Get The App

ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટ એસ્ટ્રોઇડનો વિનાશક ચહેરો સામે આવે છે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટ એસ્ટ્રોઇડનો વિનાશક ચહેરો સામે આવે છે 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૪ સપ્ટેમ્બર બુધવારના રોજ, આકાશ સામે ટેલિસ્કોપ રાખીને ૨૪ કલાક ચોકી કરનાર ખગોળશાસ્ત્રીઓ અને અંતરિક્ષ વિજ્ઞાની ઊંઘતા ઝડપાયા હતા. એક મીટરનો વ્યાસ ધરાવનાર એસ્ટ્રોઇડ 2024 RW1,પૃથ્વીના વાતાવરણમાં ઘૂસીને ફિલિપાઇન્સ ઉપર અગન ગોળો બની બળી ગયો હતો. એસ્ટ્રોઇડ કદમાં નાનો હોવાથી પૃથ્વીને કોઈપણ પ્રકારનું નુકસાન કરી શક્યો નથી. પરંતુ વિશાળ કદના એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય ત્યારે, ભયંકર તબાહી બચી શકે છે. આજથી ૬.૬૦ કરોડ વર્ષ પહેલાં, એક રાક્ષસી અવકાશી ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો. જેના કારણે પૃથ્વી ઉપર વસનારા ડાયનોસોરની સમગ્ર પ્રજાતિનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. આ ઘટનાને લગતો સંશોધન લેખ વિશ્વપ્રસિદ્ધ ઓગસ્ટ મહિનામાં  ''સાયન્સ'' મેગેઝીનમાં પ્રકાશિત થયો હતો. જેનું શીર્ષક હતું “Ruthenium isotopes show the Chicxulub impactor was a carbonaceous-type asteroid”. 

સંશોધન લેખમાં જણાવ્યા મુજબ અવકાશી ઉલ્કાપિંડ, ગુરુ ગ્રહની પેલે પારથી આવ્યો હતો. જેનો સામાન્ય અર્થ એ થાય કે મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે જે એસ્ટ્રોઇડ બેલ્ટ છે. તેમાંથી આ અવકાશી ઉલ્કાપિંડ આવ્યો ન હતો. ભવિષ્યમાં  ૬ જેટલા નાના મોટા એસ્ટ્રોઇડ, પૃથ્વીની મુલાકાતે આવી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે ''પૃથ્વીની નજીકથી પસાર થતા એસ્ટ્રોઇડ, પૃથ્વી સાથે અથડામણ ઊભી કરે છે કે નહીં? જોકે અહીં મૂળ વાત ૬.૬૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર ટકરાયેલા એસ્ટ્રોઇડની કરવાની છે. એસ્ટ્રોઇડ એટલે શું? પૃથ્વીથી તેને કેટલો ખતરો  છે?  તો ચાલો કરોડો વર્ષ પહેલા, પૃથ્વી સાથે અથડાયેલા એસ્ટ્રોઇડની ઓળખ મેળવીએ. જે બધા જ સવાલનાં જવાબ પુરા પડે છે.''

