એક સમયે મજૂરોને વેતનના બદલામાં લસણ મળતું

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
એક સમયે મજૂરોને વેતનના બદલામાં લસણ મળતું 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારતમાં પ્રતિબંધ છતાં ચીનનું લસણ પકડાયું તે પછી ખેડૂતોમાં વિરોધ ઉઠયો છે. ચીનનું લક્ષણ સ્વાસ્થ્ય માટે જોખમી છે એ છતાં આખી દુનિયાને ચીનના લસણ વગર ચાલતું નથી...

- મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ લસણનું ઉત્પાદન

દેશમાં છેલ્લાં અઢી દશકામાં લસણનું ઉત્પાદન ૨.૧૬ લાખ ટનથી વધીને ૩૨ લાખ ટન થયું છે. દેશના કુલ ઉત્પાદનમાંથી અડધો અડધ ઉત્પાદન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થાય છે. આ બંને રાજ્યો ઉપરાંત રાજસ્થાન, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં પણ સારું એવું ઉત્પાદન થાય છે. લસણના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. છતાં ભારત અને ચીન વચ્ચે મોટો તફાવત છે. જોકે, ભારતની લસણની નિકાસ વધી છે અને ૨૦૨૨-૨૩ના વર્ષમાં ભારતે ૫૭,૩૪૬ ટન લસણની નિકાસ પણ કરી હતી. લસણના ઉત્પાદનમાં દુનિયામાં ભારત બીજા ક્રમે છે છતાં વર્ષમાં કેટલીય વખત લસણની અછત સર્જાતા તોતિંગ ભાવવધારો પણ ઝીંકાય છે.

એ ક જંગલમાં રીંછ અને વાઘ સાથે રહેતા હતા. બંને વચ્ચે પાકી દોસ્તી હતી. સાથે હરેફરે, સાથે જમે, એક જ ગુફામાં રહે. આમ બધી વાતે સુખ, પણ બંને માણસોને જોઈને જીવ બાળે. માણસોની ઈર્ષ્યા કરે ને વિચારે કે એ બંને માણસ હોત તો કેવું સારું હતું? હ્વાનુંગ નામના દેવમાં બંનેને શ્રદ્ધા. રીંછ અને વાઘે મળીને માણસ બનવા માટે એ દેવની પ્રાર્થના કરવા માંડી. ઘણાં વર્ષોની પ્રાર્થના બાદ હ્વાનુંગ દેવતા પ્રસન્ન થયા. રીંછ અને વાઘને વરદાન માંગવા કહ્યું, બંનેએ વરદાન માંગ્યું : 'અમને માણસ બનાવો!'

હ્વાનુંગ દેવતાએ બંનેને ૨૦-૨૦ લસણના ગાંઠિયા આપ્યાં. સાથે થોડાં ફૂલ આપ્યા ને શરત રાખી : '૧૦૦ દિવસ સુધી ગુફાની બહાર નીકળ્યા વગર લસણની કળી અને ફૂલો જ ખાજો. ૧૦૦ દિવસ પછી બંનેને મનુષ્ય દેહ મળશે.' દેવતાના કહેવા પ્રમાણે બંનેએ ગુફામાં રહીને લસણ અને ફૂલ ખાઈને દિવસો કાઢવા માંડયા. પણ વાઘ તો આખરે વાઘ. ૨૦ દિવસમાં ભૂખથી ત્રાસી ગયો. એનાથી માત્ર લસણ પર રહી શકાયું નહીં. બહાર નીકળીને એણે શિકાર કરીને ભૂખ શાંત કરી.

