જીવનનું સ્મિત આપતા રવિન્દર .

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
જીવનનું સ્મિત આપતા રવિન્દર                                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- અગણિત ચહેરા પર સ્મિત અને આશાનું કિરણ અર્પનાર આ ડૉક્ટર વધુ ને વધુ દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા માગે છે

તે લંગણાના વારંગલ જિલ્લાના અંતરિયાળ ગામમાં આજથી ચાર દાયકા પહેલાં રવિન્દરનો જન્મ થયો હતો. પિતા દૈનિક વેતન કામદાર તરીકે કામ કરતા  હતા અને માંડ માંડ પરિવારનું ગુજરાન ચાલતું હતું. પિતાની ઇચ્છા પોતાના બંને પુત્રોને અભ્યાસ કરાવવાની હોવાથી તેઓ અથાગ મહેનત કરતા. રવિન્દરને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પણ તે માટે તેને રોજ આઠ કિમી. ચાલીને સ્કૂલે જવું પડતું હતું. ઠંડી, સખત તાપ કે વરસાદ - ગમે તેવી ઋતુ હોય, પણ તે સ્કૂલે જતા. સ્કૂલમાં મકાન અને શિક્ષકનો અભાવ હોવાથી એક શિક્ષક બાળકોને વૃક્ષની નીચે અભ્યાસ કરાવતા. નેવુંના દાયકામાં આ જગા માઓવાદી વિસ્તાર તરીકે ઓળખાતી હતી. આવા અનેક પડકારો વચ્ચે પણ રવિન્દર ચોકીદારે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. અનેક જાણીતા અને અજાણ્યા લોકોએ તેને પુસ્તકો આપ્યાં અને માર્ગદર્શન માટે સગવડ કરી આપી. વળી આર્થિક સહાય મેળવીને નજીકના ગંગારામ ગામમાં મેડિકલનો ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હૈદરાબાદની ઓસ્માનિયા મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કર્યો.

ડૉક્ટર થયા બાદ વારંગલની કાકતીય મેડિકલ કૉલેજમાંથી જનરલ સર્જન અને લેપ્રોસ્કોપીમાં માસ્ટરની ડિગ્રી મેળવી. ૨૦૦૯માં પિતાને ફેફસાનાં કૅન્સરની બીમારી આવી, ત્યારે રવિન્દર ડૉક્ટર હોવા છતાં ઈલાજ અંગે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા, પરંતુ સાથી મિત્રો અને અન્ય લોકોની સહાયથી સારવાર થઈ અને પિતા ત્રણ વર્ષ જીવ્યા. જીવનની આ ઘટનાએ રવિન્દરને વિચારતા કરી મૂક્યા. તેને થયું કે એક ડૉક્ટર તરીકે એમને આર્થિક રીતે આટલી બધી મુશ્કેલી પડી, તો સામાન્ય માણસનું તો શું ગજું ? એમણે વિચાર્યું કે જરૂરિયાતવાળા દર્દીઓને તો સ્વાસ્થ્યસેવા પોષાય તેવી કિંમતે મળવી જોઈએ અને એમાંથી જન્મ થયો સુશ્રુત ફાઉન્ડેશનનો.

આ ફાઉન્ડેશન દ્વારા ડૉકટર ગામડાંઓમાં દર અઠવાડિયે કેમ્પ કરતા, જરૂર લાગે ત્યાં સર્જરીની ફી લેતા નહીં અને જે દર્દીઓને ફી આપવાનું પોષાય તેવું હોય તેની પણ સામાન્ય ફી લેતા. વિદ્યાર્થીઓને પુસ્તકો અને ટયૂશન ફી આપતા. ગંગારામમાં મેડિકલ ઑફિસર તરીકે કામ કર્યા બાદ મહબૂબાબાદમાં ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું. અહીં તેમણે જોયું કે દર્દીઓ સારવાર કે સર્જરી કરાવવા આવે છે તેમને ખૂબ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેટલાક દૈનિક કામદારો કે ખેતમજૂરો સાઠ કિમી. દૂરથી આવતા અને આ બધી પ્રક્રિયામાં એક દિવસ થતો તે પછી બીજા અઠવાડિયે એમને સર્જરી માટે બોલાવવામાં આવતા. આમ તેમના ચારથી પાંચ દિવસ વેડફાતા તો રોજેરોજ કમાણી કરીને ગુજરાન ચલાવતી વ્યક્તિઓ નેતો આ પોષાય નહીં. આવી પરિસ્થિતિ જોઈને તેમને પોતાનું બાળપણ યાદ આવ્યું. તેમણે વિચાર્યું કે તેઓ દરેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થયા છે. ગરીબાઈભર્યું જીવન કેવું હોય તેની તેમને બરાબર ખબર હતી. તેથી બીજા લોકોને એમાંથી પસાર થવું ન પડે તે માટે ડૉ. રવિન્દર ચોકીદાર પ્રયત્નશીલ હતા.

