મુજ પર હો કર ગુજર ગઈ દુનિયા મૈં તેરી રાહ સે હટા હી નહીં !

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
મુજ પર હો કર ગુજર ગઈ દુનિયા મૈં તેરી રાહ સે હટા હી નહીં ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- દિલ સે ફિલ્મમાં હતા એ જ ઈશ્કના સાત સ્ટેજ દિલકશી, ઉન્સ, મહોબ્બત, અકીદત, ઇબાદત, જૂનૂન ને મોતમાંથી પસાર થતી ફિલ્મ એટલે લૈલા મજનૂ

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,

તું મને જોતે, તો જોતી થઈ જતે દુનિયા મને !

મરીઝ જ લખી શકે એવો આ વજનદાર શે'ર છે. આશિક અહીં એટલો ગળાબૂડ છે આશિકીમાં કે એ માશૂકને કહે છે કે હું તારામાં એટલો પાગલ છું, તલ્લીન તન્મય છું કે મને તો જગત દેખાતું નથી ! પણ તું જો પ્યારથી મારી સામે જોઈ લે, તો એવા આનંદમાં તરબોળ થઈશ કે આખા જગતનું ધ્યાન મારી દીવાનગી પર જશે !

દિલ્હીમાં એક ફકીર હતો. મોહમ્મદ સૈયદ. ફૂરકન નામના ઘેલા પણ પ્રસિદ્ધ સૂફીનો એ શિષ્ય. અને શાહજહાંનો જ્યેષ્ઠ પુત્ર, વેદોને ફારસીમાં ઉતારનાર ઓલિયો દારા શિકોહ મોહમ્મદ સૈયદનો શાગિર્દ રહેલો. એટલો જ ચુસ્ત મઝહબી એવા કટ્ટર ઔરંગઝેબે શાસનમાં આવતા જેમ ભાઈ દારાને મરાવી નાખ્યો, એમ આ સૂફીને કેદ પકડયા. ગુનો શું ? એમણે કહેલું કે કાબાના સંગે અસ્બદ કે કાશીના શિવાલય બધામાં એ જ છે. હું યહૂદી પણ છું, હિંદુ પણ છું, મુસ્લિમ પણ છું - પરમને તો ક્યાં ઓળખવો, એના ભક્તોને જોઈ લઉં તો પણ તૃપ્ત થાઉં છું!

આવી વાતો તો શરિયા મુજબના ઇસ્લામિક દેશોમાં આજે પણ ઇશનિંદા- બ્લાસફેમી ગણાય છે, ને સજા થાય છે. તો ઔરંગઝેબે મોહમ્મદ સૈયદને શૂળી પર ચઢાવવા હૂકમ કર્યો. કહેવાય છે કે મોતને મીઠું કરવા પગથિયા ચડતા ચડતા એમણે એક ગીત ગાયું. આકાશ સામે હાથ ઉંચ કરી કહ્યું, 'ઓ મારા વ્હાલા પ્રીતમ, તું કોઈ પણ રૂપમાં આવે, તો તને ઓળખી જ લઉં છું. આજ આ શૂળી (ઉભા ભાલા જેવું મૃત્યુદંડનું યંત્ર જેમાં માણસને ગોળગોળ ફેરવી મારી નખાય !) ના રૂપમાં આવ્યો ! પરમ સૌભાગ્ય મારું. આ શરીર જ નડતર હતું તારી ને મારી વચ્ચે આજે એ પડી જશે. તારા- મારા મિલનને રોકતી દીવાલ ઢળી જશે. બૂંદ સાગરમાં ભળી જશે - શાશ્વત મિલન થઈ જશે !'

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે એવું નરસિંહ મહેતાએ લખ્યું. ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય કબીરે લખ્યું. લવ ઇઝ ધ ગ્રેટેસ્ટ કમાન્ડમેન્ટ એવું જીસસે કહ્યું. સમજતા ક્યા હૈ તૂ દીવાનગાને ઇશ્ક કો જાહિદ ? યે જાયેંગે જિસ જાનિબ... ઉસી જાનિબ ખુદા હોગા.. એવું જીગર મુરાદાબાદીએ કહ્યું. જાહિદ એટલે ધાર્મિક તપસ્વી. કહેવાતા પવિત્ર માણસો, ઉપરવાળાના બની બેઠેલા નીચેવાળા રખેવાળો. તો શાયર કહે છે કે પ્રેમમાં પાગલ થઈ સાનભાન ગુમાવી ચૂકેલા લોકો જ્યાં જશે, એ દિશામાં જ ઇશ્વર જડશે (ધર્મસ્થાનકોમાં નહિ !)

