે વિદ્યાર્થીને સમાજમાં રહેવાનું છે, જીવન સાથે ઝઝૂમવાનું છે તેના તે અંગેના પાઠ ભણાવતા નથી જ. ગોખણપટ્ટીથી, ચોરી કરીને, પૈસા આપીને વધારે ગુણાંકનનો જે મહિમા થઈ રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે.
માણસાઇ વગરનો નાગરિક પૃથ્વી ઉપર ભારરૂપ છે. જેથી પરિવાર, શાળા બંને માધ્યમો અને ગુરુ-માબાપ જેવા પાયાના કેળવણીકારોએ પણ આ અંગે વિચાર કરવો જોઈએ. સંસ્કાર કેન્દ્રી શિક્ષણ પ્રથાને તિલાંજલિ આપીને આપણા બાળકને શી વલે કરી રહ્યા છીએ ? આપણે ઉત્તમ પ્રવચન આપનાર, વાક્છટાદાર બાળકનો જે મહિમા કરીએ છીએ તેટલો મહિમા નિષ્ઠાવાન અને પ્રામાણિક બાળકનો કરતા નથી. પુસ્તકોમાંથી સંસ્કારો પ્રાપ્ત થાય ખરા, પણ સંસ્કારસિંચનનું ખરું શિક્ષણ તો આચરણ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. આચરણ પ્રત્યે સજાગ થવાની શિક્ષકો, આચાર્યો અને મા-બાપની જવાબદારી છે. શિક્ષક-ગુરુ વિવેક, વિનય, સત્ય અને પ્રામાણિકતાના પાઠ ભણાવે - પરિવારમાંથી એવા સદ્ગુણોનું સવર્ધન થાય નમ્રતા અને નિષ્ઠાનો ગુણ કેળવવા માટે પરિવાર અને શાળા ઉભય જવાબદારી સ્વીકારે તો ઉત્તમ માણસો સમાજને મળી રહે. સંસારની અસારતાનો ખ્યાલ રાખી જીવનગણિત માંડવું જોઈએ, તેવો ખ્યાલ જુની શિક્ષણ પ્રથામાં કાયમનો હતો.
સમાજ જેને સ્વીકારે છે તે ડૉક્ટર, વકીલ, ઍન્જિનિયર વધારે નમ્ર, સમાજોપયોગી, વિવેકપૂર્ણ વધારે હોય છે. જેમનામાં એવા ગુણો નથી તેવા લોકો સમાજને ઉપયોગી થવાને બદલે સ્વાર્થનું ઝાઝુ સેવન કરતા નથી પરિણામે સમાજ પણ તેમની ઉપેક્ષા કરે છે. સદ્ગુણોના સિંચન અને જાગૃતિ લાવવાની હવે તાતી જરૂરિયાત છે. આપણી જૂની પેઢીની વાતો, દાદા-દાદીનો અનુભવ આપણા રૂઢિપ્રયોગો, કહેવતો, સુભાષિતોમાં પણ માણસને ઘડવાની અદ્ભૂત ચાવી હતી, વિજ્ઞાાન હતું. તાત્ત્વિક વિચારણાની ગૂંથણી હતી. આપણી જીવનની સમસ્યાઓનો તેમાં ઉકેલ પણ હતો. આપણે તે બધાથી દૂર થતા જઈએ છીએ પરિણામે જીવન ભારેખમ બનતું જાય છે. માણસ તરીકે જન્મેલા બાળકને આપણો સમાજ માણસ તરીકેની બાદબાકીની તાલીમ આપી રહ્યો છે. સ્વકેન્દ્રી બનાવી રહ્યો છે. સંકીર્ણતાપૂર્ણ ઉછેર થઈ રહ્યો છે. પરિણામે બાળક પણ સ્વકેન્દ્રી શિક્ષણ લઈ સમાજમાં કોઈને ઉપયોગી થવા અંગેની વિચારણા કરી શકતો જ નથી. પદવી એને ગુલામ બનાવે છે.
માનવમૂલ્યો ભણાવવાની પાઠશાળાઓ ક્યાંય ખાસ દેખાતી નથી. આજે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ઔપચારિક, આર્થિક અને ઉપરછલ્લો સંબંધ વિકસ્યો છે. આજનો શિક્ષક પગારદાર કર્મચારીથી વિશેષ કશું જ નથી. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આત્મિક સંબંધો ઊભા થતા જ નથી. પરિણામે માણસાઇનું વાવેતર શાળામાં થતું નથી, જે થવું જોઈએ. 'વૈશાખનો બપોર' કવિતામાં કવિ શેષ દ્વારા દીનજન વાત્સલ્યનો અપૂર્વ સંદેશ મળે છે. તેમાં પણ ગરીબ ગરીબને સહાયક બને છે. માણસાઇની એક વાત છે - એક કોર્નર પર ઊભેલી કારની સાથે એક ભાઈની કાર અથડાઈ. અકસ્માતમાં ઊભેલી કારને વધારે નુકસાન થયું. જે ભાઈએ નુકસાન કરેલું તેઓ કારમાંથી નીચે ઊતરી પેલી પડેલી કારના માલિકને શોધતા હતા પણ માલિક હતો જ નહિ. થોડીવાર ઊભા રહ્યા. માલિક મળ્યો નહિ,
પછી અકસ્માત જેનાથી થયેલો તે ભાઈએ એક ચિઠ્ઠી લખી તેમાં મારાથી ભૂલ થઈ છે, તમારી કારને મારી ભૂલને કારણે નુકસાન થયું છે - મેં તમને શોધ્યા આપ મલ્યા નહિ, એમાં નામ-સરનામું ફોન નંબર લખીને નુકસાન મેળવી લેવા વિનંતી કરેલી. બે એક દિવસના પેલા નુકસાન થયેલી કારવાળા ભાઈ સરનામા પ્રમાણે ત્યાં ગયા. પેલા ભાઈએ આવકાર્યા- 'હાથ જોડીને કહ્યું' મેં ચિઠ્ઠી તમારી સીટ ઉપર મુકી હતી. બોલો કેટલું નુકસાન થયું ? નુકસાનવાળા ભાઈ બોલ્યા - 'નુકસાનની વાત જ ક્યાં છે ? હું તો આપનાં દર્શન કરવા આવ્યો છું.' - આનું નામ માણસાઇ.
આપણે ત્યાં આવાં દ્રશ્યો ઓછાં જોવા મળે છે. જ્યાં જોવા મળે છે ત્યાં તેમનો મહિમા થતો નથી, જે થવો જોઈએ. દેશમાં પાંડિચેરી આશ્રમનું શિક્ષણ નમૂનેદાર છે તેમાં અદ્યતન જ્ઞાાન-વિજ્ઞાાનની સાથે માણસાઇનો પણ ખ્યાલ રખાયો છે. ગુજરાતમાં પણ કેટલીક સંસ્થાઓમાં સારા પ્રયોગો થાય છે. આવી પ્રવૃત્તિઓને સંસ્કારની અને માણસાઇની ખેતી કહી શકાય, જે ભાવિ માટે આવકાર્ય છે.