રીંછે દેવતા પર ભરોસો મૂકીને સૂચનાનું પાલન કર્યું. ગુફામાં ભરાઈને ૧૦૦ દિવસ સુધી લસણ ને ફૂલો આરોગીને દિવસો કાઢ્યા. ને એક દિવસ દેવતાના કહેવા પ્રમાણે રીંછને સુંદર સ્ત્રીનો મનુષ્ય દેહ મળ્યો. એનું તપ ફળ્યું, પરંતુ દોસ્ત વાઘે અધવચ્ચેથી તપસ્યા મૂકી દીધેલી એટલે એને પુરુષનો દેહ ન મળ્યો. માદા રીંછને એમ હતું કે બંનેને મનુષ્ય દેહ મળશે તો સાથે રહેશે, પરંતુ હવે એ શક્ય ન હતું. એકલી સુંદર સ્ત્રી જંગલમાં શું કરે? તેણે ફરીથી હ્વાનુંગ દેવતાને પ્રસન્ન કરીને પતિ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. દેવતા એના તપ અને ધીરજથી પ્રસન્ન થયા અને તેમણે એને જ પત્ની તરીકે સ્વીકારી. એ બંનેના લગ્નથી ડાંગૂન નામનો દીકરો જન્મ્યો અને તેણે એક નવો દેશ શોધ્યો. જેનું નામ હતું - કોરિયા.

■■■

સેંકડો વર્ષોથી કોરિયામાં આ લોકકથા પ્રચલિત છે. ઉત્તર અને દક્ષિણ કોરિયામાં આ પ્રાચીન કથાના આધારે એમ મનાય છે કે કોરિયન દેશની સ્થાપના આ રીતે થયેલી. લસણના સેવનથી માદા રીંછ મહિલા બની અને દેવતાએ તેને પુત્ર આપ્યો, જેણે જુદો ભૂભાગ શોધીને કોરિયન સંસ્કૃતિની સ્થાપના કરી. આ કથામાં રીંછ-વાઘ અને હ્વુનાંગ દેવતાના કેરેક્ટર જેટલું જ મહત્ત્વ લસણનું છે. કોરિયન નાગરિકો એટલે જ લસણને પવિત્ર ગણે છે. તેમની ધાર્મિક પૂજામાં લસણને માનભેર સ્થાન મળે છે.

લસણને એવું જ માનભર્યું સ્થાન પ્રાચીન પર્સિયામાં મળતું હતું. આજના ઈરાનમાં પ્રાચીન સમયમાં 'હાફ્ટ સીન'ની પરંપરાથી નવા વર્ષની ઉજવણી થતી. હજુય કેટલાક વિસ્તારોમાં એ પરંપરાથી નવું વર્ષ ઉજવાય છે. એમાં 'એસ'થી શરૂ થતી સાત બાબતોને પવિત્ર માનીને એનું પૂજન થાય છે. એમાં 'સીર' યાને લસણ પણ ખરું.

લસણ અમુક ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાનને ધરવામાં આવતું નથી. તેને જંગલી વનસ્પતિ કે તામસી માનવામાં આવે છે અને ભગવાનના ભોગમાં લસણ ધરાતું નથી. એમાં ભારતમાં સનાતન ધર્મથી લઈને અનેક સંપ્રદાયોને પણ સમાવેશ થાય છે. તો ઈસ્લામના ઘણાં પંથોમાં એવી સલાહ આપવામાં આવે છે કે મસ્જિદમાં જવું હોય તે પહેલાં કાચું લસણ ન ખાવું. ચીન, વિએટનામ, જાપાન જેવા દેશોમાં બૌદ્ધ ધર્મ પાળતા લોકો અને તે સિવાયના ઘણાં ધર્મોમાં તહેવારના દિવસે લસણ ખાવામાં આવતું નથી.

ઘણાં ધર્મો, સંપ્રદાયો લસણની તામસી પ્રકૃતિના કારણે ભોજનમાં ભલે એનો સમાવેશ ન કરતા હોય, તે છતાં સેંકડો વર્ષોથી લસણ દુનિયાભરની વાનગીમાં માનભર્યું સ્થાન શોભાવે છે. ઈનફેક્ટ, જગતની સૌથી જૂની ફસલમાં લસણની ગણતરી થાય છે.

