અહંકાર મૃત્યુ પામે ત્યારે આત્મા જન્મે છે .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- આમ તો આપણે સૌ જીવન ટાવરમાં ફસાયા છીએ. જયારે નામના કે કામના, સિદ્ધી-કે સફળતાની પાંખો મળે ત્યારે ભૂલી જઈએ છીએ કે : ઉડાન ઇશ્વરીય છે, માનવીય નથી; પ્રાસંગિક છે, કાયમી નથી.
એ ક એવી વાયકા છે કે માણસ જ્યારે જન્મ લે છે ત્યારે તેના કાનમાં ઈશ્વર ફૂંક મારીને કહે છે કે 'લોકો ભલે માને કે ન માને પણ તું મારું શ્રેષ્ઠ સર્જન છે.' કદાચ, નમ્ર ઓળખ આપણી કરોડરજ્જુ છે- ઊર્જા છે પણ અહંકાર પહાડ છે-બોજ છે. અહંકાર એક જ એવો દુશ્મન છે જે આપણી સામે નહીં -આપણી અંદર વસે છે.
આપણું ભારત અને ગ્રીસ બન્ને દંતકથાઓમાં ભારે સમૃધ્ધ છે. આ દંતકથા ઐતિહાસિક સત્યો નથી પણ તેમાં માનવીય સત્યો ખૂબ છે. આવો મળીએ એક કથાને. એથેન્સમાં ડેઈડલસ નામનો એક અદભૂત શિલ્પી-સ્થપતિ-સર્જક થઈ ગયો. તેને સત્તા, જ્ઞાન અને ડહાપણનું પ્રતીક ગણવામાં આવતો. ઈશ્વરે તેને સજા કરેલી કારણ કે તેણે જે જ્ઞાન ન'તું લેવાનું તે પણ લીધેલું. એકવાર એથેન્સના પાડોશી રાજ્ય ક્રેટેના રાજા મિનોઝે મિનોટોર (માનવ દેહ અને બળદનું માથું ધરાવતો રાક્ષસ)ને પકડયો તે સૌને રંજાડતો હતો. તેથી રાજાએ સ્થપતી ડેઈડલસ અને તેના દીકરા ઈકારસને ભૂલભુલામણીવાળી કેદ બાંધવા બોલાવ્યા પછી તે કેદમાં મિનોટોરને બાંધ્યો. સમય જતા રાજાને વાંધો પડતા તેણે ડેઈડલસ અને ઈકારસને પણ દરિયા તટે આવેલા પત્થરોના એક ઊંચા મિનારામાં કેદ કર્યા. ત્યાંથી ભાગી છૂટવા તેજસ્વી ડેઈડલસે એક યુક્તિ કરી. તે બન્નેને મળતા અન્નમાંથી તે બચાવી રાખતો. તે બચાવેલ અન્ન દરિયાઈ પંખીઓ (સીગલ્સ) ને લલચાવવા ઉપયોગમાં આવતું. ધીમે ધીમે ડેઈડલસ આ પંખીના પિંછા એકઠા કરવા લાગ્યો. તેમને મળતી મીણબત્તીમાંથી તે મીણ પણ બચાવવા લાગ્યો. આખરે આ પિંછા અને મિણથી તેણે પોતાના બન્ને માટે પાંખો બનાવી. પાંખોથી ઉડીને ભાગી જવાની પળ આવી. ડેઈડલસે પુત્ર ઈકારસને ઉડતા પહેલા ચેતવ્યો,
'જો બેટા, ખૂબ ઊંચે ન જતો - વિવેક રાખજે. સૂર્યના કિરણો મીણ ઓગાળી નાખશે તો પાંખો વિખેરાઈ જશે.' અને બન્ને છૂટયા-ઉડયા. નીચે તો બધાને આ બન્ને દેવદૂત કે ઈશ્વર લાગ્યા. ગામ ક્રેટે તો દેખાતું બંધ થયું. પછી તો બન્નેને નીચે અપાર ભૂરાશ, અપરંપાર અવકાશ, પાંખોની હળવાશ અને મુક્ત શ્વાસ અનુભવાયો. ઈકારસ તો પોતાને સૂર્ય-પુત્ર માનતો હતો. તેથી તે પિતાની ચેતવણી ભૂલી ગયો અને તે ઊંચે અને વધુ ઉંચે ઉડવા લાગ્યો.. અને મિણ ઓગળવા લાગ્યું, પીંછા વિખેરાવા લાગ્યા અને પાંખો ઓસરવા લાગી. તેણે મદદની ચીસો પાડી પણ વ્યર્થ. આખરે, ઈકારસ દરિયામાં પટકાયો અને ડૂબ્યો હા, સપાટી પર થોડા પિંછા વધ્યા જયારે બચી ગયેલ પિતા ડેઈડલસ એકલો જ ઘરે પાછો આવ્યો, વિષાદ અને હતાશા સાથે. એપોલોના મંદિરમાં પાંખો ટાંગી આવ્યો, ઉડવાનું છોડયું.
અહંકાર વિનાશ લાવે છે તેવા સંદેશની આ વિશ્વવિખ્યાત કથા છે. આમ તો આપણે સૌ જીવન ટાવરમાં ફસાયા છીએ. જયારે નામના કે કામના, સિદ્ધી-કે સફળતાની પાંખો મળે ત્યારે ભૂલી જઈએ છીએ કે : ઉડાન ઇશ્વરીય છે, માનવીય નથી; પ્રાસંગિક છે, કાયમી નથી. આપણે પણ મીણ (ભ્રમ) ઓગળે અને પિંછા (નામના) વિખેરાય તે પહેલા ભૂમિ પર ઉતરી આવવાનું છે. ઉડાનનો સ્વાદ લઈ પાછા ફરી જવાનુ છે. આપણે પણ યાદ રાખીએ કે, ધરતી પરના માણસ છીએ, આકાશી પંખી નથી. આકાશી મુગ્ધતા અને ઉન્નતતા ક્ષણભંગુર છે. કહેવાય છે કે અહંકાર મરે તો આત્મા જન્મે છે અને અહંકારની લડાઈમાં પરાજિત જ વિજેતા બને છે.