ઐસા ક્યૂં ? વો યૂં કિ પ્રેમ ખરેખરો રુંવાડે રુંવાડે ભરડો લઈ જાય એવું જેનામાં ભોળપણ, માસૂમિયત, ઇનોસન્સ વધુ હોય એને જ થાય. અને પ્રેમની મુખ્ય શરત જ છે, અહમને ઓગાળવો, ભલભલો શૂરવીર યોદ્ધો પોતાની પ્રેયસીના પગ ધોવા બેસે આ તાકાત પ્યારની જીતમાં છે. મુગ્ધ વિસ્મય બાળક જેવું ભોળું અને પૂર્ણ અહંશૂન્યતાની તાબેદારી આ બે બાબતો જ સદ્ભાવ ને સમર્પણ પેદા કરે, જે પરમાત્માના ઘરના ડાબા- જમણા દ્વાર છે ! પ્રેમમાં પ્રિયજનના મિલનની તડપ હોય, એટલું જ ભક્તને હરિદર્શન માટે હોય.

લવરનો મેસેજ આવવાથી મોબાઇલનો સ્ક્રીન ચમકે, એમ દિમાગમાં આતશબાજી ઝબકે છે. ગમે તેમ કરી દૂર બેઠાં પણ એની સાથે કોલ કે ચેટ કે ફોટો- મ્યુઝિક એક્સચેન્જ કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપડેટ કરીને પણ સાંનિધ્ય પામવાની ભૂખ ને એ મળ્યાનો હરખ હોય છે એ ઇશ્કે મિજાજી. અને આ જ આરઝૂ, આ જ ચાહત જે નથી દેખાતા છતાં બધે હાજર છે એવા અસ્તિત્વને યાને ભગવાનને પામવાની થાય - એ છે ઇશ્કે હકીકી.

ઇમ્તિયાઝ અલી સિનેમાની દુનિયાના સૂફી જ છે. એ કહે છે કે, 'મારી ઘણી ફિલ્મોમાં લૈલા મજનૂ છે.' તમાશામાં તો પિયુષ મિશ્રાના મુખે આખી વાર્તા કહેવડાવી છે. રોકસ્ટાર પણ એ જ ઝનૂન ને ફનાગીરી સ્ટોરી છે હતી, જેના શેડસ લવ આજકલ ટુમાં પણ હતા એટલે ૨૦૧૮માં ઇમ્તિયાઝ અલીએ પોતાની સીસ્ટમમાંથી લૈલા મજનૂની વાર્તા જ નિચોવીને લખી. પણ નિર્દેશન ભાઈ સાજીદને આપ્યું, પૂર્વ પત્ની પ્રીતિના કહેવાથી! સંગીત પ્રખ્યાત સિતારવાદક નિલાદ્રીકુમારને સોંપ્યું અને બેનમૂન મ્યુઝિક આપ્યું એમણે ! ત્યારે નવા ચહેરા તૃપ્તિ ડિમરી ને અવિનાશ તિવારીને લીધા. તૃપ્તિ તો 'રાષ્ટ્રિય ભાભી' એનિમલ ફિલ્મથી થઈ, અને ત્યારે ફ્લોપ ગયેલી ને હજી પણ ઓટીટી પર રહેલી રિ-રિલીઝ થઈ ચૂંટેલા સિનેમાઘરોમાં હમણાં ને નવેસરથી કાશ્મીરમાં સેટ થયેલી આ અમર પ્રેમકથાએ ઝંડા ફરકાવી દીધા. લેખક તેજસ વૈદ્યે આબાદ પકડયું છે કે ઇન્ટરવલ પહેલા ઇશ્કે મિજાજી છે અને ઇન્ટરવલ પછી ઇશ્કે હકીકી છે ! એક સમયે 'લવ એન્ડ ગોડ' (મહોબ્બત ઔર ખુદા) નામે સંજીવકુમારને લઈને મુઘલ-એ-આઝમ પછી કે. આસિફે મહત્ત્વકાંક્ષી ફિલ્મ બનાવવા ધારેલી લૈલા મજનૂની કહાની પર જે અધૂરી રહી ગઈને માંડ માંડ ટૂકડા જોડી રિલીઝ કરેલી પછી એચ. એસ. રવૈલની લૈલા મજનૂ બની (હુશ્ન હાજિર હૈ મહોબ્બત કી સજા પાને કો, કોઈ પથ્થરસે ના મારે મેરે દીવાને કો !) ને હિટ રહી.

