महामंत्र जितने जग मांही, कोउ गायत्री सम नाहीं ।।

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
महामंत्र जितने जग मांही, कोउ गायत्री सम नाहीं ।। 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- તંત્રના માર્ગે આગળ વધી રહેલાં સાધક માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેની યાત્રા વિધિવત્ રીતે આગળ વધે

- ओम भुर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ।।

- ऋग्वेद 03.062.10

તં ત્રને ગુપ્ત રાખવા પાછળ વિદ્વાનોનો હેતુ હંમેશાથી એને અયોગ્ય સાધકના હાથમાં જતાં અટકાવવાનો રહ્યો છે! સ્વાભાવિક છે કે અણુબોમ્બ બનાવવાની પદ્ધતિ અને સામગ્રી જો જન-જન સુધી વહેંચી દેવામાં આવે, તો સર્વનાશ થતાં કોઈ રોકી ન શકે. આ કારણોસર, પ્રકૃતિએ એવી વ્યવસ્થા ઊભી કરી કે બધું સામે હોવા છતાં સાધનાનાં માર્ગે નિરંતર આગળ વધી રહેલાં સાધક સમક્ષ આ રહસ્યો ક્રમશ: ઉજાગર થાય. સીધું છેલ્લાં પગથિયાં પર છલાંગ મારવાને બદલે જો એક પછી એક પગથિયાં સર કરવામાં આવે, તો ઈજાનો ભય નથી રહેતો. એવી જ રીતે, તંત્રના માર્ગે આગળ વધી રહેલાં સાધક માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેની યાત્રા વિધિવત્ રીતે આગળ વધે. ઘણી વખત અજ્ઞાની માણસનાં હાથમાં કાચો હીરો આવી જાય, તો તેને ખબર સુદ્ધાં નથી હોલી; એવી રીતે પાત્રતા અને યોગ્યતા વિના સીધું મહાવિદ્યા-સાધના તરફ કે પછી ઉચ્ચસ્તરીય તંત્રસાધનાના માર્ગે આગળ વધવાથી અપ્રાપ્તિ, સંશય અને નિષ્ફળતા સિવાય કશું હાથ નથી લાગતું. 

શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામી અને ગાયત્રી ઉપાસક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય બંનેએ ગાયત્રી મંત્રને સાધનામાર્ગનું પ્રથમ પગથિયું ગણ્યો છે! ગાયત્રી તંત્ર વિશે કહેવાય છે, 

महामंत्र जितने जग मांही,

कोउ गायत्री सम नाहीं ।।

સમસ્ત વિશ્વમાં ગાયત્રી મંત્ર સમાન મહામંત્ર બીજો એકપણ નથી, એ વિધાન પાછળનું મૂળ રહસ્ય ગાયત્રી તંત્રમાં નિહિત છે. જેવી રીતે વિભિન્ન મંત્રોને શાસ્ત્રોક્ત પદ્ધતિ વડે જાગૃત કર્યા બાદ અલગ અલગ ઉદ્દેશ્યો માટે તેનો પ્રયોગ કરી શકાય છે, એવી જ રીતે ગાયત્રી મંત્રને પણ તાંત્રિક વિધિ-વિધાન વડે જાગૃત કરીને 'સકામ પ્રયોગ' અને 'નિષ્કામ પ્રયોગ' માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ગાયત્રી તંત્ર અંગે દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પૃચ્છા કરી હતી; 

नारायण महाभाग गायत्र्यास्तु समासतः ।

शान्त्यादिकान्प्रयोगांस्तु वदस्व कऱुणानिधे ।।

'હે નારાયણ, ગાયત્રી મંત્રના શાંતિ પ્રયોગો અંગે જણાવવા પ્રાર્થના છે.' દેવર્ષિ નારદે પૂછયું. 

