નવો બિઝનેસ શરૂ કરવા આ રીતે આઈડિયા મેળવો
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- નવો બિઝનેસ સ્થાપવા માટે કે વધારવા માટે નવા વિચારો આવે તે જરૂરી છે. એટલે જ બિઝનેસ મેનેજમેન્ટમાં નવા આઈડિયાનું મહત્ત્વ વધારે છે.
નવા વિચારો
નવો બિઝનેસ સ્થાપવા માટે કે વધારવા માટે નવા વિચારો આવે તે જરૂરી છે. એટલે જ બિઝનેસ મેનેજમેન્ટમાં નવા આઈડિયાનું મહત્ત્વ વધારે છે. જે લોકો ક્રિએટિવ આઈડિયા આપી શકે છે તે બિઝનેસમાં સફળ થાય છે. એક નવો વિચાર દુનિયાની આખી તાસીર બદલી શકે છે. એ વાત અનેક વખત સાબિત થઈ છે. ફેસબુક જેવા સોશિયલ મિડીયા બનાવવાનો વિચાર આવ્યો એમાંથી દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડીયા કંપની મેટાનો જન્મ થયો. બધા જ વેબસાઈટ અને બધી જ ઓપન સોર્સની માહિતીને એક સ્થળે લાવવાનો વિચાર આવ્યો એમાંથી સર્ચ એન્જિન ગૂગલનો જન્મ થયો. આજે સર્ચ એન્જિનની બાબતમાં ગૂગલની મોનોપોલી છે. માત્ર મેસેજ નહીં, પરંતુ મેસેજની સાથે ફોટો, વિડીયો, જીઆઈએફ ફાઈલ સહિત મલ્ટિમીડિયા શેરિંગનો વિચાર આવ્યો એમાંથી મેસેજિંગ એપ્સનો જન્મ થયો અને વોટ્સએપ જેવી એપ દુનિયાભરમાં છવાઈ ગઈ.
આજ રીતે નવી શોધો થઈ છે અને દુનિયામાં પરિવર્તન આવ્યું છે. રોબોટિક્સથી લઈને એઆઈ, ડિઝાઈનર રોબોટ યાને ચોક્કસ કામ કરી શકે એ રીતે બનેલા રોબોટ્સનું માર્કેટ વધી રહ્યું છે. એનો વિચાર આવ્યો તો હવે જગતમાં એની ડિમાન્ડ વધી છે. એઆઈ આધારિત એક ચેટબોટ હોય તો કેવું? એ વિચાર આવ્યો અને એમાંથી ઓપન એઆઈ કંપનીની સ્થાપના થઈ. આજે ચેટજીપીટીએ એઆઈની વ્યાખ્યા બદલી નાખી છે. એઆઈને નવી રીતે જોવાની શરૂઆત થઈ છે.
પણ સવાલ એ છે કે એવો વિચાર આવે કેવી રીતે? અન્ય ધંધાની નકલ કરીને સ્થાપેલા ધંધા માલની અછત વખતે ચાલે છે પરંતુ લાંબે ગાળે બંધ થઇ જાય છે. ડીઝની કંપનીના સીઈઓ માઈકલ આઈઝનર હંમેશા કહેતા કે નવાવિચારોનું કલ્પન અને અનુસરણ કરવું એ જ ધંધામાં સૌથી અગત્યની બાબત છે. નવા વિચારો એટલે શું અને તેને ક્યાંથી મેળવવા એનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે. તે અંગે ઘણા સંશોધનો થયા છતા તેનો કોઈ ચોક્કસ જવાબ મળતો નથી. ઘણાં સંશોધકો એમ માને છે કે સતત નવું નવું વિચારવાની પદ્ધતિ અપનાવવાથી નવો વિચાર જન્મે છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની તર્કબદ્ધ પદ્ધતિ ઉપયોગી થઈ પડે છે એવો એક મત છે.
બીજી તરફ કેટલાક વિદ્વાનો એમ માને છે કે નવા વિચારો માટે માત્ર બુદ્ધિશક્તિ કે 'રેશનાલીટી' ના ચાલે. તે માટે આત્મસુઝ કે 'છઠ્ઠી ઇન્દ્રીય' જરૂરી છે. આપણે જાગતા હોઇએ કે નિદ્રામા હોઈએ તો પણ આપણું મગજ સતત ક્રિયાશીલ રહેતુ હોય છે. આપણા અચેતનમનમા સતત વિચારો અને લાગણીઓ આવ્યા કરે છે અને કોઇકવાર નવો વિચાર આવતા મગજમાં ઝબકારો થાય છે. ઘણી વખત ઊંઘમાં પણ ક્રિએટિવ વિચાર ઝબકી જાય છે. ઘણી વખત કંઈ કામ કરતાં કે નહાતી વખતે કે રાંધતી વખતે કે ટીવી જોતી વખતે દિમાગમાં નવો વિચાર ઝબકી જાય છે. ધંધામાં કેટલાકને આવા 'ઝબકારા' આવતા રહે છે અને ઝડપથી અદ્રશ્ય પણ થઇ જાય છે.
