Get The App

બ્રહ્મજ્ઞાન તો તમારા ભીતરમાં વસે છે!

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
બ્રહ્મજ્ઞાન તો તમારા ભીતરમાં વસે છે! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય, ઉદય અને અસ્ત સ્વભાવથી જ થતા રહે છે અને જે વ્યક્તિ પાસે આવું દર્શન હોય છે, તે નિર્વિકાર અને કલેશરહિત આત્મા સરળતાથી અતિશય શાંતિ પ્રાપ્ત કરે છે

આ જની આપણી અનોખી સત્સંગ સભામાં પધાર્યા છે શ્રી અષ્ટાવક્ર મુનિ. આ એક નૂતન પ્રકારની સત્સંગ સભા છે. કોઈ મહાત્મા, સંત, સાધુ કે કોઈ ઉપદેશક ધાર્મિક પ્રવચન આપે, ત્યારે સત્સંગનું સર્જન થાય છે, પણ અહીં આપણે એક વિશિષ્ટ પ્રકારના સત્સંગનો પ્રારંભ કર્યો છે. જેમાં આપણા દેશના મહાન ઋષિઓ, મુનિઓ, યોગી,  સંત કે મુમુક્ષુએ આપેલા ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનનાં કૂટ પ્રશ્નોનાં ઉત્તર આલેખીએ છીએ. અહીં એમના સત્સંગમાંથી એમનું મુખ્ય તત્વજ્ઞાન ઉજાગર કરતા વિચારો આલેખીએ છીએ કે જેથી વાચકને એનું સંકલન એ મહાન સંત કે મહાત્માના અથવા તો વિચારકના ગહન વિચારોનો અર્ક આપે.

અષ્ટાવક્ર મુનિની આવી વિશિષ્ટ વિચારધારા વિશે અગાઉ આપણે જોઈ ગયા. વેદવ્યાસ રચિત મહાભારતમાં અષ્ટાવક્રની કથા મળે છે. એથીયે વિશેષ તો અરુણાચલના સંત શ્રી રમણ મહર્ષિએ એને વિસ્તાર અને રોચક રીતે વર્ણવી છે. અહીં આપણે એમના જીવન વિશેની માહિતી પર જરા દ્રષ્ટિપાત કરી લઈએ.

તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે, 'તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ?' ગર્ભમાં રહેલા બાળકના આવા વાંકા પ્રશ્નને સાંભળી ગુસ્સે થયેલા પિતાએ ગર્ભને શાપ આપ્યો કે, 'તારાં આઠે અંગો વાંકા થશે.' આથી તેમનું નામ અષ્ટાવક્ર પડયું, કારણકે તેમનાં આઠે અંગો વાંકા હતા. એક પરંપરા એમ માને છે કે પિતા ગર્ભવતી પત્નીનું ધ્યાન રાખતા ન હોવાથી ગર્ભે પિતાનો તિરસ્કાર કર્યો તેથી આઠે અંગે વાંકા થવાનો શાપ કહોડે આપેલો. ગમે તેમ હોય, તેઓ આઠે અંગે વાંકા હતા.

