Get The App

સ્વૈર-કલ્પના-અભિમુખ લોકો અનેક પ્રકારની અતીન્દ્રિય શક્તિ ધરાવતા હોય છે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સ્વૈર-કલ્પના-અભિમુખ લોકો અનેક પ્રકારની અતીન્દ્રિય શક્તિ ધરાવતા હોય છે 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- એક સ્ત્રીએ દસ વર્ષ સુધી કેન્ટુકી ડર્બીના વિજેતાઓ કોણ હશે તે પહેલેથી કહી દીધું હતું અને દર વર્ષે તેણે જે નામ આપ્યા હતા તે જ વિજેતા બનતા હતા

મા નવ મન નિદ્રા અને જાગૃતિની વિવિધ અવસ્થાઓમાં અવનવા અનુભવો કરતું હોય છે. મોટેભાગે નિદ્રા દરમિયાન સ્વપ્નો આવતા હોય છે પણ ક્યારેક કેટલાકનું મન જાગૃત અવસ્થા દરમિયાન પણ સ્વૈર કલ્પના, તરંગો કે દિવા સ્વપ્નમાં વિહાર કરતું હોય છે. મનોવિજ્ઞાન આવા લોકોને સ્વૈર-કલ્પનાભિમુખ લોકો (Fantasy-prone people) કહે છે. આવા લોકોને કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે વ્યાવતર્ક રેખા ઊભી કરવાનું મુશ્કેલ પડે છે. તેમને ક્યારેક મતિભ્રમ કે ચિત્તભ્રમ (halluclnation)  નો અનુભવ પણ થતો હોય છે. તે સાથે સ્વ-સુઝાવથી ઉત્પન્ન થયેલા મનોદૈહિક લક્ષણો પણ તેમનામાં પ્રગટ થતા હોય છે.

અમેરિકન મનોવિજ્ઞાનીઓ શેરિલ સી. વિલ્સન (Shery C.Wilson) અને થિયોડોર એક્ષ. બાર્બર  (Theodore X.Barber) દ્વારા ૧૯૮૧માં પ્રથમવાર આ ફેન્ટસી પ્રોન પર્સનાલિટી  (FPP) ની ઓળખ કરાઈ અને તે વિશે થોડી ઘણી માહિતી અપાઈ હતી. તેનો વ્યવસ્થિત અભ્યાસ અને તેના પર વિસ્તૃત સંશોધન ૧૯૮૦ના દશકમાં મનોવિજ્ઞાની જૂડિથ રૂ (Judith Rhue) અને સ્ટીવન જે. લીન (Steven jay Linn)  દ્વારા કરાયો. તે પછી ૧૯૯૦ના દશકમાં પણ હાર્વર્ડમાં ડેયરડ્રે બેરેટ (Deirdre Barrett) થકી કરાયેલા સંશોધનોમાં સ્વૈર કલ્પનાભિમુખ લોકોની બીજી વિશેષતાની પણ વાત કરી. તેવા લોકોમાં અતીન્દ્રિય શક્તિ વધુ પ્રમાણમાં હોય છે. તે અનેક પેશનોર્મલ શક્તિ ધરાવતા હોય છે. ઈન્દ્રિયાતીત વિચાર-સંક્રમણ (ટેલિપથી) ભાવિ ઘટનાને પહેલેથી જાણી લેવાની શક્તિ (Precognition),ઓરા રીડિંગ, ડાઉસિંગ, મિડિયમશીપ, પ્રેતાત્માને નજરે જોવાની શક્તિ, દેહાતીત અનુભૂતિ (out of Body Experience),  એસ્ટ્રલ પ્રોજેક્શન કે એસ્ટ્રલ ટ્રાવેલ જેવી પેરાનોર્મલ શક્તિ કુદરતી રીતે સહજ ધરાવતા હોય છે કે થોડા પ્રયત્નો બાદ બીજા કરતાં જદલી વિકસાવી શકતા હતા હોય છે.

મનોવિજ્ઞાનીઓએ ફેન્ટસી-પ્રોન-પર્સનાલિટી ધરાવતા લોકો પર પ્રયોગો કર્યા તેમાંથી ઘણા લોકોમાં આવી પેરાનોર્મલ શક્તિઓ જોવા મળી હતી. એક સ્ત્રીએ દસ વર્ષ સુધી કેન્ટુકી ડર્બીના વિજેતાઓ કોણ હશે તે પહેલેથી કહી દીધું હતું અને દર વર્ષે તેણે જે નામ આપ્યા હતા તે જ વિજેતા બનતા હતા. આવી શક્તિ ધરાવનારા ખાસ મનોપ્રભાવ ઉત્પન્ન કરી ઈલેક્ટ્રિક સાધનો કે જડ, ભૌતિક પદાર્થોને પણ નિયંત્રિત કરી શકતા હતા. આ પ્રકારની શક્તિને સાઈકો કાઈનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તે શક્તિ ધરાવનાર તેના મનથી જડ વસ્તુઓને ગતિમાન કરી શકે છે. તેમની નજરથી વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકે છે.