ઇમ્તિયાઝ- સાજીદઅલીએ ફિલ્મ કાશ્મીરમાં સેટ કરી છે પણ પોલિટિકલ વાતો કરવા નહિ. નિહાયત નિતાંત ખૂબસૂરત માહોલ બનાવવા પ્રકૃતિના રંગોનો. વાર્તા પણ સાવ જૂની નથી રાખી. આજે લવને લીધે આપઘાત થાય, એ ક્લિનિકલ ડિપ્રેશન અને મોબાઇલ યુગની કન્યાઓનું ફ્લર્ટિંગ પણ છે આમાં (છ વર્ષ જૂની ફિલ્મને સદીઓ જૂની કહાની એટલે સ્પોઇલર્સ તો આવશે હોં કે !) તૃપ્તિ ખૂબસૂરત લાગે જ છે, પણ અવિનાશ તો દેખાવે એટલો ડીપ લાગે નહિ પણ મજનૂને રીતસર જીવી ગયો છે ! વારંવાર ક્યાં મળે છે આવી પ્રેમમાં ખુવાર કરીને પણ ઉદ્ધાર કરી દેતી કણસ ! (મીન્સ છાતીમાં ઉઠતી કાંટો ભોંકાયા જેવી તીવર ટીસ !)

પ્રેમ એ કસોટી છે પરમની, જેમાં બધું જ અધૂરું રહી જાય, ત્યારે પીડા પૂરી મળે!

********

દરેક દંતકથામય પ્રેમકથાની જેમ લૈલા-મજનૂનો ઐતિહાસિક તાગ મેળવવો અઘરો છે. બેદૂઈન કવિ કૈસ ઇબ્ન અલ મુલવ્વાહ અને એની પ્રેયસી લૈલા (લયલા) બિન મહાદીની આ લવસ્ટોરી છે. એક મત એવો છે કે બેઉ આજના સાઉદી અરબના વિસ્તારમાં થયેલા. આજે પણ રિયાધ પાસે લૈલાનગર છે. પણ ઘણા એને ઇરાની માને છે. આમે એની કથા પહેલીવાર પર્શિયન કવિ નિઝામી ગંજવીએ લખી. અગાઉ છૂટાછવાયા રેફરન્સીઝ મળતા. નિઝામીની ફારસી રચનાને આધાર બનાવી ૧૨૯૯માં અમીર ખુશરોએ લૈલા મજનૂ ભારતમાં લખી પછી જાની, શિરાઝી ને હાતેફીના વર્ઝન્સ આવ્યા જે તુર્કી સુધી પહોંચ્યા. ૧૭૮૮માં કલકત્તામાં સર વિલિયમ જોન્સે એ અંગ્રેજીમાં ઉતારી. એના ચિત્રો આજે એડિનબરોથી લંડન, પેરિસથી ન્યુયોર્ક બધા મ્યુઝિયમ્સમાં જોવા મળે. ફુઝુલી નામના કવિએ સ્ટોરી અઝરબૈજાનમાં સેટ કરી.

પણ એ જાણો છો કે, લૈલા- મજનૂની બાજુબાજુમાં મજાર ભારતમાં પણ છે ! રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બિંજૌર પાસે અનૂપગઢમાં દર વર્ષે જૂનમાં હિન્દુ- મુસ્લિમ યુગલો જ્યાં ઉમટી પડતા ઇશ્કની ઇબાદત ને ઇનાયત માટે, એવો બે દિવસનો મેળો ભરાય છે ! ત્યાં રહેલી બીએસએફ ચોકીને જ 'મજનૂ ચોકી' નામ અપાયું છે ! એક સમયે પાકિસ્તાનમાં આજે રહેલ ભારતના સિંધમાં લૈલા મજનૂ જન્મેલા. કૈસ મુલાવ્વાહ બાનૂ કબીલાનો ચરવાહા હતો ને અમીર લૈલાને મદરેસામાં ભણતા ભણતા મળ્યો, દૂરની રિશ્તેદારી પણ મહોબત થઈ ગઈ. થઈ તો એવી થઈ કે કૈસ લૈલા સિવાય કશું ન જુએ. કોઈકે લખ્યું છે કે, 'લયલા કો મજનૂં કિ નિગાહોં સે દેખો !' કારણ કે, એક માન્યતા મુજબ લૈલા એટલી સુંદર નહોતી. પણ કૈસની આશિકીની નજરમાં એ સંસારની સર્વોચ્ચ હુસ્નપરી હતી. એ લૈલાની પાછળ પાગલ થઈ દીવાલોને ચૂમતો ને કહેતો કે ''આ પથ્થર માટે મને પ્રેમ નથી. પણ ત્યાં જે પસાર થઈ છે એ લૈલાનો સ્પર્શ એને મળ્યો એવા બડભાગી છે, એટલે એને ચૂમું છું !'

