વામન કદના નવદીપ સિંઘની પ્રતિભાની પેરિસ પેરાલિમ્પિકમાં વિરાટ સિદ્ધિ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- માત્ર ચાર ફૂટ ચાર ઈંચ ઊંચાઈ ધરાવતા નવદીપને એક સમયે જે લોકો 'બૌના' કહીને ચીડવતા તેઓ જ આજે પેરાલિમ્પિકના સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તેના ગુણગાન ગાતા થાકતા નથી
કા ગડા અને કોયલનો રંગ એક સરખો - કાળો - જ છે, તો તેમાં ભેદ શું ? પણ જ્યારેે વસંત ઋતુ આવે છે, ત્યારે આખી દુનિયા આંખથી નહીં પણ કાનથી કાગડાં અને કોયલનો ભેદ સ્પષ્ટ રીતે ઓળખી શકે છે - દેવભાષા સંસ્કૃતના જાણીતા સુભાષિતમાં દુનિયાના એ રહસ્યને કેદ કરવામાં આવ્યું છે કે, જે પ્રથમ દ્રષ્ટીએ સાવ સાધારણ અને નગણ્ય લાગે છે, તે જ સમય આવે એવી વિશેષતાને દર્શાવે છે કે, જે સમગ્ર સૃષ્ટીનું મન હરી લે છે. આ સમયે જ તેની ખરી કિંમતનો અહેસાસ થાય છે. સુભાષિતમાં રજુ કરવામાં આવેલા પંંખીના રુપકો હકીકતમાં મનુષ્યના ગુણોની જ અભિવ્યક્તિ છે. એ દર્શાવે છે કેે, દુનિયા એક સમયે જેને સાવ નગણ્ય કે ઉપેક્ષાનું પાત્ર માની લે છે, તે જ તેના ગુણો થકી તેમના જ હૃદયમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કરી લે છે.
ફેશનની રાજધાની તરીકે વિશ્વવિખ્યાત એવા પેરિસમાં યોજાયેલા દિવ્યાંગોનાં મહા રમતોત્સવ - પેરાલિમ્પિક્સમાં ભારતના વામન કદના એથ્લીટ નવદીપ સિંઘે ભાલા ફેંકની સ્પર્ધામાં જબરજસ્ત દેખાવ કરતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરતાં આખી દુનિયામાં તેનું પોતાનું અને દેશનું નામ ગુંજતુ કરી દીધું છે. માત્ર ચાર ફૂટ અને ચાર જ ઈંચની ઊંચાઈ ધરાવતા નવદીપ સિંઘને ભાલા ફેંકની રમતમાં વૈશ્વિક સ્તરે તેની પ્રતિભાનો એવો વિસ્તાર કર્યો છે કે, જેના કારણે એક સમયેે તેના વામન કદની મજાક ઉડાવનારા જ આજે તેના વખાણ કરતાં થાકતાં નથી.
દ્રઢ નિશ્ચય અને મક્કમ ઈરાદા સાથે મહેનત કરનારા નવદીપ સિંઘે આજે તેના રાજ્ય હરિયાણાની જ નહીં પણ સમગ્ર દેેશની ઓળખ બનવાનું ગૌરવ હાંસલ કરી લીધું છેે. તેની સફળતાએ દેશના લાખ્ખો દિવ્યાંગો ને જ નહીં પણ સર્વાંગોને પ્રેરણા પૂરી પાડી છે કે, જો મનુષ્ય ધારેે તો ગમે તેવી પરિસ્થિતિમાંથી - ગમે તેટલી ઉપેક્ષા સહન કરીને પણ એટલી ઊંચાઈને હાંસલ કરી શકે છે કે, જેના થકી તેની આસપાસના સહુનું મસ્તક તેના તરફ દ્રષ્ટિપાત કરતાં સહજતાથી ગૌરવની લાગણી સાથે ઊંચકાઈ જાય !