■■■

ફૂડ હિસ્ટોરિયન્સ અને વનસ્પતિ શાસ્ત્રીઓ એ વાતે સહમત છે કે માણસ ઓછામાં ઓછા ૭૦૦૦ વર્ષથી લસણ ઉગાડે છે, લસણનો ઉપયોગ જડીબુટ્ટીમાં કે ખોરાકમાં કરે છે. પૃથ્વીની ઉત્પત્તિની દંતકથાઓને બાજુમાં રાખીએ તો વિજ્ઞાન કહે છે કે માણસે બારેક હજાર વર્ષ પહેલાં ખેતીની શરૂઆત કરેલી. ત્યારે જે વનસ્પતિ એને ખપમાં લાગી હશે એમાં લસણ પણ હશે એ નક્કી છે.

કોરિયા, ચીન, જાપાન, વિએટનામ, ઈરાન, ઈરાક જેવા દેશોની લોકકથાઓમાં લસણના પ્રાચીન ઉલ્લેખો મળે છે. મધ્ય એશિયાના પહાડી વિસ્તારોમાં રહેતા લોકોએ સૌપ્રથમ લસણને ખાવાની શરૂઆત કરેલી. ત્યાંથી લસણ વાયા ચીન થઈને અન્ય દેશોમાં પહોંચ્યું. આજે સૂકું લસણ દુનિયાભરમાં છૂટથી વપરાય છે, પરંતુ શરૂઆતમાં લીલું લસણ જ ખવાતું. સીઝન પૂરી થાય પછી બીજા વર્ષે વાત જાય. લસણના ગાંઠિયાને સાચવવાની પદ્ધતિ સાડા પાંચેક હજાર વર્ષ પહેલાં વિકસી હતી.

આજે લસણની જે પ્રચલિત જાતો છે એમાંથી ૧૨૦ તો એશિયન મૂળની છે. યુરોપ-અમેરિકામાં પ્રોડક્શન વધે તે માટે એ જાતોમાં સુધારણા ચોક્કસ થઈ છે, પરંતુ એમાં એશિયન મૂળ યથાવત્ છે એ કારણે સંશોધકોનો મોટો વર્ગ એમ માને છે કે લસણના મૂળિયા એશિયામાં છે. એશિયન દેશોમાં લસણનો ઉપયોગ સૌપ્રથમ થયો હશે અને ત્યાંથી મરી મસાલા સાથે લસણ પણ યુરોપ-આફ્રિકામાં પહોંચ્યું હશે.

પણ એ હજાર-દોઢ હજાર વર્ષ પહેલાંની વાત નથી. પ્રાચીન ઈજિપ્તમાં લસણ પહોંચી ગયું હતું. લગભગ ૪૬૦૦ વર્ષ પહેલાં બનેલા ઈજિપ્તના પીરામિડમાંથી લસણ મળી આવ્યું છે. ૩૩૦૦ વર્ષ પહેલાંના તુતનખામુનના પીરામિડમાંથી તો લસણ સારી રીતે ગોઠવાઈને સચવાયેલું રખાયું હતું. ઈજિપ્તની માન્યતા હતી કે કબરમાં એ બધું જ રાખવું જેની જરૂરિયાત હોય. એનો અર્થ એ કે લસણ રાજા-મહારાજાના ભોજનમાં અનિવાર્ય હિસ્સો હશે.

ઈજિપ્તમાં પીરામિડ બનતા હતા ત્યારે લસણ મજૂરોમાં એટલું ફેમસ હતું કે જે મજૂરોને રોજિંદા વળતર પેટે લસણ જોઈતું હોય તો એમને અપાતું. પ્રાચીન ઉલ્લેખો, કથાઓ-દંતકથાઓમાંથી સંશોધકોએ શોધી કાઢ્યું કે બહુ ઓછા મજૂરોને વળતર પેટે લસણ લેવું પોષાતું. પ્રાચીન એથેન્સમાં રમતો રમાતી ત્યારે પહેલવાનો મેદાનમાં ઉતરતા પહેલાં કાચું લસણ ખાતા ને ઉર્જા મેળવતા.

