વિશ્વવિક્રમ ભૂલી ગયો, પણ વેદના યાદ રહી ગઈ!
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- પ્રથમ ત્રીસ દડા સાવધાનીથી રમ્યા બાદ લારાએ મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવવાનું શરૂ કર્યું અને પ્રથમ દિવસે એ 86 રન સાથે નોટ આઉટ રહ્યો
ક્યા રેક આનંદથી ઉછળતા સુખની આસપાસ જ હ્ય્દયવિદારક દુ:ખ વસે છે. ખેલાડીએ કોઈ ભવ્ય સિદ્ધિ મેળવી હોય, પરંતુ એ સિદ્ધિ ભુલાઈ જાય અને એમાં થયેલી એક ભૂલ સદાને માટે યાદ રૂપે તરવરે એવું પણ બને છે. આપણા ખુદના જીવનમાં જોઈએ તો જીવનનાં પરમ આનંદના પ્રસંગોએ પણ થોડુંક દુ:ખ તો ક્યાંક છુપાયેલું હોય છે જ ! વિશ્વના મહાન બેટ્સમેનોમાંનાં એક તરીકે ગણના પામનારા બ્રાયન લારાના જીવનમાં સિદ્ધિ અને અસિદ્ધિએ કેવો ખેલ ખેલ્યો છે, એનો અંદાજ ૨૦૦૪ના એપ્રિલ મહિનામાં વેસ્ટઈન્ડિઝ ટાપુના સેન્ટ જ્હોન્સના એન્ટીગુઆ રી-ક્રિએશન ગ્રાઉન્ડમાં ઈગ્લેન્ડ સામે ટેસ્ટમેચ ખેલતા થયો હતો.
એ સમયે બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમનો રાહબર હતો, પણ સુકાની તરીકે ઈગ્લેન્ડ સામેની એ શ્રેણીમાં એક પછી એક હાર પામતો લારા એન્ટીગોઆની મેચ ખેલવા આવ્યો હતો. ઈગ્લેન્ડ આખી શ્રેણી જીતીને વ્હાઈટવોશ કરવા ચાહતું હતું. લારાએ ટોસ જીત્યો, પણ ઈગ્લેન્ડના ગોલંદાજો અગાઉ જેવો આતંક ફેલાવે નહીં, તે માટે એણે પહેલાં તો ગોલંદાજી કરવાનો વિચાર કર્યો, પરંતુ પછી સમર્થનો સામે ચાલીને સામનો કરવો જોઈએ, એવા પોઝિટિવ ખ્યાલ સાથે એણે બેટિંગ પસંદ કરી.
બ્રાયન લારા માટે આ સંદર્ભમાં ટેસ્ટમેચ જીવન-મરણના જંગ સમાન હતી. એ શરૂઆતના થોડા દડા રમ્યો, પરંતુ એક દડાને મિડ-ઓફ તરફ લગાવવા ગયો અને નજીક ઊભેલા ફિલ્ડર જ્હોન્સના હાથમાં આવ્યો. જોકે અમ્પાયરે એ અપીલ સ્વીકારી નહીં. જ્યારે ઈગ્લેન્ડના ખેલાડીઓને પાકી ખાતરી હતી કે લારાના બેટને અડીને દડો પાછળ ગયો છે. ઈગ્લેન્ડના સુકાની માઈકલ વોગ પરેશાન થઈ ગયા. બીજી બાજુ લારાનો સ્વભાવ જાણનારા કહેતા હતા કે એ જો આઉટ હોય તો અમ્પાયર સામે જોયા વિના મેદાનમાંથી વિદાય લઈ લેનારો ખેલાડી છે.
પ્રથમ ત્રીસ દડા સાવધાનીથી રમ્યા બાદ લારાએ મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવવાનું શરૂ કર્યું અને પ્રથમ દિવસે એ ૮૬ રન સાથે નોટ આઉટ રહ્યો. બીજા દિવસે અડધા કલાકમાં તો એણે સદી પૂરી કરી. આ બેટિંગ પાછળ એનો ઈરાદો કોઈ અંગત વિક્રમ રચવાનો નહોતો. પરંતુ ઈગ્લેન્ડને ટેસ્ટમાં પરાજય આપવાનો હતો. બીજા દિવસની રમતમાં એની આંખ દડા પર બરાબર ટેવાઈ ગઈ હતી. વળી ઈગ્લેન્ડના ઝડપી ગોલંદાજોની જલદતા ઓછી થતી હતી અને પછી તો એમ લાગતું હતું કે બ્રાયન લારાને આઉટ કરી શકે એવો કોઈ ગોલંદાજ નથી. માત્ર લારા જ લારાને આઉટ કરી શકે તેમ છે ! આવી ભવ્ય રમત ખેલતા એ ૩૧૩ રન સાથે અણનમ રહ્યો અને એની ટીમના ૫૯૫ રન થયા.