આવા પ્રેમને જમાનાના ઠોબારા ઠીકરાં જેવા ઠેકેદારો શું સમજે ? લૈલાનો હાથ  માંગવા ગયેલ કૈસ અપમાનિત ને હડધૂત થયો. લૈલાના બીજે એક અય્યાશ અમીર સાથે લગ્ન કરાવાયા. પરાણે પ્રીત ન થાય. લૈલાનું મન કૈસમાં. ને કૈસ સડકો પર આવારા થઈને લૈલાની યાદમાં ફરે અને ભડભડ જીગર એનું બળે. એ કવિતાઓનો પાગલપ્રલાપ કરવા લાગ્યો. લોકો એની હાંસી ઉડાડતા. એની ગાંડીઘેલી ચેષ્ટાઓ ને મહોબ્બતમાં સાનભાન વિનાનું વર્તન જોઈ એને જીન્નાતે કબજો કર્યો છે, એવું માની એના પર પથરા ફેંકતા. મજનું એટલે પઝેસ્ડ. આ નામ નથી. દીવાના આશિકને મળેલું વિશેષણ છે. મજનૂં યાને વળગાડવાળો ગાંડિયો. પ્રેમ એક વળગાડ જ છે ને ! અધૂરપની વેદના અને મિલનની આશાનો બાશિંદો થઈ મજનૂં ભટકતો રહ્યો. આપ કી યાદ આતી રહી રાતભર, કોઈ દીવાન ગલીયોં મેં ગાતા રહા... રાતભર જેવી અવસ્થામાં ! લૈલા પણ દુ:ખી હતી. પતિને હકીકત કહી તો પતિને ગમ્યું નહિ. કહેવાય છે કે લૈલા બીમાર પડી ને મરી અને જેમતેમ એની કબર પર પહોંચેલો મજનૂં પણ ત્યાં જ પ્રાણત્યાગ કરી મરી ગયો. ઇમ્તિયાઝની ભાષામાં પહાડોને પેલે પારના કોઈ ગેબી પ્રદેશમાં દુનિયાની દખલગીરી વિના પ્રણયનો બાગ ખીલવવા બેઉ દુનિયા છોડી ગયા ! ભારતમાં પેલી અનૂપગઢની મજારવાળી લોકકથામાં બેઉ ગુપચૂપ મળ્યા ને વતન છોડી જોડે રહેવા ભાગ્યા ને રણમાં પાણી વિના પ્યાસા મરી ગયા. (કે મિલનની પ્યાસ અધૂરી રહી ?)

બે જ મુદ્દા પર ઈમ્તિયાઝે આખી વાતની ઈમારત ચણી છે : એક. સ્ટારક્રોસ્ડ યાને નિયતિએ ગોઠવેલા પ્રેમના પ્યાદાની બાજી સમજેલ પ્રેમી કહે છે : ''તને શું લાગે છે, આ આપણે કરીએ છીએ ? ના, આ બધું નક્કી છે, ને આપણે પણ એને રોકી શકવાના નથી !'' જી હા, લવ ઈઝ મિસ્ટરી. કેમ અનેકને મળો એમાં કોઈક માટે જ અફાટ આકર્ષણ થઈ જાય ? વારંવાર એને જ પામવાનો તલસાટ, વલવલાટ ઉઠે ભીતરથી? ચાહીને પણ એ ભૂલાવી ન શકાય ? કોઈ અદ્રશ્ય દૌર છે, એકમેકની તકદીરને સાંધતો. કહાની પહેલેથી લખાયેલી છે. આ ભવમાં ભજવાશે નહિ તો ફરીને શરૂ થશે એવું કંઈક.