કહોડ ઋષિ જનક રાજાના દરબારમાં જ્ઞાની તરીકે જાણીતા હતા. વરુણદેવે પોતાના પુત્ર બંદીને સારા પંડિતોને હરાવી જળમાં ડુબાડીને પોતાના યજ્ઞાનો વિધિ કરાવવા માટે વરુણલોકમાં મોકલવાનો આદેશ આપી મોકલેલો. બંદીએ પિતાની આજ્ઞા મુજબ જનક રાજાના દરબારમાં રહેલા કહોડ વગેરે જ્ઞાની પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી શરત મુજબ જળમાં ડુબાડી મોકલી આપ્યા. પરિણામે અષ્ટાવક્ર પોતાના મોસાળમાં મામા સાથે રહ્યા અને પ્રબળ પુરુષાર્થ કરીને સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. માતામહ ઉદ્દાલકના ખોળામાં બેસવા જતાં અષ્ટાવક્રને માતા શ્વેતકેતુએ રોક્યા. ઉદ્દાલક તારા પિતા નથી એવું મામાએ કહ્યું એટલે માતા સુજાતા પાસેથી પિતાને બંદીએ શાસ્ત્રાર્થમાં હરાવી જલમાં ડુબાડયા હોવાની વાતની એમને ખબર પડી. પોતાના માતામહ ઉદ્દાલકની પ્રેરણાથી તેમણે બંદી સાથે શાસ્ત્રાર્થ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. તેઓ પોતાના મામાની સાથે જનક રાજાના દરબારમાં ગયા અને બંદીને શાસ્ત્રાર્થમાં હરાવીને શરત મુજબ પાણીમાં ડુબાડવાનો ભય તેના મનમાં ખડો કર્યો. આથી બંદીએ પોતાના પિતા વરુણદેવનો યજ્ઞા સમાપ્ત થયો હોવાથી અષ્ટાવક્રના પિતા કહોડ અન્ય પંડિતો સાથે જીવતા જ જળમાંથી બહાર નીકળશે એમ કહ્યું. પિતા કહોડને પાણીમાંથી પાછા મેળવીને, જનક રાજાનો ઘણો સત્કાર પામીને પિતા અને મામા સાથે અષ્ટાવક્ર પાછા ફર્યા. માર્ગમાં મધુવિલા નામની નદીમાં પિતાના કહેવા મુજબ સ્નાન કરવાથી અષ્ટાવક્રનાં આઠે અંગો સીધાં થઈ ગયાં. એ પછી મોસાળ જઈ માતાપિતા સાથે તેમના મૂળ આશ્રમમાં પહોંચી અષ્ટાવક્ર ત્યાં જ રહ્યા. અષ્ટાવક્રના તત્વજ્ઞાનની વાતો ઉપનિષદો, મહાભારત, અષ્ટાવક્રગીતા, અષ્ટાવક્રસંહિતા વગેરેમાં પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્રના તત્ત્વજ્ઞાનની અસર પાછળના તત્ત્વજ્ઞાન પર અત્યંત ગાઢ પણે પડેલી છે.

પ્રત્યેક અધ્યાત્મશોધકે 'અષ્ટાવક્રગીતા'નો ગહન અભ્યાસ કરવો પડે. આમ તો આ ગીતામાં શિષ્ય એની શંકા પ્રગટ કરે છે અને ગુરુ એનો ઉત્તર આપે છે એ રીતે આલેખન કરવામાં આવ્યું છે એક અર્થમાં કહીએ તો એના દ્વારા સાધક, જિજ્ઞાસુ કે મુમુક્ષુને સૂક્ષ્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવો આ પ્રયોગ છે. વૈદિક પરંપરામાં શિષ્યની શંકાનું ગુરુ સમાધાન આપે તે પ્રકારનું આલેખન જોવા મળે છે, જેમાં શિષ્ય એનાં પ્રશ્નો, સંશયો અને મૂંઝવણો પ્રગટ કરે છે અને ગુરુ એને એનો ઉત્તર આપે છે.

આવું ગુરુ-શિષ્યના સંવાદ દ્વારા અષ્ટાવક્રગીતામાં ગહન આત્મચિંતન પ્રગટ થયું છે. વેદકાળની શિક્ષણપ્રણાલીમાં આવી રીતે ધાર્મિક જ્ઞાન પ્રગટ કરવામાં આવતું હતું અને અષ્ટાવક્રગીતાના સંદર્ભમાં મહાન સંત શ્રી રમણ મહર્ષિ તો જનક અને અષ્ટાવક્ર વિશે થયેલો સંવાદ એ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનાં સંવાદ કરતાં પણ વધુ રોચક માને છે. એમણે વિસ્તારપૂર્વક શ્રી અષ્ટાવક્ર મુનિની કથા આલેખેલી છે. અહીં એ કથામાં ન જતા અરુણાચલના સંત શ્રી રમણ મહર્ષિએ આ ગ્રંથ વિશે પ્રગટ કરેલી ભાવના જોઈએ.

'અષ્ટાવક્ર ગીતાની કથા એમ શીખવે છે કે બ્રહ્મજ્ઞાન માટે પૂર્ણ આત્મસમર્પણ તથા 'હું' અને 'મારું'નું ગુરુને સમર્પણ જરૂરી છે. શેષ રહે છે, એ સત્ય છે. પછી બ્રહ્મજ્ઞાન કેટલો સમય લેશે, એ કહેવું શક્ય નથી. એ એક પેંગડામાં પગ નાખ્યા પછી બીજાં પેંગડામાં પગ નાખવા જેટલા સમયમાં પ્રાપ્ત થાય છે એમ કહેવું ભૂલભરેલું છે. જે ક્ષણે અહંકારનું પૂર્ણ સમર્પણ થાય છે, ત્યારે જ આત્મા પ્રકાશિત થાય છે. બ્રહ્મજ્ઞાન કોઈ બહારની વસ્તુ નથી કે ક્યાંક દૂર જઈને મેળવવાની વસ્તુ નથી. જે હંમેશા તમારી સાથે છે. તે તમે છો.