દિવ્યાંગ એથ્લીટ્સ માટેના પેરાલિમ્પિકમાં ૨૩ વર્ષના નવદીપ સિંઘે એફ૪૧ કેટેગરી કે જે વામન એથ્લીટ્સ માટેની છે, તેમાં ભાલા ફેંકની સ્પર્ધામાં ૪૭.૩૨ મીટર દૂર સુધી ભાલો ફેંકવામાં સફળતાં મેળવી. સ્પર્ધાના અંતે નવદીપ બીજા ક્રમે હતો એટલે તેને રજત સફળતા મળી હતી. તેના જેવી જ શારીરિક મર્યાદા ધરાવતા ઈરાનના ૩૭ વર્ષના એથ્લીટ સાદેઘ બૈત સહાદે ૪૭.૬૪ મીટરનો થ્રો કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુુ અને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો. જોકે જીતના જશ્નમાં સહાદે તેની બેગમાંથી એક કાળા રંગનો ધ્વજ કાઢીને લહેરાવ્યો હતો. હવે પેરાલિમ્પિકના નિયમ અનુસાર એથ્લીટ માત્ર પેરાલિમ્પિકનો કે પછી પોતાના દેશનો ધ્વજ જ લહેરાવી શકે. આમ તેણે નિયમનો ભંગ કરતાં તેને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ.
ફૂટબોલની જેમ ઓલિમ્પિક તેમજ પેરાલિમ્પિકમાં પણ નિયમ ભંગ કરનાર ખેલાડીને બે યલો કાર્ડ બાદ રેડકાર્ડ દેખાડીને ગેરલાયક ઠેરવીને સ્પર્ધામાંથી બહાર કરી દેવાય છે. સહાદે અગાઉ સ્પર્ધામાં શાનદાર દેખાવ બાદ પ્રેક્ષકો સામે જોઈને હાથ વડે ગળું કાપતો હોય તેવો ઈશારો કર્યો હતો. આ કારણે તેને અગાઉ એક યલો કાર્ડ મળી ચૂક્યું હતુ અને સુવર્ણચંદ્રક જીત્યા બાદ તેણે લહેરાવેલો કાળો ધ્વજ એ તેનો બીજો નિયમ ભંગ હતો અને આ કારણે તેને ગેરલાયક ઠેરવીને સ્પર્ધામાંથી બહાર કરી દેવાયો હતો અને ભારતના નવદીપ સિંઘને રજતને બદલેે સુવર્ણચંદ્રક વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
સહાદ તેને દેખાડવામાં આવેલા રેડફ્લેગને કારણે સમજી ગયો હતો કે, તેેને સ્પર્ધામાંથી ગેરલાયક ઠેેરવીને બહાર કરવામાં આવ્યો છેે. આ કારણેે તે ધુ્રસ્કે-ધુ્રસ્કે રડવા લાગ્યો હતો. આ સમયે ખેલદિલીનું અનુકરણીય ઉદાહરણ રજુ કરતાં નવદીપ તેની પાસે ગયો હતો અને તેને ભેટીને સાંત્વના આપવાની કોશીશ કરતો જોવા મળ્યો હતો. ઈરાને પેરાલિમ્પિક કમિટિના નિર્ણયની સામે અપીલ કરી હતી. જોકેે તેમની દલીલોને નકારી કઢાઈ હતી અને આખરે નવદીપ સિંઘને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેણે ભારતીય રમત ઈતિહાસમાં આગવું સ્થાન હાંસલ કરી લીધું હતુ.