૨૦૧૬માં તેમણે સુશ્રુત હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવ્યું. સ્વાસ્થ્યસંભાળ એક અધિકાર છે, એવી સમાન વિચારસરણી ધરાવતા પાંચ ડૉક્ટરો સાથે આ હોસ્પિટલ શરૂ કરી. જેમાં ફિઝિશિયન, કૅન્સર નિષ્ણાત, સર્જન, કૅન્સર સર્જન અને પેટના રોગોના નિષ્ણાતનો સમાવેશ થતો હતો. આ હોસ્પિટલમાં દવા અને એનેસ્થેશિયાની ફી વીસ ટકા રાખી છે અને બહાર કરતાં અહીં ચોથા ભાગનો ખર્ચ થાય તેવી વ્યવસ્થા કરી છે. ડૉ. રવિન્દર મેડિકલ કૉલેજમાં સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ફરજ બજાવે છે અને તે પછી રાતના દસ વાગ્યા સુધી સુશ્રુત હોસ્પિટલમાં દર્દીઓને તપાસે છે. દર રવિવારે મિત્રોની મદદથી આજુબાજુનાં સાઠ ગામડાંઓમાં વારાફરતી કેમ્પ કરે છે. ત્રીસ કિમી. દૂર કેમ્પમાં એક વ્યક્તિએ પોતાની બહેનને ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું છે, પણ તે આર્થિક પરિસ્થિતિને કારણે કરાવી શકે તેમ નથી, તે જાણતાં જ ડૉકટરે એની પાસેથી માત્ર એક બોટલ લોહીના પૈસા લઈને સર્જરી કરી આપી, તો રુકમિન્ના નામની સ્ત્રીને પેટમાં બાર કિલોની ગાંઠ હતી તેનો ખર્ચ અન્ય હોસ્પિટલમાં સાત લાખ કહ્યો હતો, તે આ હોસ્પિટલમાં આઈ.સી.યુ. અને દવા સાથે સિત્તેર હજારમાં ઓપરેશન થયું. અત્યારે મેડિકલમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની મદદ કરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓના ઘરે જઈને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. રવિન્દર ચોકીદારને કોઈ વારસાગત મિલકત નથી મળી કે બીજી કોઈ સ્થાવર મિલકત નથી, પરંતુ તેમની સાથે કામ કરતાં અન્ય પાંચ ડૉક્ટર પોતાની આવકના વીસ ટકા આ ફાઉન્ડેશન અને હોસ્પિટલમાં આપે છે. જેમાંથી સર્જીકલ સાધનો પણ ખરીદવામાં આવે છે. ડૉ. રવિન્દરનું એક જ લક્ષ્ય છે કે આજે જ્યારે મેડિકલ સારવાર આટલી મોંઘી બની ગઈ છે, ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત સારવાર મળે અને પોતાનું જીવન શાંતિથી જીવે. અગણિત ચહેરા પર સ્મિત અને આશાનું કિરણ અર્પનાર આ ડૉક્ટર વધુ ને વધુ દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા માગે છે.