જેમ ટોસ જીતીને બેટિંગ લેવી કે નહીં એવો સવાલ લારાના મનમાં હતો. એવો જ એક સવાલ એ ઊભો થયો કે ટીમના ૫૯૫ રન થયા છે, તો હવે દાવ ડિક્લેર કરવો કે નહીં ? બીજી બાજુ વરસાદ આવવાની પણ દહેશત હતી અને જો એવું થાય તો છેલ્લે દિવસે ખેલવું મુશ્કેલ બને એવું હતું. કોઈ પણ સંજોગોમાં ઈગ્લેન્ડ વિજય મેળવે નહીં એવો સુકાની લારાનો પાકો ઈરાદો હતો. સામે પક્ષે નોટઆઉટ લારા પાસે વેસ્ટ ઈન્ડિઝના ચાહકો વિશ્વવિક્રમ ચાહતા હતા. આથી જો એ દાવ ડિક્લેર કરે તો તોફાન થાય એવી પણ દહેશત હતી. આમ એક બાજુ ઈગ્લેન્ડના 'વ્હાઈટવોશ'થી બચવાનું હતું અને બીજી બાજુ ટીમની સામે આવીને ઊભેલી વિજયની તક ઝડપવાની હતી. એવો પણ વિચાર કરતો હતો કે દાવ ડિકલેર કરી ઈગ્લેન્ડને આઉટ કરી, એને ફોલ-ઓન કરી અને છેલ્લે દિવસે જીત માટે કેસરિયાં કરવાં.
આવા અનેક પ્રશ્નાર્થો વચ્ચે લારા એની આદત મુજબ ત્રીજા દિવસે સવારે ગોલ્ફ ખેલવા ગયો. પોતાની કારકિર્દી દરમિયાન લારા ક્યારેય કયા પ્રકારનો સ્ટ્રોક લગાવવો તે અગાઉથી વિચારતો નથી, નિર્ધારિત કરતો નથી. ઘણા બેટ્સમેને પોતાની છઠ્ઠી ઇંદ્રિયને બેટિંગમાં કામે લગાડીને ખેલતા હોય છે. સ્પીનરો સામે તો લારા ક્યારેય અમુક પ્રકારના નિશ્ચિત સિદ્ધાંતથી ખેલતો નહોતો. ઘણા ખેલાડીઓ સ્પીનરમાં દડા ક્યાં સ્પીન થશે એ જાણીને અગાઉથી એ પ્રમાણે સુસજ્જ રહેતા હોય છે. જ્યારે લારા ગોલંદાજના હાથમાંથી છૂટેલો દડો હવામાં હોય, ત્યારે નક્કી કરતો હોય છે કે જોરદાર સ્ટ્રોક માટે કૂદકો લગાવવો કે પછી ક્રિસની પાછળ રહીને ખેલવું અથવા તો ક્રિસની પાછળ રહીને દડાને અટકાવવો.
એ સમયના ઓસ્ટ્રેલિયાના શેન વોન અને શ્રીલંકાના મુરલીધરન સામે પણ લારાની ખેલવાની આ જ પદ્ધતિ હતી. એમના હાથમાંથી દડો છૂટે અને હવામાં હોય, ત્યારે એ ક્યા પ્રકારનો સ્ટ્રોક લગાવવો, તે નક્કી કરતો હતો. એની આ પદ્ધતિને કારણે એવું પણ બન્યું કે એની બાર વર્ષની ટેસ્ટ કારકિર્દી દરમિયાન એ ક્યારેય સ્ટમ્પ આઉટ થયો નહીં !