ચાર વર્ષ પહેેલા ટોકિયોમાં યોજાયેેલા પેરાલિમ્પિકમાં ચોથા ક્રમે રહેતા નવદીપ થોડા માટેે ચંદ્રક ચૂકી ગયો હતો, પણ તેનો એ વસવસો પણ આ વખતના સુવર્ણચંદ્રકે દૂર કરી દીધો હતો. ભારત માટે નવદીપનો સુવર્ણચંદ્રક એટલા માટે મહત્વનો હતો કારણ કે તે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો સાતમો સુવર્ણ હતો, ભારતે આ સાથે પેરાલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર એક જ રમતોત્સવમાં સાત સુવર્ણની સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતીય આવકવેરા ખાતાની બેંગાલુરુ સ્થિત કચેરીમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નવદીપની સફળતાએ આખા દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ. જોકે, અંગત રીતે તેને એ બાબતનો અફસોસ રહ્યો કે, તેેના પિતા દલવીર સિંઘ પુત્રની સીમાચિહ્નરુપ સિદ્ધિ જોવા માટેે આ દુનિયામાં હયાત નહતા. તેઓનું બે મહિના પહેલા જ અવસાન થયું હતુ. અલબત્ત, પિતાનું સ્વપ્ન સાકાર કરવાનું ગૌરવ તેની આંખોમાં ચમકતું જોઈ શકાય છેે.
હરિયાણાના પાનીપતમાં આવેલા બાના લાખુ નામના નાનકડા ગામના ગ્રામસચિવ દલવીર અને તેમની પત્ની મુકેશ રાનીના પરિવારમાં ૧૧મી નવેમ્બર, ૨૦૦૦ના રોજ પુત્રનો જન્મ થયો. તેનું નામ કુળના નવદીપક તરીકે 'નવદીપ' પાડવામાં આવ્યું. તે માત્ર બે વર્ષનો થયો, ત્યારે તેેના માતા-પિતાના માથે વજ્રાઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. ડોક્ટરે કહ્યું કે, તમારા પુત્ર ડ્વારફિસમ (વામન કદ)નો છે. દલવીર રાષ્ટ્રીય કક્ષાના પહેલવાન રહી ચૂક્યા હતા. તેમણે અને તેમની પત્નીએ નવદીપની સારવાર માટે તમામ પ્રયાસો કરી જોયા પણ કોઈ ઉપચાર કામ ન લાગ્યો. આખરે તેમણેે વાસ્તવિકતાને સ્વીકારી લીધી.
ખડતલ અને મજબૂત બાંધાના હરિયાણી લોકોની વચ્ચે જીવવું નવદીપ માટેે આસાન ન હતુ. ઘણા તેના વામન કદની મજાક ઉડાવતા તેને બૌના... બૌના કહીને ચીડવતા પણ ખરા. છાશવારે ્રગ્રામજનોના ઉપહાસનું પાત્ર બનતો નવદીપ ઘણી વખત દિવસોના દિવસો ઘરમાં જ પુરાઈ રહેતો. તેના પિતાને આ વાત મંજૂર નહતી. તેમણે નવદીપને કેટલાક પુસ્તકો તો આપ્યા જ સાથે સાથે સમાજ સામે લડવાનો જુસ્સો પણ આપ્યો. ઉપહાસને નજરઅંદાજ કરીને જિંદગીને આગળ વધારવાની કુશળતા નવદીપ તેના પિતા પાસેથી શીખ્યો. શરુઆતમાં તેણે પિતાની જેમ કુસ્તીના અખાડા પર પસંદગી ઉતારી. જોકે પીઠની ઈજાના કારણે તેનું એ અભિયાન લાંબુ ન ચાલ્યું.
શાળાજીવન દરમિયાન જ તેણે જુદી-જુદી એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેવાનું શરુ કર્યું અને તેમાં સફળતા મેળવવા માંડી. દિવ્યાંગ બાળકોની સાથે સાથે તે સર્વાંગોની સાથે હરિફાઈમાં આગળ નીકળી જતો અને આ કારણે તેને ૨૦૧૨માં રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેની આ સફળતાને પગલે ગામમાં તેને આગવું સન્માન પ્રાપ્ત થયું.
અલબત્ત, કેટલાક લોકો હજુ પણ તેને હાંસીનુ પાત્ર જ માનતા. આ દરમિયાન જ તેણે પેરા એથ્લેટિક્સમાં જોડાવાનું નક્કી કર્યું. શરુઆતમાં તેને કોઈ ચોકક્સ રમત તરફ આકર્ષણ નહતું. જોકે ગામની પરિસ્થિતિને જોતાં તેને લાગ્યું કે, મારે જો આગળ વધવું હશે તો અહીંથી બહાર નીકળવું પડશે.