સંઘર્ષનું બીજું નામ : સુસાન

કે ન્યાના કિરિયાંગા કાઉન્ટીમાં જન્મેલી સુસાન ચોમ્બાનું બચપણ અનેક અભાવ વચ્ચે વીત્યું. સુસાનની માતાને તેમના એક સગાંએ થોડી જમીન ભાડે આપી હતી તેના પર કેપ્સીકમ અને ફણસીની ખેતી કરતી હતી અને તેમાંથી મા-દીકરીનું ગુજરાન ચાલતું હતું. જોકે માતાનો ઘણો સમય ખેતરમાં વીતતો હોવાથી સુસાન તેના નાની પાસે વધારે રહેતી હતી. માતા પોતે તો ક્યારેય સ્કૂલે ગઈ નહોતી, પરંતુ પોતાની દીકરી સુસાનને સમજાવતી કે ગરીબીની ખાઈમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે અને તે છે શિક્ષણ. તે નવ વર્ષની થઈ, ત્યારે માતાએ વિચાર્યું કે તેને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મૂકીએ તો ભવિષ્ય ઉજ્જ્વળ બને. તે સુસાનને લઈને સ્થાનિક બોર્ડિંગ સ્કૂલમાં ગઈ, પરંતુ તેનાં કપડાં અને તેની પરિસ્થિતિ જોઈને જ કર્મચારીઓએ પ્રવેશની ના પાડી દીધી. છેવટે પશ્ચિમ કેન્યાની એક બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ મળી ગયો, પરંતુ થોડા સમય પછી માતા પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી તે કિરિયાંગા ગામમાં પાછી આવી અને સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા લાગી.

સ્કૂલમાં દરેકને જમીનનો નાનો ટુકડો આપ્યો, જેમાં વિદ્યાર્થીઓએ કોઈ પણ એક  વસ્તુ ઊગાડવાની હતી. એમના અભ્યાસક્રમનો આ ફરજિયાત ભાગ હતો. સુસાને તેમાં કોબીજ વાવી અને રાસાયણિક જંતુનાશકોના ઉપયોગ વિના જૈવિક ખેતીનો પ્રયોગ કર્યો અને તેની કોબીજનો પાક સારો થયો. આનું એક કારણ એ હતું કે નોબેલ પારિતોષિક વિજેતા વાંગરી મથાઈના વનસંરક્ષણના અભિયાનનો એ સમયે યુવા પેઢી પર ઘણો પ્રભાવ હતો. હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સુસાન કાયદાનો અભ્યાસ કરવા માગતી હતી, પરંતુ પરીક્ષામાં એક પોઇન્ટ ઓછો આવવાથી તેમાં પ્રવેશ ન મળ્યો. તેની બીજી પસંદગીનો વિષય હતો ખેતીવિષયક અર્થશાસ્ત્ર, પરંતુ કોઈ કારણસર તેને વનવિદ્યાના કોર્સમાં પ્રવેશ મળ્યો. તેણે વિચાર્યું કે આ વિષયનો અભ્યાસ કરવો એ જ તેની નિયતિ હશે. સુસાનને સંશોધનમાં વધુ રસ હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતાં જ તેને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર રીસર્ચ ઈન એગ્રોફોરેસ્ટ્રીમાં નોકરી મળી ગઈ અને થોડાં વર્ષોમાં આઠ દેશોમાં 'રીગ્રીનીંગ આફ્રિકા' અંતર્ગત આફ્રિકાની દસ લાખ હેક્ટર જમીનને પુન:સ્થાપન કરવાના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી.

સુસાન પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી હતી. હવે એને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી, તેથી તે આગળ અભ્યાસ કરવા માગતી હતી. લંડનની બઁગોર યુનિવર્સિટીમાં માસ્ટર કરવાની તક હતી, પરંતુ તેની સમસ્યા એ હતી કે એનો પુત્ર નાનો હતો. ઇતિહાસ જાણે પુનરાવર્તન પામતો હોય તેમ તેની નજર આગળ તેની માતાએ એકલા હાથે તેને મોટી કરી અને નાની પાસે રહી, તેવી જ રીતે તેના પુત્રને એકલા હાથે ઉછેરતી સુસાનને તેની માતાએ હિંમત આપી. એણે સમજાવી કે જીવનમાં આવી તક વારંવાર નહીં આવે અને તેના પુત્રને નાની પાસે મૂકીને વધુ અભ્યાસાર્થે લંડન ગઈ. લંડનની બઁગોર યુનિવર્સિટી અને ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ અને એગ્રોફોરેસ્ટ્રીમાં ડબલ માસ્ટર કર્યું અને ત્યારબાદ કોપનહેગન યુનિવર્સિટીમાંથી ફોરેસ્ટ ગર્વનન્સ વિષયમાં પીએચ.ડી. કર્યું.