પછી દિવસે લારા એટલા જ ધ્યાનથી રમ્યો. મિડોનના સ્થાન પરથી એટલો ઊંચો દડો ફટકાર્યો કે ખેલાડીઓના સ્ટેન્ડમાં જઈને પડયો અને લારાનો ટેસ્ટ રનનો જુમલો ૩૭૪થી ૩૮૦ થયો. એણે મેથ્યૂ હેડનના વિક્રમની બરાબરી કરી અને પછી એક બાઉન્ડ્રી લગાવીને ૩૮૪એ પહોંચ્યો. લારાના મનમાં કોઈ ખ્યાલ નહોતો કે હેડનના વિક્રમને તોડી નાખવો. આ અગાઉ જ્યારે ૨૦૦૩માં લારા જમૈકામાં હતો, ત્યારે એને એના વકીલે ઓસ્ટ્રેલિયાના પર્થના ડ્રેસિંગ રૂમમાં રહેલા હેડનને ફોન કરવા કહ્યું અને લારાએ એ સમયે એને અભિનંદન આપ્યા હતા. લારાના અગાઉના ૩૭૫ રનના વિક્રમને મેથ્યૂ હેડને ઝિમ્બાબ્વે સાથે ૩૮૦ રન કરીને જોડયો હતો. લારા સદી-બેવડી સદી અને ત્રેવડી સદીથી આગળ વધતો રહ્યો અને એણે અણનમ ૪૦૦ રન કર્યા. ઉત્સાહભેર ઉછળ્યો. જોકે આ સિદ્ધિ મળ્યા પછી એણે એક પ્રકારની રીલીફ અનુભવી.
જે મેચ જીતવા માટે બ્રાયન લારાએ કમર કસી હતી, એમાં એન્ટી ક્લાઈમેક્સ સર્જાયો. ઈગ્લેન્ડ ફોલોઓન થયું અને એ પછી બીજા દાવમાં એમની પાંચ વિકેટો પડી ગઈ હતી અને મેચનું રિઝલ્ટ મળે તેમ હતું. વેસ્ટ ઈન્ડિઝનો ગોલંદાજ સરવન લેગ બ્રેક નાખતો હતો અને ઈગ્લેન્ડના ફિલનટોફે સ્લીપ બાજુ દડાને ધકેલ્યો અને તે લારાના ડાબા હાથ તરફ આવ્યો. લારાએ એ દડો ઝડપથી લીધો, પણ એના બે આંગળા પર પટ્ટી લગાડેલી હોવાથી એ દડાને બરાબર ઝીલી શક્યો નહીં અને દડો એના હાથમાંથી પડી ગયો. છેક જમીન પર પડતો હતો, ત્યારે એણે એને પકડવાનો મરણિયો પ્રયાસ કર્યો, પરંતુ દડો જમીન પર પડયો અને વેસ્ટ ઈન્ડિઝના વિજયની આશા પણ એ કેચ છુટી જતા આથમી ગઈ.
હવે ખરી મજાની વાત એ છે કે ૨૦૦૪માં એન્ટીગોઆમાં બ્રાયન લારાએ અણનમ ૪૦૦ રન કર્યા. અગાઉ ઈગ્લેન્ડ સામે ૧૯૯૪માં એણે નોંધાવેલા ૩૭૫ રનનો ટેસ્ટ રેકોર્ડ નોંધાવ્યો હતો. એ પછી ૨૦૦૩માં મેથ્યૂ હેડને ઝિમ્બાબ્વે સામે ૩૮૦નો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે અણનમ નોંધાવનાર તરીકે ક્રિકેટના ઈતિહાસમાં એ વિશ્વપ્રસિદ્ધ બન્યો. ઘણી વખત એ ટેસ્ટ રેન્કીંગમાં પહેલા સ્થાને આવ્યો. એના એન્ટીગોઆમાં કરેલા અણનમ ૪૦૦ રને એને મહાન બેટ્સમેનોની હરોળમાં મૂકી દીધો, પણ બન્યું એવું કે આજે પણ જ્યારે જ્યારે લારા એ સિદ્ધિને યાદ કરે છે, ત્યારે ભવ્ય વિશ્વવિક્રમને બદલે એને એના હાથમાં છૂટી ગયેલો એ કેચ યાદ આવે છે, જે કેચને કારણે વેસ્ટ ઈન્ડિઝે વિજયની તક ગુમાવી હતી.
આ કેવી વિધિની વિચિત્રતા કે જેણે વિજયની આખી ઈમારત રચી, એને ભવ્ય ઈમારતની યાદ આવતી નથી, બલ્કે એના તૂટેલા એક ઝરૂખાની યાદ સતત મનમાં તરવર્યા કરે છે.
મનઝરૂખો
યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, 'આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?' ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, 'રોજ સવારે પ્રાર્થના કરવાની ઈચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી રાત જાગીને હું કામ કરું છું અને સવારે પણ મારું એ કામ ચાલુ જ હોય છે. સહેજે નવરો પડતો નથી અને તેથી પ્રાર્થના કરી શકતો નથી.'
'એટલે ? તું શું આખી રાત કામ કરે છે ?'
