સમસ્યા અને સમાધાન સાથે હોય છે .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'હું સ્પષ્ટ રીતે માનું છું કે, આ સામે બેઠેલા વિઘ્નેશ્વર બધું જ ગોઠવી જ આપે છે. તે વિઘ્ન આપતા પહેલાં તેનો ઉકેલ લાવી જ આપતા હોય છે....'
'કુ મદ આન્ટી કેમ છો આવી ગયા તમે... કેવો રહ્યો તમારો પ્રવાસ.' - કુમુદબેન અને રાજેન્દ્રભાઈ હજી તો ઘરનું તાળું ખોલતા હતા ત્યાં જ સામેના ઘરેથી વૈભવી દોડીને આવી.
'હા બેટા. બસ જો હાલ જ આવ્યા. છ મહિના થયા. હવે ઘરની યાદ આવતી હતી. તું કેમ છે. ઘરમાં બધા મજામાં છો.' - કુમુદબેને કહેતા કહેતા તાળું ખોલ્યું અને દરવાજાને સહેજ અંદરની તરફ હડસેલ્યો.
'હા આન્ટી. તમે લોકો સામાન મુકો અને ફ્રેશ થઈ જાઓ હું ત્યાં સુધીમાં તમારા માટે ચા-નાસ્તો લઈને આવું છું.' - વૈભવી બોલી.
'સારું દીકરી... થેંક્યુ.' - કુમુદબેને કહ્યું અને વૈભવી પોતાના ઘર તરફ દોડી ગઈ.
'વૈભવી કેવી સરસ દીકરી છે. આપણને જોયા ને તરત જ મળવા દોડી આવી. આજના જમાનામાં ક્યાં હવે આવા સારા પાડોશ રહ્યા છે. લોકોને એકબીજાનું મોઢુંય જોવું નથી હોતું. અમારે કોઈને જોવા નથી અને અમને કોઈ જોવું ન જોઈએ. ખરેખર આ આધુનિકતાએ તો કાળોકેર વર્તાવ્યો છે. આ બધું ક્યાં જઈને અટકશે.' - રાજેન્દ્રભાઈ સોફામાં બેઠા અને વરસી પડયા.
'તમે જરા શાંતિ રાખો. વૈભવીએ આ પાણી આપ્યું છે તે પીઓ અને ઠંડા પડો. હું જરા ઘર ખોલી કાઢું એટલે વાસી હવા બહાર જતી રહે. વૈભવી ચા નાસ્તો લાવે પછી બાકીનું કામ કરીશ.' - કુમુદબેને કહ્યું અને ઊભા થઈને ઘરની બારીઓ ખોલવા લાગ્યા.
'કુમુદ મારે તને એક વાત કરવી છે. આ બધું થોડું વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને આપણે પાછા રોજિંદા ક્રમમાં આવી જઈએ પછી કરીશ.' - રાજેન્દ્રભાઈએ એટલું કહ્યું અને સોફા ઉપર લંબાવ્યું.
'તમારી પાસે અઠવાડિયા જેટલો સમય છે. જે વિચાર કરવા હોય તે કરી લેજો, જે મથવું હોય તે મથી લેજો અને પછી મને કહેજો. તમારો જે અંતિમ વિચાર હશે તે હું સાંભળી લઈશ અને સ્વીકારી પણ લઈશ, બસ.' - કુમુદબેન બોલ્યા અને ઘરના લિવિંગરૂમની બારીને હડસેલીને ખોલી કાઢી.
'ચાલો આન્ટી... ગોઠવાઈ જાઓ સોફા ઉપર... ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે.' - વૈભવી એટલું બોલીને ઘરમાં પ્રવેશી અને કુમુદબેન ત્યાં જ ખુરશી ઉપર ગોઠવાઈ ગયા.
'દીકરી આટલી ઝડપથી નાસ્તો બની ગયો. તને ખબર હતી કે અમે આ ટાઈમે આવી જ જવાના છીએ. આટલા ઝડપથી બટાટા પૌંઆ કેવી રીતે બની જાય.' - કુમુદબેને સહજ સવાલ કર્યો.
'આન્ટી આ ઈન્સ્ટન્ટ પૌઆ છે. માત્ર ગરમ પાણીમાં નાખી દો અને પાંચ-દસ મિનિટમાં તૈયાર. બધું જ ઈન્સ્ટન્ટ મળે છે.' - વૈભવી બોલી.
'લો કરો વાત. પૌઆ પણ ઈન્સ્ટન્ટ. આજની પેઢીને મહેનત જ નથી કરવી. બધું તૈયાર, ફ્રોઝન અને ઈન્સ્ટન્ટ લઈ આવે છે. ખબર નહીં આ બધું ક્યાં જઈને અટકશે.' - રાજેન્દ્રભાઈ ફરી બોલ્યા. કુમુદબેને તેમની સામે ત્રાંસી આંખ પણ કરી.