ફેન્ટસી-પ્રોન-પર્સનાલિટી ધરાવનાર અને અવારનવાર દિવાસ્વપ્ન (DAY Dream) જોનાર વ્યક્તિઓમાં બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ (Winston Churchill) ને પણ ગણાવી શકાય. આના થકી તેમનામાં ભવિષ્યની ઘટનાને પહેલેથી જાણી લેવાની શક્તિ (Precognition fu Premonition)  આવી ગઈ હતી જેના લીધે બે-ત્રણ પ્રસંગોએ એમને અનાગત ભવિષ્યની ઝાંખી થઈ ગઈ હતી અને તે પોતાનું અને અન્ય લોકોનું જીવન બચાવી શક્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચિલ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના નિવાસસ્થાને ત્રણ પ્રધાનોને પાર્ટી આપી રહ્યા હતા. ભોજન ચાલી રહ્યું હતું અને તે સાથે વાતચીત પણ થતી હતી. એકાએક હવાઈ હુમલાની શક્યતાની સાઈરન ગૂંજી. તે દિવસોમાં આવું તો વારંવાર થતું હતું. બધા ભોજનમાં વ્યસ્ત રહ્યા અને વાતો પણ ચાલુ જ રહી. ત્યાં જ ચર્ચિલ એકદમ ઊભા થઈ ગયા અને લગભગ દોડતા હોય એવી ઝડપથી રસોડામાં ગયા જ્યાં રસોઈયો અને નોકરડી હાઈ પ્લેટ-ગ્લાસવાળી બારી પાસે કામ કરી રહ્યા હતા. ચર્ચિલે બટલરને કહ્યું - 'ડાઈનિંગ રૂમમાં ડીનરને હોટ-પ્લેટ પર મૂકી દે' પછી રસોડામાં કામ કરતા બધાને ઉદ્દેશીને કહેવા લાગ્યા - તમે બધા આ જગ્યા અત્યારે ને અત્યારે છોડી બોંબ-શેલ્ટરમાં જતા રહો. પછી તે ડાઈનિંગ રૂમમાં પાછા આવ્યા અને મહેમાનો સાથે ભોજન લેવામાં પરોવાઈ ગયા. બટલરને તે જ રૂમમાં રહેવાની સૂચના આપી અને કહ્યું - 'ભૂલથી પણ રસોડામાં ના જતો નહીંતર જીવતો નહીં રહે.' આ વાતને માત્ર ત્રણ જ મિનિટ વીતી હશે અને ચર્ચિલના તે મકાનના પાછળના ભાગમાં બોંબ પડયો અને આખું રસોડું નષ્ટ થઈ ગયું. તે સમયે જો કોઈ રસોડામાં હોત તો તેના ટુકડે ટુકડા થઈ ગયા હોત ! તેમને આ ઘટનાની ચાર-પાંચ મિનિટ પહેલા જ દિવાસ્વપ્નમાં દેખાયું હતું કે જર્મન હવાઈજહાજ બોંબમારો કરશે અને તેમના મકાનનો પાછળનો ભાગ જ્યાં રસોડું હતું તે ભાગીને ભુક્કો થઈ જશે.

બીજી એક ઘટના દરમિયાન પણ ચર્ચિલ પ્રિમોનિશનથી બચી ગયા હતા. ૧૯૪૧માં તે નાઈટ રેઈડસ દરમિયાન એન્ટિએરક્રાફ્ટ બેટરિજની મુલાકાતે ગયા હતા. તે વખતે ગન ક્રુની કામગીરી જોઈને પાછા જવા તેમની તરફ આવ્યા. તેમની સ્ટાફ કારનું નજીક તરફનું બારણું તેમના માટે ખુલ્લું કરાયું કારણ કે હંમેશા તે એ તરફ જ બેસતા. પણ તે પેલા ખુલ્લા બારણાવાળી બાજુએ બેઠા નહીં અને કારનું રાઉન્ડ મારીને સામેની તરફ જઈ તે બાજુંનું બારણું જાતે ખોલીને બેઠા. બધાને આ વિચિત્ર અને નવાઈભર્યું લાગ્યું. પછી તેમની  કાર લંડનની શેરીઓમાં થઈને સડસડાટ દોડવા લાગી. ત્યાં જ નજીકમાં એક બોંબ ફૂટયો. તેના ધડાકાની તાકાતથી ચર્ચિલની કાર બે પૈડા પર ઊભી થઈ ગઈ. તે ફરી ચાર પૈડા પર સ્થિર થઈ ત્યારે બેકાબૂ બનીને ગબડવા લાગી. સામાન્ય રીતે તે જે ડાબી તરફ બેસતા અને એ દિવસે ત્યાં નહોતા બેઠા એ ભાગનો ખૂરદો નીકળી ગયો. તે વખતે ચર્ચિલ બોલી ઊઠયા હતા - "IT must have been my beef on that side that pulled it down."દર વખતની જેમ ડાબી તરફ ખુલ્લા કરાયેલા બારણામાં પ્રવેશી જો તે તે બાજુએ બેઠા હોત તો તે માંસનો લોચો જ થઈ ગયા હોત. ચર્ચિલે તેમની પત્ની કિલમેન્ટાઈન હોઝિયરને પાછળથી કહ્યું હતું - 'દુર્ઘટનાની સ્પષ્ટ ઝાંખી થવાથી જ મેં મારો રોજનો બેસવાનો ક્રમ બદલ્યો હતો અને તેને લીધે હું બચી ગયો.'


Google NewsGoogle News