આજે ૪૧ વર્ષના સુસાન ચોમ્બા કેન્યામાં જંગલોનો વિનાશ થતો અટકાવવા, જમીનને ઉજ્જડ થતી રોકવા અને અનાજની પરિસ્થિતિમાં પરિવર્તન આવે તે માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા અને યુવાનો સાથે કામ કરી રહ્યાં છે, જેથી સારી રીતે ખેતી થાય. પોતાના અનુભવે સરકાર અને સંશોધકોને જલવાયુ પરિવર્તનના સંકટ સામે વધુ મજબૂતીથી ટકી શકે એવા સમુદાયો ઊભા કરવા જોઈએ તેમ જણાવે છે. તેઓ સંશોધનના આધારે કહે છે કે માનવસર્જિત આપત્તિ જ નહીં, પરંતુ કુદરતી આપત્તિઓની પણ સૌથી ઊંડી અને વધુ અસર મહિલાઓ અને બાળકો પર પડે છે, તેથી તે આફ્રિકી દેશોમાં પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક ખેતી અંગે સ્થાનિક લોકોને જાગૃત કરી રહ્યાં છે. સ્થાનિક જમીન અને વાતાવરણને અનુકૂળ વૃક્ષો વાવવા જોઈએ તેમ તેનું માનવું છે.

આજે વિશ્વમાં મહિલા પર્યાવરણ વિજ્ઞાની ઓછા છે અને તેમાંય આફ્રિકામાં તો ભાગ્યે જ પર્યાવરણ વિજ્ઞાની જોવા મળે છે, પરંતુ આ ક્ષેત્રમાં સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ તેનું કારણ દર્શાવતા સુસાન કહે છે કે પુરુષોનું ઊર્જાના પુન:પ્રાપ્ય સ્ત્રોતો પર વધુ ધ્યાન હોય છે, જેમકે ઓઇલ અને ગેસ. પરંતુ વિશ્વમાં લાખો સ્ત્રીઓ રસોઈ માટે લાકડાંનું બળતણ વાપરે છે. ખાસ કરીને ગામડાંની ગરીબ સ્ત્રીઓ. એ માટે કોઈ ઉપાય શોધવાની જરૂર છે. આફ્રિકામાં પંદર વર્ષનો નીતિવિષયક, ગવર્નન્સ ખેતી અને ગામડાના વિકાસનો અનુભવ ધરાવતી સુસાન જે સંશોધન થયું છે તેને અમલમાં મૂકવાનું અને તે અંગે કામ કરવાની વચ્ચે અંતર રહે છે તેને દૂર કરવા ચાહે છે. તે કહે છે કે આફ્રિકાનાં નાનાં ખેડૂતોનું જીવન અને રોજગારી બદલવામાં નવા સંશોધનો મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે. સંશોધન તેમના સુધી પહોંચે, ત્યારે તે અત્યંત અસરકારક બને છે. તેઓ પાયાના સ્તરે જઈને કામ કરે છે. આજે સુસાન ચોમ્બા વર્લ્ડ રીસોર્સીઝ ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર છે જેના હાથ નીચે એકસો વ્યક્તિ કામ કરી રહ્યા છે. સૌથી વધુ પ્રદૂષણ કરનારા દેશો કે જેમની પાસે આ સ્થિતિ સુધારવા માટે આર્થિક તાકાત પણ છે, પરંતુ પાયાનું કામ થતું નથી અને વૈશ્વિક નેતાગીરી નિષ્ક્રિય છે, એ વાતનું તેમને અત્યંત દુ:ખ છે.


Google NewsGoogle News