૧૫મી સદી સુધી લસણ યુરોપમાં કોમન ન હતું. વારે-તહેવારે રાજા-મહારાજાઓના ભોજનમાં ખાસ સમાવેશ થતો હતો. કારણ કે એ જમાનામાં એશિયાથી લસણ છેક યુરોપ પહોંચાડવાનું અઘરું અને ખર્ચાળ હતું. ભારત સુધીનો દરિયાઈ માર્ગ સુગમ થયો પછી ચીન, ભારત, ઈરાન જેવા દેશોમાંથી મરી મસાલાની સાથે મોટાપાયે લસણ યુરોપ પહોંચવા માંડયું એટલે ૧૫મી સદીથી સામાન્ય લોકોના ભોજનમાં લસણનો સ્વાદ ભળ્યો હતો.

■■■

આજે દુનિયાના ખૂણે ખૂણે ભોજન ઉપરાંત દવાઓમાં પણ લસણનો ઉપયોગ થાય છે. અસંખ્ય સંશોધનોમાં સાબિત થયું છે કે લસણથી સ્વાસ્થ્ય સારું રહે છે. કેટલાય રોગોમાં લસણ આરોગવાથી ઉત્સાહવર્ધન પરિણામો મળ્યા છે.

ભારતમાં ૨૦૧૪થી પ્રતિબંધ છતાં તાજેતરમાં ચીનનું લસણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણાં રાજ્યોના લસણની ખેતી કરતાં ખેડૂતોએ ચાઈનીઝ લસણની ગેરકાયદે આયાત સામે દેખાવો કર્યા હતા. ચીનના લસણમાં સંશોધકોને હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા અને તે કારણે ભારતમાં ચીનથી લસણ આયાત થતું નથી. આમેય ભારતમાં એટલું ઉત્પાદન થાય છે કે સ્વદેશી લસણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

ભારતમાં ભલે ચીનનું લસણ પ્રતિબંધિત હોય, પરંતુ દુનિયાના ખૂણે ખૂણે ચાઈનીઝ લસણ પહોંચે છે. વિશ્વમાં દર વર્ષે સરેરાશ ૨.૮ કરોડ ટનથી ૩ કરોડ ટન સુધીનું લસણનું ઉત્પાદન થાય છે. એ ટોટલ ઉત્પાદનમાંથી એકલા ચીનમાં ૭૩ ટકા લસણનું ઉત્પાદન થાય છે.

ગટરના પાણીમાં થતાં ચીનના લસણમાં ઝેરી પદાર્થોની હાજરી છતાં દુનિયાએ તેને આરોગવું પડે છે એ કમનસીબી છે. પણ શું થાય? એમાં ચીનની મોનોપોલી છે એટલે છૂટકો નથી. 

ભૂત-પ્રેતને દૂર રાખવા પ્રાચીન સમયમાં લોકો લસણ સાથે રાખતા

એશિયા, યુરોપ અને આફ્રિકામાં ભૂત-પ્રેત અને લસણને જોડી દેવામાં આવ્યા હતા. ઘણાં દેશોમાં લસણને વ્હાઈટ મેજિકનો હિસ્સો ગણવામાં આવે છે. એટલે લસણ સાથે હોય ત્યાં સુધી બ્લેક મેજિકની અસર થતી નથી એમ મનાતું. યુરોપમાં ૯મી, ૧૦મી સદીમાં એવી માન્યતા હતી કે કોઈ અવાવરું, ભૂતિયા સ્થળે જવાનું હોય ત્યારે લસણની કળી સાથે હોય તો દૈત્ય અને વેમ્પાયર નજીક આવે નહીં. મધ્યયુગમાં ઘણાં નાવિકો મધદરિયે લસણ સાથે રાખતા. એનાથી દરિયાઈ પ્રેત હોડીથી દૂર રહે છે એમ કહેવાતું. મધ્ય એશિયાના ઘણાં દેશોમાં પ્રેતાત્મા ઘરમાં ન પ્રવેશે તે માટે બારી-બારણાં પાસે લસણનો સૂકાયેલો ગાંઠિયો બાંધી દેવામાં આવતો.


Google NewsGoogle News