હેન્રી ફોર્ડનો ઝબકારો
હેન્રી ફોર્ડને ૨૦મી સદીના શરૂઆતના દાયકામાં એસેમ્બલી લાઈન ઉત્પાદન પ્રક્રિયાનો ઝબકારો આવ્યો હતો અને તેમને તેને ઝડપી લીધો અને એસેમ્બલી લાઈન ઉત્પાદનને તેણે વ્યવહારમા મુક્યો અને તેમાથી અમેરીકામા માસ મેન્યુફેકચરીંગ અને માસ માર્કેટીંગનું કલ્ચર વિકસ્યુ. પીલ્કીંગટનને ફ્લોટ ગ્લાસ બનાવવાનો ક્રાંતિકારી વિચાર ત્યારે ઝબૂક્યો જ્યારે તેે પોતાની પત્નીને કપડાં ધોતા જોઈ અને સાબુના પાણીમાંથી ફીણ અને પરપોટાને પાણીની સપાટી પર એકસરખી રીતે પથરાઈ જતા જોયા. થ્રીએમ કંપનીની પોસ્ટ-ઇટ નોટસ જે કાગળ પર હળવેથી ચોટી જાય છે અને હળવેથી હટાવી શકાય છે અને જેમાથી અમેરીકાની આ કંપની કરોડો ડોલર્સ કમાઈ તેનો વિચાર આર્ટ ફ્રાય નામના કંપનીમા કામ કરતા કર્મચારીમાં ઝબક્યો હતો. આ વિચારનો ઝબકારો આ કર્મચારીના પુસ્તકમાંથી બુકમાર્ક વારંવાર સરકી જતો હતો ત્યારે તેમને આવ્યો હતો. માત્ર નવી પ્રોડક્ટના ક્ષેત્રમા જ નહી પરંતુ શૈક્ષણિક જગતમા પ્રોફેસરો પણ નવા વિચારોને જન્મ આપે છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના મેનેજમેન્ટના પ્રોફીટ રીચાર્ડ પાસ્કલ ૧૯૭૦ના દાયકામા અમેરિકા અને જાપાનીસ મતે ધંધા માટેનો વિચાર કોઈપણ વ્યક્તિને આવી શકે છે. તેને માટે કંપનીમા ઊંચો હોદ્દો, ઊચું શીક્ષણ, લાંબો અનુભવ કે પીએચડી ડીગ્રી અનિવાર્ય નથી. નીચેના કર્મચારીઓ પણ નવો વિચાર ઝબૂકી શકે છે. ફોલ્ડીંગ બાયસિકલની શોધ કરનાર વ્યક્તિને એક રસ્તા પર કાર અને બાયસિકલ સાથે ફરતા દેખાયા અને તેના મગજમા વિચાર ઝબૂક્યો કે કારની ડીઝાઈનમા બાયસીકલને કેવી રીતે સમાવી લેવી? આમાંથી કારની ડીકીમાં મુકી શકાય એવી ફોલ્ડીંગ બાયસીકલની શોધ થઇ.
આમાંથી એક સવાલ ઊભો થાય છે કે જો દરેક વ્યક્તિમા સંભવિત સર્જનશીલતા હોય અને તે માનવીના મગજની કામગીરીનું લક્ષણ હોય તો કંપનીે કેવું કલ્ચર ઊભુ કરવું જોઇએ કે જેથી કંપનીના કર્મચારીઓ ધંધા અંગેના નવા નવા વિચારોને જન્મ આપે? અહીં યાદ રાખવુ જરૂરી છે કે કેટલીક શોધો બેઝિક કે ફન્ડામેન્ટલ હોય છે જેમ કે માનવજીવનના બંધારણની શોધ કે ઇલેક્ટ્રોનની શોધ કે ગુરૂત્વાકર્ષણના નિયમની શોધને ફન્ડામેન્ટલ ગણી શકાય.
કંપનીમાં ટીમવર્ક
કંપનીના જુદા જુદા વિભાગોથી ટીમવર્ક ઉભુ થાય તો નવા વિચારો જન્મી શકે છે. આને ક્રોસ-ડીસીપ્લીન તરીકે ક્રોસ-ફ્રન્કશનલ ટીમ્સ કહેવામા આવે છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને કે આ પ્રકારની ટીમ્સને પડકારજનક કામ મળે. આવા પડકારજનક કામોને કારણે ટીમ એક નિશ્વિત સમસ્યા પર ફોક્સ કરી શકે છે. પડકાર વિનાના રૂટીન કામો મળેલી ટીમની ચર્ચા પણ રૂટીન રીતે ચાલતી હોય છે. રોજબરોજની સમસ્યાઓ માટે ડીપાર્ટમેન્ટલ કે સેકશનલ ટીમ ચાલે પરંતુ પડકારજનક કામો માટે એટલે કે વ્યૂહરચના ઘડવાના કામ માટે જુદા જુદા બેકગ્રાઉન્ડ (પૂર્વભૂમિકાઓ) ધરાવતી વ્યક્તિઓ જોઇએ. નવા વિચારો મેળવવા બ્રેઇન સ્ટ્રોર્મિંગની ટેકનીક મોટે ભાગે સફળ પૂરવાર થઇ છે.
નવા વિચારોની બાબતમા ટીમ ઊભી કરવાનું કામ સૌથી કઠિન છે. આ ટીમબીલ્ડીંગમા સર્જનશીલ વ્યક્તિઓ હોવી જોઇએ તે તો સામાન્ય બુદ્ધિ (કોમનસેન્સ)ની બાબત છે પરંતુ કંપનીના સર્જનશીલ વ્યક્તિઓ કોણ છે તેની ટોપ મેનેજમેન્ટને જાણ હોતી નથી. ટોપ મેનેજમેન્ટ બુદ્ધિશાળી અને મહેનતુ મેનેજર્સની ટીમ બતાવે પરંતુ મહેનત અને બુદ્ધિ એટલે કે સર્જનશીલતા આ બે જુદી બાબતો છે. અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ સર્જનશીલ હોય તેવુ હંમેશા બનતું નથી.