બીજું, ફિલ્મનો એક સંવાદ : તને ચાહવા માટે હવે મારે તારી પણ જરૂર નથી ! રિયાલિટીમાં લવ નથી મળતો, ફેન્ટેસીમાં તો મળી શકે ને. જે છોકરો કે છોકરી રૂબરૂમાં સ્પર્શ કરવા નથી દેતા, એને સપનામાં તો આલિંગનબદ્ધ કરીને નખશિખ ચાખી શકાય ને ! બે વ્યક્તિ હોય ત્યાં મરજી ને મૂડ આવે મળવા માટે. મનોમન જ એકે બીજાને મળવું છે તો ક્યાં કોઈ રઝામંદીની જરૂર છે ? ને એમ કરતા કરતા માત્ર માશૂક એક વ્યકિત ના રહેતા સમગ્ર પ્રકૃતિ થઈ જાય અને લવ એલીવેટ થઈને, પ્રેમ ઉપર ઉઠીને તડપમાંથી તપ બની જાય ! જિત દેખું તિત તૂ ! પ્રેમ પરમનો સાક્ષાત્કાર બને! દુન્યવી મિલન દેવતાઈ બની જાય અને બસ પહાડ, પથ્થર, નદી, ઝરણા, ઝાડ, પાન, પશું, પંખી, હર એક ઈન્સાનમાં પ્રિયતમના દર્શન થાય ! ગીતામાં જે વાત પ્રભુ માટે કહેવાઈ છે, એ જ અવસ્થા. જ્યાં તર્કશાસ્ત્રીઓ, ધંધાદારીઓ કે યાચકો નથી પંહોચી શકતા એ ફનાગીરી, એ આત્મસમર્પણ !

 આ કહાની થર્ડ એક્ટમાં ઇસેન્ટ્રિક થાય, ત્યારે ભાવેશ ભટ્ટ યાદ આવે : કો'ક દી ધક્કો તમે મારો મને, ને જઈને હું મને અથડાઉં તો !

**********

ફિલ્મમાં લૈલાને હવે તું મને શોધતી આવીશ, હું નહિ આવું કહીને ફેમિલીના કાવાદાવા ને બાપના ઇમોશનલ બ્લેકમેઈલ સામે ઝૂકતી નાયિકા સામે ટટ્ટાર સર રાખી કૈસ જાય છે. એને દુનિયા સાથે જોડતી કડી એને ચાહતો બાપ છે. એ તૂટી ગયા પછી એના ડિપ્રેશન આડેનો બંધ પણ તૂટે છે. એક ભાઈ છે, દોસ્તની જેમ સંભાળ લેવા મથતો. પણ એ સમજી નથી શકતો મજનૂં અવસ્થા કેમ થઈ છે કૈસની. ઇન્તેઝાર પહેલા તો કિસ્મતમાં નથી, માનીને થયો. પણ પછી કોઈ આવ પ્રેમ ન કરનારાને પરણી જાય પોતે શિદ્દતથી ચાહેલી વ્યક્તિ તો કેવો આઘાત લાગે ? લવની ઉપર છીણી મૂક્તા એવા કાતિલાના એરેન્જડ મેરેજ જોઈને ! અને એમાંથી પ્રિયપાત્ર છૂટું પડે પછી પણ તરત મિલન થવાને બદલે સમાજ, રિવાજ અને ઇન્તેઝાર આવે વચ્ચે. હા-નાની હાલકડોલક સ્થિતિ બંધ ન થાય કે જોડે જીવવા મળશે કે નહિ ? સામો પ્રેમનો પડઘો પડશે કે નહિ ?