'અંકલ, તમને ખબર છે મારા નાની બજાર જાય, કોથમીર, લસણ, આદુ, મરચાં, ફુદીનો બધું લઈને આવે, સાફ કરે, ખાયણીમાં બરાબર કુટે અને તેની ચટણી બનાવે. મારી મમ્મી આ બધું જ લઈ આવે અને મિક્સરમાં ક્રશ કરી નાખે અને ચટણી બનાવે. હું તૈયાર પાઉડર લઈ આવું અને ગરમ પાણીમાં નાખી દઉં એટલે ચટણી તૈયાર અથવા તો તૈયાર ચટણીનું જ પેકેટ લઈ આવું. વાત એટલી જ છે કે, અમારે ત્રણેયને ચટણી ખાવી છે પણ જમાના પ્રમાણે બધાએ વ્યવસ્થા કરી લીધી. મને નથી લાગતું કે, કોઈએ કંઈ ખોટું કર્યું. તમારા માટે ચટણી મહત્ત્વની છે કે, તેની પ્રોસેસ.' - વૈભવીએ શાંતચિત્તે કહ્યું અને કુમુદબેન હાથમાં ચાનો કપ લેતા લેતા ખડખડાટ હસી પડયા. વૈભવીએ પણ સ્મિત કર્યું.
થોડીવારમાં નાસ્તો પત્યો અને વૈભવી બધું લઈને પોતાના ઘરે ગઈ અને રાત્રે જમવાનું આપી જવાનું કહેતી ગઈ. કુમુદબેને માત્ર હકારમાં માથું હલાવ્યું. લગભગ આ રીતે પાંચેક દિવસ પસાર થયા અને મિત્રોની અને આડોશપાડોશની મદદથી કુમુદબેન અને રાજેન્દ્રભાઈનું ઘર સેટ થઈ ગયું. તેઓ ઘણો સમય દીકરાના ઘરે અમેરિકા રોકાઈને પરત આવ્યા હતા.
રવિવારને સવારે કુમુદબેન સરસ મજાની રસોઈ બનાવી અને પરવારીને બેઠા. હજી જમવાનો સમય થયો નહોતો. તેઓ મકાનની બહાર બનાવેલા નાનકડા બગીચામાં મુકેલા હિંચકામાં ગોઠવાયા. થોડીવારમાં રાજેન્દ્રભાઈ બહારથી આવ્યા અને તેઓ પણ હિંચકામાં ગોઠવાયા.
'કુમુદ મારે તને કંઈક કહેવું છે. આમ તો મારી ઈચ્છા નથી પણ બીજી તરફ મને છુપાવી રાખવું પણ ગમશે નહીં. મારે તારી પીઠ પાછળ કોઈ કામ કરવું નથી.' - રાજેન્દ્રભાઈ બોલ્યા.
'તમારે જે કહેવું હોય તે આ લોકોના ગયા પછી કહેજો. ત્યાં સુધી તમારે કંઈ જ કહેવાનું નથી.' - કુમુદબેને કહ્યું અને સામે દરવાજે ઊભેલા દંપતી તરફ આંગળી ચિંધી.
'અલ્યા દલા તું અત્યારે ક્યાંથી ભુલો પડયો. ભાભી આ તમનેય ખેંચી લાવ્યો અહીંયા. આય.. આય... બેસ.' - રાજેન્દ્રભાઈ પોતાના બાળપણના મિત્રને જોઈને ખુશ થઈ ગયા.
'રાજીયા... તું ગોપાલના ઘરેથી પાછો આવ્યો તેના સમાચાર મળ્યા એટલે તને મળવા દોડી આવ્યો. આમેય શહેરમાં થોડું કામ હતું.' - દલપતરાય બોલ્યા.
'સારું બે-ચાર દાડા રોકાઈને જજે. અમને પણ ગમે.' - રાજેન્દ્રભાઈએ કહ્યું. દલાભાઈએ હકારમાં માથું ધુણાવ્યું. થોડીવારમાં કુમુદબેન અને દલાભાઈના પત્ની વિભાબેન ચા-પાણી લઈને બહાર આવ્યા. ચારેય લોકોએ મોડી સાંજ સુધી ગપાટા માર્યા. ત્યારબાદ બંને ીઓ રસોઈ કરવા ગઈ અને બંને મિત્રો ટીવી સામે ગોઠવાયા. ટીવી જોઈને જાતભાતના ગપાટા માર્યા અને બધા આરામ કરવા જતા રહ્યા.