નવદીપ જિંદગીની નવી રાહ તલાશી રહ્યો હતો, ત્યાં જ ૨૦૧૬માં નીરજ ચોપરાએ પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં વિશ્વવિક્રમ સર્જતાં સુવર્ણચંદ્રક જીતી લીધો. નીરજની આ સફળતાને પરિણામે નવદીપે ભાલા ફેંક પર પસંદગી ઉતારી. તેણે કિશોરવયમાં જ નવી દિલ્હીમાં નવલ સિંઘના માર્ગદર્શનમાં તાલીમ શરુ કરવાનો નિર્ણય લીધો. પુત્રની સ્થિતિ અને ગામની પરિસ્થિતિથી વાકેફ તેના પિતા અને પરિવારજનોએ તેને દિલ્હી જવાની છૂૂટ આપી. જ્યાં તેણે અન્ય પેરા એથ્લીટ્સની સાથે પ્રેક્ટિસ શરુ કરી.
સખત મહેનત અને કંઈક કરી દેખાડવાના ઈરાદાને સહારે તેણે ભાલા ફેંકમાં તેની કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવા માંડી. તેણે જુનિયર એશિયા પેરા ગેમ્સમાં તેમજ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડયો. આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતાને પગલે તેને આવકવેરા ખાતામાં નોકરી પણ મળી ગઈ. જેેના કારણેની ઘણી સમસ્યાનો અંત આવી ગયો. જોકે તે મોટાભાગે તેના સાથી એથ્લીટ્સની જોડે રહેવાનું પસંદ કરતો. બેંગાલુરુના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરમાં તાલીમ મેળવનારા નવદીપની એથ્લીટ તરીકેની કારકિર્દીને આગળ ધપાવવા તેના પિતાએ એલઆઇસીની પોલીસી પર લોન લઈને તેને ભાલો પણ ખરીદી આપ્યો હતો.
૨૦૧૯ની વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં તેણે પેરાલિમ્પિકમાં ક્વોલિફાય કરવામાં સફળતા મેળવતા નવમો ક્રમ મેળવ્યો. ટોકિયોમાં કોરાનાના કારણે એક વર્ષ વિલંબથી યોજાયેલા ટોકિયો પેરાલિમ્પિકમાં નવદીપે અસરકારક દેખાવ કરતાં ચોથો ક્રમ મેળવ્યો. જોકે તે થોડા માટે બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો. ટોકિયોની નિષ્ફળતા બાદ નવદીપે નવેસરથી તૈૈયારી શરુ કરી અને ભૂતપૂૂર્વ નેશનલ ચેમ્પિયન અને ભારતીય પેરા એથ્લેટિક્સના કોચ વિપિન કસાનાના માર્ગદર્શનમાં મહેનત કરવા લાગ્યો. તેણે એક વર્ષની સખત મહેનત બાદ દુબઈમાં યોજાયેલી પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે પેરિસ ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો. નવદીપની પ્રતિભાને નિખારવા માટે ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરની ભૂમિકા પણ નિર્ણાયક રહી છે.
નવદીપને સખત મહેનતની સાથે સાથેે ભાગ્યએ પેરિસ પેરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક અપાવ્યો છેે. પોતાના વ્યક્તિત્વને સાબિત કરવાના લાંબા સઘર્ષ બાદ સફળતાના શિખરે પહોંચ્યા બાદ નવદીપે તેના જેવા તમામ દિવ્યાંગોને સામાજીક સન્માન આપવાની ભાવુક અપીલ કરી. પેરાલિમ્પિકની સફળતાને પગલેે નવદીપનો આત્મવિશ્વાસ તો વધ્યો જ છેે, સાથે સાથે તેના જેવા હજ્જારો દિવ્યાંગોને જિંદગીની લડાઈને વધુ જોશ સાથે લડવાની પ્રેરણા મળી છે.