મોચીએ કહ્યું, 'હા, મારા વિસ્તારમાં ગરીબો વસે છે. એ આખો દિવસ કોઈના ઘરનું કામ કરે છે અથવા તો ખેતરમાં મજૂરી કરવા જાય છે. રાત્રે ઘેર પાછા ફરે પછી મને એમના તૂટેલા બૂટ-ચંપલ સાંધવા માટે આપી જાય છે. જો બીજે દિવસે સવાર પછી એ બૂટ-ચંપલ સાંધવાનું રાખું તો એ નોકરો અને મજૂરોને આખો દિવસ બૂટ-ચંપલ વિના ચલાવવું પડે, રસ્તાના કાંટા કે બળબળતો તાપ વેઠવો પડે. આથી આખી રાત હું એમના બૂટ-ચંપલ સાંધું છું. સવારે નવ વાગે એ બધા મારે ઘેર આવે ત્યારે હું એમને એમના બૂટ-ચંપલ સાંધીને આપી દઉં છું. સવારે પ્રાર્થના કરી શકતો નથી, તેથી મારો જીવ તો બહુ બળે છે.'
ધર્મગુરુએ પૂછ્યું, 'કેમ જીવ બળે છે ? શું થાય છે તને?'
'ક્યારેક ઉતાવળે પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવને આખો દિવસ ગોઠતું નથી. અને જો પ્રાર્થના યાદ આવે છે. વિચારું છું કે કેવો કમનસીબ છું હું અને આને કારણે મારો જીવ સતત બળ્યા કરે છે.'
ધર્મગુરુએ કહ્યું, 'જો હું ભગવાન હોત તો તારી વહેલી સવારની પ્રાર્થના કરતાં તારા બળેલા જીવથી તારા પર વધારે પ્રસન્ન થાત.'
ક્ષણનો સાક્ષાત્કાર
એ સીધેસીધું અને સ્પષ્ટ ગણિત છે કે તમે માનવી છો એટલે તમારી સામે પડકાર હોવાના જ. આવા પડકારથી ગભરાટ પામનારી વ્યક્તિ જીવનના બધા દાખલા ખોટા ગણતી હોય છે. બહેતર એ છે કે આવા પડકારથી ગભરાવવાને બદલે કે નાસી છૂટવાને બદલે આવનારા પડકારના સ્વાગત માટે આપણે આપણા જીવનનાં પ્રવેશ દ્ધાર ખુલ્લાં રાખીએ. ઘરમાં પડકાર પ્રવેશે અને તમે નથી, એનો અર્થ એ થાય કે તમે એનાથી એટલા બધા ભયભીત થઈ ગયા કે ઘર છોડીને નાસી ગયા છો. આવી વ્યક્તિને એનાં સ્વપ્નોની કોઈ કિંમત નથી, પોતાનાં જીવનસ્વપ્નોને સાકાર કરવાની ઈચ્છા નથી અથવા તો લક્ષ્યવેધ કરવાનો ઉત્સાહ નથી.
કારણ એટલું જ કે જિંદગીમાં તમે ક્યાંય પણ જશો, પડકાર તમારી પડખે જ હશે. ક્યારેક પડોશમાં આવીને ઊભો હશે. જગતમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈને કોઈ સંઘર્ષ ન હોય ! સંસારી હશે કે સાધુ હશે, ઉત્સાહી હશે કે આળસુ હશે, ધનવાન હશે કે નિર્ધન હશે, પણ એ બધાની સામે એક યા બીજા પ્રકારનો સંઘર્ષ ઊભો હોય છે. કોઈને બે ટંકનું ભોજન મેળવવાના સાંસાં હોય છે, તો કોઈને આરોગેલું મિષ્ટાન પચાવવાની પરેશાની હોય છે. કોઈની પાસે અઢળક સંપત્તિ હોય છે, પણ એની રાત બેચેન પસાર થાય છે. તો વળી કોઈ જીવનથી હતાશ થઈને લમણે હાથ મૂકીને જીવતો હોય છે, તો કોઈના જીવનમાં એવો અતિ ઉત્સાહ હોય છે કે એને કેમ કાબૂમાં રાખવો એ એને માટે સવાલ હોય છે.
આવા સંઘર્ષમાંથી જ જીવન પુષ્પ ખીલવવાનું હોય છે. એક અર્થમાં કહીએ તો એ સંઘર્ષ જ આપણામાં આત્મવિશ્લેષણનો માર્ગ બતાવે છે. બહારની દુનિયા છોડીને ભીતરમાં આપણે સવાલ કરીએ છીએ અને એનો ઉત્તર મેળવવા કોશિશ કરીએ છીએ. આ સંઘર્ષ જ આપણે માટે વિકાસની નવી દિશા ખોલી આપે છે.