પછી બ્રેકિંગ પોઈન્ટ હોય કોઈ પણનો. એક પ્રેશર પોઈન્ટ પછી દબાણ સહન ના થાય. કેપેસિટી અલગ અલગ પણ તૂટે તો કોઈ ને કોઈ તબક્કે બધી જ. સિવાય કે સંવેદના પર મગરના ચામડાંનું કવર હોય ! એ થાય છે મજનૂં સાથે. ને એના ડિપ્રેશનનો સબ્ર તૂટે છે. પણ ધીરેધીરે એ એક અલૌકિક ઉંચાઈએ દીવાનગીમાં પહોચે છે. નમાઝ પઢતા મૌલાનાને સૂફી સંત રાબિયાએ આપેલો જવાબ ફિલ્મમાં ગૂંથી લેવાયો છે. પ્રેમદીવાના તો એમના ગમતા સૌંદર્યમાં ગુલતાન છે, પણ ધર્મને ઠેકેદારો કેમ પ્રાર્થના દીવાના નથી કે એમનું બધે ધ્યાન પડયા કરે ? મસ્તમૌલા બનેલા મજનૂંમાં એ તોફાન છે, જે ઘણા લોકો ભીતરથી કંટ્રોલ કરી બેઠા છે ને વહેવારડાહ્યા કે પ્રેક્ટિકલ ગણાય છે. પણ ક્યારેક એ ડેમ તૂટે તો મચ્છુ જેવી હોનારત થાય મનના માળિયે ! એક પાક્સાફ પવિત્ર બંદગી થઈ જાય છે મજનૂંનો પ્રેમ. ને એ સમજી ગયેલી લૈલા એને બીમાર ગણતા મિત્રોને કહે છે એમ 'વો મુજસે આગે નિકલ ચૂકા હૈ !' દરેક માણસનો આત્મા દેહની કેદ છોડી મુક્ત થવાનો છે. પ્રેમ બલિદાન, પ્રેમાવેશનો અતિરેક એને વહેલો 'ફ્રી' કરી દે છે. પછી ઈશ્વર હોય કે લવર, યાદ કરવા નથી પડતા. યાદ જ એમના શ્વાસ બની જાય છે !

કોઈને દિલ ફાડીને ચાહવું, મતલબ તમારા કલેજે તમારા હાથે જ ચીરા કરવા. દુનિયામાં કોઈથી ના ડરનાર હવે એની ચાહત શું કહેશે કે મળશે કે નહિ એ કલ્પનાના ભવિષ્યથી ડરે છે. ફિરાક ગોરખપુરીએ લખેલું : ઉસકે આંસુ કિસને દેખે, ઉસકી આહેં કિસને સૂની... ચમન ચમન થા હુસ્ન ભી લેકિન દરિયા દરિયા રોતા થા  ! મજનૂં તો એટલો લકી કે લૈલા પણ વળતો પ્યાર તો કરતી હતી. એના વિનાની એક પળ એક ભવ હતી, પણ મજનૂની એ અવસ્થા છે જેને ભારતીય અધ્યાત્મમાં 'અજપાજપ' કહે છે. કોઈ નામનો જપ યાને એનું સ્મરણ સૂતાંબેસતા ઉઠતા ખાતાપીતા સતત અંદર થયા કરે. માળા ફેરવવી ના પડે, આઝાન પોકારવી ના પડે. સમગ્ર જીવન જ કોઈનું થાય અને એટલે આપોઆપ ઉપરવાળાનું થાય ! ભીતર દીવો બળ્યા જ કરે અખૂટ ! શ્રદ્ધા, ફેઈથ એન્ડ ઇશ્ક, લવમાં પછી ગમે તે પાવરનું કશું ચાલે નહિ. પ્રહલાદ હોય કે જુલિયેટ. બાંધ્યા ન બંધાય.

કાશ્મીર સમસ્યાની જેમ જ પ્રેમમાંથી બ્યુટી અને ફ્રીડમના સંઘર્ષ થકી બાયપોલર ડિસઓર્ડરમાં સરી પડતા નાયકની બરબાદીનું લેયર લવસ્ટોરીમાં ચડાવતી લૈલા મજનૂના પ્રેમપાગલ નાયકની વ્યથા ઈર્શાદ કામિલના ગીતમાં છે : જગ મેં જગ સા રેહકર રહ તુ... સુનતા રહે બસ કુછ ના કેહ તુ...

અમેરિકામાં એક જાહેરાતમાં વાંચેલું : બ્રોકન ઈઝ બ્યુટીફૂલ. લૈલા મજનૂ ફિલ્મ ભાંગીને ભવ્ય થતા પ્રેમદીવાના સૂફિયાના ઈશ્કની દાસ્તાન છે. દુનિયાના તમામ ચહેરા, તમામ અવાજ સામે બસ એક ચહેરો, એક અવાજ ખેંચી લે એ પોલાણ અનુભવ્યું છે ?

(શીર્ષક : ફહેમી બદાયુંની)

ફાસ્ટ ફોરવર્ડ

'દૂસરા ફૈસલા નહીં હોતા, 

ઈશ્ક મેં મશ્વરા નહીં હોતા' (નવાઝ દેવબંદી)


Google NewsGoogle News