'સાયન્સ' જર્નલનો લેખ

''સાયન્સ'' જર્નલમાં પ્રકાશિત સંશોધન લેખ પ્રમાણે,  ટી-રેક્ષ તરીકે ઓળખાતી ડાયનોસોર પ્રજાતિનો જીવનકાળ ૨૦થી ૩૦ વર્ષ માનવામાં આવે છે. પૃથ્વી પર એસ્ટરોઈડ અથડામણ થયા બાદ, ટી-રેક્ષના જીવનકાળ કરતાં પણ ઓછા સમયમાં, સજીવ સૃષ્ટિ વિનાશના કિનારે પહોંચી ગઈ હતી. મેક્સિકોમાં ચિક્સુલુબ નામનો ક્રેટર કાર્બોનેસીયસ-પ્રકારનાં લઘુગ્રહની અથડામણના કારણે સર્જન પામ્યો હતો. આ અથડામણના કારણે પૃથ્વીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સમયરેખા દોરાઈ છે. જે ક્રેટેસિયસ અને પેલેઓજીન સમયગાળા વચ્ચેની સીમાને રેખાંકિત કરે છે. વિજ્ઞાનીઓએ પૃથ્વીના ઇતિહાસના બે અલગ અલગ સમયગાળાના સેમ્પલ લીધા હતા. પ્રથમ સેમ્પલનો સમય ગાળો, ૬.૬૦ કરોડ વર્ષ પહેલા થયેલ અથડામણ દર્શાવતા, ભૂસ્તરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા પાંચ સેમ્પલ, ૪.૭૦ કરોડ વર્ષથી લઈને ૩૬ લાખ વર્ષ વચ્ચેની સમય રેખા ઉપરથી લેવામાં આવ્યા હતા. પ્રથમ પ્રકારના સેમ્પલમાં વિજ્ઞાનીઓને રુથેનિયમ સહિત પ્લેટિનમ-જૂથ તત્વોની ઉંચી માત્રા જોવા મળેલ છે. જેના ઉપરથી વિજ્ઞાનીઓ એવા તારણ ઉપર આવ્યા છેકે ''અહીં અથડાયેલ લઘુગ્રહ ટાઈપ સી પ્રકારનો લઘુગ્રહ હતો.'' બીજા પ્રકારના અન્ય પાંચ સેમ્પલમાં મળેલ આઇસોટોપિક સિગ્નેચર દ્વારા એવું જાણવા મળ્યું છેકે ''આ લઘુગ્રહનું બંધારણ સિલિસિયસ-પ્રકારના એસ્ટરોઇડ્સ સાથે વધારે સુસંગત બેસે છે.  '' કાર્બોનેસીયસ-પ્રકારનો લઘુગ્રહને ટાઈપ સી પ્રકારનાં લઘુગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ૭૫% લઘુગ્રહ, કાર્બોનેસીયસ-પ્રકારનાં એટલે કે સી-ટાઈપના જોવા મળ્યા છે. સિલિસિયસ-પ્રકારના એસ્ટરોઇડ્સને એસ-ટાઇપ એસ્ટરોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. S-પ્રકારના એસ્ટરોઇડ્સમાં જુનો, યુનોમિયા, એમ્ફિટ્રાઇટ, હર્ક્યુલિના અને આઇરિસનો સમાવેશ થાય છે. બધા જ એસ્ટ્રોઇડમાથી, ૧૭% એસ-ટાઇપ એસ્ટરોઇડ છે. જે એસ્ટ્રોઇડની ભ્રમણ કક્ષા પૃથ્વી નજીકથી પસાર થતી હોય તેને નિયર અર્થ ઓબ્જેક્ટ(NEOs)તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીને સૌથી વધુ ખતરો નિયર અર્થ ઓબ્જેક્ટથી રહેલો છે.

K-Pg બાઉન્ડ્રી 

આજથી ૬.૬૦ કરોડ વર્ષ પહેલાં, સી ટાઇપનો એક વિશાળ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાયો હતો. જેનો વ્યાસ લગભગ દસ કિલોમીટર જેટલો હતો. આ અથડામણમાં વિશાળ ક્રેટરની રચના થઈ હતી. આ ગોળાકાર ખાડાનો વ્યાસ ૨૦૦ kmઅને ઊંડાઈ ૧ km જેટલી છે.  વિજ્ઞાનના ઇતિહાસમાં,આ અથડામણ ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટ તરીકે જાણીતી છે. જેમાં ૧૦ કરોડ મેગાટન  TNT જેટલી ઊર્જાનો પુષ્કળ જથ્થો વાતાવરણમાં છૂટો પડયો હતો. દરિયામાં સુનામી આવી હતી. જંગલમાં આગ લાગી હતી. ધૂળ અને માટીનું એક વિશાળ વાદળ રચાયું, જેણે સૂર્યને આંશિક રીતે ઢાંકી દીધો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. પરિણામે વિજ્ઞાનીઓ જેને ''ન્યુક્લિયર વિન્ટર એટલે કે નાભીકિય શિયાળા તરીકે ઓળખાવે છે.'' તેવી આપત્તિજનક ઘટનાઓની આખી શ્રેણી શરૂ કરી હતી. પૃથ્વીના એક ભૂસ્તરમાં માટી અને કાંપના જમાવનું એક ખાસ પાતળું લેયર જોવા મળે છે. જેને વિજ્ઞાનીઓ K-Pg બાઉન્ડ્રી એટલે કે સીમા તરીકે ઓળખાવે છે.જે ક્રેટાસિયસ સમયગાળાના અંત અને સેનોઝોઇક યુગની શરૂઆતને અલગ સીમા રેખા તરીકે તરીકે ચિહ્નિત કરે છે. એસ્ટ્રોઇડની અથડામણના કારણે પેદા થયેલી પરિસ્થિતિએ, પૃથ્વી ઉપરથી વનસ્પતિ અને પ્રાણીઓની ૭૫% જેટલી પ્રજાતિનો  વિનાશ કર્યો હતો. એસ્ટ્રોઇડની સીધી જ અથડામણના કારણે સજીવો માર્યા ગયા ન હતા. પરંતુ અથડામણના કારણે સૂર્યપ્રકાશ વિના વનસ્પતિ અસ્તિત્વ ટકાવી રાખી શકી ન હતી. પૃથ્વી ઉપરથી ઉડી ન શકે તેવા ડાયનોસોર, ટેરોસોર, એમોનાઈટ અને મોટાભાગના દરિયાઈ સરિસૃપ અદ્રશ્ય થઈ ગયા હતાં. અથડામણથી છૂટી પડેલ ઊર્જાના કારણે પુષ્કળ તાપમાન પેદા થયું હતું.નજીકનાં દરિયા કિનારાના વિસ્તારોમાં, દરિયાનું પાણી પણ ઉકળવા લાગ્યું હતું. ઉકળતા પાણીમાં રહેલી સજીવ સૃષ્ટિ નાશ પામી હતી. માત્ર દૂર દરિયામાં વસનાર હાડકા વાળી માછલીઓ, શાર્ક, પક્ષીઓ, મગરો અને કાચબાઓ, પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ થયા હતા. આ ઘટનામાં કેટલાક સસ્તન પ્રાણીઓ પણ બચી ગયા. ઉત્ક્રાંતિચક્રમાં પસાર થયા બાદ સસ્તન પ્રાણીઓમાંથી મનુષ્યનો વિકાસ થયો છે. 