બીજા દિવસે રાજેન્દ્રભાઈ અને દલપતરાય બજારમાં જઈને તેમનું કામ પતાવી આવ્યા અને બપોરે જમવા માટે બધા ગોઠવાયા ત્યારે રાજેન્દ્રભાઈએ વાત કાઢી.
'દલા મારે તને એક વાત કરવી છે અને તારી હાજરીમાં કુમુદને પણ કંઈક કહેવું છે.' - રાજેન્દ્રભાઈ બોલ્યા.
'રાજુ મને ખબર છે ગોપાલને ત્યાં શું થયું હતું. જો ગોપાલ અને સ્વાતી હવે અમેરિકન કલ્ચરમાં જીવનારા માણસો છે. આપણે જિંદગી અહીંયા કાઢી છે એટલે આપણને ત્યાં ન ફાવે તે સ્વાભાવિક છે. દરેકને પોતાની લાઈફમાં ચોક્કસ સ્પેસ જોઈતી હોય છે. આપણે એ સમજવું પડશે. આજની પેઢીની સાથે એડજસ્ટ ન થાય તો આપણી રીતે જીવવાનું શરૂ કરી દેવું જોઈએ.' - દલપતરાયે કહ્યું.
'દલા ત્યાં શું થયું હતું તે તને નથી ખબર, હું બોલીશ તો કુમુદ દુ:ખી થશે.' - રાજેન્દ્રભાઈ બોલ્યા.
'રાજીયા મને બધી જ ખબર છે. તમે લોકો અમેરિકાથી આવ્યા તેના બીજા જ દિવસે કુમુદે મને ફોન કર્યો હતો. ગોપાલ, નતાશા અને બંને બાળકોની લાઈફસ્ટાઈલ અને તમારા ઘર્ષણોની વાત કરી હતી.'
'મારી એક જ સલાહ છે કે, તમે બંને અમારી સાથે આવતા રહો. અમે જે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ ત્યાં મજા પડશે. મારા જ ક્વાર્ટરની બાજુમાં તારું પણ ક્વાર્ટર લઈ લઈએ. દર મહિને કપલના ૧૫૦૦૦ ભરવાના હોય છે. રાંધવા, ખાવાનું, કપડા, વાસણ, કોઈ ચિંતા જ નહીં.
ચારેય ટાઈમ તૈયાર ભાણે જતા રહેવાનું અને લહેર કરવાની. બસ સાંજે કોઈ એક એક્ટિવિટી કરવાની ફરજિયાત છે. તું મારી સાથે ભજનો ગાવા આવજે. બેસુરાઓની વસતીમાં એક ઉમેરો થશે. કુમુદ અને વિભા એમનું કંઈક શોધી કાઢશે.'
'હું સ્પષ્ટ રીતે માનું છું કે, આ સામે બેઠેલા વિઘ્નેશ્વર બધું જ ગોઠવી જ આપે છે. તે વિઘ્ન આપતા પહેલાં તેનો ઉકેલ લાવી જ આપતા હોય છે. તારું અમેરિકા જવું અને દુ:ખી થવું તારી નિયતી હશે પણ તે પહેલાં મારું વૃદ્ધાશ્રમમાં સ્વેચ્છાએ જવું અને તારા માટે ઓપ્શન શોધી રાખવો તે પણ નિયતી જ છે. બાળકો સાથે તકરાર કરીને દુ:ખી થઈને રહેવા કરતા મુક્ત કરીને આનંદથી રહેજો. આપણે ચારેય લહેર કરીશું. બોલ ક્યારે કરવા છે નવી જિંદગીના શ્રીગણેશ.' - દલપતરાયે કહ્યું અને શીરાની વાટકી રાજેન્દ્રભાઈ તરફ ધરી.
રાજેન્દ્રભાઈએ કુમુદ તરફ નજર કરી અને તેણે માત્ર આંખ મિચકારીને પોતાની મંજૂરી આપી દીધી. રાજેન્દ્રભાઈએ ઊભા થઈને ગજાનંદ ગણપતિની સામે શીરાની વાટકી ધરી અને ચમચી ભરીને શીરો કુમુદને ખવડાવી દીધો.
'દલા વાત સાચી છે, સમસ્યા અને સમાધાન આગળ-પાછળ જ હોય છે બસ આપણી નજર પડતી નથી. આભાર દોસ્ત. આવતીકાલે તારી સાથે આવીને ફોર્માલિટી પૂરી કરી દઈએ અને આનંદ ચૌદસે શ્રીજીની વિદાયની સાથે આ ઘર અને મુંઝવણમાંથી મુક્ત થઈને નવી જિંદગીના શ્રીગણેશ કરી દઈએ.' - રાજેન્દ્રભાઈએ કહ્યું અને ચારેયના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.