શ્રી અષ્ટાવક્ર મુનિના આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિશેનાં વિચારો જોઈએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ એ ઇંદ્રિયો પ્રત્યેની આસક્તિ છે. તેઓ કહે છે કે જે મુક્તિ ઇચ્છતા હોય એણે ઇંદ્રિયોનાં વિષયોનો ત્યાગ કરવો જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચેય ઇંદ્રિયોનાં વિષયોનો વિષની જેમ ત્યાગ કરવો જોઈએ, કારણકે વ્યક્તિ આ વિષયોના ઉપભોગની પાછળ દોડતો રહે છે અને એનાથી આ જીવ સંસારચક્ર રૂપી મૃત્યુને પ્રાપ્ત કરે છે.

આ સંદર્ભમાં એક એવી જિજ્ઞાસા વ્યક્ત કરવામાં આવી કે, 'વિષય-ભોગનો ત્યાગ કરવાથી શરીર ટકી શકતું નથી. મોટા મોટા ઋષિમુનિઓએ પણ તેનો ત્યાગ કર્યો નથી, તેમ છતાં એમને આત્મજ્ઞાન ઉપલબ્ધ થયું છે,' ત્યારે શ્રી અષ્ટાવક્ર મુનિનો ઉત્તર છે,' એ વાત સાચી છે, પરંતુ સ્વરૂપગત રીતે તેનો ત્યાગ કર્યો ન હોય, પરંતુ ઘણી વાર આસક્તિને કારણે ચિત્ત વ્યાકુળ રહે છે. સદૈવ એ ઇંદ્રિય લાલસામાં મન રોકાયેલું હોય તો તે આસક્તિ કહેવાય. એ આસક્તિનો ત્યાગ કરવો એનો અર્થ જ એ કે તમામ વિષયોનો ત્યાગ કરવો અને આને માટે વ્યક્તિએ ક્ષમા, આર્જવ, સરળતા, દયા, સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કરવું જોઈએ. મન, વચન, અને કર્મની સરળતા, નિખાલસ વર્તન, નિર્દોષ વાણી અને ઇચ્છાનો ત્યાગ કરવામાં આવે એટલે સાધકનો સંતોષ અને સત્ય સાથે અતૂટ નાતો બંધાય છે.'

જીવનમાં માનવી પરિવારથી સુખ પામતો હોય છે. એ પોતાની પત્નીથી સુખ પામતો હોય છે, પોતાના સંતાનોથી સુખ પામતો હોય છે. આમ એને પોતાના જીવનમાં અનેક પ્રકારનું સુખ મળે છે, તો પછી એ સહુનો અનાદર કરીને એનો ત્યાગ કઈ રીતે કરી શકાય ?

આ સંદર્ભમાં મુનિ અષ્ટાવક્રએ આપેલો ઉત્તર જોઈએ. 'મિત્ર, જમીન, ધન, સ્ત્રી, સગાસંબધી વગેરે ત્રણ કે પાંચ દિવસના જ છે. એમને સ્વપ્નવત્ કે ઇન્દ્રજાળની જેમ  માયામય જાદુના ખેલની જેમ જો. જમીન, સોનું, પત્ની મિત્રો, સંપત્તિ વગેરે બીજું કંઈ જ નથી, પરંતુ પાણી પરના પરપોટા છે. એ શાશ્વત નથી. જે કાંઈ સનાતન છે તથા જે કાંઈ સ્થળ, કાળથી પર છે એને પામવાનો પ્રયત્ન કરીએ.'

આ સંદર્ભમાં વિચારવું જોઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય, ઉદય અને અસ્ત સ્વભાવથી જ થતા રહે છે અને જે વ્યક્તિ પાસે આવું દર્શન હોય છે, તે નિર્વિકાર અને કલેશરહિત આત્મા સરળતાથી અતિશય શાંતિ પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિ પોતાના જીવનમાં આવતી આપત્તિ, વિપત્તિ કે સંપત્તિ અંગે એવું વલણ ધરાવે છે કે આ સઘળું પ્રારબ્ધથી મળેલું હોય છે અને એથી જે કોઈ પરિસ્થિતિ હોય છે એમાં એ તૃપ્ત રહે છે અને આવો શાંત ઇંદ્રિયોવાળો સાધક કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખતો નથી, ઇચ્છા કરતો નથી અને કશું પ્રાપ્ત ન થાય તો એનો શોક કરતો નથી. આત્મજ્ઞાનના વિષયમાં અષ્ટાવક્રગીતાના પંથે હવે પછી આગળ ચાલીશું.

(ક્રમશ:)


Google NewsGoogle News