એસ્ટ્રોઇડ : વ્યાખ્યા અને વર્ગીકરણ 

૨૦૦૬માં પ્લુટોને કેવા પ્રકારનો ગ્રહ ગણવો? તે સમસ્યા ઊભી થઈ હતી. જેના કારણે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા, ખગોળશાસ્ત્રમાં વપરાતા કેટલાક શબ્દોની વ્યાખ્યા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂર્યમાળામાં ગ્રહ, વામન ગ્રહ, કે કોઈપણ ગ્રહનો કુદરતી ચંદ્ર ન હોય, તેવા અવકાશીપિંડ જેવા કે એસ્ટ્રોઇડ, કોમેટ- ધૂમકેતુ વગેરેની અલગ વ્યાખ્યા કરવામાં આવી હતી. આ પ્રકારની રચના માટે, યુનિયને માઈનોર પ્લેનેટ શબ્દ વાપરવાની ભલામણ કરી હતી. પરંતુ ઇન્ટરનેશનલ યુનિયન ઈચ્છે છેકે ''એસ્ટ્રોઇડ, ધૂમકેતુ વગેરે માટે સ્મોલ સોલાર સિસ્ટમ બોડી એટલે કે સૂર્યમાળાના નાના કદના પદાર્થ તરીકે તેમની ઓળખ આપવામાં આવે. સૂર્યમાળાના નાના કદના અવકાશીપિંડને આપણે માઇનોર પ્લેનેટ એટલે કે નાના ગ્રહ કે ગ્રહિકા કહી શકાય. જેનો મહત્તમ વ્યાસ ૧૦૦૦ કિલોમીટરથી લઈને એક મીટર સુધીનો હોય છે.''

એસ્ટ્રોઇડના બંધારણમાં રહેલ પદાર્થ મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જે મુજબ તેને સી-ટાઈપ, ડી-ટાઈપ,એમ-ટાઈપ, પી-ટાઈપ, એસ-ટાઈપ, વી-ટાઈપના એસ્ટ્રોઇડમાં વહેંચવામાં આવે છે. સી-ટાઈપનાં એસ્ટ્રોઇડમાં કાર્બન તત્વનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે.  જે પાણીની હાજરીમાં રચના પામ્યા હોય છે. તેનો રંગ અત્યંત ઘટ્ટ કાળો હોય છે.   ઘનતા દર ઘન સેન્ટિમીટર ૧.૭ ગ્રામ જેટલી હોય છે. ઘટ્ટ લાલ રંગના એસ્ટ્રોઇડ જેમાં કાર્બનિક સંયોજનોનું પ્રમાણ ભરપૂર હોય છે, એવા એસ્ટ્રોઇડને ડી-ટાઈપ કહે છે. જે એસ્ટ્રોઇડમાં ધાતુનું પ્રમાણ વધારે હોય જેમકે નિકલ અને આયર્નનું પ્રમાણ વધારે હોય, તેવા એસ્ટ્રોઇડને એમ ટાઈપના એસ્ટ્રોઇડ ગણવામાં આવે છે. એસ-ટાઈપ કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ એસ્ટરોઇડ મુખ્યત્વે સિલિકેટ ખનિજો અને નિકલ-આયર્નથી બનેલા છે. તેમનો દેખાવ સખત પથ્થર જેવો લાગે છે. તેઓ ચળકતા ઉજળા રંગ ધરાવે છે. કાર્બનિક રસાયણ ધરાવતા સિલિકેટ, કાર્બન અને નિર્જળ સિલિકેટ્સનું પ્રમાણે વધારે હોય તેવા એસ્ટ્રોઇડ, પી ટાઈપ તરીકે જાણીતા છે. પૃથ્વી ઉપર જોવા મળતા જ્વાળામુખી ખડકો અને બેસાલ્ટિક રોક જેવું બંધારણ ધરાવતા, અતિ નાના એસ્ટ્રોઇડને વી ટાઈપના એસ્ટ્રોઇડ કહે છે.