શાંતિપ્રયોગો અર્થાત્ ષટ્- કર્મ! જેવી રીતે તાંત્રિક મંત્રો દ્વારા અભિચાર ક્રિયાનો સદુપયોગ તથા દુરુપયોગ એમ બંને કરી શકાય છે, એવી રીતે ગાયત્રી તંત્ર થકી પણ અભિચાર ક્રિયા સંભવ છે, જેના વિશે ભગવાન વિષ્ણુ પ્રત્યુત્તર આપે છે;

अति गुहयमिंद पृष्टं त्वया ब्रह्मतनूभ्दव ।

वक्तव्यं न कस्मैचिद् दुष्टाय पिशुनाय च ।।

'હે નારદ! આપે અત્યંત ગુપ્ત વાત જાણવાનો આગ્રહ કર્યો છે, પરંતુ આ અંગે કોઈ દુષ્ટ અથવા પિશુન (અર્થાત્ ધુતારા)ને જાણ ન થવી જોઈએ.'

પોતાના હિન્દી પુસ્તક 'ગોપનીય ગાયત્રી તંત્ર'માં આ વિષય પર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ સાંકેતિક ભાષામાં ઘણું ગોપનીય જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એક ઉત્તમ વાત જણાવી કે, તંત્રશાસ્ત્ર ક્યારેય પૂર્ણ વિધિ-વિધાન નથી જણાવતાં! પ્રત્યેક તાંત્રિક સાધના અથવા વિધિ-વિધાન અંગે શાસ્ત્ર બે બાબતો જણાવે છે : (૧) સાધનાનું ફળ (૨) સાધનાનાં વિધિ-વિધાનનો એક નાનકડો ભાગ. 

શાસ્ત્રોક્ત પદ્ધતિનો આ નાનકડો ભાગ વાંચી અથવા જાણીને મોટાભાગના સાધકો જે તે મંત્રનો ઉપયોગ કામ્ય પ્રયોગ માટે કરવા તત્પર બની જાય છે, પરંતુ જ્યારે સાધના પશ્ચાત્ મંત્ર પૂર્ણપણે જાગૃત ન થાય ત્યારે તેઓ મંત્રશાસ્ત્રને મિથ્યા માની બેસવાની ભૂલ કરી બેસે છે. આપણે ઘણી વખત એ ભૂલી જઈએ છીએ કે આદિકાળથી શરૂ કરીને આજ દિન સુધી મંત્રસિદ્ધિ અથવા તંત્રદીક્ષા હંમેશા મુખપઠન પદ્ધતિ વડે ગુરુ પોતાના શિષ્યને આપતો હોય છે. દીક્ષા આપતી વેળા જે તે મંત્રને પૂર્ણપણે જાગૃત કરવાના એવા સંપૂર્ણ વિધિ-વિધાનો અપાતાં હોય છે, જેની મદદથી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. બસ, આવી જ રીતે, પ્રત્યેક મંત્ર અને તંત્રશાસ્ત્રમાં વિધિ-વિધાનોમાં હંમેશા અધૂરપ જોવા મળે છે. એક પ્રખર અને અનુભવી સાધક જ તેને આગળ વધારી શકે એ હેતુ સાથે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. સાધકની પોતાની પ્રજ્ઞા જ્યારે યોગ્ય કક્ષાએ પહોંચી જાય, એ પછી તેની સામે ગુહ્ય જ્ઞાન ઉજાગર થવા માંડે છે અને સમયની સાથે તે ઉચ્ચકોટિની સાધના કરવા સક્ષમ બને છે. 

માત્ર અમુક સંકેતો આપ્યા બાદ શાસ્ત્રો જે તે વિધિ-વિધાન અંગે મૌન બની જાય છે. દાખલા તરીકે, ગાયત્રી મંત્રનો પીપળાનાં વૃક્ષની સમિધા (હવન માટે ઉપયોગમાં લેવાતાં કા) સાથે યજ્ઞા કરવાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રયોગ 'ગોપનીય ગાયત્રી તંત્ર'માં આપવામાં આવ્યો છે; પરંતુ જાણવા જેવી વાત એ છે કે જે વ્યક્તિને ગાયત્રી યજ્ઞાના સંપૂર્ણ વિધિ-વિધાન અને સાધના અંગે કશો ખ્યાલ નથી, એના માટે તો આ માત્ર એક અધૂરી માહિતી છે! આના આધારે જો એ સાધક યજ્ઞા કરવા બેસે અને ગાયત્રી મંત્રની આહુતિ સમિધા સાથે આપવા માંડે, તો ધારેલું ફળ ન મળે એ નક્કર વાસ્તવિકતા છે. 


Google NewsGoogle News