બિગ ફાઈવ ઇવેન્ટ

પૃથ્વીના ઇતિહાસમાં અત્યાર સુધી પાંચ મોટી સામુહિક વિનાશની ઘટનાઓ બની ચુકી છે. જેને વિજ્ઞાન ''બિગ ફાઈવ ઇવેન્ટ''તરીકે ઓળખે છે. પ્રથમ ઘટના આશરે ૪૪.૪ કરોડ વર્ષ પહેલાં બની હતી. જેમાં દરિયાઈ સજીવ સૃષ્ટિનો ૮૫ ટકા હિસ્સો ખતમ થઈ ગયો હતો. બીજી ઘટના ૩૭ કરોડ વર્ષ પહેલાં બની હતી. જેમાં ૭૫% જેટલી દરિયાઈ સૃષ્ટિ નાશ પામી હતી. ત્રીજી ઘટનામાં, ૨૫ કરોડ વર્ષ પહેલાં, સાયબીરીયામાં વિશાળ જ્વાળામુખી ફાટતા, દરિયાની ૯૬ ટકા પ્રજાતિ અને પૃથ્વી ઉપર વસનાર ૭૦% કરોડરજ્જુ ધરાવતી પ્રજાતિ ખતમ થઈ ગઈ હતી. આ ઘટનાને 'ગ્રેટ ડાઇંગ' તરીકે ઓળખવામાં આવે છે. ૨૦ કરોડ વર્ષ પહેલાં, પૃથ્વીના વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો હતો. જેથી પૃથ્વી પરની ૮૦ ટકા સજીવ પ્રજાતિ હંમેશા માટે લુપ્ત થઈ ગઈ હતી. પાંચમો સામૂહિક વિનાશ  ૬.૬૦ કરોડ વર્ષ પહેલાં, ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટના કારણે શરૂ થયો હતો.

ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટે વિજ્ઞાનના ઇતિહાસમાં એક નવું પ્રકરણ શરૂ કર્યું હતું. આ ઘટનાએ વૈશ્વિક આબોહવા પરિવર્તનને ઉત્તેજન આપ્યું હતું. ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટ મેક્સિકોના અખાતમાં આવેલ છીછરા સમુદ્રમાં થઈ હતી. જે વિસ્તાર હાઇડ્રોકાર્બનથી ભરપૂર હતો. અથડામણના ૧૦ કલાકમાં વિશાળ સુનામી આવી હતી. આર્જેન્ટીના સુધી ભૂકંપ અને ભૂસ્ખલન થયું હતું. નિષ્ણાતો સમજાવે છે કે સૂર્યનો પ્રકાશ ગુમાવવાથી જળચર પ્રણાલીનું સંપૂર્ણ પતન થયું હતું. પૃથ્વી ઉપર ૧૮ કરોડ વર્ષના સમયગાળામાં ઉત્ક્રાંતિના કારણે પેદા થયેલ વિવિધ સજીવ સૃષ્ટિ, ક્રેટેસિયસ બિંદુ પહોંચી હતી. જેનો એક જ ઝાટકે વિનાશ થયો હતો. આમ પૃથ્વી ઉપર વસવાટ કરનારી ૭૫% સજીવો નાશ પામ્યા હતાં. જેમાં પૃથ્વી ઉપરની ૫૦% જૈવિક વિવિધતા ખતમ થઈ ગઈ હતી.  ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટના કારણે, ભવિષ્યમાં સસ્તન પ્રાણીઓના ઉદય થવાનો મોકો મળ્યો. ઉત્ક્રાંતિ દરમિયાન મનુષ્યની લગભગ એક ડઝન જેટલી પ્રજાતિઓ અસ્તિત્વમાં આવી હતી. ભૂતકાળમાં ચિક્સુલુબ ઈમ્પેક્ટ ઈવેન્ટ ન બની હોત તો, કદાચ આજે પૃથ્વી ઉપર હોમો-સેપિઅન રાજ કરતાં ન હોત.


Google NewsGoogle News